Gandhi@150: કાશ્મીર, ગૌરક્ષા અને મૉબ લિંચિંગ અંગે ગાંધીજીના વિચારો શું હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અવ્યક્ત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહાત્મા ગાંધીએ એક આઝાદ અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન જોયું હતું. આ સપનું કોઈ સૈદ્ધાંતિક અથવા દાર્શનિક પાયા પર નહોતું ઘડાયું.
તેમનું સપનું વ્યવહારુ યોજના જેવું હતું. ભારતનો અર્થ થાય છે ભારતના લોકો.
બધા જ ધર્મ અને પ્રદેશના, બધી ભાષા અને જ્ઞાતિના લોકો. સમાનતા, બંધુત્વ અને માનવીય ગરિમાની ભાવનાથી ભરેલા બધા જ પુરુષ, સ્ત્રી, બાળકોએ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી કરવાની હતી.
તેમાંથી જ સેક્યુલર ભારત બનવાનું હતું. વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બનવાનું હતું.
આજે આ મામલે ભારત ક્યાં ઊભું છે? આજે ગાંધી ફરી પ્રગટ થાય અને ભારતની પરીક્ષા લે તો કેટલા ગુણ મળે?

ભારતે સ્વમૂલ્યાંકન કરીને પોતાને કેટલા માર્ક્સ આપ્યા હોત? આ પ્રશ્નો ઊભા જ છે.
સમગ્ર દુનિયા સામે સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે.
તેની સામે એક થઈને લડવાના બદલે ભારતીય સમાજના કેટલાંક તત્ત્વો આજે પોતે જ ભારત માટે સમસ્યાઓ ઊભી કરવા લાગ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપલક દૃષ્ટિએ આ સમસ્યાઓ રાજકીય, આર્થિક અને સામાજિક લાગશે, પણ હકીકતમાં તે વૈચારિક અને અસ્તિત્ત્વવાદી સમસ્યાનું સ્વરૂપ લઈ રહી છે.

કાશ્મીરનો ખરો માલિક કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરમાં બધું શાંત છે.
ભારતીય સમાજે બળજબરીથી લાગુ કરાવાયેલા મૌનને શાંતિ સમજવાનું શરૂ કરી દીધું છે.
અહીંના પત્રકારો માટે અત્યાર સુધી એક તકિયા કલામ હતો, "સ્થિતિ તણાવગ્રસ્ત, પણ કાબૂમાં છે."
શાસકોને લાગ્યું કે સ્થિતિને તણાવગ્રસ્ત કહેવાથી બ્રાન્ડિંગ બરાબર નથી થતું.
તેથી કહ્યું કે એ તકિયાકલામ હટાવો અને સીધું એટલું જ કહો કે સ્થિતિ સંપૂર્ણ 'નિયંત્રણ'માં છે. કાશ્મીરના લોકો બળપ્રયોગથી નિયંત્રણમાં જ છે અને બાકીના ભારતની જનતાને પ્રચાર માધ્યમોથી નિયંત્રણમાં રાખવામાં આવી છે.
આવા સંજોગોમાં ગાંધી હોત તો શું કરત ખબર નથી.

તેઓ તે વખતની નાજુક સ્થિતિમાં કાશ્મીરના લોકોને ગળે લગાવવા ગયા હતા.
પણ ત્યારે લોકો એવું માનતા હતા કે અંગ્રેજો સાથે અથવા કાશ્મીરના રાજા સાથે કાગળ પર એક કરાર કરી લેવાય એટલે રજવાડું આપણું થઈ જાય. શાસકોને આવી રીતે જ વિચારવાની આદત હોય છે.
લાંબા ગાળે તે ભૂલ સાબિત થઈ શકે, તે વાત ગાંધીજીને ત્યારે પણ સમજાઈ ગઈ હતી.
તેથી જ તેમણે કહ્યું હતું કે કાશ્મીરનો અર્થ એ નથી કે ત્યાંની માત્ર ભૂગોળ. કાશ્મીરનો અર્થ છે ત્યાંની જનતા.
દેશની પ્રજાને સાથે રાખીને જેમણે શક્તિશાળી અંગ્રેજ હકૂમતની જડ કાઢી નાખી તે ગાંધીજી માટે લોકોની ભાવના અને તેમનાં દિલ જીતવાની વાત જ સર્વોપરી રહી હતી.

