'અમને લાગ્યું કે આ તો એક બૉલ છે' - ભારતના આ રાજ્યમાં બૉમ્બથી બાળકો મરી રહ્યાં છે અને અપંગ બની રહ્યાં છે

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
- લેેખક, સૌતિક બિસ્વાસ, નુપુર સોનાર અને તનુશ્રી પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
1996ના મે મહિનામાં ઉનાળાની એક સવારે, ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાની કોલકાતાની ઝૂંપડપટ્ટીના છ છોકરાઓ એક સાંકડી ગલીમાં ક્રિકેટ રમતા હતા.
જોધપુર પાર્કની મધ્યમવર્ગીય વસાહતમાં આવેલી આ ઝૂંપડપટ્ટી રોજિંદી ચહલપહલથી ધમધમતી હતી. સામાન્ય ચૂંટણીના મતદાનનો દિવસ હોવાથી એ રજાનો દિવસ હતો.
ક્રિકેટ રમતા છોકરાઓમાંના એક નવ વર્ષના પુચુ સરદારે ક્રિકેટનું બૅટ પકડ્યું અને શાંતિથી તેના સૂતેલા પિતા પાસેથી સરકી ગયો. થોડી જ વાર પછી, બૅટથી બૉલને જોરથી ફટકારવાનો મોટો અવાજ ગલીમાં ગૂંજ્યો. બૉલ છોકરાઓએ તૈયાર કરેલી કામચલાઉ પીચની બાઉન્ડરીથી ઘણે દૂર ફંગોળાઈ ગયો.
છોકરાઓ નજીકના એક નાના બગીચામાં બૉલને શોધવા માટે ગયા. ત્યાં, એક કાળા પ્લાસ્ટિકની થેલીમાં, તેમને ક્રિકેટના બૉલ જેવા જ દેખાતા છ ગોળા મળ્યા. કોઈ આ બૉલ અહીં ભૂલી ગયું હોય એમ લાગ્યું. છોકરાઓ તે લઈને રમતમાં પાછા ફર્યા હતા. બેગમાંથી એક "બૉલ" પુચુ પર ફેંકવામાં આવ્યો અને પુચુએ તેને બૅટથી ફટકાર્યો.
ગલીમાં એક ભયંકર વિસ્ફોટ થયો. ક્રિકેટના બૉલ જેવા દેખાતા એ ગોળા બૉમ્બ હતા.
આસપાસ ધુમાડો ઊડ્યો અને પાડોશીઓ બહાર દોડી આવ્યા. લોકોએ પુચુ અને તેના પાંચ મિત્રોને શેરીમાં પડેલા જોયા, તેમની ચામડી બળીને કાળી પડી ગઈ હતી, કપડાં સળગી ગયાં હતાં, શરીરનાં અંગો ફાટી ગયાં હતાં.
બાળકો અને લોકોની ચીસોએ સમગ્ર વાતાવરણને ભયંકર બનાવી દીધું.
કાકી પાસે ઉછરેલા સાત વર્ષના અનાથ રાજુ દાસ અને સાત વર્ષના જ ગોપાલ બિસ્વાસ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યાં. અન્ય ચાર છોકરાઓ ગંભીર રીતે ઘાયલ થયા. છાતી, ચહેરા અને પેટ પર ગંભીર રીતે દાઝી ગયા હોવા છતાં અને ઝીણા છરાઓના ઘા હોવા છતાં પુચુ બચી ગયા. તેમણે હૉસ્પિટલમાં એક મહિનાથી વધુ સમય પસાર કરવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમના શરીરમાં હજી પણ રહી ગયેલા ઝીણા છરાઓને દૂર કરવા માટે સાણસીનો ઉપયોગ કરવો પડ્યો હતો, કારણ કે તેમના પરિવાર પાસે વધુ તબીબી સારવાર લેવા પૈસાની સગવડ નહોતી.

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુચુ અને તેના મિત્રો ક્રૂડ બૉમ્બ દ્વારા માર્યા ગયેલા અથવા અપંગ થયેલાં બાળકોની લાંબી યાદીનો ભાગ છે. પશ્ચિમ બંગાળમાં દાયકાઓથી રાજનીતિમાં વર્ચસ્વની લોહિયાળ લડાઈમાં ક્રૂડ બૉમ્બનો બેફામ વપરાશ કરવામાં આવે છે.
રાજ્યમાં ક્રૂડ-બૉમ્બને કારણે મૃત્યુ પામેલા કે ઈજાગ્રસ્ત થયેલાં બાળકોની સંખ્યા માટે કોઈ સાર્વજનિક રીતે ઉપલબ્ધ આંકડા નથી. એટલે જ, BBCએ 1996થી 2024 સુધીનાં રાજ્યનાં બે અગ્રણી અખબારો - આનંદબજાર પત્રિકા અને બર્તમન પત્રિકા - ની દરેક આવૃત્તિમાંથી પસાર થઈ, ક્રૂડ બૉમ્બ દ્વારા ઘાયલ થયેલા અથવા માર્યાં ગયેલાં બાળકોના અહેવાલો ફંફોસ્યા.
અમને 10 નવેમ્બર સુધીમાં ઓછામાં ઓછાં 565 બાળકોના અહેવાલ મળ્યા છે, જેમાં 94 બાળકોનાં મૃત્યુ થયાં છે અને 471 બાળકો ઈજાગ્રસ્ત થયાં છે. એનો અર્થ એવો થાય કે સરેરાશ દર 18 દિવસે એક બાળક ક્રૂડ બૉમ્બની હિંસાનો શિકાર બન્યું છે.
જોકે, બીબીસીને એવી ઘટનાઓ પણ મળી છે જેમાં બાળકો ક્રૂડ બૉમ્બથી ઘાયલ થયાં હતાં, પણ જેની નોંધ આ બે અખબારો દ્વારા કરવામાં આવી ન હતી. તેથી જાનહાનિનો વાસ્તવિક આંકડો ઘણો મોટો હોવાની શક્યતા છે.
આમાંની 60 ટકાથી વધુ ઘટનાઓમાં ખુલ્લામાં રમતાં બાળકો સામેલ છે. બગીચાઓ, શેરીઓ, ખેતરો અને શાળાની નજીક પણ, વિરોધીઓને આતંકિત કરવા માટે ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા આ બૉમ્બ છુપાવેલા મળ્યા છે.
બીબીસીએ જેમની સાથે વાત કરી તે મોટાભાગના પીડિતો ગરીબ પરિવારના, ઘરચાકરી કરતા કે છુટક નોકરી કરતા અથવા ખેતમજૂરોનાં બાળકો હતાં.

પશ્ચિમ બંગાળમાં ક્રાંતિકારી ચળવળ સાથે જોડાયેલો છે આ ઘરગથ્થું બૉમ્બનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
પશ્ચિમ બંગાળ 10 કરોડથી વધુની વસ્તી ધરાવતું ભારતનું ચોથું સૌથી મોટું રાજ્ય છે, જે લાંબા સમયથી રાજકીય હિંસા સાથે સંઘર્ષ કરી રહ્યું છે.
1947માં ભારતની આઝાદી પછીથી અત્યાર સુધી, રાજ્યે વિવિધ શાસકો જોયા છે. બે દાયકા સુધી કૉંગ્રેસ પાર્ટી, ત્રણ દાયકા સુધી સામ્યવાદીની આગેવાની હેઠળનો ડાબેરી મોરચો અને 2011થી અત્યાર સુધી તૃણમૂલ કૉંગ્રેસ દ્વારા રાજ્યની સત્તા સંભાળવામાં આવી છે.
1960ના દાયકાના અંતમાં અહીં માઓવાદી બળવાખોરો (જે નક્સલવાદીઓ પણ કહેવાય છે) અને સરકારી દળો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો હતો.
ત્યારથી અહીં તમામ સરકારો અને બળવાખોરોના સંઘર્ષોમાં એક રાજકીય હથિયાર તરીકે બૉમ્બનો ઉપયોગ એક સામાન્ય બાબત બની ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા ખાસ કરીને ચૂંટણી દરમિયાન વિરોધીઓને ચૂપ કરવા માટે ધાકધમકીનાં સાધન તરીકે બૉમ્બનો ઉપયોગ કરવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ પોલીસના ભૂતપૂર્વ ઇન્સ્પેક્ટર જનરલ પંકજ દત્તાએ અમને જણાવ્યું હતું કે, "બૉમ્બનો ઉપયોગ [બદલો લેવા માટે પણ] કરવામાં આવ્યો છે. બંગાળમાં લાંબા સમયથી, લગભગ 100 વર્ષથી વધુ સમયથી આ થઈ રહ્યું છે."
બંગાળમાં ઘરગથ્થુ બૉમ્બ બનાવવાનું મૂળ 1900ના દાયકાની શરૂઆતમાં બ્રિટિશ શાસન સામેના બળવામાં છે. પ્રારંભિક પ્રયાસો અણઘડ હતા અને બૉમ્બ બનાવતાં કે ફોડતાં સમયે અકસ્માત થવા પણ સામાન્ય બાબત હતી. એક બળવાખોરે હાથ ગુમાવ્યો હતો અને બીજો એક બળવાખોર બૉમ્બનું પરીક્ષણ કરવાં જતાં મૃત્યુ પામ્યો હતો.
ત્યાર પછી એક બળવાખોર બૉમ્બ બનાવવાની કુશળતા મેળવીને ફ્રાન્સથી પાછો ફર્યો. તેણે એક બુક બૉમ્બ બનાવેલો, જેમાં કૅડબરી કોકો ટીનમાં વિસ્ફોટકો ભરી દીધેલા. જો તે બૉમ્બ ફોડવામાં સફળ થયો હોત તો તેનું બ્રિટિશ મૅજિસ્ટ્રેટને મારી નાખવાનું લક્ષ્ય સિદ્ધ થઈ જાત.
1907માં મિદનાપુર જિલ્લામાં પ્રથમ વિસ્ફોટ થયો હતો, જ્યારે ક્રાંતિકારીઓએ રેલવેપાટા પર બૉમ્બ મૂકીને વરિષ્ઠ બ્રિટિશ અધિકારીને લઈ જતી ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી હતી.
થોડા મહિનાઓ પછી, મુઝફ્ફરપુરમાં ઘોડાગાડીમાં બૉમ્બ ફેંકીને મૅજિસ્ટ્રેટને મારી નાખવાનો પ્રયાસ થયો હતો, જેમાં બે અંગ્રેજ મહિલાઓના જીવ ગયા.
એક અખબાર દ્વારા આ કૃત્યને "નગરને ચોંકાવનારો જબરદસ્ત વિસ્ફોટ" તરીકે વર્ણવવામાં આવ્યો હતો, જેણે ખુદીરામ બોઝ નામના કિશોર બળવાખોરને શહીદ અને ભારતીય ક્રાંતિકારીઓના સર્વપ્રથમ "સ્વતંત્ર સેનાની" તરીકે જાણીતા કરી નાખ્યા હતા.
રાષ્ટ્રવાદી નેતા બાલ ગંગાધર ટિળકે 1908માં લખ્યું હતું કે બૉમ્બ માત્ર શસ્ત્ર નથી પરંતુ બંગાળથી સમગ્ર ભારતમાં ફેલાઈ રહેલી "જાદુઈ વિદ્યા"નો એક નવો પ્રકાર છે.
સ્થાનિક બોલીમાં પિટો તરીકે જાણીતા આ ક્રૂડ બૉમ્બ શણની દોરીથી બંધાયેલા હોય છે અને નટ, બોલ્ટ, કાચ, નાના છરા જેવી ઝીણી અને તીક્ષ્ણ વસ્તુથી ભરેલા હોય છે.

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
સ્ટીલના કન્ટેનર અથવા કાચની બૉટલોમાં પૅક કરાયેલા વિસ્ફોટકોનો પણ ઉપયોગ થાય છે. મુખ્યત્વે હરીફ રાજકીય પક્ષો વચ્ચેની હિંસક અથડામણોમાં આવા બૉમ્બ વપરાય છે.
રાજકીય કાર્યકરો વિરોધીઓને ડરાવવા, મતદાન મથકોને વિક્ષેપિત કરવા અથવા દુશ્મનો સામે બદલો લેવા માટે આ બૉમ્બનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં બૉમ્બનો વપરાશ વધુ થાય છે. ચૂંટણી દરમિયાન મતદાન મથકોમાં તોડફોડ કરવા અથવા વિસ્તારો પર વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પણ બૉમ્બનો ઉપયોગ કરવામાં આવે છે.
પૌલમી હલદર જેવાં બાળકો આવી હિંસાનો ભોગ બન્યા છે.
2018માં એપ્રિલ મહિનાની એક સવારે, ઉત્તર-24-પરગણા જિલ્લાના તળાવ, ડાંગરનાં ખેતરો અને નારિયેળનાં વૃક્ષોથી ઘેરાયેલા ગામ ગોપાલપુરમાં ત્યારની સાત વર્ષની પૌલમી સવારની પ્રાર્થના માટે ફૂલો ચૂંટતી હતી. ગ્રામ્ય પરિષદની ચૂંટણીને માંડ એક મહિનો જ બાકી હતો.
પૌલામીએ પાડોશીના પાણીના પંપ પાસે એક બૉલ પડેલો જોયો.
"મેં તેને ઉપાડ્યો અને ઘરે લાવી..." એ યાદ કરે છે.
એણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે તેના દાદા, ચાની ચૂસકી લઈ રહ્યા હતા. પૌલમીના હાથમાંની વસ્તુ જોઈને એ થીજી ગયા અને ચીસ પાડી ઊઠ્યા, "તે બૉલ નથી - તે બૉમ્બ છે! તેને ફેંકી દો!"
'હું પ્રતિક્રિયા આપી શકું તે પહેલાં તે મારા હાથમાં જ ધડાકા સાથે ફૂટી ગયો.'
ભયાનક વિસ્ફોટથી ગામની શાંતિ ડહોળાઈ ગઈ. પૌલમીને "આંખો, ચહેરો અને હાથ" પર ગંભીર ઈજા પહોંચી અને તે બેહોશ થઈ ગઈ હતી.
"મને યાદ છે કે લોકો મારી તરફ દોડતા હતા, પરંતુ હું બહુ ઓછું જોઈ શકતી હતી. મને આખા શરીરે ઈજા પહોંચી હતી."

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
ગ્રામજનો તેને હૉસ્પિટલ લઈ ગયા.
પૌલમીની ઈજાઓ જીવલેણ હતી - તેનો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો, અને એને લગભગ એક મહિનો હૉસ્પિટલમાં રહેવું પડ્યું.
પૌલમી અને તેના પરિવાર માટે સવારની સામાન્ય દિનચર્યા એક ભયાનક દુઃસ્વપ્ન બની ગઈ હતી, જેણે પૌલમીના જીવનને એક જ પળમાં હંમેશાં માટે બદલી નાખ્યું હતું.
-અને પૌલમી એક જ નથી....
સબિના ખાતુન 10 વર્ષની હતી, જ્યારે એપ્રિલ 2020માં મુર્શિદાબાદ જિલ્લામાં ચોખા અને શણનાં ખેતરોથી ઘેરાયેલા ગામ જીતપુરમાં તેના હાથમાં ક્રૂડ બૉમ્બ ફૂટ્યો હતો.
સબિના તેની બકરીને ચરાવવા માટે બહાર લઈ જઈ રહી હતી, ત્યારે તેને ઘાસમાં પડેલા બૉમ્બની ઠોકર વાગી. બૉમ્બને જોઈ આશ્ચર્ય પામેલી સબિનાએ તેને ઉપાડી અને તેની સાથે રમવાનું શરૂ કર્યું.
થોડી જ ક્ષણો પછી, બૉમ્બ તેના હાથમાં ફૂટી ગયો.
"જે ક્ષણે મેં વિસ્ફોટ સાંભળ્યો, મને લાગ્યું કે આ વખતે કોણ અપંગ બનશે? શું સબિના અપંગ બની છે?" તેની માતા, અમીના બીબીએ વેદનાભર્યા ભારે અવાજે કહ્યું.
"જ્યારે મેં બહાર પગ મૂક્યો, ત્યારે મેં જોયું કે લોકો સબીનાને તેમના હાથમાં ઊંચકીને લઈ આવતા હતા. સબિનાના હાથમાંથી માંસ લબડી પડેલું દેખાતું હતું."
ડૉક્ટરોએ સબીનાનો હાથ કાપવો પડ્યો.
ઘરે પરત ફર્યા પછી, સબિનાએ તેના રોજિંદા જીવનને પાટા પર લાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે, તેનાં માતાપિતા તેનાં અનિશ્ચિત ભવિષ્યને લીધે નિરાશામાં ડૂબી ગયાં છે. તેમનો ડર ગેરવાજબી પણ નથી: ભારતમાં, વિકલાંગ મહિલાઓ માટે લગ્ન અને નોકરીની સંભાવનાઓને જટિલ બની જાય છે, એટલું જ નહીં, સામાજિક રીતે પણ તેમણે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.
અમીના કહે છે, "મારી પુત્રી રડતી રહી અને કહે છે કે તે ક્યારેય તેનો હાથ પાછો નહીં મેળવી શકે."
