સમૂહલગ્નના કાર્યક્રમમાં દુલહનની કિટમાં કૉન્ડોમ, પ્રૅગનન્સી ટેસ્ટનો પણ આરોપ

ઇમેજ સ્રોત, ALOK DHANUA
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહની સમૂહલગ્ન યોજના ફરી એકવાર વિવાદોમાં છે.
હાલમાં જ આ યોજના હેઠળ રાજ્યના ઝાબુઆ જિલ્લામાં થયેલા સમૂહલગ્નમાં દુલહનોનાં મેકઅપ બૉક્સમાં ગર્ભનિરોધ ગોળીઓ અને કૉન્ડોમ મળ્યાના સમાચાર છે.
આ પહેલાં ચાલુ વર્ષે એપ્રિલમાં ડિંડોરી જિલ્લામાં આવા જ એક સમૂહલગ્ન કાર્યક્રમ પહેલાં લગ્ન કરવા જઈ રહેલી છોકરીઓના પ્રૅગનન્સી ટેસ્ટના સમાચાર સામે આવ્યા હતા.
બીબીસીએ એક આવી જ મહિલા સાથે વાત કરી જેણે દાવો કર્યો છે કે તેમને મેડિકલ ટેસ્ટના બહાને બોલાવવામાં આવ્યાં અને પછી તેમનો પ્રૅગનન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો.
બીબીસી સાથેની વાતચીતમાં રાજ્યના જિલ્લા અધિકારીઓએ આ વાતને નકારી કાઢી છે.
વાત એવી છે કે રાજ્યની મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાહ યોજના હેઠળ વંચિત, ગરીબ પરિવારમાંથી આવતી, વિધવા મહિલાઓ માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?
મધ્યપ્રદેશના ઝાબુઆ એક આદિવાસી બહુમતી વાળો જિલ્લો છે અને અહીં 29 મેના રોજ યોજાયેલા સમૂહલગ્ન કાર્યક્રમમાં 292 મહિલાઓનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં.
આમાંથી જ એક મહિલાએ બીબીસીને જણાવ્યું કે જ્યાં તેમનાં લગ્ન થયાં હતાં ત્યાં તેમને એક મેકઅપ બૉક્સ આપવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાના નામની ઓળખ છતી ન થાય એ શરતે મહિલાએ કહ્યું કે, “મને લાગ્યું કે આ બૉક્સમાં મેકઅપનો સામાન હશે પણ જ્યારે ખોલીને જોયું તો એમાં ચાંદલાનાં બે પૅકેટ, દાંતિયો, કેટલીક ગોળીઓ અને અન્ય સામાન રાખેલો હતો. મેં એ વસ્તુઓને બાળી નાખી”
આ મહિલાએ ફોન ઉપર ગર્ભનિરોધ ગોળીઓ અને કૉન્ડોમનું નામ પણ ન લીધું અને ‘એ સામાન’ કહી પોતાની વાત જણાવી.
એ ગર્ભનિરોધ ગોળીઓ અને કૉન્ડોમને સળગાવી કેમ દીધાં એ સવાલ ઉપર ગુસ્સામાં તેમણે જવાબ આપ્યો કે, “મને ખબર છે કે તેમણે આપ્યું હતું પણ અમે તેને રાખીને શું કરીએ?”
ઝાબુઆના કલેક્ટર તનવી હુડ્ડાએ બીબીસી સાથે વાતચીતમાં મેકઅપ બૉક્સમાં ગર્ભનિરોધ ગોળીઓ અથવા કૉન્ડોમ મળવાના મામલા સામે આવ્યો હોવાની વાતને નકારી દીધી છે.
પણ તેઓ એ જરૂર કહે છે કે, “નવું લગ્નજીવન શરૂ કરનારને પરિવાર નિયોજન વિશે જણાવવા માટે સામાન આપવામાં આવ્યો હતો અને તે સ્વાસ્થ્ય અધિકારીઓએ આપ્યો હતો. જેમાં સામાનની સાથે ચૅક પણ આપવામાં આવ્યો હતો.”

આની પહેલાં પણ વિવાદ થયો હતો

ઇમેજ સ્રોત, ALOK DHANUA
બીજી બાજુ આની પહેલાં ડિંડોરીમાં થયેલાં સમૂહલગ્ન પહેલાં છોકરીઓના પ્રૅગનન્સી ટેસ્ટના સમાચારે પણ વેગ પકડ્યો હતો.
ફોન ઉપર વાતચીતમાં એક યુવા મહિલાએ ઓળખ છતી ન થાય એ શરતે બીબીસીને જણાવ્યું કે, “મેં લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જે દિવસે લગ્ન થવાના હતાં એના એક દિવસ પહેલાં મેડિકલ ટેસ્ટ માટે કહેવામાં આવ્યું હતું.”
મહિલા ઘણાં ગુસ્સામાં આરોપ મૂકે છે કે, “ત્યાં અમારો યુરિન ટેસ્ટ કરવામાં આવ્યો. તો અમુક છોકરીઓને કહેવામાં આવ્યું કે તેઓ ગર્ભવતી છે અને તેમનાં લગ્ન નહીં થઈ શકે. પણ મને તો ગર્ભ નહોતો. મને કહો કે આવા કાર્યક્રમ પહેલાં આ ટેસ્ટ કરાવવાનો શું મતલબ છે? આ કયો નિયમ છે?”
પરંતુ ડિંડોરીના કલેક્ટર વિકાસ મિશ્રા કોઈ પણ છોકરીનો યુરિન ટેસ્ટ થયો હોય એ વાતને નકારી છે.

‘છોકરીઓની ફરિયાદ ઉપર થઈ તપાસ’

ઇમેજ સ્રોત, ALOK DHANUA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિકાસ મિશ્રાએ બીબીસીને જણાવ્યું કે ડિંડોરી મધ્યપ્રદેશના એ જિલ્લાઓમાંનો એક છે જે સિકલ સેલ એનિમિયાની બીમારીથી પ્રભાવિત છે. આ શરીરમાં લોહીની ઉણપના લીધે થતી એક બીમારી છે.
તેઓ જણાવે છે કે, “સ્વાસ્થ્ય અધિકારી આ બીમારી સાથે સંબંધિત તપાસ કરી રહ્યા છે. એ દરમિયાન પાંચ છોકરીઓએ એ ફરિયાદ કરી કે તેમને એક મહિનાથી પિરિયડ્સ નથી થયાં. આ વાતચીત મહિલા ડૉક્ટર અને એ મહિલાઓ વચ્ચેની હતી. તપાસ પછી ખબર પડી કે તેઓ ગર્ભવતી છે. દિશાનિર્દેશમાં એમ પણ જણાવાયું છે કે લગ્ન પહેલાં સિકલ સેલની બીમારીની તપાસ થવી જોઈએ.”
કલેક્ટર વિકાસ મિશ્રા કહે છે કે, “જ્યારે આ છોકરીઓને સમૂહલગ્ન અંતર્ગત લગ્ન કરવાની પરવાનગી ન આપવામાં આવી તે પછી આ મામલો સામે આવ્યો હતો”
તેઓ દાવો કરે છે કે કોઈપણ છોકરીનો પ્રૅગનન્સી ટેસ્ટ નથી કરવામાં આવ્યો.
પણ જો કોઈ છોકરી ગર્ભવતી છે તો એનો અર્થ એ થશે કે સમૂહલગ્નમાં લગ્ન કરવાની પરવાનગી જ નહીં મળે?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે,”આ મહિલાઓની તપાસ થશે અને જો તેઓ પરણેલાં નહીં હોય તો ફરીથી તેમનાં લગ્ન કરાવવામાં આવશે.”
ડિંડોરીના બછર ગામના સરપંચ મેદની મરાવી, કલેક્ટરની વાતને પાયાવિહોણી કહે છે અને જણાવે છે કે લગ્નના એક દિવસ પહેલાં છોકરીઓને યુરિન ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી અને બીજા દિવસે લગ્ન માટે બોલાવવામાં આવી હતી.
તેઓ જણાવે છે કે, “કોઈ લોહીની તપાસ નથી થઈ, ઊલટું પેશાબની તપાસ થઈ જે પ્રૅગનન્સી ટેસ્ટ જ હતો. જે પણ છોકરીઓના લગ્ન થયાં તેમનો આ જ ટેસ્ટ થયો હતો. મેં આ વિશે સત્તાધીશોને વાત કરી છે.”
મેદની મરાવી જણાવે છે કે, “જ્યારે અમે છોકરીઓને લઈને લગ્ન માટે ગયાં તો જણાવવામાં આવ્યું કે તેમના લગ્ન નહીં થઈ શકે, તેમણે કહ્યું કે તપાસ બાદ છોકરીઓનું નામ હઠાવી દેવામાં આવ્યું છે.”
જોકે વહીવટી અધિકારીઓ આવી કોઈ પણ તપાસની વાતને નકારે છે અને કહે છે કે આ મામલામાં તપાસનો અહેવાલ મહિલા અને વિકાસ મંત્રાલયને સોંપી દેવાયો છે.

વિપક્ષના આરોપ અને સત્તા પક્ષના જવાબ

ઇમેજ સ્રોત, NEHA BAGGA FB PAGE
બીબીસી સાથેની વાતચીતમાં રાજ્યના કૉંગ્રેસ પ્રવક્તા પીયુષ બાબેલ જણાવે છે કે, “અમે કુટુંબનિયોજન માટે ગર્ભનિરોધની વિરુદ્ધ નથી પણ આ દીકરીઓ ગરીબ અને આદિવાસી સમાજમાંથી આવે છે. એમને સાર્વજનિક રીતે આ ભેટ કેમ આપવામાં આવી રહી છે. અને કઈ રીતે કોઈ છોકરીનો પ્રૅગનન્સી ટેસ્ટ કરાવવામાં આવી શકે. આ અંગત અધિકારનું ઉલ્લંઘન છે.”
રાજ્યમાં ભાજપનાં પ્રવક્તા નેહા બગ્ગા આના જવાબમાં કહે છે કે ડિંડોરી મામલાની તપાસ ચાલી રહી છે.
તેઓ ઝાબુઆવાળા મામલામાં જણાવે છે કે, "સરકારનું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન ચાલી રહ્યું છે જેની હેઠળ પરિવારનિયોજન માટે જાગરૂકતા ફેલાવવામાં આવી રહી છે અને આ ‘પહલ કિટ’ આપવામાં આવી રહી છે.
તેમના જણાવ્યા પ્રમાણે, “શહેરમાં લોકો જાગરૂક છે એવામાં ગામ અથવા આદિવાસી આનાથી વિખૂટા કેમ પડે. તેમનું કાઉન્સેલિંગ કર્યા પછી તેમને આ કિટ આપવામાં આવ્યા તો એમાં ખોટું શું છે?”
નેહા બગ્ગા કૉંગ્રેસના પ્રવક્તા પીયુષ બાબેલને જવાબ આપતાં કહે છે કે, “બળજબરીથી નસબંધીનો કાર્યક્રમ ચલાવનારી પાર્ટી, ભાજપને પાઠ ન ભણાવે કે પરિવારનિયોજન માટે જાગરૂકતાનો માપદંડ શું હોઈ શકે.”

મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે યોજનાઓ
- મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાહ યોજના વર્ષ 2006
- આ ગરીબ, વિધવા અને પછાત મહિલાઓનાં સમૂહલગ્ન માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી.
- આના માટે છોકરીના પરિવારે ગ્રામ પ્રધાન અથવા જનપદ પંચાયતમાં અરજી કરવાની હોય છે.
- આ યોજનાની શરૂઆત મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી હતી.
- તેમાં 55 હજાર રૂપિયા આપવામાં આવે છે. એમાંથી છોકરીને 49 હજાર રૂપિયા અને 6000 રૂપિયા સામૂહિક વિવાહ કાર્યક્રમના આયોજનકર્તાને આપવામાં આવે છે.
- મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ ‘લાડલી બહેના’ યોજનાની શરૂઆત કરી છે.
- 23થી 60 વર્ષનાં મહિલાઓ જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે અને વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી છે, તેઓ આ યોજનાનો ભાગ બની શકે છે.
- રાજ્યમાં જે રીતે શિવરાજસિંહ ચૌહાણે છોકરીઓને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાની નીતિઓ લાગુ કરી છે, એના કારણે તેઓ ‘મામા’ તરીકે પણ ઓળખાય છે.

સવાલો ઊઠી રહ્યા છે

ઇમેજ સ્રોત, RAJ K RAJ/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
સાંધ્ય ટાઇમ્સના ઍડિટર સંજય પ્રકાશ કહે છે કે આવાં સમૂહલગ્નના મામલે અનેક કૌભાંડ પણ સામે આવ્યાં છે અને તેની તપાસ થઈ રહી છે.
તેઓ જણાવે છે કે, “પ્રૅગનન્સીવાળા મામલાએ એટલે વેગ પકડ્યો કારણ કે ઘણાં દંપતી પહેલાંથી જ પરણેલાં છે, રૂપિયા લેવાનાં ચક્કરોમાં બીજીવાર લગ્ન કરી લે છે. તો આવાં ખોટાં લગ્નોમાં અધિકારી પણ સામેલ હોય છે.”
“એવામાં અધિકારીઓને સામૂહિક લગ્ન પહેલાં પ્રૅગનન્સી ટેસ્ટની ભલામણ કરવામાં આવી હશે. પરિવારનિયોજન માટે તો કાગળીયા પણ વહેંચી શકાય તો પછી ગોળી કે કૉન્ડોમ આપવાનો શો અર્થ છે. અધિકારીઓએ પહેલાં તપાસ કરવી જોઈતી હતી કે કોણ પરણેલાં છે અને કોણ નથી?”
વરિષ્ઠ પત્રકાર અરૂણ દીક્ષિત એક અન્ય મુદ્દો ઉઠાવે છે અને કહે છે કે આવા પ્રયોગ આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં જ કેમ કરવામાં આવે છે?
તેમના પ્રમાણે, “જો કોઈ છોકરી પ્રૅગનન્ટ પણ છે તો તેમને લગ્ન કરવાની ના કઈ રીતે પાડી શકાય? આ મામલામાં કડક કાર્યવાહી કરવાની હતી, પરંતુ આ મામલો આવ્યો'ને ગયો થઈ ગયું અને કોઈ છોકરીના વૅનિટી બૉક્સમાં ગોળી અને કૉન્ડોમ રાખવું એ તેમનું અપમાન કરવા સમાન છે.”
જાણકારોનું કહેવું છે કે શિવરાજસિંહ ચૌહાણની આ યોજનાઓએ મતદારો અને ખાસ કરીને મહિલાઓને ન માત્ર ભાવનાત્મક રીતે સાંકળ્યા છે, પરંતુ ચૂંટણીમાં જીત હાંસલ કરવામાં પણ મદદ કરી છે.














