ભારતીયો જીવનું જોખમ ખેડીને પણ અમેરિકા કેમ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બર્નેડ ડેબ્યૂસમૅન જુનિયર
- પદ, બીબીસી ન્યૂઝ

- ઑક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધી, એક વર્ષમાં ભારતીય મૂળના રેકર્ડ 16,290 લોકોને મૅક્સિકોની બૉર્ડર પરથી અમેરિકાએ કસ્ટડીમાં લીધા છે
- સામાન્યપણે અમેરિકા-મૅક્સિકો બૉર્ડર પાર કરવા માટે 'સ્મગલિંગ સર્વિસ'નો ઉપયોગ કરવામાં આવે છે
- ઘણા લોકો સારાં જીવન માટે અમેરિકાને પોતાનો 'અંતિમ ગેટવે' સમજે છે
- ઉત્પીડનના કારણે આવનારામાં મુસ્લિમ, ખ્રિસ્તી અને 'પછાત જાતિ'ના હિંદુ અને એલજીબીટી સમુદાયના લોકો છે જેમને પોતાની વિરુદ્ધ હિંસાનો ખતરો હોય છે

જશ્નપ્રીતસિંહ માટે પંજાબમાં એક રૂઢિવાદી વાતાવરણમાં રહેવું ઘણું મુશ્કેલ હતું, કારણ કે તેઓ સમલૈંગિક છે.
34 વર્ષીય સિંહ કહે છે કે જાલંધરમાં તેમને દરરોજ ભેદભાવનો સામનો કરવો પડતો હતો. તેમના પાડોશીએ તેમની સાથે મારઝૂડ કરી અને પરિવારજનોએ પણ તેમને તિરસ્કૃત કર્યા. પરંતુ ગત વર્ષે જે થયું તે ખૂબ ખરાબ હતું.
તેઓ જણાવે છે કે, "15થી 20 લોકોએ મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. હું ત્યાંથી જીવ બચાવીને ભાગ્યો, પરંતુ મારા શરીરનાં અંગો કાપી નાખવામાં આવ્યાં."
હુમલામાં સિંહે પોતાનો હાથ ગુમાવી દીધો. તેમના અંગૂઠા પર પણ ગંભીર ઈજા થઈ. સિંહ ત્યાંથી નાસી છૂટ્યા બાદ તુર્કી અને ફ્રાન્સ થઈને અમેરિકાના કૅલિફોર્નિયા પહોંચ્યા.
તેમણે લગભગ 12,800 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો અને મૅક્સિકો બૉર્ડરને પાર કરીને અમેરિકામાં પ્રવેશ્યા.
આવું કરનારા તેઓ એકલા નથી. વર્ષોથી ભારતથી ગેરકાયદેસર મુસાફરો અમેરિકા પહોંચી રહ્યા છે. તેની સંખ્યા ખૂબ વધારે નથી પરંતુ સ્થિર છે. દરે મહિને અમુક ડઝનથી માંડીને સેંકડોની સંખ્યામાં લોકો અમેરિકા આવે છે.

અમેરિકા જવાનું શું છે કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ વર્ષે આ સંખ્યામાં વધારો થયો છે. ઑક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધી પાછલા એક વર્ષમાં ભારતીય મૂળના રેકૉર્ડ 16,290 લોકોને મૅક્સિકોની બૉર્ડર પરથી અમેરિકાએ કસ્ટડીમાં લીધા છે.
આ પહેલાં સૌથી વધુ સંખ્યા 2018માં રેકૉર્ડ કરાઈ હતી જ્યારે 8,997 લોકો અમેરિકા આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાણકારોનું માનવું છે કે ઘણાં કારણોથી ભારતથી આ લોકો અહીં આવે છે. તેમાં સૌથી મુખ્ય કારણ ભેદભાવનો વધતો જતો માહોલ અને મહામારીના કારણે લદાયેલા પ્રતિબંધો ખતમ થવા. આ સિવાય લોકોને લાગે છે કે અમેરિકાની સરકાર શરણાર્થીઓને આવવા દે છે અને સ્મગલિંગનાં જૂનાં નેટવર્ક ફરીથી સક્રિય થયાં છે.
ટેક્સાસ અને કૅલિફોર્નિયામાં ભારતીય લોકો માટે કેસ લડી ચૂકેલા દીપક આહલુવાલિયાનું માનવું છે કે અમુક ગેરકાયદેસર મુસાફરો આર્થિક કારણોથી અમેરિકા આવે છે અને ઘણા લોકો પોતાના દેશમાં ઉત્પીડનથી પરેશાન થઈને.
ઉત્પીડનના કારણે આવનારામાં મુસ્લિમ, ખ્રિસ્તી અને 'પછાત જાતિ'ના હિંદુ અને એલજીબીટી સમુદાયના લોકો છે જેમને પોતાની વિરુદ્ધ હિંસાનો ખતરો હોય છે.
આમાં એવા લોકો પણ સામેલ છે કે જે પંજાબમાં 'અલગાવવાદી આંદોલન' સાથે જોડાયેલા છે કે પછી વર્ષ 2020થી શરૂ થયેલાં પ્રદર્શનોને કારણે ગભરાયેલા છે. આંતરરાષ્ટ્રીય સુપરવાઇઝરનું કહેવું છે કે આ સમુદાયોની પરિસ્થિતિ હાલનાં વર્ષોમાં ખરાબ થઈ છે.

