પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ કઈ રીતે કામ કરે છે?
- લેેખક, ઉમર ફારુક
- પદ, સુરક્ષા-વિશ્લેષક, બીબીસી ઉર્દૂ
એક માર્ચ 2003ના દિવસે પાકિસ્તાનની પહેલી ગુપ્તચર એજન્સી ઇન્ટરસર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના બે ડઝન સભ્યોએ ખાલિદ શેખ મોહમ્મદની છાવણીવાળા શહેર રાવલપિંડીમાંના એક ઘરમાંથી ધરપકડ કરી હતી.
ખાલિદ શેખ મોહમ્મદ પર 9/11 (11 સપ્ટેમ્બર 2001)એ અમેરિકાનાં શહેરોમાં થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ હોવાનો આરોપ હતો.
એ જ સાંજે આઈએસઆઈએ પાકિસ્તાની અને વિદેશી પત્રકારોના એક જૂથને ઇસ્લામાબાદમાં આઈએસઆઈની મુખ્ય કચેરીમાં બોલાવ્યું જેથી આ ઑપરેશનમાં કરાયેલી ધરપકડ વિશે તેમને માહિતી આપી શકે.

ઇમેજ સ્રોત, ISPR
એવું ભાગ્યે જ બન્યું છે કે આઈએસઆઈના અધિકારીઓએ પોતાના વિશેષ ઑપરેશન વિશે વિદેશી પત્રકારોને આ રીતે ટૂંકી માહિતી આપી હોય. પણ આ ઘટના પણ અસામાન્ય જ હતી, જેનાથી આઈએસઆઈ વિશે નવેસરથી ચર્ચા શરૂ થઈ.
બ્રીફિંગમાં ઉપસ્થિત રહેલા મોટા ભાગના પત્રકારોને ખાલિદ શેખ મોહમ્મદની ધરપકડ વિશે પહેલેથી જ જાણકારી હતી કે એમને રાવલપિંડીના એક ઘરમાંથી પકડી લવાયા છે.
એ ઘર જમાત-એ-ઇસ્લામી પાકિસ્તાન સાથે નજીકનો સંબંધ ધરાવતા એક મશહૂર ધાર્મિક પરિવારનું હતું. એમના યજમાન અહમદ અબ્દુલ કુદ્દૂસ હતા, જેમનાં માતા જમાત-એ-ઇસ્લામીનાં સક્રિય નેતા હતાં.
બ્રીફિંગ વખતે પત્રકારો આઈએસઆઈના ઉપમહાનિદેશકને જમાત-એ-ઇસ્લામી અને અલ-કાયદા કે અન્ય આતંકવાદી જૂથો સાથેના સંભિવત સંબંધો વિશે સવાલ પૂછવા લાગ્યા હતા.
આઈએસઆઈના ઉપમહાનિદેશકે (જેઓ નૌસેનાના અધિકારી હતા) એ દિવસે બ્રીફિંગરૂમમાં પત્રકારોને જણાવ્યું કે "એક પાર્ટીના રૂપે, જમાત-એ-ઇસ્લામીને અલ-કાયદા કે અન્ય કોઈ આતંકવાદી સંગઠન સાથે કશી લેવાદેવા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઑપરેશન પછી એક તરફ પાકિસ્તાનમાં અમેરિકન એજન્સીઓ સીઆૃઈએ અને એફબીઆઈની સાથે ઘણાં બધાં સંયુક્ત અભિયાન કરવામાં આવ્યાં, તો બીજી તરફ પાકિસ્તાનમાં ધાર્મિક લૉબી સાથેના સંબંધો ગાઢ કરવામાં આવ્યા.
ઘણા સૈન્ય વિશ્લેષકો એમ કહે છે કે 'આતંકવાદ-વિરોધી લડાઈ' (વૉર અગેઇન્સ્ટ ટેરર)ના દિવસોમાં આ એક સૈન્ય નહીં પણ ગુપ્ત માહિતીયુદ્ધ છેડાઈ ગયું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એનાથી ખબર પડે છે કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના ઇન્ટેલિજન્સ સહયોગે આતંકવાદ-વિરોધી અભિયાનોની સફળતામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે 9/11ના ચરમપંથી હુમલા પછી તરત જ 'ઇન્ટેલિજન્સ સહયોગ' સમજૂતી થઈ હતી અને ક્યારેય એની જાહેરાત કરવામાં ન આવી. આ સમજૂતી એવા સમયે અમલમાં આવી હતી જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સમાપ્ત થયા પછી અલ-કાયદા સાથે સંકળાયેલાં તત્ત્વો અફઘાનિસ્તાનમાંથી ભાગીને પડોશી દેશોમાં શરણ લેવાના પ્રયાસો કરતાં હતાં.
