બાપુ, બોલે તો...ગાંધીજીના ગુરુ કોણ હતા?

ગાંધીજી

ઇમેજ સ્રોત, Henry Guttmann Collection/Getty

બાળપણમાં સાવ ભીરુ અને સામાન્ય કહી શકાય એવું જીવન જીવનાર મોહનને ગાંધીજી બનાવવા માટે કોણ જવાબદાર હતું? આવો સવાલ સહજ છે.

ખુદ ગાંધીજીએ 'સત્યના પ્રયોગો' આ પ્રક્રિયા વિશે લખ્યું હોવા છતાં લોકોને તેનાથી સંતોષ થતો નથી.

એટલે ગાંધીજીની લાગણીનાં બઢાવીચઢાવીને અર્થઘટનો કરવામાં આવે છે અને પોતપોતાની સુવિધા કે શ્રદ્ધા પ્રમાણે કદીક શ્રીમદ્ રાજચંદ્રને તો કદીક ટોલ્સ્ટૉયને, ક્યારેક રસ્કિનને તો ક્યારેક થૉરોને અને ક્યારેક આ બધાને ગાંધીજીના ગુરુ જાહેર કરી દેવામાં આવે છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં નાટક જેવા લોકપ્રિય માધ્યમ અને ચોક્કસ ધાર્મિક વલણને આધીન રહીને, શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજીના ગુરુપદે સ્થાપી દેવાનું પણ ઠીક ઠીક ચાલ્યું છે.

line

શું છે ગાંધીજીના 'ગુરુ'ઓની હકીકત?

ગાંધીજી

ઇમેજ સ્રોત, Bettmann/Getty

સાવ બાળપણમાં બીક લાગે ત્યારે રામનામ લેવાનો મંત્ર આપનાર દાઈ રંભાથી માંડીને શ્રીમદ્ રાજચંદ્ર, ટોલ્સ્ટૉય, રસ્કિન જેવા નામી વિચારકો તથા ગોપાલકૃષ્ણ ગોખલે જેવા રાજપુરુષો પાસેથી ગાંધીજીએ માર્ગદર્શન મેળવ્યું.

એ બધા પ્રત્યેની કૃતજ્ઞતા ગાંધીજીએ અનેક ઠેકાણે વ્યક્ત કરી છે.

શિષ્યત્વને 'એક પવિત્ર અને અંગત વિષય' ગણાવીને ગાંધીજીએ લખ્યું હતું કે તે દાદાભાઈ નવરોજીના ચરણે બેઠા, પણ દાદાભાઈ તેમનાથી ઘણા દૂર હતા.

'હું એમનો પુત્ર થઈ શકત, શિષ્ય નહીં.' એવી ટીપ્પણી સાથે ગાંધીજીએ લખ્યું હતું, 'શિષ્ય એ પુત્રથી અધિક નિકટનો નાતો છે. શિષ્ય થવું એ નવો જન્મ લેવા જેવું છે. એ સ્વેચ્છાથી કરેલું આત્મસમર્પણ છે.' (જુલાઈ, 1921, નવજીવન અંક 47નો વધારો, પૃ.4)

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

રાજકીય ગુરુ : ગોખલે

ગાંધી અને ગોખલે

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty

ઇમેજ કૅપ્શન, ગાંધીજી અને ગોપાલ કૃષ્ણ ગોખલે ( પ્રથમ પંક્તિમાં)

ગાંધીજી વર્ષ 1896માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે બીજા આગેવાનો ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલેને પણ મળ્યા હતા.

ત્યારની ગોખલેની છાપ તેમણે આ શબ્દોમાં આપી, 'ગંભીર મુખમુદ્રાવાળા આ જ્ઞાનવૃદ્ધ વિદ્વદ્વર્યની મનમાં ને મનમાં મેં પૂજા કરી. પણ મારા હૃદયસિંહાસન ઉપર તેમને હું ન સ્થાપી શક્યો.' (જુલાઈ, 1921, નવજીવન અંક 47નો વધારો, પૃ.5)

ત્યાર પછી ગોખલે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે ગાંધીજી તેમની વધુ નિકટ પહોંચ્યા.

તેમના જ શબ્દોમાં, "તેમણે (ગોખલેએ) મારું હૃદયમંદિર સર કર્યું અને જ્યારે મેં તેમની વિદાય લીધી ત્યારે મારા મનમાં એક જ ધ્વનિ ઉઠ્યો : આ જ મારો મુરશીદ (ગુરુ)." (જુલાઈ, 1921, નવજીવન અંક 47નો વધારો, પૃ.5)

ટોલ્સ્ટૉયની જન્મશતાબ્દિ પ્રસંગે બોલતા પણ તેમણે કહ્યું હતું, "ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને એ ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા. ' (નવજીવન, સપ્ટેમ્બર 16, 1928, પૃ.22)

line

આધ્યાત્મિક માર્ગદર્શક: શ્રીમદ્ રાજચંદ્ર

ગાંધીજી

ઇમેજ સ્રોત, Keystone-France/Getty

ગોખલેને મુરશીદ ગણવાનો ભાવ જાગ્યો, ત્યાર પહેલાં ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્ર (રાયચંદભાઈ)ના ગાઢ પરિચયમાં આવી ચૂક્યા હતા.