મુશ્કેલ નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
સિંહ કહે છે કે દેશ છોડવાનો નિર્ણય તેમના માટે સરળ નહોતો. તેમણે પહેલાં ભારતમાં જ બીજા શહેરમાં શિફ્ટ થવાનું વિચાર્યું હતું, પરંતુ તેમને બીક હતી કે તેમની સાથે પણ આવો જ વ્યવહાર કરાશે.
તેઓ કહે છે કે, "ગે લોકો માટે માહોલ સારો નથી. વર્ષ 2018માં ભારતમાં સમલૈંગિક યૌનસંબંધોને અપરાધની શ્રેણીથી બહાર કરી દેવાયા છે. પરંતુ સજાતીય લગ્ન કરવાં એ હજુ પણ ગેરકાયદેસર છે."
તેમના ભાઈએ તેમને એક 'ટ્રાવેલ એજન્સી'નો સંપર્ક કરાવ્યો, જે એક જટિલ અને મોંઘા સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે. તેઓ તેમને પહેલાં તુર્કી લઈ ગયા. આમ પણ 'જીવન અત્યંત કપરું' હતું. તે બાદ તેઓ ફ્રાંસ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમને કોઈ કામ ન મળ્યું.
આ સમગ્ર યાત્રામાં છ મહિનાથી વધુ સમય લાગ્યો. અમુક દિવસ બાદ "ટ્રાવેલ એજન્ટ"એ તેમને એક નાના ગ્રૂપ સાથે જોડ્યા જે અમેરિકા જઈ રહ્યું હતું. સિંહ પ્રમાણે આ ગ્રૂપમાં ઘણા પરિવાર હતા.
સિંહ કહે છે કે, "તેમણે ઘણા પૈસા લીધા. ફ્રાંસથી તેઓ કૈંકુન લઈ આવ્યા, ત્યાંથી મૅક્સિકો સિટી અને પછી ઉત્તરની તરફ."