શરૂઆતનાં વરસોમાં, અલ-કાયદાના મોટા ભાગના નેતાઓને પાકિસ્તાનનાં મુખ્ય શહેરી કેન્દ્રોમાંથી પકડવામાં આવ્યા હતા. 9/11ના હુમલા સાથે સંકળાયેલા ખાલિદ શેખ મોહમ્મદની રાવલપિંડીથી, જ્યારે રમજી બિન-અલ-શીબાની કરાચીથી ધરપકડ કરાઈ હતી.
વિશેષજ્ઞો એમ કહે છે કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની ઇન્ટેલિજન્સ સહયોગ સમજૂતીનું સફળતા સાથે અમલીકરણ એ સમયે થયું જ્યારે બંને દેશ પાકિસ્તાનનાં શહેરી કેન્દ્રોમાં અલ-કાયદા સાથે જોડાયેલાં તત્ત્વોનો પીછો કરતા હતા.
પાકિસ્તાનમાંનાં મુખ્ય કેન્દ્રોમાંથી અલ-કાયદાના ખ્યાતનામોની ધરપકડથી એ નક્કી થાય છે કે ઇન્ટેલિજન્સ શેરિંગ સિસ્ટમ મુશ્કેલીઓ નથી વધારતી, કેમ કે કશી ખાસ અડચણો વગર જ અલ-કાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરાતી હતી.

પાકિસ્તાનના કથિત બેવડા માપદંડોની આલોચના

ઇમેજ સ્રોત, @PTIOFFICIAL
જોકે, જેવું ચરમપંથ-વિરોધી અભિયાન કબાયલી ક્ષેત્રોમાં કેન્દ્રિત થયું કે તરત બાદ, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે કરવામાં વ્યાવહારિક અને રાજકીય તકલીફો પડવા માંડી.
વ્યાવહારિક તકલીફોનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ પાકિસ્તાન સરકાર અને ચરમપંથીઓ વચ્ચે કબાયલી વિસ્તારોમાં થનારી શાંતિ સમજૂતી છે.
આ સમજૂતીથી આ ક્ષેત્રમાં છુપાયેલા અલ-કાયદાના ચરમપંથીઓ અને સ્થાનિક લોકોના બે ભાગ પડી ગયા હતા. વ્યાવહારિક સ્તરે, અમેરિકાની સેના પાકિસ્તાનના અધિકારીઓ સાથે સહમત નહોતી. આ વાત પાકિસ્તાનના કથિત 'બેવડા માપદંડ'ની નીતિ અંગે અમેરિકાએ કરેલી ટીકાથી જાહેર થઈ.
આઇએસઆઇની કથિત બેવડી નીતિ અને ક્ષેત્રમાં અમેરિકાની ઉપસ્થિતિનો વિરોધ કરનારી ધાર્મિક શક્તિઓ સાથેના એમના સંપર્કોથી વૉશિંગ્ટન નારાજ હતું. કથિતરૂપે આ સંપર્કો એ સમયે પણ ચાલુ જ હતા જ્યારે વૉશિંગ્ટને તાલિબાન સાથે વાતચીત શરૂ કરી હતી અને ત્યાંથી અમેરિકાનું સૈન્ય પાછું બોલાવી લેવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
દરમિયાનમાં, દેશમાં વિપક્ષે આઈએસઆઈ અને એના નેતૃત્વ પર રાજકીય સાંઠગાંઠનો આરોપ મૂક્યો અને પોતાનો કાર્યકાળ પૂરો કરનારા ડીજી આઈએસઆઈ પર 2018ની સંસદીય ચૂંટણીમાં ઇમરાનખાનની જીત પાછળના મુખ્ય આયોજક હોવાનો આરોપ મૂક્યો હતો.