'સત્યના પ્રયોગો'માં તેમણે રાયચંદભાઈ વિશે આખું પ્રકરણ લખ્યું છે. (સમીક્ષિત આવૃત્તિ, પૃ.113-116) બૅરિસ્ટર થઈને ભારત પાછા ફરેલા 22 વર્ષના ગાંધી તેમના મિત્ર ડૉ. પ્રાણજીવન મહેતા અને તેમના ભાઈ રેવાશંકર ઝવેરીને મળ્યા.

રાયચંદભાઈ રેવાશંકરના જમાઈ થાય એ રીતે તેમને પણ મળવાનું થયું..

તેમના પરિચયમાં આવ્યા તેમ, 'બહોળું શાસ્ત્રજ્ઞાન, શુદ્ધ ચરિત્ર, આત્મદર્શન કરવાની ભારે ધગશ' જેવા ગુણોની ગાંધીજી પર ઘણી અસર પડી.

ઉંમરમાં બે વર્ષ મોટા રાયચંદભાઈને શુદ્ધ જ્ઞાની તરીકે ઓળખાવીને ગાંધીજીએ લખ્યું હતું કે 'મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. '

'આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો હતો.' (સત્યના પ્રયોગો, સમીક્ષિત આવૃત્તિ, પૃ.115)

લાઇન
લાઇન

જુદા-જુદા ધર્મો વચ્ચે મૂંઝવણ અનુભવતા ગાંધીજીને રાયચંદભાઈએ હિંદુ ધર્મના ઊંડા અભ્યાસ માટે પ્રેર્યા અને યુવાન ગાંધીજીની જિજ્ઞાસાઓનું સમાધાન પણ કર્યું.

રાયચંદભાઈ વિશે ગાંધીજીનો આદર ઠેકઠેકાણે વ્યક્ત થયો છે.

પરંતુ ગાંધીજી વ્યક્તિપૂજક નહીં, ગુણપૂજક હતા. એટલે તેમનું મૂલ્યાંકન નમ્ર છતાં મક્કમ રહેતું.

રાયચંદભાઈ સાથેની પહેલી મુલાકાતમાં તેમના શતાવધાન પ્રયોગથી (એક સાથે સો વસ્તુઓ કે શબ્દો જોઈને, પછી તેને એ જ ક્રમમાં એક સાથે બોલી બતાવવાની શક્તિથી) ગાંધીજી ત્યારે પણ 'મુગ્ધ' થયા નહીં. (સત્યના પ્રયોગો, સમીક્ષિત આવૃત્તિ, પૃ.115)

દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે પાછા ફર્યા પછી તેમણે શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક માટે પ્રસ્તાવના લખી આપી હતી.

શાંતિકુમાર મોરારજીએ ગાંધીજીનાં સંસ્મરણોમાં નોંધ્યા પ્રમાણે, પ્રસ્તાવનામાં ગાંધીજીએ 'લખેલું કે પોતે શ્રીમદ્ (રાજચંદ્ર)ને તીર્થંકર નથી માનતા. કારણ દાખલા તરીકે શ્રીમદ્ (રાજચંદ્ર)નું માથું હંમેશ દુખતું.'

'ગાંધીજીની દલીલ એ હતી કે જે તીર્થંકર હોય તેનું માથું ન દુઃખે. પાછળથી મેં સાંભળેલું કે ચોપડી ગાંધીજીની પ્રસ્તાવના વગર છપાયેલી!' (ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો, શાંતિકુમાર, પૃ.13)

line

ગુરુનું સ્થાન ખાલી

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

આત્મકથામાં ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં અને કોઈ ગેરસમજને અવકાશ ન રહે એ રીતે લખ્યું છે કે 'રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં તેમને હું મારા ધર્મગરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. '

'મારી એ શોધ આજે પણ ચાલુ છે.' (સત્યના પ્રયોગો, સમીક્ષિત આવૃત્તિ, પૃ.116) 33 વર્ષની વયે મૃત્યુ પામેલા રાયચંદભાઈ વિશે ગાંધીજીને 'ભક્તિભાવ' બંધાયેલો.

તેમની જયંતી નિમિત્તે બોલતા ગાંધીજીએ કહ્યું હતું, "એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું.'

"પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ."

"તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે."