અસલી રાજા તો પ્રજા છે

ઇમેજ સ્રોત, Gandhi Film Foundation
કાશ્મીરની પોતાની ઐતિહાસિક યાત્રાના બે દિવસ પહેલાં 29 જુલાઈ, 1947ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું, "કાશ્મીરમાં રાજા પણ છે અને રૈયત પણ છે."
" હું રાજાને કહેવાનો નથી કે તમે પાકિસ્તાનમાં ના ભળી જશો અને ભારતીય સંઘમાં સામેલ થઈ જશો."
"હું એ કામ કરવા માટે નથી જવાનો. ત્યાં રાજા છે ખરો, પરંતુ અસલી રાજા તો પ્રજા છે."
"...ત્યાંના લોકોને પૂછવું જોઈએ કે તમે પાકિસ્તાન સંઘમાં જવા માગો છો કે ભારતીય સંઘમાં."
"પ્રજાને જે ગમે કરે. રાજા કશું જ નથી, જે છે તે પ્રજા છે."
" બે દિવસ પછી રાજા મરી જશે, પણ પ્રજા તો રહેવાની છે. કેટલાક લોકોએ કહ્યું કે તમે પત્ર વ્યવહારથી આ કામ કેમ કરતા નથી.
"તો હું કહીશ કે નોઆખલીનું કામ પણ હું પત્ર વ્યવહારથી કરી શકું છું."

કાશ્મીરના લોકોને મજબૂર ન કરવા જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને છૂપી રીતે કાશ્મીર પર હુમલો કરી દીધાની જાણ થઈ, ત્યારબાદ 26 ઑક્ટોબર, 1947ના રોજ તેમણે પાકિસ્તાન અને ભારત બંનેને સ્પષ્ટપણે ચેતવણી આપી હતી, "રિયાસત (કાશ્મીર)ના અસલી રાજા તેની પ્રજા જ છે. કાશ્મીરની પ્રજા એમ કહે કે તેઓ પાકિસ્તાનમાં જવા માગે છે, તો દુનિયાની કોઈ તાકાત તેમને રોકી શકે નહીં."
"લોકોને પૂરી આઝાદી અને આરામથી પૂછવું જોઈએ. તેમના પર આક્રમણ ના કરી શકાય."
"ગ્રામીણ વિસ્તારને સળગાવી દઈને તેમને મજબૂર ના કરી શકાય. ત્યાં મુસલમાનોની વસતી વધારે હોવા છતાં જો ત્યાંથી પ્રજા કહે કે તેઓ હિન્દુસ્તાનના યુનિયનમાં રહેવા માગે છે તો કોઈ તેમને રોકી શકે નહીં."
"પાકિસ્તાનના લોકો તેમને મજબૂર કરવા ત્યાં જાય તો પાકિસ્તાનના શાસકોએ તેમને રોકવા જોઈએ."
"જો ના રોકે તો સમગ્ર દોષ તેમણે પોતાના પર લઈ લેવો જોઈએ."
"જો યુનિયન (ભારત)ના લોકો તેમને મજબૂર કરવા જાય તો તેમને પણ રોકવા જોઈએ, તે બાબતમાં મને કોઈ શંકા નથી."