આ એજન્સી વિશે એવું શું છે કે એને પાકિસ્તાનમાં તેમ જ પાકિસ્તાન બહાર પણ ટીકાનો સામનો કરવો પડે છે? વળી, એવી શી બાબત છે કે રાજકીય સંદર્ભમાં કોઈ પણ અપહરણ, હત્યા કે ધમકી માટે આઈએસઆઈને જ જવાબદાર ઠરાવાય છે?
આ પ્રશ્નોના જવાબ આપવા આસાન નથી, પણ, આઈએસઆઈના એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે જણાવ્યું કે આઈએસઆઈ પાકિસ્તાનની 'પ્રમુખ' જાસૂસી સંસ્થા છે, જેની પાસે ક્ષેત્રમાં (દેશમાં) થઈ રહેલી દરેક ગતિવિધિની માહિતી હોય છે.
એમણે જણાવ્યું કે, "અફઘાનિસ્તાનમાં શાંતિ માટેની વાટાઘાટ થાય છે તો એમાં પાકિસ્તાનની હાજરી હોય છે. જો તાલિબાન કાબુલમાં સરકાર બનાવે છે તો પણ, દુનિયા અમારી તરફ જ જુએ છે. પશ્ચિમના રાજદૂતોને અફઘાનિસ્તાનમાંથી બહાર લાવવાનો મામલો હોય તો અમારી મદદની જરૂર હોય છે. તમે કોઈ પણ મામલાને જુઓ, એમાં અમારું મહત્ત્વ દેખાશે."
અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કર્યો એ પછી અત્યાર સુધીમાં પૂર્વ ડીજી આઈએસઆઈ બે વાર કાબુલ ગયા છે અને ત્યાં એમણે તાલિબાનના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે. એ સમયે અફઘાનિસ્તાનની આંતરિક સ્થિત પર ધ્યાન કેન્દ્રિત કરીને પાકિસ્તાન અમેરિકા સાથે વૉશિંગ્ટનમાં વાટાઘાટ કરી રહ્યું હતું.
1979થી 2021 સુધી, આઈએસઆઈ અફઘાનિસ્તાનની સ્થિતિ અને પાકિસ્તાન પર પડનારી એની અસરોથી બચવાના ઉપાયોમાં વ્યસ્ત હતી.
આઈએસઆઈના એક પૂર્વ ઉપમહાનિદેશકે નામ નહીં છાપવાની શરતે બીબીસીને જણાવ્યું કે, "બેશક, આ આઈએસઆઈની એક મોટી સફળતા છે કે અમે પાકિસ્તાનને મોટા નુકસાન કે અફઘાનિસ્તાનની સ્થિતિના કારણે પડનારી નકારાત્મક અસરોથી બચાવ્યું અને છેલ્લાં 40 વર્ષોમાં ક્ષેત્રમાં અમારી સુરક્ષાને લગતાં લક્ષ્યો પૂરાં કર્યાં છે."

આઈએસઆઈની સંગઠનાત્મક સંરચના

ઇમેજ સ્રોત, Government of Pakistan
દેશનાં સશસ્ત્ર દળોને વ્યાવહારિક અને વૈચારિક સુરક્ષા આપવી એ આઈએસઆઈની પ્રાથમિક જવાબદારી છે, જે એના નામ ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સથી સમજાય છે. આઈએસઆઈનાં ઉચ્ચ પદો પર સિવિલિયન્સ પણ છે, પણ એજન્સીના સંગઠનાત્મક માળખામાં એમની પાસે વધારે સત્તા નથી હોતી.
ડૉક્ટર હેન એચ. કેસલિંગ નામના લેખકે એમના પુસ્તક 'આઈએસઆઈ ઑફ પાકિસ્તાન'માં આ એજન્સીનો 'ઑર્ગેનાઇઝેશનલ ચાર્ટ' મૂક્યો છે.
જર્મન રાજકીય બાબતોના વિશેષજ્ઞ ડૉક્ટર કેસલિંગના પુસ્તક અનુસાર, તેઓ 1989થી 2002 સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા.
