ભારતીય અર્થતંત્રમાંથી મંદીનો માહોલ કઈ રીતે દૂર કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
નિર્મલા સીતારમણનું બજેટ આવ્યું એના આગલા દિવસે એટલે કે ચોથી જુલાઈના રોજ પ્રસ્થાપિત પ્રણાલીઓ અનુસાર ઇકૉનૉમિક સર્વે (આર્થિક સર્વેક્ષણ) સંસદમાં રજૂ થયો.
આ લેખની શરૂઆતમાં તેનો ઉલ્લેખ એટલા માટે કરવો છે કે એમાંનું એક વાક્ય અર્થવ્યવસ્થા વિકાસના રસ્તે શેનો સહારો લઈને જશે તેની સ્પષ્ટતા કરતું હતું.
આમાં બે મુદ્દા અગત્યના છે. પહેલો મુદ્દો, ખાનગી રોકાણ (પ્રાઇવેટ ઇન્વૅસ્ટમેન્ટ) એ વિકાસનું મુખ્ય ચાલક બળ છે અને તેના થકી નોકરીઓ, નિકાસ અને માગમાં વધારો થાય છે.
બીજો મુદ્દો, અત્યંત મજબૂત અને સ્થિર આંતરમાળખાકીય સવલતોનું માળખું ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે પાયાની જરૂરિયાત છે.
નિર્મલા સીતારમણે મંદ પડી રહેલા આર્થિક વિકાસને ગતિવંત કરવા કૉર્પોરેટ-ટૅક્સ ઘટાડવાનું જે માળખું જાહેર કર્યું તેનાથી શું આ ધ્યેય સિદ્ધ થશે?
આપણે ત્યાં કૉર્પોરેટ-ટૅક્સ ઘટાડીને અન્ય એશિયાઇ દેશોની સમકક્ષ લાવવાની તેમજ કૉર્પોરેટ-ટૅક્સ અને 'ફોરેન પૉર્ટફોલિયો ઇન્વૅસ્ટરો' માટે જે છૂટછાટ આપવામાં આવી છે તે અર્થવ્યવસ્થાને ગતિશીલ કરવામાં કેટલા અંશે સફળ રહેશે?
સારી વાત સૌથી પહેલાં. જે રાહતો આપવામાં આવી છે તેને કારણે હયાત કંપનીઓને માટે 10 ટકા જેટલું કૉર્પોરેટ-ટૅક્સનું ભારણ ઘટશે.
આમ થવાના કારણે તેમની નફાકારકતા વધશે એમાં કોઈ શંકા નથી. આ નફો અગાઉ પણ મેં જણાવ્યું છે તેમ કઈ રીતે વપરાશે તેના ઉપર સીતારમણનો હેતુ કેટલો સફળ થશે તેનો આધાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આ વધારાનો નફો હાલની મંદીની પરિસ્થિતિમાં કંપનીઓ માગ વધારવા માટે પોતાના ઉત્પાદનના ભાવ ઘટાડવામાં કરે તો માગ વધારવાની દિશામાં એક ચોક્કસ પગલું ગણી શકાય.
જોકે, માગનો વધારો અથવા ઘટાડો અમુક હદ સુધી એની કિંમત સાથે સંવેદનશીલતાથી જોડાયેલો હોય છે.
દાખલા તરીકે કોઈ ચોક્કસ ધંધા માટે મશીનરીના ઉત્પાદકો પોતાની કિંમતો ગમે તેટલી ઘટાડે પણ સામે પક્ષે એ ધંધો જ મંદીમાં હશે તો આ કિંમતો ઘટાડવાની કોઈ ફાયદો થવાનો નથી પરંતુ, એફએમસીજી સૅક્ટરને લાગેવળગે છે ત્યાં સુધી કદાચ પોતાનાં ઉત્પાદનોના ભાવ ઘટાડીને પણ માગ ઊભી કરી શકાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ તાત્કાલિક ફાયદો આપતો ઉપાય છે. પણ બધી જ કંપનીઓ ભાવ ઘટાડો કરશે અને એમને જે લૉટરી લાગી છે એમાંથી એક હિસ્સો ગ્રાહક સાથે વહેંચશે એવું અત્યારે કોઈ એક સૅક્ટરમાં થયું હોય તે દેખાતું નથી.
મર્યાદિત રીતે પોતાના શૅર-હૉલ્ડર્સને વધારાનું ડિવિડન્ડ આપીને તેમના હાથમાં વધુ પૈસા મૂકી આવનાર સમયમાં માગને પ્રોત્સાહન મળે તે રીતે ખરીદી શક્તિ વધારી શકાય, પણ આ માત્રને માત્ર એક મર્યાદિત સંખ્યાને સ્પર્શતી બાબત છે.
