જમ્મુમાં કેમ ઊઠી રહી છે પૂર્વોત્તરની જેમ અનુચ્છેદ 371 લાગુ કરવાની માગ?

- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા, જમ્મુથી
કાશ્મીર ખીણ વિસ્તાર કરતા જમ્મુની સ્થિતિ અલગ છે. અહીંની જથ્થાબંધ બજારમાં વેપાર સામાન્ય રીતે ચાલો રહ્યો છે.
અનુચ્છેદ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદ લાદેલા પ્રતિબંધોમાં જેમજેમ સરકાર છૂટ આપી રહી છે, તેમ અહીંના બજારમાં ચહલપહલ વધી રહી છે અને જનજીવન પાટે ચડતું દેખાઈ રહ્યું છે જોકે એની સાથે અનેક આશંકાઓ પણ છે.
રાજ્યમાં જે વિસ્તારમાં પ્રતિબંધ લાદેલા છે, તેની તુલનામાં જમ્મુની સ્થિતિ ઘણી સારી છે, ખાસ કરીને કાશ્મીરના મુકાબલે.
વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી જોગવાઈઓ ખતમ કર્યા એને અંદાજે બે મહિના થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ અહીં હાઇસ્પીડ ઇન્ટરનેટ લોકો માટે સપનાં સમાન છે.
અહીંના લોકોને લૅન્ડલાઇન અને મોબાઇલના માધ્યમથી ઇન્ટરનેટની સુવિધા તો મળી રહી છે, પરંતુ તેની સ્પીડ બહુ ઓછી છે.
એટલે લોકો સમયસર જીએસટી અને ઇન્કમટેક્સ રિટર્ન ભરી શક્યા નથી.

જમ્મુના લોકો ભવિષ્યને લઈને ચિંતિત

સ્થાનિક લોકોના મનમાં ઘણા સવાલ છે, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. જેમ કે શું જમ્મુ અને કાશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે કે પછી અંતે રાજ્યનો દરજ્જો મળશે?
આ સવાલ બધા માટે બહુ મહત્ત્વનો છે. પછી તે રાજ્યનો સરકારી કર્મચારી હોય કે વેપારી કે સામાન્ય માણસ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનુચ્છેદ 370 અંતર્ગત બહારના લોકો રાજ્યમાં જમીન નહોતી ખરીદી શકતા, પરંતુ હવે બધા ખરીદવેચાણ કરી શકે છે.
આ વાત જમ્મુના સ્થાનિક લોકો માટે ચિંતાનું કારણ બની છે અને તેઓ રાજ્યના રાજકીય ભવિષ્ય પર ઉમેદ લગાવી બેઠા છે.

વેપારીઓની મુશ્કેલીઓ

જમ્મુના જથ્થાબંધ બજારમાં સફરજન ભરપૂર વેચાય છે. આ અહીંનું સૌથી મોટું બજાર છે.
માર્કેટ ઍસોસિયેશનના અધ્યક્ષ શ્યામલાલનું કહેવું છે કે સફરજનના ભાવ ગત વર્ષની તુલનામાં ઘણા ઓછા છે. મેદાની પ્રદેશોમાં સફરજન નથી ઊગતાં. સફરજન કાશ્મીરની ઘાટીમાંથી આવે છે.
શ્યામલાલનું કહેવું છે કે આ સિઝન માટે તેઓએ બાગમાલિકોને અગાઉથી ચુકવણી કરી હતી, પરંતુ કોઈએ તેમને સફરજનો મોકલ્યાં નથી.
તેઓ કહે છે, "કાશ્મીર ઘાટીના બાગમાલિકોએ આ સિઝનમાં અમારી પાસેથી અગાઉથી પૈસા લીધા હતા, પરંતુ અમારી પાસે ફળોની એક પણ ટ્રક આવી નથી."
"અમારા પૈસા ફસાયેલા છે. પહેલી સમસ્યા એ છે કે અમે તેમનો સંપર્ક કરી શકતા નથી. જો અમારી વાત થાય તો પણ તેઓ કહે છે કે ત્યાંની સ્થિતિ સારી નથી અને તેમની અવરજવર પર રોક છે."
આવી સ્થિતિમાં પ્રતિ કિલોગ્રામ સફરજન 50થી 70 રૂપિયા સુધી વેચાઈ રહ્યાં છે. પરંતુ અહીંની બજારોને ઘાટીના ગુણવત્તાવાળાં સફરજનનો ઇંતેજાર છે.
શ્યામલાલને આશા છે કે ઘાટીમાં સ્થિતિ સારી થશે અને તેમને ફસાયેલા પૈસા અને માલ પરત મળી જશે.