એક મુશ્કેલ સફર

આહલુવાલિયા કહે છે કે સિંહ જેવા ઘણા લોકો સારા જીવન માટે અમેરિકાને પોતાનો 'અંતિમ ગેટવે' સમજે છે.
પરંતુ આટલું લાંબું અંતર કાપવું ખૂબ મુશ્કેલ હોય છે. સામાન્યપણે અમેરિકા-મૅક્સિકો બૉર્ડર પાર કરવા માટે 'સ્મગલિંગ સર્વિસ'નો ઉપયોગ કરવામાં આવે છે. યાત્રા ભારતથી દક્ષિણ અમેરિકાની હોય છે.
સમગ્ર રસ્તે આ લોકો નાનાં ગ્રૂપમાં યાત્રા કરે છે, એકબીજાની ભાષા સમજનારા લોકો સાથે હોય છે. સામાન્યપણે તેમને સમગ્ર રસ્તે કોઈ ગાઇડ કરતું રહે છે.
આ નેટવર્કની શરૂઆત ભારતમાં "ટ્રાવેલ એજન્ટ"થી થાય છે અને યાત્રાનો ભાગ લૅટિન અમેરિકાનાં 'ક્રિમિનલ સમૂહો'ના હાથમાં આપી દેવાય છે.
વૉશિંગટનમાં રહેનારાં જેસિકા બોલ્ટર માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટમાં ઍનાલિસ્ટ છે. તેમના અનુસાર ભારતથી આવનારા લોકોની સંખ્યા એટલા માટે પણ વધી રહી છે કે અહીં પહોંચવામાં સફળ રહેલા સંબંધીઓ અને મિત્રો તેમને અહીં બોલાવી લે છે.
તેઓ કહે છે કે, "આનું પ્રમાણ વધતું જાય છે અને વધુ ગેરકાયદેસર મુસાફરો આવવા લાગે છે. જોકે આવું ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનો દેશ છોડવા માગે છે."
પંજાબના 20 વર્ષના મનપ્રીતે પોતાની અટક ન છાપવાની શરતે અમારી સાથે વાત કરી. સત્તાધારી ભાજપના ટીકાકાર મનપ્રીતની વાત માનીએ તો તેમને તેમની રાજકીય વિચારધારાના કારણે પ્રતાડિત કરવામાં આવ્યા, જેના કારણે તેઓ દેશ છોડવા માટે મજબૂર થયા.
તેઓ કહે છે કે, "ઇક્વાડરથી બસ લઈને હું કોલંબિયા પહોંચ્યો અને ત્યાંથી પનામાની બસ લીધી. ત્યાંથી એક બોટથી હું નિકારાગુઆ અને ગ્વાટેમાલા અને પછી મૅક્સિકો પહોંચ્યો અને ત્યાંથી અમેરિકામાં દાખલ થયો."
ટ્રિપ દરમિયાન એક સ્મગલર તેમને ગાઇડ કરતા રહે છે. જોકે, તેઓ કહે છે કે તેમ છતાં રસ્તામાં ઘણા ખતરા છે, જેમ કે ચોરી, લૂંટ, સ્થાનિક ગૅગ અને ભ્રષ્ટ અધિકારીઓની ઉઘરાણી, ખરાબ વાતાવરણ, ઈજા અને બીમારી.
વર્ષ 2019માં જ્યારે એક છ વર્ષની પંજાબની બાળકીનું એરિઝોનાના રણમાં મૃત્યુ થયું ત્યારે આ જોખમની વાત પ્રકાશમાં આવી હતી. આ સમાચારની ભારતમાં ખૂબ ચર્ચા થઈ. બાદમાં એવી પણ જાણકારી સામે આવી કે તેનું મૃત્યુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં થયું હતું. ત્યારે તેમનાં માતા એક અન્ય ગ્રૂપ સાથે પાણીની શોધમાં ગયાં હતાં.

એક અનિશ્ચિત શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા પહોંચ્યા બાદ સિંહ જેવા અપ્રવાસી શરણ માટે આવેદન કરે છે. મોટા ભાગે આની શરૂઆત 'ક્રેડિબલ ફીયર ઇન્ટરવ્યૂ'થી થાય છે જેમાં તેમને અધિકારીઓને વિશ્વાસ અપાવવાનો હોય છે કે તેમને પ્રતાડિત કરાયા હતા અને તેઓ દેશ છોડવા માટે મજબૂર થયા.
આહલુવાલિયા કહે છે કે, "પ્રથમ પગલું ખૂબ જરૂરી હોય છે. જો ત્યાં ઑફિસરને લાગે કે તમને કોઈ પ્રકારનો વાજબી ડર નહોતો, તો તમારો કેસ આગળ નહીં વધે. આ ખૂબ ખરાબ પરિસ્થિતિ હોય છે."
જો ઑફિસરને લાગે કે ડર વાજબી છે તો પછી શરણ ઇચ્છી રહેલા લોકોને એક ઇમિગ્રેશન જજ સામે રજૂ થવું પડે છે જે તેમની માગણી પર વિચાર કરે છે. આ એક લાંબી પ્રક્રિયા છે. તેમાં વર્ષો રાહ જોવી પડે છે. તે બાદ પણ પરિણામો હકારાત્મક હશે તેની ગૅરંટી નથી હોતી.
સિંહ જૂનના અંતથી અમેરિકામાં છે. આ સમયે તેઓ વકીલને આપવા માટે પૈસા બચાવી રહ્યા છે. તેઓ લાંબા સમય સુધી અમેરિકામાં રહી શકશે કે કે નહીં તેની કોઈ ગૅરંટી નથી, પરંતુ તેમનું માનવું છે કે તેમની પાસે મોજૂદ બીજા વિકલ્પો કરતાં આ સારું છે.
તેઓ કહે છે કે, "મને હંમેશાં પોતાના જીવનો ખતરો રહેતો હતો. અહીં આવ્યા બાદ મને ક્યારેય એવું નથી લાગ્યું."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