તેઓ પોતાના પુસ્તકમાં જણાવે છે કે એ એક આધુનિક સંગઠન છે, જેનું સમગ્ર ધ્યાન ગુપ્ત માહિતીઓ એકત્ર કરવા પર છે. એમના જણાવ્યા અનુસાર, કોઈ પણ આધુનિક જાસૂસી સંસ્થાની જેમ જ આઈએસઆઈમાં પણ સાત નિર્દેશાલયો અને વિભાગોના અનેક સ્તરો ઉપરાંત 'વિંગ' (સંબદ્ધ વિભાગ) છે.
આઈએસઆઈના સંગઠનાત્મક માળખા પર લશ્કરનું વર્ચસ્વ વધારે છે, જોકે નૌસેના અને વાયુસેનાના અધિકારીઓ પણ સંગઠનનો ભાગ છે.
ડીજી આઈએસઆઈ વિદેશી ગુપ્તચર સંસ્થાઓ અને ઇસ્લામાબાદમાં સ્થિત વિદેશી એલચી કચેરીમાં બંદોબસ્તમાંના સૈન્ય મદદનીશો માટે એક સંપર્ક-કેન્દ્ર તરીકે કામ કરે છે. આ રીતે, પડદા પાછળ તેઓ ગુપ્ત બાબતોમાં વડા પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરે છે.
સૈન્યના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે સશસ્ત્ર સૈન્યદળો, આર્મી, એરફૉર્સ અને નેવીમાં એક અલગ ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે. જેમાં મિલિટરી ઇન્ટેલિજન્સ, એર ઇન્ટેલિજન્સ અને નેવલ ઇન્ટેલિજન્સ સામેલ છે, જે પોતપોતાની સેના માટે આવશ્ક માહિતી એકત્ર કરે છે અને કર્તવ્યનું પાલન કરે છે.
ક્યારેક ક્યારેક આઈએસઆઈ અને સેનાઓની ગુપ્તચર એજન્સીઓ દ્વારા એક જ પ્રકારની માહિતી પણ એકઠી કરવામાં આવે છે, કેમ કે એ બધા સૈન્યની ગતિવિધિઓ પર નજર રાખે છે અને દુશ્મનોની ચાલો પર દેખરેખ રાખે છે. પરંતુ બીજી જાસૂસી એજન્સીઓની તુલનામાં આઈએસઆઈને સૈન્યના માળખામાં સૌથી મોટી, સૌથી વધારે પ્રભાવી અને શક્તિશાળી ગુપ્તચર સંસ્થા માનવામાં આવે છે.
આઇએસઆઇને પાકિસ્તાનની સૌથી મોટી અને ઘણી વ્યાપક ગુપ્તચર એજન્સી માનવામાં આવે છે, પણ સ્થાનિક મીડિયા કે બિન-સરકારી ક્ષેત્રમાં એની ક્ષમતા વિશે કશી ખબર નથી.
આઈએસઆઈના બજેટને ક્યારેય સાર્વજનિક નથી કરાયું, પણ વૉશિંગ્ટનસ્થિત ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ દ્વારા ઘણાં વરસો પહેલાં કરાયેલા એક અધ્યયન અનુસાર, 10 હજાર અધિકારી અને અન્ય સ્ટાફ આઈએસઆઈના સદસ્ય છે, જેમાં ખબરી અને માહિતી આપનારા લોકોનો સમાવેશ નથી કરાયો. પ્રાપ્ત માહિતી અનુસાર એ છથી આઠ વિભાગમાં વહેંચાયેલું છે.

'કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑપરેશન'

ઇમેજ સ્રોત, PRIME MINISTER'S OFFICE, PAKISTAN
સૈન્ય વિશેષજ્ઞો એમ કહે છે કે આઈએસઆઈનું 'ઑર્ગેનાઇઝેશનલ ડિવિઝન' મુખ્યરૂપે આને 'કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઑપરેશન' પર કેન્દ્રિત ગુપ્તચર એજન્સી બનાવે છે. પણ એનું કારણ શું?