નાના વેપારીઓનું શું થશે?

રાજ્યની બહારના લોકો રોકાણ કરવા માટે લાંબા સમયથી જમ્મુ પર મીટ માંડીને બેઠા છે અને ઘણા સમયથી વિવિધ પરિયોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે.
અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કેટલાક સ્થાનિક વેપારીઓ પરેશાન છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ વિધાનપાર્ષદ અને ભાજપના વરિષ્ઠ નેતા વિક્રમ રંધાવાને લાગે છે કે ઘણા વેપારીઓ બજારના મોટા ખેલાડીઓ સામે ટકી નહીં શકે.
તેઓ કહે છે, "જમ્મુમાં બહુ મોટા વેપારીઓ નથી, પરંતુ સાચું એ છે કે તેમના મનમાં એ ડર છે કે તેઓ મોટા ખેલાડીઓનો સામનો નહીં કરી શકે."
"ભારે ઉદ્યોગોના માલિકો પહેલેથી બહારના છે. અહીં બહારના લોકો જ મોટું રોકાણ કરશે. સ્થાનિકોને ખબર નથી કે તેઓ એ સ્થિતિનો કેવી રીતે સામનો કરશે."
"અમે તેમનો મુકાબલો પણ ન કરી શકીએ. અમારી પાસે એટલા પૈસા કે સંસાધન નથી."
વિક્રમ એક ક્રશિંગ યુનિટના માલિક પણ છે. જ્યારે ફોર લેનની સડક પરિયોજના આવી તો તેઓ બહુ ખુશ થયા.
તેમને લાગ્યું કે તેમનો વેપાર વધશે, પણ હવે તેમનો વિચાર બદલાઈ ગયો છે.
તેમણે કહ્યું, "કમનસીબે જે લોકોને ફોર લેનની સડક પરિયોજનાનો કૉન્ટ્રેક્ટ મળ્યો છે, તેઓ ખુદ ક્રશિંગ યુનિટ ખરીદીને લાવ્યા હતા."
"માત્ર ક્રશિંગ યુનિટ જ નહીં, બહારથી મજૂરો પણ લાવ્યા છે. અમે નિરાશ થયા છીએ કે વિકાસની યોજનામાં અમારું કોઈ યોગદાન નથી."

ડોગરા સમુદાયની ચિંતા

જમ્મુના સ્થાનિક ડોગરા હાલમાં તો સરકારના નિર્ણયથી ખુશ છે, પરંતુ તેઓ ઇચ્છે છે કે અનુચ્છેદ 371 જેવી વ્યવસ્થા જમ્મુ-કાશ્મીરમાં પણ હોવી જોઈએ. જેથી યુવાઓનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે.
યુવા ડોગરા નેતા તરુણ ઉપ્પલ કહે છે કે સરકારે કંઈક એવી જોગવાઈ કરવી જોઈએ, જેથી સ્થાનિક લોકોનું ભવિષ્ય સુરક્ષિત રહે.
તેમને લાગે છે કે અનુચ્છેદ 370 ખતમ કર્યા બાદ સરકારે બંધારણનો અનુચ્છેદ 371 રાજ્યમા લાગુ કરવો જોઈએ, જેથી સ્થાનિક લોકોની સામાજિક સુરક્ષા જળવાઈ રહે.

