INDvsSA : એ પાંચ કારણો, જેના લીધે ડેવિડ મિલરની ઝંઝાવતી સદી પણ આફ્રિકાને જિતાડી ન શકી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિધાંશુકુમાર
- પદ, ખેલ પત્રકાર, બીબીસી માટે

- ભારત- 237/3
- કેએલ રાહુલ - 57 સૂર્યકુમાર - 61, વિરાટ કોહલી - 49
- દક્ષિણ આફ્રિકા - 221/3
- ડી કૉક- 69, ડેવિડ મિલર - 106

ગુવાહાટીમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 16 રનનથી હરાવ્યું છે. બેટિંગ માટે મદદરૂપ પીચ પર બંને ટીમો ખૂબ રન કર્યા હતા.
ભારતે કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવની ઇનિંગની મદદથી 237 રન કર્યા હતા. જવાબમાં નબળી શરૂઆત બાદ પણ દક્ષિણ આફ્રિકાએ 221 રન કર્યા હતા.
ડેવિડ મિલરે ઝંઝાવાતી ઇનિંગ ખેલી અને અણનમ 106 રન બનાવ્યા, જોકે તેમની સદી પણ દક્ષિણ આફ્રિકાને જિતાડી ન શકી.
તો એ કારણોની ચર્ચા કરીએ, જેના લીધે ભારત સતત બીજી મૅચ જીતીને સિરીઝ પર કબજો મેળવી લીધો છે.

1. સૂર્યકુમાર

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/GALLO IMAGES/GETTY IMAGES
સૂર્યકુમાર 61 રન પર રમી રહ્યા હતા અને બૉલિંગના છેડે ઊભા હતા. વિરાટ કોહલીએ ડ્રાઇવ શૉટ ફટકાર્યો, પરંતુ કવરમાં ઊભેલા બાવુમાએ બૉલ રોકી લીધો. કોહલીની નજર બૉલ પર હતી, એવા સમયે સામેની બાજુએથી દોડીને સૂર્યકુમાર તેમની બાજુ આવી ગયા હતા.
બંને બૅટ્સમૅનમાંથી કોઈ એક જ બચી શકે તેમ હતું- કૉમેન્ટેટરે ટીવી પર કહ્યું કે જાણે કે સૂર્યકુમાર ઇશારો કરીને વિરાટને પૂછી રહ્યા હોય કે શું તેઓ સામા છેડે દોડીને પોતાની વિકેટની કુરબાની આપશે.
આ પળ થોડીક સેકન્ડની હતી, એટલામાં સૂર્યકુમાર પાછા પોતાની ક્રીઝ તરફ દોડ્યા, એ જાણતા હતા કે હવે તેઓ રનઆઉટ થઈ ગયા છે.
બાદમાં બીજા કૉમેન્ટેટરે સુનીલ ગાવસ્કરને પૂછ્યું કે આવી સ્થિતિમાં બૅટ્સમૅન શું કરે, તો ગાવસ્કરે કહ્યું કે સામાન્ય રીતે જે બૅટ્સમૅન ઉત્તમ હોય એ જ ક્રીઝ પર રહે છે અને જરૂર પડે તો બીજો બૅટ્સમૅન તેને બચાવવા માટે રનઆઉટ થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું સેકન્ડના દસમા ભાગની આ લડાઈ વર્ચસ્વની હતી, ભારતીય ટીમના નંબર વન બૅટ્સમૅનના બેતાજ બાદશાહની હતી? ગાવસ્કરે કહ્યું કે કોહલીએ યોગ્ય જ કર્યું, કેમ કે તેઓ સારું રમી રહ્યા હતા અને તેમની સરેરાશ 175 આસપાસની હતી.
કોહલી લગભગ એક દશકથી ભારતીય ટીમના નંબર વન બૅટ્સમૅનની ગાદી પર બેઠા હતા, પરંતુ કમસે કમ ટી-20માં બીજા બૅટ્સમૅન આના પર દાવા કરવા લાગ્યા છે. આ નવા ખેલાડીઓમાં સૌથી આગળ સૂર્યકુમાર યાદવનું નામ લેવામાં આવે છે.
છેલ્લા એક વર્ષથી સૂર્યકુમાર આક્રમક બેટિંગ માટે આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયા છે અને રવિવારે તેમણે પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
22 બૉલમાં 61 રનની સાથે તેમણે ટી-20માં 1000નો આંકડો પાર કર્યો અને 18 બૉલમાં અર્ધસદી કરીને કોઈ ભારતીય દ્વારા ત્રીજી સૌથી વધુ ઝડપી ફિફ્ટીનો રેકૉર્ડ બનાવ્યો.
અગાઉ યુવરાજસિંહે 12 બૉલમાં અને ગૌતમ ગંભીરે 18 બૉલમાં આ મુકામ હાંસલ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચમાં સૂર્યકુમાર યાદવની આ સતત ત્રીજી અર્ધસદી હતી.
મૅચના અંતમાં ભારતની જીતનું અંતર માત્ર 16 રનનું રહ્યું. આ દર્શાવે છે કે સૂર્યકુમારની 275ની સ્ટ્રાઇક રેટ કેટલી મહત્ત્વની હતી અને એ પણ સવાલ છે કે જો તેઓ અંત સુધી રમતા તો ભારતનો સ્કોર વધુ મોટો હોત?

