દેશના વિભાજન માટે મુસલમાનો દોષી ન હોય તો બીજું કોણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મો. સજ્જાદ
- પદ, એએમયુમાં ઇતિહાસના પ્રોફેસર, બીબીસી ગુજરાતી માટે
ભારતના ભાગલા એક જટિલ બાબત છે અને એ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર ઠરાવવી એ અણસમજ છે. તેમાં મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, કોંગ્રેસ અને બ્રિટિશ શાસન એમ તમામે ભૂમિકા ભજવી હતી. કોણે ઓછી અને કોણે વધુ ભૂમિકા ભજવી હતી એ બાબતે જરૂર ચર્ચા થઈ શકે છે.
મુસ્લિમ લીગે અલગ દેશની માગણી કરી હતી એ સાચી વાત છે અને તેમની એ માગ સંતોષાઈ હતી.
આ કારણસર જ ભાગલા માટે માત્ર મુસલમાનોને દોષી ગણાવવામાં આવે છે. બધા મુસલમાનો વિભાજન ઇચ્છતા હતા કે માત્ર મુસલમાનો જ એ માટે જવાબદાર છે એવું નથી.
મૌલાના આઝાદ અને ખાન અબ્દુલ ગફાર ખાન વિભાજનના સૌથી મોટા વિરોધી હતા. તેમણે ભાગલાનો જોરદાર વિરોધ કર્યો હતો.
તેમના ઉપરાંત ઇમારત-એ-શરિયાના મૌલાના સજ્જાદ, મૌલાના હાફિઝ-ઉર-રહેમાન અને તુફૈલ અહમદ મંગલોરી જેવા અનેક લોકો હતા, જેમણે મુસ્લિમ લીગના વિભાજનકારી રાજકારણનો બહુ સક્રીયતા સાથે વિરોધ કર્યો હતો.

મોતીલાલ નહેરુ સમિતિની ભલામણો

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર ઉમા કૌરાએ લખ્યું છે કે મોતીલાલ નહેરુ સમિતિની ભલામણોને સ્વીકારવાનો હિંદુ મહાસભાએ 1929માં ઇનકાર કર્યો ત્યારે ભાગલાની રેખા ઊંડી થઈ ગઈ હતી.
અન્ય બાબતો ઉપરાંત મોતીલાલ નહેરુ સમિતિએ એવી ભલામણ પણ કરી હતી કે સેન્ટ્રલ એસેમ્બ્લીમાં મુસલમાનો માટે 33 ટકા બેઠકો અનામત રાખવામાં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયશા જલાલે લખ્યું છે કે 1938નું વર્ષ આવતા સુધીમાં તો મહમ્મદ અલી ઝીણા મુસલમાનોના 'એકમાત્ર પ્રવક્તા' બની ગયા હતા, કારણ કે ઝીણા મુસલમાનોની માગને ઉગ્રતાપૂર્વક રજૂ કરતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
બીજી તરફ ઇતિહાસકાર ચારુ ગુપ્તાએ લખ્યું છે કે "કોંગ્રેસમાં હિંદુવાદી તથા હિંદુ મહાસભાના નેતાઓ 'ભારત માતા, માતૃભાષા અને ગૌમાતા'ના નારા લગાવતા હતા. તેને લીધે લઘુમતીવિરોધી માહોલ બની રહ્યો હતો."
એ માહોલમાં મુસલમાનો ખુદને અસલામત સમજે તે સ્વાભાવિક હતું.
એ પણ નોંધવું જોઈએ કે 1932માં ગાંધી-આંબેડકરના પૂણે કરાર પછી હરિજનો માટે અનામત બેઠકોની જોગવાઈ થઈ ત્યારથી સવર્ણો અને મુસલમાનો બંનેમાં એ વાતે અકળામણ વધી હતી કે તેમનો દબદબો ઘટી જશે.