સેવાનિવૃત્ત બ્રિગેડિયર ફિરોજ એચ. ખાને પોતાના પુસ્તકમાં લખ્યું છે, "પાકિસ્તાનના ત્રીજા સૈન્યશાસક જનરલ ઝિયા-ઉલ-હક્ક અફઘાનિસ્તાનમાં સોવિયેત હસ્તક્ષેપના લીધે પરેશાન હતા. એમાં કોઈ શંકા નથી કે આ પરેશાનીનું મુખ્ય કારણ એ સચ્ચાઈ હતી કે સત્તાના નશામાં ચૂર વૈશ્વિક શક્તિ અમારા દેશના દરવાજે ઊભી હતી. એવી સ્થિતિમાં કાર્ટર પ્રશાસન તરફથી અપાનારી લશ્કરી અને નાણાસહાય એક આશ્વાસન હતું, પણ લશ્કરી સરમુખત્યારને મળેલો અમેરિકન પ્રસ્તાવ ચિંતાનું એક બીજું કારણ હતું."
"અમેરિકન સહાયતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને લશ્કરી તાકાત વધારશે, પણ બીજી તરફ અમેરિકા સાથે ઇન્ટેલિજન્સ સહયોગ માટે વધારે માહિતી અને પાકિસ્તાનમાંની જાસૂસી ગતિવિધિઓની જરૂર પડશે, જેનાથી પાકિસ્તાનનાં રાષ્ટ્રીય રહસ્યોને સુરક્ષિત રાખવાં મુશ્કેલ બની શકે એમ હતું."
સેવાનિવૃત્ત બ્રિગેડિયર ફિરોજે લખ્યું છે કે, જનરલ ઝિયાએ પાકિસ્તાનમાં અમેરિકાની ગુપ્ત માહિતી એકઠી કરવાના અભિયાનને 'ન્યૂટ્રલાઇઝ' (બેઅસર) કરવા અને કાઉન્ટર ઇન્ટેલિજન્સના ક્ષેત્રે પાકિસ્તાનની ગુપ્ત સેવાઓની ક્ષમતાઓને વધારવા તથા એને વિકસાવવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે લખ્યું છે કે, "એનો મતલબ એ કે ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ માટે મોટું બજેટ ફાળવવામાં આવે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
એ દિવસોમાં, મોટા ભાગે પાકિસ્તાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમોની માહિતી મેળવવી એ અમેરિકાનું જાસૂસી અભિયાન હતું.
બીજી તરફ, અફઘાનયુદ્ધના કારણે પશ્ચિમી ઇન્ટેલિજન્સના બહુ જ બધા કર્મચારીઓ ઇસ્લામાબાદમાં કાયમી નિવાસ કરવા લાગ્યા હતા. તત્કાલીન લશ્કરી સરકારે પરિસ્થિતિઓ અનુસાર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ સર્વિસનું ગઠન એવી રીતે કર્યું કે એનું ધ્યાન 'કાઉન્ટર ઇન્ટેલિજન્સ' ઑપરેશન પર કેન્દ્રિત હતું.
લશ્કરી શબ્દકોશમાં 'કાઉન્ટર ઇન્ટેલિજન્સ' શબ્દને કંઈક આ રીતે પરિભાષિત કરાયો છેઃ કાઉન્ટર ઇન્ટેલિજન્સ માહિતી મેળવવા અને વિદેશી સરકારો, વિદેશી સંગઠનો, વિદેશી વ્યક્તિઓ કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો કે એમના એજન્ટો તરફથી કરાતી જાસૂસી, બીજી ગુપ્તચર એજન્સીઓની ગતિવિધિઓ, તોડફોડ કે હત્યા કરવાનાં કૃત્યોથી બચવા માટે કરાનારી ગતિવિધિઓ.
ફિરોજ એચ. ખાનના લખ્યા અનુસાર, પાકિસ્તાનની જાસૂસી સેવા આઈએસઆઈના નિર્માતા જનરલ ઝિયા-ઉલ-હક્ક હતા. તેઓ કાઉન્ટર ઇન્ટેલિજન્સને એ રીતે ચલાવવા માગતા હતા કે જે બીજી જાસૂસી એજન્સીઓ કરતાં આગળ પડતી હોય અથવા એ બીજા કરતાં ઉચ્ચ સ્તરની હોય. એ માટે, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સર્વિસિસની સંરચના ડિઝાઇન કરવામાં આવી, જેથી એ પારદર્શી રીતે વિકસિત થઈને આગળ વધી શકે અને એનું વધારાનું ધ્યાન દેશની અંદર અને બહાર કાઉન્ટર ઇન્ટેલિજન્સ પર કેન્દ્રિત રહે.
સેવાનિવૃત્ત બ્રિગેડિયર ખાને લખ્યું છે કે, "ઝિયા-ઉલ-હક્ક પાસે આગળ વધવાના માર્ગો ઘણા ઓછા હતા, પણ તેમણે જોખમ ખેડવું હતું. પરમાણુ મુદ્દાને કૂટનીતિથી હળવો કરી શકાય એમ હતો અને અમેરિકન ઇન્ટિલિજન્સ દ્વારા માહિતી મેળવવામાં જોખમ હતું. આ મુદ્દાને કાઉન્ટર ઇન્ટેલિજન્સ દ્વારા સારી રીતે હલ કરી શકાય એમ હતો."

'જૉઇન્ટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો'

ઇમેજ સ્રોત, Getty Images
આઈએસઆઈમાં અત્યાર સુધી ડાયરેક્ટરેટ્સ કાઉન્ટર ઇન્ટેલિજન્સ છે, જેને 'જૉઇન્ટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો' (સંયુક્ત જવાબી જાસૂસી કાર્યવાહીઓનું બ્યૂરો) એવું નામ અપાયું છે, જે સૌથી મોટું ડાયરેક્ટરેટ છે.
જર્મન રાજનીતિક વિશ્લેષક ડૉક્ટર હેન જી. કેસલિંગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ઉપમહાનિદેશક 'એક્સટર્નલ' જેસીઆઈબીને નિયંત્રણમાં રાખે છે. એમણે લખ્યું છે કે, "વિદેશોમાં કામ પર ગોઠવાયેલા પાકિસ્તાની રાજદૂતોની જાસૂસી કરવી, એની સાથોસાથ મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા, ચીન, અફઘાનિસ્તાન, પૂર્વ સોવિયેત સંઘ અને મધ્ય એશિયાનાં નવ સ્વતંત્ર રાજ્યોમાં ગુપ્ત અભિયાન ચલાવવાની જવાબદારી એની છે."
જૉઇન્ટ કાઉન્ટર ઇન્ટેલિજન્સ બ્યૂરો (જેસીઆઈબી)માં ચાર ડાયરેક્ટરેટ છે, જેમાંના પ્રત્યેકની અલગ જવાબદારી છેઃ
- એક ડાયરેક્ટર વિદેશી રાજદૂતો અને વિદેશીઓની ફીલ્ડ પરની જાસૂસી સંભાળે છે.
- બીજા ડાયરેક્ટર વિદેશમાં ગુપ્ત રાજકીય માહિતી એકત્ર કરવા માટે જવાબદાર છે.
- ત્રીજા ડાયરેક્ટરની જવાબદારી એશિયાઈ યુરોપ અને મધ્યપૂર્વમાંથી ગુપ્ત માહિતી મેળવવાની છે.
- ચોથા ડાયરેક્ટર ઇન્ટેલિજન્સની બાબતોમાં વડા પ્રધાનના સહાયક તરીકે કામ કરે છે. આ આઇએસઆઇના સૌથી મોટા ડાયરેક્ટર ગણાય છે. એમની જવાબદારીઓમાં આઇએસઆઇના કર્મચારીઓની સ્વયં દેખરેખ રાખવી અને રાજકીય ગતિવિધિઓનાં લેખાંજોખાં રાખવાં સામેલ છે. આ પાકિસ્તાનનાં બધાં મુખ્ય શહેરો અને ક્ષેત્રોમાં ઉપસ્થિત છે.

આઈએસઆઈમાં અન્ય ડાયરેક્ટરેટ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર હેન કેસલિંગના પુસ્તક અનુસાર, "આઈએસઆઈનું બીજું ડાયરેક્ટરેટ નિઃસંદેહ જૉઇન્ટ ઇન્ટેલિજન્સ બ્યૂરો (જેઆઈબી) છે, જે સંવેદનશીલ રાજકીય વિષયો સાથે સંબંધ ધરાવે છે, જેમાં રાજકીય દળ, ટ્રેડ યુનિયન, અફઘાનિસ્તાન, આતંકવાદ-વિરોધી અભિયાન અને વીઆઇપીની સુરક્ષાનો સમાવેશ થાય છે."
જેઆઈબી વિદેશોમાં પાકિસ્તાની સૈન્ય મદદનીશ અને સલાહકારો સાથે જોડાયેલા મામલા અને પદોને પણ નિયંત્રણમાં રાખે છે.
