ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના MLA કિરીટ પટેલ સહિતના ઉમેદવાર કેમ હાર્યા?

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી, ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, કિરીટ પટેલ અને દિનેશ પટેલ
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વમાં જીરાના સૌથી મોટા જથ્થાબંધ બજાર તરીકે જાણીતી ઊંઝા એપીએમસીની રસાકસી ભરેલી ચૂંટણીમાં મંગળવારે પરિણામ આવ્યાં હતાં, જેમાં ભાજપની પેનલનો પરાજય થયો છે.

ઊંઝાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલ અને પાર્ટીએ જેમને ચૂંટણી લડવાનો મૅન્ડેટ આપ્યો હતો તેવા સાત અન્ય સહકારી આગેવાનોનો પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવારો કુલ ચૌદમાંથી છ સીટ પર વિજેતા થયા છે, જ્યારે અન્ય આઠ બેઠક પર અન્ય ઉમેદવારોનો વિજય થયો હતો.

આ સંજોગોમાં ગત છ વર્ષથી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહેલા દિનેશભાઈ પટેલ ફરી એક વાર અધ્યક્ષ બને તેવી શક્યતા સહકારી આગેવાનો જોઈ રહ્યા છે.

સામાન્ય રીતે સહકારક્ષેત્રે ચૂંટણી ન યોજવી પડે અને બિનહરીફ ચૂંટણી થાય તે માટે પ્રયાસો થતા હોય છે, પરંતુ ઊંઝા એપીએમસીની જાહેરાત સાથે સંઘર્ષનાં એંધાણ મળી ગયાં હતાં.

ઊંઝાની ચૂંટણી અને મતદાન

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી, ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ઉત્પાદિત જીરાનો વિશ્વભરના વ્યંજનોમાં વપરાશ થાય છે

ઊંઝા એપીએમસી ઍગ્રિકલ્ચર પ્રૉડ્યૂસ માર્કેટ કમિટી માટે ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા ચોથી ડિસેમ્બરથી ચાલુ થઈ હતી.

આ ચૂંટણી દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કુલ 15 ડિરેક્ટર ચૂંટવાના માટે હતી. તેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વર્ગની ચાર અને સહકારી ખરીદી-વેચાણ ક્ષેત્રની એક સીટનો સમાવેશ થતો હતો.

પોતાના સમર્થકોમાં 'કે.કે. પટેલ' તરીકે જાણીતા ઊંઝા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે ઉમેદવારી કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સિવાય કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહેલા નારણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલ સહિત કુલ 20 ઉમેદવારોએ ખેડૂત વિભાગની 10 સીટ માટે ઉમેદવારી નોંધાવી હતી.

તેવી જ રીતે નારણભાઈ પટેલના ભત્રીજા નરેન્દ્રભાઈ પટેલ સહિત કુલ 16 લોકોએ વેપારી વિભાગની ચાર સીટ માટે ઉમેદવારી નોંધાવી હતી.

દિનેશભાઈ પટેલ 2019 માં પ્રથમ વાર ઊંઝા એપીએમસીની ચૂંટણી લડ્યા હતા અને ખેડૂત વિભાગમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.

દિનેશભાઈ પટેલે વર્તમાન ચૂંટણીમાં સહકારી ખરીદી-વેચાણ વિભાગની એક માત્ર સીટ પર પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

9મી ડિસેમ્બરે ઉમેદવારી પાછી ખેંચી લેવાનો છેલ્લો દિવસ હતો, ત્યાં સુધીમાં સહકારી ખરીદ-વેચાણ વિભાગની સીટ પર અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા દિનેશભાઈ નિર્વિરોધ ચૂંટાયેલ જાહેર કરાયા હતા.