બંધારણનો અનુચ્છેદ 371 પૂર્વોત્તરનાં ઘણાં રાજ્યોમાં લાગુ છે, જે અંતર્ગત રાજ્યોને વિશેષ જોગવાઈ આપવામાં આવેલી છે.
તેઓ અન્ય રાજ્યોથી ઘણાં પછાત હતાં અને સમય પ્રમાણે તેમનો યોગ્ય વિકાસ ન થવાથી આ વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. સાથે જ આ અનુચ્છેદ તેમની જનજાતીય સંસ્કૃતિને પણ રક્ષણ આપે છે. તેમજ સ્થાનિક લોકોને નોકરીઓની તક આપે છે.
અનુચ્છેદ 371માં જમીન અને પ્રાકૃતિક સંસાધનો પર સ્થાનિક લોકોના વિશેષાધિકારની વાત કરવામાં આવી છે.
મિઝોરમ, નાગાલૅન્ડ, મેઘાલય, સિક્કિમ અને મણિપુરમાં અનુચ્છેદ 371 લાગુ છે અને બહારના લોકોને અહીં જમીન ખરીદવાની પરવાનગી નથી.
જમ્મુના ઘણા લોકોનું માનવું છે કે અનુચ્છેદ 370 નાબૂદ કર્યા બાદ બહારના લોકોને ત્યાં ખનીજ અને અન્ય પ્રાકૃતિક સંસાધનો લૂંટવાનો મોકો મળશે.

સ્થિતિ બદલાશે

સુનીલ પંડિતા એક કાશ્મીર પંડિત છે. ત્રણ દશકા પહેલાં તેઓ કાશ્મીરથી આવીને જમ્મુમાં વસ્યા હતા. પંડિતા કહે છે કે જમ્મુમાં પહેલાંથી જ બહારના ઘણા લોકો રહે છે.
તેઓ કહે છે, "કાશ્મીરી પંડિતોથી લઈને પ્રવાસી મજૂરો સુધી. શહેર પર પહેલાંથી જ ભાર વધી રહ્યો છે. બહારના લોકો માટે અમે તૈયાર નથી. સરકારના આ નિર્ણયથી સ્થાનિક યુવાઓમાં બેરોજગારી અને ગુનાઓ વધશે."
પરંતુ કાયદાના કેટલાક જાણકારો જુદો અભિપ્રાય ધરાવે છે. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના લોકો માટે બધું જ સારું થવા જઈ રહ્યું છે, ખાસ કરીને જમ્મુ માટે.
તેમનું એ પણ કહેવું છે કે ભારતનું બંધારણ રાજ્યમાં લાગુ ન થવાથી જે વર્ગો (હિંદુ)ને નુકસાન થયું છે, તેની ભરપાઈ થશે અને તેમને પોતાના અધિકાર મળશે.

વરિષ્ઠ વકીલ અંકુર શર્મા કહે છે, "હવે જમ્મુ-કાશ્મીર પણ ધર્મનિરપેક્ષતા તરફ આગળ વધશે. બીજું કે અડધી વસતીને સમાન હક મળી ગયો છે. જનજાતિય સમૂહોને રાજકીય ભાગીદારીમાં મોકો મળશે."
તેઓ કહે છે, "ઘણી યોજનાઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ નહોતી કરાઈ શકી. જેમ કે શિક્ષણનો અધિકાર, વન અધિકાર કાનૂન અને મહિલાઓ માટે અનામતની યોજના."
"હવે ભારતીય બંધારણ લાગુ થતાં તેમના માટે નવા રસ્તા ખૂલશે. તેમાં એ હિંદુઓનો પણ સમાવેશ થશે જેઓ 1947માં પાકિસ્તાનમાં હિંસાનો ભોગ બની ભારત આવ્યા હતા."
રાજ્યમાં નવી કાનૂન વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે. આ બદલાવનો સંકેત છે અને સ્થાનિક લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે કે શું રાજ્ય એક કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે કે પછી તેને રાજ્યનો દરજ્જો મળશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