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

'એવા ગુરુ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા મને હંમેશાં રહેલી છે.' (નવેમ્બર 11, 1935, વ્યાપક ધર્મભાવના, પૃ.300)

ટોલ્સ્ટૉયની શતાબ્દિ નિમિત્તે બોલતા તેમણે કહ્યું હતું, "દત્તાત્રેયની માફક મેં જગતમાં ઘણા ગુરુ કર્યા છે એમ હું મારી વિશે કહી શકું, તો મને ગમે પણ મારી એ સ્થિતિ નથી."

"હું હજી ધર્મગુરુને શોધવા મથી રહ્યો છું. ગુરુને મેળવવા લાયકાત જોઈએ છે એવી મારી માન્યતા છે અને તે દિવસે-દિવસે દૃઢ થતી જાય છે. મારામાં એ લાયકાત નથી."

આટલી સ્પષ્ટતા સાથે 'ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે' એમ કહ્યું.

'તેમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું, બીજું ટોલ્સ્ટૉયને અને ત્રીજું રસ્કિનને.'

'ટોલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે અને બંનેના જીવન વિશે હું વધારે જાણું તો પહેલાં કોને મૂકું એ નથી જાણતો, પણ અત્યારે તો બીજું સ્થાન ટોલ્સ્ટૉયને આપું છું.' (નવજીવન, સપ્ટેમ્બર 16, 1928, પૃ.22)

line

ગુરુની શોધ એ જ ગુરુ

ગાંધી અને કસ્તૂરબા

ઇમેજ સ્રોત, Dinodia Photos

ગુરુ વિશે ગાંધીજીનો ખ્યાલ એવો હતો કે જેને ગુરુ માનીએ તેના અમુક જ વિચાર ગ્રહણ કરીએ એવું ન હોવું જોઈએ.

'એના વિચારો આપણને સોંસરવા ઊતરી જાય છે અને એને વિશે બુદ્ધિનો પ્રયોગ કરવાનું રહેતું નથી.' આ વાતની ચર્ચા કરતા આધ્યાત્મિક વલણ ધરાવતા ગાંધીવાદી સુરેન્દ્રભાઈને ગાંધીજીએ જીવનના અંતિમ તબક્કે લખ્યું હતું, "જે ગુરુ તમે સાધ્યા એમ મેં માનેલું તેવા ગુરુની શોધમાં મારો જન્મારો ગયો છે."

'આજ લગી તે મળ્યા નથી. આ વસ્તુ મેં એક કરતાં વધારે વખત 'હરિજન'માં કે 'નવજીવન'માં બતાવી છે અને જેને ગુરુ મળ્યા છે એમ કહ્યું છે તેઓની કંઈક અંશે અદેખાઈ કરી છે.'

'તમે જાણો છો કે મિત્રોએ મને રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ, આગ્રાના સાહેબજી મહારાજ, ઉપાસની બાબા, મહેરબાબા અને એક બીજા કર્ણાટકના જેનું નામ ભૂલી ગયો છું તેઓને ગુરુ કરવાની ભલામણ કરી.'

'પણ એમાંનું કંઈ બની ન શક્યું. કદાચ ગુરુની શોધ જ ગુરુ મળ્યા બરોબર છે, એમ કહી શકાય.'

'જે આદર્શને પહોંચી ગયા તે આદર્શ નથી રહેતો. આદર્શનું ચિંતવન જ થાય, આદર્શને પહોંચાય નહીં. તેની નજીકમાં નજીક ભલે જઈ શકાય.' (જૂન 4, 1947, બિહાર પછી દિલ્હી, પૃ.68)

line

વિશ્લેષણ

ગાંધી અને સરોજિની નાયડૂ

ઇમેજ સ્રોત, AFP

જુદા-જુદા સમય અને સંજોગોમાં ગાંધીજીનું ઘડતર કરનારા મહાન વ્યક્તિત્વોનો વાજબી મહિમા કરતી વખતે એ પણ યાદ રાખવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્ર, ટોલસ્ટૉય, રસ્કિન પ્રત્યે આદરભાવ સેવનારા ગાંધીજી એકલા ન હતા.

આ મહાપુરુષોએ દેશદુનિયાના અનેક લોકો પર પોતાનો પ્રભાવ પાથર્યો. એક-દોઢ સદી પછી પણ તેમના ચાહકો, ભક્તો, અનુયાયીઓ મોજુદ છે. છતાં, તેમાંથી કોઈ ગાંધીજી બની શક્યું નથી.

એટલે ગાંધીજીને ગાંધીજી બનાવવાનો જશ કોઈ એક કે બધા માર્ગદર્શકોને સાગમટે પણ આપી શકાય નહીં.

એમ કરવા જતાં મૂલ્યાંકનના પાયામાં જ પ્રશ્નો ઊભા થાય અને માત્ર ગાંધીજીને જ નહીં, તેમનાં માર્ગદર્શક વ્યક્તિત્વોને પણ અન્યાય થાય.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો