વન નેશન, વન ઇલેક્શનઃ આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજવાના ખરડા પાછળની કહાણી

વન નેશન, વન ઈલેક્શન, મોદી સરકાર, ચૂંટણી, ભારતનું ચૂંટણીપંચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

લોકસભામાં સરકારે આજે 'વન નેશન, વન ઇલેક્શન' એટલે કે બધી ચૂંટણીઓ એક સાથે યોજવા માટેનો ખરડો (બિલ) રજૂ કર્યો છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે બંધારણમાં 129મા સુધારાનો ખરડો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂન (સુધારણા) ખરડોને સંસદમાં મૂક્યો.

12મી ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી.

હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાની 'વન નેશન, વન ઇલેક્શન'ની યોજનાને આગળ વધારવાના પગલાં લેવાઈ રહ્યા છે.

બંધારણમાં સુધારણાના બિલને પસાર કરાવવા માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે. જ્યારે બાકીના ખરડા અથવા બિલને સામાન્ય બહુમતથી પણ પસાર કરાવી શકાય છે.

'વન નેશન, વન ઇલેક્શન' પર અત્યાર સુધીમાં શું થયું અને તેને લઈને કેવા વિવાદ છે તે વિશે આ લેખમાં જાણીએ.

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'થી કેવો ચૂંટણી સુધારો થશે?

વન નેશન, વન ઈલેક્શન, મોદી સરકાર, ચૂંટણી, ભારતનું ચૂંટણીપંચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકાર લાંબા સમયથી એવો દાવો કરે છે કે 'વન નેશન, વન ઇલેક્શન' એ ચૂંટણીમાં સુધારાની દિશામાં એક મોટું પગલું છે.

આ વિચારને આગળ ધપાવતા સપ્ટેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળ 'વન નેશન, વન ઇલેક્શન'ની સંભાવના ચકાસવા માટે એક ઉચ્ચ સ્તરિય સમિતિની રચના કરી હતી.

માર્ચ 2024માં આ સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરીને પોતાનો અહેવાલ સોંપ્યો હતો.

આ સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા ગુલામ નબી આઝાદ, 15મા નાણાં પંચના પૂર્વ અધ્યક્ષ એન કે સિંહ, લોકસભાના ભૂતપૂર્વ મહામંત્રી ડૉ. સુભાષ કશ્યપ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી હરીશ સાલ્વે અને ચીફ વિજિલન્સ કમિશ્નર સંજય કોઠારી સામેલ હતા.

આ ઉપરાંત ખાસ આમંત્રિત સભ્ય તરીકે કાયદા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ અને ડૉ. નિતેન ચંદ્ર પણ સમિતિનો હિસ્સો હતા.

191 દિવસના સંશોધન બાદ આ સમિતિએ 18,626 પાનાનો વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. સપ્ટેમ્બર 2024માં વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કૅબિનેટે સમિતિની ભલામણોને મંજૂરી આપી હતી.

ત્યાર પછી 12 ડિસેમ્બરે કેન્દ્રીય કૅબિનેટે 'વન નેશન, વન ઇલેક્શન' સંબંધિત બિલને મંજૂરી આપી દીધી છે, જે તેને કાયદો બનાવવાની દિશામાં એક પગલું ગણી શકાય.

ખરડામાં કેવી ભલામણો છે?

વન નેશન, વન ઈલેક્શન, મોદી સરકાર, ચૂંટણી, ભારતનું ચૂંટણીપંચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનેલી આ સમિતિનું કહેવું છે કે તમામ પક્ષ, નિષ્ણાતો અને સંશોધકો સાથે વાત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 47 રાજકીય પક્ષોએ પોતાના વિચારો સમિતિને જણાવ્યા હતા, જેમાં 32 પક્ષો 'વન નેશન, વન ઇલેક્શન'ના સમર્થનમાં હતા.

રિપોર્ટમાં જણાવાયું કે "15 પક્ષોને બાદ કરતાં બાકીના 32 પક્ષોએ એક સાથે ચૂંટણી કરાવવાને ટેકો આપ્યો હતો અને કહ્યું કે આનાથી સંસાધનોની બચત થશે, સામાજિક તાલમેલ બનાવી રાખવામાં અને આર્થિક વિકાસને વેગ આપવામાં મદદરૂપ બનશે."