ત્રીજું, કંપની પોતાનાં દેવાં ચૂકવી હળવી થઈ શકે તો લાંબા ગાળે તેની ઉત્પાદકતા તથા નફાકારકતાનો લાભ મળી શકે.
છેલ્લું, આ નાણાં રિઝર્વ તરીકે રાખી નવું રોકાણ કરવા માટે વપરાય તે છે.
આમ હયાત કંપનીઓની નફાકારકતામાં વધારો થશે એ વાત સાચી પણ ખરેખર તો 15 ટકા પ્લસ સરચાર્જના ગ્રૂપમાં આવતી નવું રોકાણ કરતી કંપનીઓમાં અર્થવ્યવસ્થાને બુસ્ટર-ડોઝ આપી શકવાની ક્ષમતા ખરી?

અમેરિકા અને શૅરબજારનો દાખલો

ઇમેજ સ્રોત, Getty Images
આપણે જેને મોડેલ ગણીને વારંવાર દાખલો આપીએ છીએ તે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા બાદ એમણે કૉર્પોરેટ-ટૅક્સમાં મોટો ઘટાડો આપ્યો તેનો છે.
હાલમાં જ UNCTAD દ્વારા 'ટ્રૅડ ઍન્ડ ડેવલપમૅન્ટ રિપોર્ટ 2019' બહાર પાડવામાં આવ્યો છે.
એના વૈશ્વિક અર્થવ્યવસ્થા અંગેના વિહંગાવલોકનમાં આવનાર વર્ષે આખી દુનિયાને મંદી ઘમરોળશે એવી વાત કરવામાં આવી છે, પણ ટૅક્સ-કટના અમેરિકા તેમજ અન્ય દેશોના અનુભવ અંગે અહેવાલમાં કંઈક આ મુજબ કહેવાયું છે -The pick-up since the 2017 tax cut is fading, with little sign of the promised investment boom. Elsewhere in the developed world, the pick-up has been even more short-lived. The eurozone is slipping back towards stagnation, with the German economy showing clear signs of fatigue; and while Brexit is an unwanted distraction for the entire European economy, the United Kingdom looks set for a particularly traumatizing 2019.
જો અમેરિકામાં ટૅક્સ-કટનો ડોઝ લાંબાગાળાની તેજી લાવી શક્યો ન હોય અને અર્થતંત્ર ફરી પાછું મંદી તરફ ગુલાંટ ખાતું હોય તો આપણે ત્યાં ટૅક્સ-કટનું પૅકેજ મંદી દૂર કરી શકશે ખરું?
દાખલો તરત જ શૅરબજારનો આપવામાં આવે છે.
શૅરબજારનો સૅન્સેક્સ ઉછળ્યો અને ફરી પાછું તેજીવાળાઓ તરફી વાતાવરણ જામ્યું.
એ માત્ર બે જ દિવસ ટક્યું, ત્યાર પછી પાછો સૅન્સેક્સ પડ્યો અને વળી પાછો ગુરૂવાર તા. 26-09-2019ના રોજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે મંત્રણા કરવાની વાત કરી એટલે ચડ્યો તે બીજા દિવસે શુક્રવારે પાછો પડ્યો.
આપણે એ સમજવું જોઈએ કે શૅરબજાર દેશની અર્થવ્યવસ્થાનું બૅરોમિટર છે. બૅરોમિટર માત્ર હવાના દબાણનો અંદાજ આપે, પોતાની મેળે એ દબાણ વધારી કે ઘટાડી શકતું નથી.
'કૂવામાં હોય તો હવાડામાં આવે' અને આમેય દેશની કુલ બચતના માત્ર 8 ટકા અને અત્યારની 130 કરોડની વસતીમાં માત્ર ને માત્ર 3.48 કરોડ ખાતાધારકો અને તેના માત્ર અડધા જ 1.9 કરોડ સક્રિય રોકાણકારો છે.
આમ શૅરબજારની પરિસ્થિતિ ઉપરથી દેશની અર્થવ્યવસ્થા સુધરી ગઈ એનો અંદાજ બાંધવો યોગ્ય નથી. જો અર્થવ્યવસ્થાનું રગશિયું ગાડું પાટે ચડે તો જ 2017-18માં 6.1 ટકા બેકારીનો દર, જે છેલ્લાં 48 વર્ષમાં સૌથી ઊંચો હતો, તે ઘટે, નવી રોજગારીનું સર્જન થાય અને વળી પાછી આવક બજારમાં ફરવા નીકળે.