બાકીની 14 સીટ માટે સોમવારના (16 ડિસેમ્બર) રોજ મતદાન યોજાયું હતું. ઊંઝા તાલુકાનાં ગામોમાં આવેલા અને ઊંઝા એપીએમસી સાથે સંકળાયેલી ખેડૂતોની 29 પ્રાથમિક મંડળીના 261 પ્રતિનિધિઓ ખેડૂત વિભાગ માટે મતદાતા તરીકે નોંધાયેલ હતા.

તેવી જ રીતે, ઊંઝા એપીએમસીમાં ખરીદીનું લાઇસન્સ ધરાવતા 805 વેપારીઓ વેપારી વિભાગમાં મતદાતા તરીકે નોંધાયેલા હતા.

સોમવારે યોજાયેલ મતદાન દરમિયાન ખેડુત વિભાગના 261માંથી 258 મતદાતાઓએ મતદાન કરતા 98. 85 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તેવી જ રીતે, વેપારી વિભાગમાં 805 મતદાતાઓમાંથી 782એ મતદાન કરતા 97.14 ટકા મતદાન નોંધાયું હતું.

સ્થાનિક સહકારી ક્ષેત્રની ચૂંટણીનું મહત્ત્વ કેમ વધ્યું?

વીડિયો કૅપ્શન, India village award: બેલા ગ્રામ પંચાયતને રાષ્ટ્રપતિ તરફથી કાર્બન ન્યુટ્રલ એવોર્ડ કેવી રીતે મળ્યો?

આમ તો ગુજરાતમાં સહકારી સંસ્થાઓની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના ચિહ્ન પર લડાતી નથી અને સામાન્ય રીતે સહકારી આગેવાનો પક્ષગત રાજકારણને કૉ-ઑપરેટિવ એકમોથી દૂર રાખવા માટે પ્રયાસ કરતા.

ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો પણ આવી ચૂંટણીઓને 'નાની' ગણીને તેમાં રસ લેતા ન હતા. પરંતુ સહકારી ક્ષેત્ર ખેડૂતવર્ગ સુધી પહોંચ અને પ્રભુત્વ વધારવાનું માધ્યમ જણાતા રાજકીયપક્ષોએ પણ આ ચૂંટણીમાં રસ લેવાનું ચાલુ કર્યું.

છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર કોણ હશે તેવી સ્પષ્ટતા કરવા માટે પાર્ટીએ તેના સત્તાવાર ઉમેદવારોને મૅન્ડેટ (ચૂંટણી લડવાનો અધિકાર) આપવાની પરંપરા ચાલુ કરી છે.

બીબીસીને સત્તાવાર સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ, ભાજપે ખેડૂત વિભાગની 10 સીટ માટે ડાહ્યાભાઈ પટેલ, રમણભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, અંબાલાલ પટેલ, ભગવાનભાઈ પટેલ, પ્રહલાદભાઈ હરગોવનદાસ પટેલ, ધીરેન્દ્રકુમાર પટેલ, કનુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ અને સુપ્રીતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા.

તે જ રીતે, ભાજપે વેપારી વિભાગની બેઠકો માટે કનુભાઈ પટેલ, પ્રહલાદભાઈ મોહનલાલ પટેલ, ભાનુભાઈ જોશી અને વિષ્ણુભાઈ પટેલને ઉમદેવાર જાહેર કર્યા હતા.

પરંતુ, મંગળવારે થયેલી મતગણતરીમાં ખેડૂત વિભાગમાંથી ભાજપની પેનલમાંથી ડાહ્યાભાઈ, રમણભાઈ, ધર્મેન્દ્રભાઈ, હસમુખભાઈ અને સુપ્રીતભાઈ સહિત અડધોઅડધ ઉમેદવારો હારી ગયા.

તેમની સામે તળશીભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ, જયંતીભાઈ વિઠ્ઠલદાસ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ અને લીલાભાઈ પટેલનો વિજય થયો.

ભાજપના ધારાસભ્યનો પરાજય કેમ?