ગાંધી માટે ગૌરક્ષાનો અર્થ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગાંધીજી પોતાને સનાતની હિંદુ કહેતા હતા.
ભારતના ગ્રામીણ અર્થતંત્ર અને તેની આધ્યાત્મિક પરંપરાની દૃષ્ટિએ ગાયનું મહત્ત્વ સમજતા હતા.
આમ છતાં તેઓ જાણતા હતા કે ભારત જેવા જુદા જુદા સમાજ ધરાવતા અને નિર્માણ પામી રહેલા નવા રાષ્ટ્રમાં ગૌરક્ષાનું કામ જબરદસ્તીથી અને ટોળાંની હત્યાથી કરી શકાય નહીં.
ગાંધીજી ગૌપૂજકોના સાંપ્રદાયિક પાખંડને સમજી ગયા હતા.
તેથી જ તેમણે એ હદ સુધીની વાત કરી હતી કે પોતાને ગૌરક્ષક કહેનારા જ ખરેખર ગૌભક્ષક છે.
તેમણે ગૌરક્ષા શબ્દ વાપરવાનો જ બંધ કરી દીધો હતો. તેઓ કહેતા હતા કે 'ગૌરક્ષા' નહીં, 'ગૌસેવા'ની જરૂર છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
6 ઑક્ટોબર 1921ના રોજ 'યંગ ઇન્ડિયા'માં હિંદુ ધર્મ અને ગૌરક્ષા વચ્ચેના સંબંધો વિશે મહાત્મા ગાંધીએ લખ્યું હતું, "હિંદુ ધર્મના નામે એવાં ઘણાં કામ કરવામાં આવી રહ્યાં છે, જે મને મંજૂર નથી."
"જો હું ખરેખર એવો ના હોઉં તો મને સનાતની હિંદુ અથવા એવા બીજા કોઈ પણ પ્રકારના હિંદુ ગણાવાની કોઈ ઇચ્છા નથી."
"હું ગૌરક્ષામાં તેની પ્રચલિત રીત કરતાંય વધુ વ્યાપક રીતે માનું છું અને ગૌરક્ષાનો અર્થ છે તેના માટે પોતાના પ્રાણોની આહુતિ આપવી."
"ગાયની રક્ષા માટે મનુષ્યની હત્યા કરવી તે હિંદુ ધર્મ અને અહિંસા ધર્મથી વિમુખ થવાની વાત છે."
"હિંદુઓ માટે તપસ્યા, આત્મશુદ્ધિ અને આત્મઆહુતિ દ્વારા ગૌરક્ષા કરવાની વાત છે."
"પરંતુ આજકાલ ગૌરક્ષાનું સ્વરૂપ બગડી ગયું છે. તેના નામે મુસલમાનો સાથે ઝઘડો કરતા રહે છે."
"જે ધર્મમાં ગાયની પૂજા કરવાનું કહેવાયું હોય તે ધર્મ મનુષ્યના નિર્દયી અને અમાનવીય બહિષ્કારને કેવી રીતે ચલાવી લઈ શકે. તેને કેવી રીતે યોગ્ય ઠરાવી શકે?"

ગૌરક્ષક જ ગૌભક્ષક

ઇમેજ સ્રોત, AFP/Getty Images
26 જાન્યુઆરી, 1921ના રોજ ગાંધીજીએ લખ્યું હતું, "મુસ્લિમો વિરુદ્ધ એવું કહેવાય છે કે તેઓ ગૌવધ કરે છે."
"પણ હું કહું છું કે બાંદ્રાના કતલખાનામાં પાંચ વર્ષમાં જેટલી ગાયો કાપવામાં આવે છે, તેટલી સાત કરોડ મુસ્લિમો પચ્ચીસ વર્ષે પણ મારી શકે નહીં."
"તમે ગાયની પૂજા કરો છો, પણ બળદને મારો છો. ગાય દૂધ આપે છે, ભેંસ પણ દૂધ આપે છે. તેમને એટલી દોહવામાં આવે છે કે તેમના થાનમાંથી લોહી નીકળવા લાગે છે."
આ જ રીતે 19 જુલાઈ, 1947ની પ્રાર્થના સભામાં તેમણે કહ્યું હતું, "આજકાલ મારા પર તાર પર તાર આવી રહ્યા છે કે હું ગૌવધ બંધ કરાવું."
"પરંતુ સાચી વાત એ છે કે પોતાને ગૌરક્ષક કહે છે, તે જ ગૌભક્ષક છે."
"તે લોકો એવું સમજીને તાર કરે છે કે હું જવાહરલાલ કે સરદારને આવો કાયદો બનાવવા માટે કહું. પરંતુ હું તેમને કહેવાનો નથી."
"હું તો આ ગૌરક્ષકોને કહીશ કે મને તાર કરવામાં વ્યર્થનાં નાણાં ખર્ચો છો, તેનો ખર્ચ ગાયો પર કેમ નથી કરતા?"
"તમે ખર્ચ કરી શકો તેમ ના હો તો મને મોકલી આપો."
"હું તો કહીશ કે ગાયની પૂજા કરનારા પણ આપણે જ છીએ અને તેનો વધ કરનારા પણ આપણે જ છીએ."