નિર્મલા સીતારમણે એમના સચિવને કેટલીક સૂચનાઓ આપી છે -
પહેલી, આંતર માળખાકીય પ્રોજેક્ટ, જે-જે ખાતાં દ્વારા અમલમાં મૂકવાના છે તે ખાતાં ઝડપથી પૈસા વાપરવા માંડે, છેલ્લી ઘડી સુધી રાહ જોઈને બેસી ન રહે.
બીજી, બૅન્કોને જે 70 હજાર કરોડ રૂપિયા આપવાના છે તેમાના ચાલુ વર્ષના અંત સુધીમાં રાહ ન જોતાં તાત્કાલિક આ રકમ બૅન્કમાં હવાલે મૂકવામાં આવે જેથી બૅન્કો નવું નાણાકીય ધિરાણ કરી શકે. આ બંને પાછળનો ઉદ્દેશ ખૂબ સારો છે. સવાલ એનો અમલ કેટલી પ્રમાણિકતાથી થાય છે તે છે.
દેશમાં ફરી ફિલગુડ ફૅક્ટર ઊભું કરવું હોય તો માગ ઊભી કરવી પડે. આ દેશની અર્થવ્યવસ્થાનો ધ્રુવતારક નિકાસ ક્યારેય નહીં બની શકે. વિશ્વબજારમાં આજ સુધી આપણો કેટલો હિસ્સો જળવાયો છે તેની વિગતો નીચેના કોઠામાં આપી છે.

વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images
સંદર્ભ : ઇકૉનૉમિક સર્વે, ભારત સરકાર (અલગઅલગ ઇસ્યુમાંથી), * પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, ** ધી ઇકોનૉમિક ટાઇમ્સ, ઓગસ્ટ 01, 2019
નિકાસમાં આપણે કશું ઉકાળ્યું નથી. વિશ્વવ્યાપારમાં ભારત 2 ટકાથી પણ ઓછો ફાળો ધરાવે છે. તેમાંથી કૃષિઉત્પાદનો અને કોમોડિટી ઍક્સપોર્ટ કાઢી નાખીએ તો કંઈ ઝાઝું દેખાતું નથી.
નિકાસની ચિંતા કર્યા વગર ઘરઆંગણાના બજારને ફરી સજીવન કરવું જોઈએ. ભારતની મોટામાં મોટી તાકાત એનું વિશ્વમાં સૌથી મોટું બજાર છે.
આ બજારમાં 50 રૂપિયાના ખમીસ માટેનો પણ ગ્રાહક છે, 5 હજાર રૂપિયાના માટેના ખમીસનો પણ ગ્રાહક છે તો 15 હજારથી 50 હજાર સુધીના ડિઝાઇનર શર્ટ માટેનો પણ ગ્રાહક છે.
કપડું અને ખાદ્ય પદાર્થોના વિશ્વમાં સૌથી વધુ વપરાશકાર આપણે છીએ.
તેની સાથે-સાથે સહપ્રવાસી હોય એવા ઉત્પાદનો જેવાં કે કૉસ્મિક, હોઝિયરી, ચંપલ અને જોડાં વગેરે ઉપરાંત જથ્થાની દ્રષ્ટિએ દવાઓના વિશ્વમાં ત્રીજા મોટા ઉત્પાદક છીએ.
આજે આ બધા એકમો મુશ્કેલીમાં છે. આ મુશ્કેલીનું કારણ એમની પાસે તરલ મૂડી નથી, જરૂરી ખર્ચ પર કાપકૂપ મૂકવી પડે, કેટલી સંકડામણ છે.
આપણે જો 2024-25 સુધીમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવું હોય તો સાતત્યપુર્ણ 8 ટકાનો વિકાસદર જોઈએ.
આર્થિક સર્વેક્ષણમાં કહ્યું છે તે મુજબ આ માટેનું એક પાયાનું બળ ખાનગી રોકાણ છે.
આ થાય તો આપણો માથાદીઠ બચતનો દર વધે, ખરીદશક્તિ વધે અને બજારોમાં અત્યારે જે મંદીનું વાતાવરણ છે તે દૂર થાય.
આ સમય છે ફિસ્કલ ડિફિસિટની ચિંતાને થોડા સમય માટે બાજુમાં મૂકીને પણ ખૂબ મોટા પાયે નાણાકીય સાધનોનું ઇન્જેક્શન ભારતીય અર્થવ્યવસ્થાને આપવાનું.