બંગાળના વિભાજને નાખ્યો પાયો

ઇમેજ સ્રોત, Getty Images
ઇતિહાસકાર જોયા ચેટર્જીના જણાવ્યા મુજબ, 1932 પછી બંગાળમાં હિંદુ-મુસલમાનો વચ્ચે ટકરાવ વધતો ગયો હતો અને તેને કારણે વિભાજનની ભૂમિકા તૈયાર થઈ હતી.
વાસ્તવમાં 1905માં ધર્મના આધારે બંગાળનું વિભાજન કરીને અંગ્રેજોએ ભાગલાનો પાયો નાખી દીધો હતો.
જોયા ચેટર્જીએ લખ્યું છે, "પૂર્વ બંગાળમાં ફઝલ-ઉલ-હક્કની કૃષિ પ્રજા પાર્ટીની વગ વધી હતી અને પૂણે કરાર બાદ હરિજનો માટે અનામત બેઠકોની જોગવાઈના કારણે સવર્ણ હિંદુઓનું વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. તેની કલ્પના પણ તેમણે કરી ન હતી.
તેનું પરિણામ એ આવ્યું કે બંગાળના ભદ્રજનો બ્રિટિશરોના વિરોધને બદલે મુસલમાનવિરોધી વલણ અપનાવવા લાગ્યા હતા."
વિલિયમ ગોલ્ડે લખ્યું છે કે ઉત્તર પ્રદેશમાં પુરુષોત્તમદાસ ટંડન, સંપૂર્ણાનંદ અને ગોવિંદ વલ્લભ પંત જેવા કોંગ્રેસના મોટા નેતાઓનો ઝુકાવ હિંદુવાદ તરફી હતો. એ કારણે મુસલમાનો અલગ પડી ગયાની લાગણી અનુભવતા હતા.
બીજી બાજુ હકીકત એ પણ છે કે વિભાજનમાં ઉત્તર પ્રદેશના મુસલમાનો સાંપ્રદાયિક ભૂમિકા પણ ઓછી ન હતી.
ફ્રાંસિસ રોબિનસન અને વેંકટ ધુલિપાલાએ લખ્યું છે, "ઉત્તર પ્રદેશના શ્રીમંતો અને જમીનદારો સમાજમાં પોતાનો દબદબો હંમેશ માટે જાળવી રાખવા ઇચ્છતા હતા."
તેઓ માનતા હતા કે હિંદુ ભારતમાં તેમનો જૂનો દબદબો યથાવત નહીં રહે.
મુશીરુલ હસન, પાપિયા ઘોષ અને વનિતા દામોદરન જેવા અનેક ઇતિહાસકારોએ લખ્યું છે કે 1937માં કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બની ત્યારે હિંદુ-મુસલમાન બન્ને વર્ગના સાંપ્રદાયિક તત્ત્વોમાં સત્તામાં મોટો હિસ્સો મેળવવાની હરિફાઈ શરૂ થઈ ગઈ હતી.
એ હરિફાઈ 1940 પછી વધુને વધુ કડવાશભરી બનતી ગઈ હતી.

મુસ્લિમ લીગે લીધો લાભ

ઇમેજ સ્રોત, TOPICAL PRESS AGENCY/GETTY IMAGES
કોંગ્રેસ સાથે જોડાયેલા મુસલમાનો પોતે એકલા પડી ગયા હોવાનું અનુભવવા લાગ્યા ત્યારે ઝીણાની મુસ્લિમ લીગે પોતાના રાજકારણને આગળ વધારવા તેનો પૂરો લાભ લીધો હતો.
નોંધપાત્ર વાત એ છે કે અંગ્રેજોએ મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા બન્નેને પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે તેઓ અંગ્રેજો સામે લડતા ન હતા.
1942માં ભારત છોડો આંદોલન દરમિયાન કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓને જેલમાં ગોંધવામાં આવ્યા ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા સાથે થઈ ગયાં હતાં.
મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા વચ્ચે કોઈ ઝઘડો હતો એવું તમે માનતા હો તો તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કોંગ્રેસના નેતાઓ જેલમાં હતા તેઓ બંગાળ, સૂબા સરહદ તથા સિંધમાં સાથે મળીને સરકાર ચલાવતા હતા.
એ કારણે એમનું સાંપ્રદાયિક રાજકારણ મજબૂત થયું અને તેની સાથે મહાત્મા ગાંધી તથા જવાહરલાલ નહેરુએ હિંદુ-મુસ્લિમ એકતાનો જે પાયો નાખ્યો હતો એ નબળો પડી ગયો હતો.
સમાજવાદી નેતા રામમનોહર લોહિયાએ તેમના પુસ્તક 'ગિલ્ટી મેન ઑફ પાર્ટિશન'માં લખ્યું છે કે નહેરુ સહિતના કોંગ્રેસના અનેક મોટા નેતાઓ સત્તાભૂખ્યા હતા અને એ કારણે દેશનું વિભાજન થયું હતું.
વિખ્યાત ઇતિહાસકાર બિપન ચંદ્રા એ વિભાજન માટે મુસલમાનોની સાંપ્રદાયિકતાને જવાબદાર ઠરાવે છે, જ્યારે કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે 1937 પછી કોંગ્રેસ મુસલમાનોને સાથે લઈને ચાલવામાં નિષ્ફળ રહ્યો એટલે દેશનું વિભાજન થયું હતું.

કોમી હિંસા અને અંગ્રેજોની ભૂમિકા
ઘણા ઇતિહાસકારો માને છે કે 1946 પછી સાંપ્રદાયિક હિંસાએ માઝા મૂકી ત્યારે દેશના ભાગલા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.
અંગ્રેજ શાસકોએ પરિસ્થિતિને બદમાંથી બદતર બનાવી હતી તેનો ઇનકાર પણ થઈ શકે નહીં.
માઉન્ટબેટન અને રેડક્લિફે ભાગલાની બાબતમાં બહુ ઉતાવળ કરી હતી.
પહેલાં ભારતને 1948ના જૂનમાં આઝાદી આપવાનું નક્કી થયું હતું, પણ માઉન્ટબેટન એ માટે 1947ના ઓગસ્ટનો સમય નક્કી કર્યો હતો.
તેને કારણે જોરદાર અંધાધૂંધી ફેલાઈ હતી અને અસંખ્ય લોકોના જીવ ગયા હતા.
દેશનું વિભાજન એક એવી ઘટના છે કે બધા એ માટે જવાબદાર કોણ હતું એ શોધવાનો પ્રયાસ કરે છે, પણ એ સમજવું જોઈએ કે આટલી મોટી ઘટનામાં એક વ્યક્તિ નહીં, અનેક તત્ત્વો કામ કરતાં હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