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી ચૂંટણી, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Ketan Patel

ઇમેજ કૅપ્શન, વિજેતા ઉમેદવારના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી

હારનારાઓમાં ધારાસભ્ય કિરીટ પટેલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીમાં તેમને 14 મત મળ્યા હતા અને 'ઔપચારિક રીતે' તેમનો પરાજય થયો હતો.

મહેસાણા ભાજપના સૅક્રેટરી જેસંગભાઈ ચૌધરીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "મૅન્ડેટ આવવામાં મોડું થતા કિરીટ પટેલ તેમની ઉમેદવારી પાછી ખેંચી નહોતા શક્યા અને તેથી તેમનું નામ બૅલેટ પેપર પર હતું."

"પરંતુ તેમણે સોશિયલ મીડિયા અને અખબારોમાં જાહેર કર્યું હતું કે તેઓ સમયમર્યાદા પાછી પણ ફૉર્મ પાછું ખેંચે છે. તેથી, એપીએમસીની ચૂંટણીમાં તેમની હાર એક હાર તરીકે ન જોવાવી જોઈએ."

આ સિવાય વેપારી વિભાગમાંથી પણ કનુભાઈ, પ્રહલાદભાઈ અને ભાનુભાઈની હાર થઈ, જ્યારે નરેન્દ્રભાઈ, અમૃતલાલ પટેલ અને જયંતીભાઈ શંકરલાલ પટેલની જીત થઈ. ભાજપની પેનલમાંથી માત્ર વિષ્ણુભાઈ પટેલનો વિજય થયો.

આ ચૂંટણી સાથે જોડાયેલા ભાજપના એક અગ્રણી કાર્યકર્તાએ તેમનું નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ખેડૂત વિભાગમાં દિનેશભાઈના સમર્થક એવા ભગવાનભાઈ, બળદેવભાઈ, શૈલેશભાઈ, જયંતીભાઈ, રાજેન્દ્રભાઈ, અંબાલાલ, કનુભાઈ, ધીરેન્દ્રભાઈ, પ્રહલાદભાઈ અને લીલાભાઈએ ફૉર્મ ભર્યાં હતાં."

"પાર્ટીએ માત્ર ભગવાનભાઈ, અંબાલાલ, કનુભાઈ, ધીરેન્દ્રભાઈ અને પ્રહલાદભાઈને મૅન્ડેટ આપ્યા અને ચૂંટણી નિર્વિરોધ થાય તેવા ખૂબ પ્રયાસ કર્યાં. તે મુજબ શૈલેશભાઈ, બળદેવભાઈ, જ્યંતીભાઈ, રાજેન્દ્રભાઈ અને લીલાભાઈને ચૂંટણીમાંથી ખસી જવાનું હતું અને દિનેશભાઈના સમર્થકોએ ડાહ્યાભાઈ, રમણભાઈ, ધર્મેન્દ્રભાઈ, હસમુખભાઈ અને સુપ્રીતભાઈને અડધા મત આપવાના હતા."

"પરંતુ, દિનેશભાઈએ તેમના ઉમેદવારો પાછા ન ખેંચ્યા જ્યારે અમારી સાઇડના લોકોએ તેમના ફૉર્મ પાછાં ખેંચી લીધાં. પછી દિનેશભાઈના મતદારોએ તેમના વોટ બીજી સાઇડને ન આપ્યા અને ડાહ્યાભાઈ, રમણભાઈ, ધર્મેન્દ્રભાઈ, હસમુખભાઈ અને સુપ્રીતભાઈનો પરાજય થયો."

સૂત્રે ઉમેર્યું કે વેપારી પેનલમાં પણ એવો જ ઘાટ થયો. તેમણે જણાવ્યું, "માત્ર વિષ્ણુભાઈ કે જે ગત બોર્ડમાં પણ ડિરેક્ટર હતા તેઓ એક જ જીતી શક્યા, જ્યારે અન્ય ઉમેદવારોની દિનેશભાઈ સમર્થિત ઉમેદવારો સામે હાર થઈ."