રોગનું કારણ નોટબંધી છે કે પછી જીએસટી એની ચર્ચામાં સમય બગાડવાનો હવે કોઈ અર્થ નથી.
આજની પરિસ્થિતિનો તકાજો એ છે કે આપણે દેશના ઘણા મોટા સમૂહના હાથમાં વધુ નાણાં મૂકીએ.
મધ્યમ અને ઓછી આવક ધરાવતા વિશાળ વર્ગના હાથમાં જ્યાં સુધી રોકડ નહીં પહોચે ત્યાં સુધી બજારમાં માગ વધે તેવી શક્યતા નહિવત છે.
આ માટે મનરેગા જેવી યોજનાઓની વધારે ફાળવણી, નાનાં સ્વ-સહાય જૂથોને વધુ અસરકારકતાથી પ્રવૃત કરી ખેડૂતની આવક વધે અને હાલ પૂરતું ભલે એનું દેવું માફ ન કરો પણ એની મુદ્દલ ઉપર વ્યાજ હોય તે અને હવે પછી બાકીના લેણામાં માત્ર મુદ્દલ જ રહે તેટલું પણ જો કરવામાં આવે તો ખેડૂતને મોટી રાહત મળશે.
એણે જે ધિરાણ લીધું છે એમાં માત્ર વ્યાજ માફી સાથે વસૂલી હાલ પૂરતી મોકૂફ રાખવાની વાત છે.
સરકારના અને આપણા સદનસીબે ચોમાસું ધારણા કરતાં પણ સારું રહ્યું છે.
શિયાળુ ખેતી પણ સારી રહેશે તેવાં એંધાણ છે ત્યારે આ દેશમાં 50 ટકા કરતાં પણ વધુ રોજગારી પૂરી પાડતું અને 50 ટકા કરતાં વધુ વપરાશકાર એવું ગ્રામ્ય અર્થવ્યવસ્થા કમસેકમ આ અને આવતું વરસ સરકારને માટે કોઈ નવી ચિંતામાં નહીં નાખે એટલે બાકી રહેતી વ્યવસ્થાઓ તરફ ધ્યાન કેન્દ્રીત કરવા માટેની મોટી તક સરકારને મળી છે.
મધ્યમ અને નીચી આવક જૂથ બે ભેગાં કરીએ તો કુલ 90.5 ટકા વસતિના હાથમાં માત્ર 15.8 ટકા સંપત્તિ છે અને મુખ્ય કારણ એ છે કે આ વર્ગ પાસે જેટલું આવે છે તેટલું એની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે વાપરી નાખે.
આ વર્ગ પૈસા પેલા ઉચ્ચ વર્ગ અને અતિ ધનિક વર્ગની માફક બધુ ગજવે ભરતો નથી. એટલે આપણે આ 90.5 ટકા વસ્તીની પાસે તેની આવક વધે, ગરીબ અને મધ્યમ વર્ગની આવક વધે, રોજગારી વધે તે પ્રકારના નીતિવિષયક નિર્ણયો અને પ્રોત્સાહનો બાબતે વિચારીશું તો જ મધદરિયે ઝોલે ચડેલા આપણા અર્થતંત્રના વહાણને ઉગારી શકીશું. હજુ પણ આ શક્ય છે.
અને છેલ્લે રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાંત દાસ ખૂબ જ સલૂકાઇપૂર્વક કહે છે તેમ, "Quality of Spending by Government holds Key to Economy"; આ વાત એમણે તાજેતરમાં ઈન્ડિયા ટુડે કૉન્કલેવમાં કરી.
પ્રમાણિક્તાપૂર્વક એમણે સ્વીકાર્યું કે જીડીપી ઘટીને 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળામાં છેલ્લા છ વરસના તળીયે, 5 ટકાએ પહોચ્યો છે.
અગાઉના વરસે જીડીપી 6.8 ટકા હતો. ચાલુ સાલે 6 થી 6.2 ટકા રહે તેવી સંભાવના છે. જુલાઈ-સપ્ટેમ્બરનો ત્રિમાસિક ગાળો સારો રહેશે એવો આશાવાદ વ્યક્ત કરતાં રિઝર્વે બૅન્કના ગવર્નરે નાણામંત્રી દ્વારા કૉર્પોરેટ ટૅકસમાં જાહેર કરવામાં આવેલા ઘટાડાને હિંમતભર્યું પગલું ગણાવ્યું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