  • 1951થી 1967 સુધી એક સાથે ચૂંટણીઓ થઈ હતી: તે સમયે લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી.
  • 1999માં કાયદા પંચનો 170મો અહેવાલ: આ અહેવાલમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ દર પાંચ વર્ષે એકસાથે યોજવી જોઈએ.
  • 2015માં સંસદીય સમિતિનો 79મો રિપોર્ટઃ આ રિપોર્ટમાં બે તબક્કામાં એક સાથે ચૂંટણી કરાવવાની પદ્ધતિ સમજાવવામાં આવી હતી.
  • રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ: આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત ઘણા લોકો પાસેથી ચર્ચા કરી અને સૂચનો મેળવ્યાં.
  • ચૂંટણી પર વ્યાપક ટેકોઃ વાતચીત અને ફીડબૅક પરથી જાણવા મળ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે ઘણું સમર્થન મળ્યું છે.
રામનાથ કોવિંદ સમિતિની ભલામણો

દેશમાં ક્યારે ક્યારે એક સાથે ચૂંટણી યોજાઈ?

વીડિયો કૅપ્શન, One Nation One Election ભારતમાં ખરેખર શક્ય છે? તેની સામે કેવા પડકારો હશે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઝાદી પછી 1951-52માં ભારતમાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. તે સમયે લોકસભાની ચૂંટણીની સાથે 22 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા લગભગ 6 મહિના સુધી ચાલી હતી.

પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 489 લોકસભાની બેઠકો માટે 17 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. આજે ભારતમાં મતદારોની સંખ્યા લગભગ 100 કરોડ થઈ ગઈ છે.

1957, 1962 અને 1967ની ચૂંટણીમાં પણ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એકસાથે થઈ હતી.

જોકે, આ દરમિયાન પણ કેટલાંક રાજ્યોમાં અલગ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમકે 1955માં આંધ્ર રાષ્ટ્રમ (જે પાછળથી આંધ્ર પ્રદેશ બન્યું), 1960-65માં કેરળ અને 1961માં ઓડિશામાં માં અલગ વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી.

1967 પછી કેટલાંક રાજ્યોની વિધાનસભાઓ ઝડપથી વિસર્જન કરવામાં આવી હતી અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું.

આ ઉપરાંત 1972માં લોકસભાની ચૂંટણી નિર્ધારિત સમય કરતાં પહેલાં યોજાઈ હતી, જેના કારણે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનું ચક્ર અલગ થઈ ગયું.

1983માં ચૂંટણી પંચે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારને એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જોકે, તે વખતે આ દરખાસ્તનો અમલ થઈ શક્યો ન હતો.

'વન નેશન, વન ઇલેક્શન' પર મતમતાંતર

વન નેશન, વન ઈલેક્શન, મોદી સરકાર, ચૂંટણી, ભારતનું ચૂંટણીપંચ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

કેન્દ્ર સરકારનો દાવો છે કે 'વન નેશન, વન ઇલેક્શન' ચૂંટણી સુધારાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

સરકારનું માનવું છે કે આનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, વિકાસ કાર્યોમાં વેગ આવશે અને સરકારી કર્મચારીઓને વારંવાર ચૂંટણી ફરજમાંથી મુક્તિ મળશે.

જોકે, વિરોધપક્ષો તેમાં ઘણી ખામીઓ ગણાવે છે. તેમનું કહેવું છે કે તે બંધારણના સમવાય માળખાની વિરુદ્ધ છે.

'વન નેશન, વન ઇલેક્શન'ના ટેકામાં ચૂંટણી ખર્ચનો ખાસ તર્ક આપવામાં આવે છે. પરંતુ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસ વાય કુરેશી એનાથી સહમત નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ભારતમાં ચૂંટણી યોજવામાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જે બહુ મોટો ન કહેવાય. આ ઉપરાંત રાજકીય પક્ષોના લગભગ 60 હજાર કરોડના ખર્ચની વાત છે. આ સારું છે કારણ કે તેનાથી નેતાઓ અને રાજકીય પક્ષોના રૂપિયા ગરીબો સુધી પહોંચે છે."

એસ વાય કુરેશીનું માનવું છે કે સરકારે ચૂંટણી ખર્ચ ઘટાડવા માટે બીજા નક્કર પગલાં લેવાં જોઈએ જે વાસ્તવમાં અસરકારક હોય.

એસ વાય કુરેશી મુજબ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિને 47 રાજકીય પક્ષોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમાંથી 15 દળોએ તેને લોકશાહી અને બંધારણના માળખાની વિરુદ્ધ ગણાવ્યું હતું.

આ ઉપરાંત ઘણા પક્ષોએ સવાલ ઉઠાવ્યો છે કે આનાથી નાની પાર્ટીઓ માટે મુશ્કેલીઓ પેદા થઈ શકે છે અને લોકતંત્રની વિવિધતાને નુકસાન થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.