આંતરજ્ઞાતિય લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનો સમાજ આજે પણ અંગ્રેજ વહુ કે જમાઈ લાવવાની વાત પર નારાજ થાય, પણ એ જ ભારતીય સમાજ આંતરજ્ઞાતિય કે આંતરધર્મીય લગ્ન કરનારાને ખુલ્લેઆમ ઝાડ પર લટકાવીને મારી નાખે છે.
પોતાનાં જ બાળકો, નાગરિકો પર આવી જંગલી ક્રૂરતા અને બર્બરતાનું કારણ શું છે?
સમાજ નિર્દોષ પ્રેમને પણ તે સંકુચિત, સાંપ્રદાયિક અને જ્ઞાતિવાદી નજરથી જોતો થઈ ગયો છે.
જ્ઞાતિ અને સંપ્રદાયની આ માનસિકતા ભારતની એકતા સામેનો સૌથી મોટો અવરોધ છે. ગાંધીજી આ વાતને સમજી ગયા હતા.
પ્રારંભમાં આંતરજ્ઞાતિય લગ્નોનો વિરોધ કરનારા ગાંધીજીએ બાદમાં ત્યાં સુધી કહ્યું હતું કે વર અથવા કન્યામાં બેમાંથી એક દલિત નહીં હોય તેવા લગ્નમાં પોતે જશે જ નહીં. તેઓ પોતાના આશ્રમમાં આવાં લગ્નો કરાવતા હતા.
7 જુલાઈ, 1946ના રોજ 'હરિજન'માં તેમણે લખ્યું હતું, "મારું ચાલે તો હું મારા પ્રભાવમાં આવનારી દરેક સર્વણ યુવતીને કોઈ ચરિત્રવાન હરિજન યુવકને પતિ તરીકે પસંદ કરવાની સલાહ આપું."
આ જ રીતે 8 માર્ચ, 1942ના રોજ 'હરિજન'માં ગાંધીજીએ લખ્યું હતું, "સમય વીતતો જશે, તેમ આવાં લગ્નો વધશે. અને તેનાથી સમાજને ફાયદો જ થશે."

સહિષ્ણુતાના માહોલની જરૂર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
ગાંધીજી આગળ કહે છે, "હાલમાં તો આપણી વચ્ચે પરસ્પર સહિષ્ણુતાનો માહોલ પણ ઊભો થયો નથી."
"પરંતુ જ્યારે સહિષ્ણુતા આગળ વધીને સર્વધર્મ સમભાવમાં બદલાઈ જશે, ત્યારે આવાં લગ્નોને આવકારવામાં આવશે."
"આગામી સમાજની નવરચનામાં જે ધર્મ સંકુચિત રહેશે અને બુદ્ધિની કસોટીમાંથી પાસ નહીં થાય તે ટકી શકશે નહીં; કેમ કે તેવા સમાજનાં મૂલ્યો બદલાઈ જશે."
"મનુષ્યનું મૂલ્ય તેના ચારિત્ર્યને કારણે હોવું જોઈએ, ધન, પદવી કે કૂળના કારણે નહીં."
"મારી કલ્પનાનો હિંદુ ધર્મ કોઈ સંકુચિત સંપ્રદાય નથી. તે તો કાળની જેમ પ્રાચીન, મહાન અને સતત વિકાસની પ્રક્રિયા છે."
"તેમાં પારસી, મૂસા, ઈસા, મહંમદ, નાનક અને એવા બધા જ ધર્મ સંસ્થાપકોનો સમાવેશ થઈ જાય છે."
તેની વ્યાખ્યા આ પ્રકારની છે-
'विद्वद्भिः सेवितः सद्भिनित्यमद्वेषरागिभिः.
हृदयेनाम्यनुज्ञातो यो धर्मस्तं निबोधत..'
અર્થાત્ જે ધર્મને રાગદ્વેષથી મુક્ત જ્ઞાની સંતોએ અપનાવ્યો છે, આપણા હૃદય અને બુદ્ધિએ જેનો સ્વીકાર કર્યો છે, તે જ સારો ધર્મ છે.
જોકે, ગાંધીજી લગ્નને કારણે થતા ધર્મપરિવર્તનના સખત વિરોધી હતા.
તેમણે એ જ લેખમાં કહ્યું હતું કે, "માત્ર લગ્ન કરવા માટે સ્ત્રી-પુરુષ પોતાનો ધર્મ બદલે તે વાતનો હું હંમેશાંથી વિરોધી રહ્યો છું અને હજી પણ છું."
"ધર્મ કોઈ ચાદર કે દુપટ્ટા નથી કે મન થાય ત્યારે ઓઢી લેવાય, મન થાય ત્યારે કાઢી નખાય. આ બાબતમાં ધર્મ બદલવાની કોઈ વાત જ નથી."