ડૉક્ટર કેસલિંગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીર માટે જૉઇન્ટ ઇન્ટેલિજન્સ નૉર્થ જવાબદાર છે. ગુપ્ત માહિતી મેળવવી એ એની પ્રાથમિક જવાબદારી છે.
પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, "એમને જમ્મુ-કાશ્મીરમાં ગુપ્ત માહિતી મેળવવાનું કામ પણ સોંપાયું હતું. એ કાશ્મીરી ચરમપંથીઓને તોડફોડ અને વિધ્વંસક ગતિવિધિઓ માટે પ્રશિક્ષણ, હથિયાર, દારૂગોળો અને ફંડ પૂરું પાડે છે."
નોંધવું જોઈએ કે, પાકિસ્તાન પર કાશ્મીરી ચરમપંથીઓને સહાય કરવાનો આરોપ મુકાતો રહ્યો છે, પણ પાકિસ્તાને હંમેશાં એનો ઇનકાર કર્યો છે.
ડૉક્ટર કેસલિંગે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, 'જૉઇન્ટ ઇન્ટેલિજન્સ મિસેલિનિયસ' (વિવિધ)ની જવાબદારી યુરોપ, અમેરિકા, એશિયાઈ અને મધ્યપૂર્વમાં જાસૂસી કરવાની છે અને તે એજન્ટ્સ દ્વારા સીધી રીતે, આઈએસઆઈ મુખ્યાલય કે પછી વિદેશમાં સેવારત પોતાના અધિકારીઓની મદદથી પરોક્ષ રૂપે ખાનગી તરીકાઓથી ગુપ્ત માહિતી એકઠી કરે છે. એ ભારત અને અફઘાનિસ્તાનમાં પોતાનાં આક્રમક અભિયાનોને પાર પાડવા માટે પ્રશિક્ષિત જાસૂસોનો ઉપયોગ કરે છે.

'તિરાડો'

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM
એક સેવાનિવૃત્ત વરિષ્ઠ લશ્કરી અધિકારીના જણાવ્યા અનુસાર, આઈએસઆઈ પાકિસ્તાનની સેના અંતર્ગત કામ કરે છે, જે ઘણી બધી લશ્કરી શક્તિ પૂરી પાડે છે.
જોકે, એમના જણાવ્યા અનુસાર ક્યારેક ક્યારેક એમના સંબંધોમાં 'તિરાડ' પણ જોવા મળી છે, જે ભૂતકાળમાં ઘણી વાર ખૂલીને સામે આવી છે.
એ જ સેવાનિવૃત્ત વરિષ્ઠ લશ્કરી અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે સૈન્ય વિશેષજ્ઞ ઉદાહરણ આપતાં કહે છે કે 12 ઑક્ટોબર 1999નો બળવો નવાજ શરીફ વિરુદ્ધ તો હતો જ, સાથોસાથ એ આઈએસઆઈની ઑર્ગેનાઇઝેશનની વિરુદ્ધ પણ હતો. તેઓ દેખીતી રીતે પોતાના ડીજી [લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ઝિયાઉદ્દીન બટ]ની સાથે હતા, જેમને તત્કાલીન વડા પ્રધાને ચીફ ઑફ આર્મી સ્ટાફ નિયુક્ત કર્યા હતા.
સેવાનિવૃત્ત વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યા અનુસાર, બીજી વાર આ 'તિરાડ' એ સમયે દેખાઈ જ્યારે મુશર્રફના કાર્યકાળમાં આઇએસઆઇએ પોતાની મીડિયા વિંગ શરૂ કરી હતી, જેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાની સાથે સંબંધો સ્થાપિત કર્યા.
એક અગ્રણી પત્રકારે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, "આઈએસઆઈની મીડિયા વિંગ ક્યારેક ક્યારેક સ્વતંત્ર રીતે કામ કરે છે અને આઈએસપીઆર જે કરે છે એનાથી બિલકુલ ઊલટું કામ કરે છે. આ વિંગના દબાણનો આઈએસપીઆરના દબાણની સાથે મીડિયા પર સમાંતર પ્રભાવ પડે છે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