ભાજપ કાર્યકર્તાએ ઉમેર્યું હતું કે ધારાસભ્ય આ બાબતની ફરિયાદ પાર્ટીના મોવડીમંડળને કરશે.

વિજેતા દિનેશ પટેલ કોણ છે?

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી ચૂંટણી, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Ketan Patel

ઇમેજ કૅપ્શન, વિજયની ઉજવણી કરી રહેલા નરેન્દ્ર પટેલ (ડાબેથી બીજા)

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નારણભાઈ પટેલ લગભગ 17 વર્ષ સુધી ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે રહ્યા હતા. એ પછી તેમના દીકરા ગૌરાંગ પટેલ 2011ની સાલમાં ઊંઝા એપીએમસીના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા હતા અને 2019 સુધી એ પદ પર રહેલા.

ગૌરાંગભાઈનો ચૅરમૅન તરીકે બીજો કાર્યકાળ પૂરો થતા 2019માં દિનેશભાઈ ચૅરમૅન બન્યા હતા.

બીબીસી સાથે વાત કરતા દિનેશભાઈએ આક્ષેપો નકારતા કહ્યું કે બધા વિજેતા ભાજપ સમર્થિત જ છે.

તેમણે જણાવ્યું, "બધા વિજેતા ભાજપ સમર્થિત જ છે. પરંતુ બધાને ચૂંટણી લડવી હોય મૅન્ડેટ આવે તે પહેલાં જ પ્રચાર શરૂ કરી દીધો હતો. તેમને લાગ્યું કે તેમને લોકસમર્થન છે. તેથી અમે મહેનત કરવા છતાં લોકોએ ફૉર્મ પાછાં ન ખેંચ્યાં. એમાં કોઈ શિસ્તભંગ થઈ છે કે નહીં તે જોવું એ પાર્ટીનો વિષય છે."

ત્રેસઠ વર્ષીય દિનેશભાઈ પટેલ ભાજપના અગ્રણી છે અને ખેતી ઉપરાંત તેઓ બાંધકામ અને વૅરહાઉસિંગ (ગોડાઉન) ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

"ઊંઝા એપીએમસીમાં જેટલું કામ આગળના સાઠ વર્ષમાં થયું હતું તેટલું મેં મારા ચૅરમૅન તરીકેનાં પાંચ વર્ષમાં કર્યું છે. હું ચૅરમૅન બન્યો ત્યારે એપીએમસી પાસે 80 કરોડનું ભંડોળ હતું, તે આજે વધીને 153 કરોડ થયું છે."

"વાર્ષિક અવાક પણ બમણી થઈ 37 કરોડ થઈ છે અને પહેલાં 3,500 કરોડનું ઍક્સપૉર્ટ થતું તે આજે વધીને 10,000 કરોડ થયું છે. મેં પ્રયત્ન કર્યાં કે ખેડૂતોને સારું બિયારણ, દવા, વીમા વગેરે મળી રહે. આવાં બધાં કામોથી લોકોને અમારા પર વિશ્વાસ છે."

સ્થાનિક રાજકારણમાં એપીએમસીનું મહત્ત્વ

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી ચૂંટણી, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, IG/riya_aslan

ભાજપના સૅક્રેટરી જેસંગભાઈ કહે છે કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં રસાકસી નવીન વાત નથી. તેઓ કહે છે, "ઊંઝામાં અનેક સક્રિય મંડળીઓ છે, મોટું બજાર છે, ટ્રેડિંગ વૉલ્યૂમ પણ બહુ મોટું છે અને વેપારીઓ પણ મોટા છે."

"તેથી માલની અવાક પણ વધારે થાય છે. ઊંઝા તાલુકામાં આ મોટું બજાર છે. આ વર્ષે થોડો વધારે રસ હતો પણ હવે કોઈ પણ ચૂંટણીમાં લોકો રસ લેતા થઈ ગયા છે."

2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પરાજિત થયેલા કૉંગ્રેસ નેતા અરવિંદભાઈ પટેલ જણાવે છે કે ઊંઝાના રાજકારણમાં આ એપીએમસીનું બહુ મહત્ત્વ છે.

અરવિંદ ભાઈ પટેલના કહેવા પ્રમાણે, "એપીએમસી એવી સંસ્થા છે કે જેનો તમને સ્વતંત્ર વહીવટ કરવા મળે. ભંડોળ હોય તથા અને વેપારીઓ પર નિયંત્રણ રહે. ગંજના વેપારીઓ પાસેથી ચૂંટણીફંડ મળે અને તેમના માણસો તમારી માટે કામ આવે. તેથી, એપીએમસી સ્થાનિક રાજકારણમાં બહુ મોટી ભૂમિકા ભાગ ભજવે છે."

અરવિંદભાઈ કહે છે અને ઉમેરે છે, "અમારા સમર્થનમાં રહેલ મંડળીઓને મતદારયાદીમાંથી બાકાત રાખવામાં આવેલા તેથી કૉંગ્રેસના કોઈ કાર્યકર્તા આ ચૂંટણી લડેલા નહીં. આવી મતદારયાદીને કારણે જ ચાલુ ધારાસભ્ય પણ ચૂંટણી હારી ગયા."

શિસ્તભંગની તલવાર તોળાશે?

ઊંઝા, જીરું, ઊંઝા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ઍગ્રિકલ્ચર માર્કેટ પ્રૉડ્યુસ કમિટી ચૂંટણી, ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ, વિજેતા દિનેશ પટેલ, ભાજપ જૂથબંધી, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Gopal Kateshiya

ઇમેજ કૅપ્શન, જીરુંની હરાજીની ફાઇલ તસવીર

બીબીસીએ ફોને કરી કે.કે. પટેલનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યા પરંતુ તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો.

સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે મહેસાણા લોકસભા સીટ પરથી સાંસદ હરિભાઈ પટેલે પણ એપીએમસીની ચૂંટણીમાં સક્રિય રસ લીધો હતો.

"અંતે પાર્ટીએ દિનેશભાઈ, ધારાસભ્ય, સાંસદ અને નારણભાઈના ગ્રૂપમાંથી અમુક ઉમેદવારોને ચૂંટણી લાડવા માટે મૅન્ડેટ આપ્યો હતો. એક તર્ક એવો પણ હતો કે ચૂંટણી પ્રૅફરેન્શ્યલ વોટથી થવાની હોવાથી વધારે ઉમેદવાર હોય તો ઓછા મતે પણ જીતી શકાય."

નરેન્દ્રભાઈના પિતા કાનજીભાઈ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

નરેન્દ્રભાઈ કહે છે, "ઊંઝા એપીએમસી ખૂબ મોટું ટ્રેડિંગ સેન્ટર છે કે વિધાનસભા અને લોકસભાની સીટના ટ્રૅન્ડ નક્કી કરી શકે છે."

મહેસાણા જિલ્લા ભાજપ એકમના પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે બીબીસીને જણાવ્યું કે પાર્ટીએ ઊંઝા શહેર ભાજપ એકમના મહામંત્રી દીપકકુમાર પટેલ સામે તો કાર્યવાહી કરી પણ દીધી છે.

ગિરીશભાઈના કહેવા પ્રમાણે, "તેમણે વેપારી વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેમના નામનો મૅન્ડેટ પાર્ટીએ આપ્યો ન હતો. આવા સંજોગોમાં એક શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે તેમણે તેમની ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈતી હતી. પરંતુ તેમણે તેમ ન કરતા તેમને મહામંત્રીની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે."

જેસંગભાઈ કહે છે કે શિસ્તભંગની કાર્યવાહી કરવી એ ભાજપના પ્રદેશ મોવડીમંડળનો વિશેષાધિકાર છે અને તે નિર્ણય લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.