પત્રકારો/તંત્રીઓ સામે ખોટા પોલીસ કેસનો ત્રાસ

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકારનું કામ શું છે?
પત્રકારનું કામ છે શાસકોની ભૂલોને નિર્ભયપણે જનતા સામે મૂકવી, જેથી સરકાર પર પર લોકતાંત્રિક અંકુશ રહે.
આઝાદીની ચળવળથી માંડીને ભારતીય લોકતંત્રને મજબૂત કરવામાં, તેને પરિપક્વ બનાવવામાં ભારતના નિર્ભીક અને જનહિતમાં માનતા પત્રકારોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
પરંતુ આજે શું થઈ રહ્યું છે?
સત્તાધીશો સામે સમાચાર પ્રકાશિત કરનારા પત્રકારોની ખુલ્લેઆમ મારપીટ થઈ રહી છે.
ખોટા કેસ કરીને ધરપકડ કરી લેવામાં આવે છે. મીડિયાના માલિકો, તંત્રીઓની સ્થિતિ પણ સારી નથી.
સામ દામ દંડ અને ભેદથી તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે.
આવા દબાણમાં આવ્યા સિવાય પોતાની કલમની ધારને જાળવી નાખનારા બહુ થોડા વીરલા જ છે.
નિર્ભીક પત્રકારોને હાંકી કાઢવામાં આવે તે વાત સામાન્ય થઈ પડી છે.
મીડિયાની સ્વતંત્રતાની બાબતમાં દુનિયાભરના દેશોમાં આજે ભારતની સ્થિતિ ખરાબ ગણાવાઈ રહી છે.
લોકતંત્રના હિતમાં પત્રકારોને સુરક્ષા આપવાના બદલે શાસનતંત્ર પોતે જ તેની સામે પડે, તે વાત ભાવી સમાજ માટે સારો સંકેત નથી.

'કેસ નહીં અત્યાચાર'

ઇમેજ સ્રોત, Getty Images
'નવાકાલ' નામના મરાઠી અખબારના સંપાદક કૃષ્ણજી પ્રભાકર ખાડિલકર પર તે વખતની સરકારો વારંવાર કેસ કરીને તેમને પરેશાન કરતી હતી.
મહાત્મા ગાંધીએ 4 એપ્રિલ, 1929ના રોજ આ વિશે લખ્યું હતું, "નવાકાલવાળા શ્રી ખાડિલકર સામે જે કેસ ચલાવવામાં આવી રહ્યો છે, તે ખરેખર કેસ નથી, પણ તેમના પરનો અત્યાચાર છે."
"જનતાના વિરોધ છતાં સરકાર ચાલતી હોય, ખાસ કરીને આપણે ત્યાં છે તેવી સ્થિતિમાં ત્યારે જનવિરોધનું દમન જ થતું હોય છે."
"તેવી સરકારના શાસનમાં સ્પષ્ટવક્તા સંપાદકોને ત્રાસ આપવામાં આવે તે નિશ્ચિત વાત છે."
"એક દિવસ તેમણે મને કહ્યું હતું કે પત્રકાર તરીકે તેમણે વારંવાર જોખમ ઊઠાવીને કામ કર્યું હતું અને તેના માટે જે દંડ થતો હતો તે નાટકો લખી લખીને ચૂકવ્યો હતો."