2. 'વિન્ટેજ' કેએલ રાહુલની વાપસી

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/GETTY IMAGES
કેએલ રાહુલ ઈજા બાદ વાપસી કરી રહ્યા છે અને તેમની બેટિંગમાં એ ફ્લો નથી દેખાતો જેના માટે તેઓ જાણીતા છે.
છેલ્લી મૅચમાં પણ તેમણે 51 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ 56 બૉલ રમ્યા હતા, અને કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ તેમની ધીમી બેટિંગની ટીકા પણ કરી હતી.
પરંતુ રવિવારે રાહુલે ઉત્તમ અડધી સદી ફટકારીને કદાચ તમામ ટીકાઓને ભૂંસી નાખી.
રાહુલે મૅચના પહેલા જ બૉલે ચોગ્ગો ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. ઇનિંગ્સમાં મોટા ભાગે કેએલ રાહુલ બૅકફૂટ પર બેટિંગ કરી રહ્યા હતા અને કાંડાની કરામતથી તેમણે રનની ઝડી વરસાવી હતી.
તેમણે માર્કરમના બૉલ પર લૉંગ ઑન પર સિક્સ ફટકારીને ફિફ્ટી પૂરી કરી હતી, જોકે પછીની ઓવરમાં તેઓ આઉટ થઈ ગયા હતા.

3. રોહિત અને કોહલી પણ ચમક્યા

ઇમેજ સ્રોત, STU FORSTER/GETTY IMAGES
જોકે આ બંને સિનિયર બૅટ્સમૅનોએ અડધી સદી ન નોંધાવી, પરંતુ બંનેએ ફરી એક વાર પોતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. રોહિત શર્મા 43 રન બનાવીને મોટો શૉટ રમવાના પ્રયાસમાં આઉટ થયા હતા, પરંતુ તેમણે રાહુલ સાથે મળીને ભારતીય ઇનિંગ્સનો મજબૂત પાયો નાખ્યો હતો.
રોહિત શર્મા સતત રન બનાવી રહ્યા હોવાથી ભારતીય ચાહકો તેમના ફૉર્મથી ચિંતિત નથી, પરંતુ વિરાટ કોહલીએ જે રીતે ફરી તેમની ઇનિંગ્સને સજ્જ કરી છે, તેનાથી કોચ અને તમામ ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો હશે.
કોહલી પણ જૂના ફૉર્મમાં જોવા મળી રહ્યા છે. જોકે તેમણે ધીમી શરૂઆત કરી હતી અને બાદમાં ઝડપી રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ બાઉન્ડરી ફટકારીને રનની ગતિ જાળવી રાખી હતી.
કોહલી 49 રને અણનમ રહ્યા અને છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે પ્રતિભા બતાવીને 7 બૉલમાં 17 રન ફટકાર્યા.
ભારતે છેલ્લી 8 ઓવરમાં 124 રન કર્યા, જેમાં સૂર્યકુમાર, કોહલી અને કાર્તિકના રન સામેલ હતા.
ભારતીય બેટિંગના આ ફૉર્મથી કોચ રાહુલ દ્રવિડને આગામી ટી-20 વર્લ્ડકપમાં ઘણા વિકલ્પો મળશે.

4. દક્ષિણ આફ્રિકાની બૉલિંગ વિખેરાઈ

ઇમેજ સ્રોત, PANKAJ NANGIA/GALLO IMAGES/GETTY IMAGES
જો તમે આ મૅચમાં દક્ષિણ આફ્રિકાના પેસર્સની લાઇન અને લૅન્થના નકશા પર નજર નાખો, તો ખબર પડશે કે તેમણે આખી પીચમાં બૉલિંગ કરી અને ચોક્કસ લાઇન અથવા લેન્થને નિયંત્રિત ન કરી શક્યા.
આફ્રિકાના ઝડપી બૉલરોએ સતત ફુલ ટોસ ફેંક્યા, સૌથી મોટા ગુનેગાર રહ્યા વેઈન પાર્નેલ. ભારતીય બૅટ્સમૅનએ નબળી બૉલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા.
ભારતીય બૅટ્સમૅનએ 20 ઓવરમાં 13 છગ્ગા અને 25 ચોગ્ગા ફટકાર્યા.
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર ડેલ સ્ટેને પણ કહ્યું કે માન્યું કે મેદાનમાં ખૂબ ભેજ હતો અને ખેલાડીઓ પરસેવાથી નીતરતા હતા, આથી તેઓ બૉલને યોગ્ય રીતે પકડી શકતા નહોતા, પરંતુ આ પ્રકારની બૉલિંગ તેઓ પોતે પણ નિરાશ થયા હશે.

5. બાવુમાની બેટિંગ

ઇમેજ સ્રોત, Getty Images
સાઉથ આફ્રિકન મીડિયામાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે શું બાવુમાનું આ ટીમમાં કોઈ સ્થાન છે અને શા માટે શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા રીઝા હૅન્ડ્રીક્સને મોકો નથી મળતો?
કૅપ્ટન ટેમ્બા બાવુમા સિરીઝની પહેલી મૅચમાં પણ સ્કોર કરી શક્યા નહોતા અને 0 રને આઉટ થયા હતા. બીજી મૅચમાં પણ તેઓ ખાતું ખોલી શક્યા નહોતા. એટલે સુધી કે દીપક ચહરની પ્રથમ ઓવર પણ મેડન કાઢી હતી.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સના બીજા હાફમાં મિલર અને ડી કક જે રીતે બેટિંગ કરી રહ્યા હતા, તેમને બાવુમા દ્વારા ખાલી કાઢેલા સાત બૉલ બહુ ખટક્યા હશે.
દક્ષિણ આફ્રિકાએ છેલ્લા 18 બૉલમાં 57 રન કર્યા અને માત્ર 16 રનથી મૅચ હાર્યું. મિલર જે ફૉર્મમાં રમી રહ્યા હતા, એ જોતા લાગતું હતું કે તેમને વધુ એક ઓવર મળી હોત તો રન સરળતાથી બની શક્યા હોત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