તે વખતના ન્યાયતંત્રની આકરી ટીકા કરતાં મહાત્મા ગાંધીએ આગળ લખ્યું હતું, "આ દેશમાં અન્ય સરકારી સંસ્થાઓની જેમ જ, જરૂર પડે ત્યારે સરકારનો બચાવ થાય તે માટે જ કાનૂની અદાલતોની રચના કરવામાં આવી છે."
"આવો અનુભવ આપણને વારંવાર થયો છે. અદાલતો મૂળભૂત રીતે આવી જ છે."
"વાત એટલી જ છે કે જનતાની સ્વતંત્રતા અને સરકારનું હિત બંને એક જ હોય ત્યારે આપણને તેની ખબર પડતી નથી."
"પરંતુ સરકારના વિરોધમાં જઈને જનતાની સ્વતંત્રતાની રક્ષા કરવાની હોય ત્યારે અદાલતો તેમાં નિષ્ફળ જાય છે. તેની સાથે જેટલો ઓછો પનારો પડે તેટલું સારું."
શાસન દ્વારા પોલીસના દુરુપયોગ વિશે 26 જાન્યુઆરી, 1922ના રોજ 'યંગ ઇન્ડિયા'માં ગાંધીજીએ લખ્યું હતું, "ભારતમાં પોલીસ બદનામ છે તે બાબતમાં કોઈ શંકા નથી."
"આજકાલમાં થયેલી દમનની ક્રૂર કાર્યવાહીને કારણે તે બદનામી કદાચ વધી છે."
"પરંતુ આપણે એ ના ભૂલવું જોઈએ કે પોલીસ માત્ર સરકારના હાથનું રમકડું છે."

પોલીસમાં મૂળભૂત સુધારાથી શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની આઝાદીના લગભગ બે મહિના બાદ 5 જૂન, 1947ના રોજ કૉલેજિયનો સાથે વાતચીત કરતાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું, "મારું ચાલે તો હું સેના અને પોલીસમાં મૂળભૂત સુધારાથી જ શરૂઆત કરું."
"ઇંગ્લૅન્ડમાં લોકો પોલીસને પોતાના મિત્ર, સહાયક અને કર્તવ્યપાલનના નમૂનારૂપ માને છે. પરંતુ ભારતમાં લોકો પોલીસને ખતરનાક અને અત્યાચારી માને છે."
આ બધી બાબતો ગાંધીજી પોતાના લાંબા વ્યવહારિક અનુભવોને કારણે જાણતા હતા.
તેમણે જીવનભર તેમની સામે સંઘર્ષ કર્યો હતો.
ગાંધીજીને યાદ કરવાનો અર્થ થાય છે તેમના આ વિચારોના પ્રકાશમાં સમાજ અને રાજકારણને જોવાં અને તેને બદલવાં.
હાલમાં જ કોઈએ સરસ વાત કરી હતી કે ગાંધીજીને સમજવા અને અપનાવવાનું કામ જે લોકો માટે મુશ્કેલ હતું તે લોકો માટે તેમની હત્યા કરી દેવાનું કામ સૌથી આસાન હતું.
આમ છતાં અન્યાય, દમન, શોષણ, પૃથ્વીને ખતમ કરી નાખનારા લોભ, બિનલોકતાંત્રિક પ્રયાસો અને વિનાશકારી યુદ્ધો સામે ગાંધીજીના જે વિચારો હતા તે આજે પણ ત્યાં જ ઊભા છે.
ગાંધીવિચાર આજેય અહિંસા, સંયમ, દયા, કરુણા, સત્ય અને પ્રેમના આત્મવિશ્વાસથી છલોછલ થઈને ઊભા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