"હું તેને આશ્વાસન આપતી રહી, તેને કહેતી રહી, 'તારો હાથ પાછો ઊગશે, તારી આંગળીઓ પાછી ઊગશે.'
હવે, સબિનાને ડગલેને પગલે તેના હાથની ખોટ વર્તાય છે, તેને રોજિંદા સરળ કાર્યો કરવામાં પણ સંઘર્ષ કરવો પડે છે.
"હું પાણી પીવામાં, ખાવામાં, સ્નાન કરવા, કપડાં પહેરવાં, શૌચાલય જવામાં, દરેક કામ માટે હું સંઘર્ષ કરું છું."
બૉમ્બ દ્વારા અપંગ બનેલા છતાં બચી ગયેલાં આ નસીબદાર બાળકોનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું છે.
પૌલમી, જે હવે 13 વર્ષની છે, તેને કૃત્રિમ હાથ મળ્યો પરંતુ તે તેનો ઉપયોગ કરી શકી નહીં, કારણ કે તે ખૂબ ભારે હતો. સબિના, જે હવે 14 વર્ષની છે, તે આંખોની તકલીફ સામે ઝઝૂમી રહી છે.
તેના પરિવારનું કહેવું છે કે સબિનાને તેની આંખોમાંથી બોમ્બનો કચરો કાઢવા માટે બીજા ઑપરેશનની જરૂર છે, પરંતુ તેઓને તે પરવડી શકે તેમ નથી.
પુચુ, જે હવે 37 વર્ષના છે, તેમને તેમનાં ભયભીત માતાપિતા દ્વારા શાળામાંથી ઉઠાડી લેવામાં આવ્યા હતા. વર્ષો સુધી તેઓ સહેજ અવાજમાં પણ ગભરાઈને પલંગની નીચે સંતાઈ જતા હતા અને એટલે ઘરની બહાર પગ પણ નહોતો મૂક્યો. તેમણે ફરી ક્યારેય ક્રિકેટ બૅટ ઉપાડ્યું નથી. તેમનું બાળપણ સંપૂર્ણપણે છીનવાઈ ગયું. અત્યારે તેઓ કન્સ્ટ્રક્શન લાઇનમાં સામાન્ય નોકરી કરી રહ્યા છે અને તેમના ભૂતકાળનો ભાર વહન કરે છે.
પરંતુ બધી આશા ગુમાવાઈ નથી.
પૌલમી અને સબિના બંને એક હાથે સાયકલ ચલાવતા શીખ્યાં છે અને શાળાએ જવાનું ચાલુ રાખ્યું છે.
બંનેનું સ્વપ્ન શિક્ષક બનવાનું છે. પુચુ તેમના પાંચ વર્ષના પુત્ર રુદ્રના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે, તેને એક પોલીસ તરીકે યુનિફૉર્મમાં જોવાની.
આટલી ભયંકર જાનહાનિ છતાં, પશ્ચિમ બંગાળમાં ક્રૂડ બૉમ્બની હિંસા સમાપ્ત થવાના કોઈ સંકેત નથી.
રાજકીય લાભ માટે બૉમ્બનો ઉપયોગ કર્યાનું કોઈપણ રાજકીય પક્ષ સ્વીકારતા નથી.
બી.બી.સી.એ પશ્ચિમ બંગાળના ચાર મુખ્ય રાજકીય પક્ષોને પૂછ્યું કે શું તેઓ ક્રૂડ બૉમ્બના ઉત્પાદન અથવા ઉપયોગમાં સીધા કે વચેટિયાઓ દ્વારા સામેલ છે? ત્યારે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ જવાબ આપ્યો ન હતો.
ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) (સીપીઆઈ-એમ) એ આ સવાલ સામે આવી હિંસામાં પોતે સામેલ હોવાનો ભારપૂર્વક ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ "કાયદાના શાસનને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે અધિકારો અને જીવનની સુરક્ષાની વાત આવે છે, ત્યારે બાળકોની સુરક્ષાની ચિંતા એ સૌથી અગ્રક્રમે હોય છે."
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ(આઈએનસી)એ પણ ચૂંટણીના લાભ માટે ક્રૂડ બૉમ્બનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે "રાજકીય અથવા વ્યક્તિગત લાભ માટે ક્યારેય કોઈ હિંસામાં સામેલ નથી થતા."
અલબત્ત, કોઈ પણ રાજકીય પક્ષ જવાબદારી સ્વીકારશે નહીં, પરંતુ બીબીસી સાથે વાત કરનારા કોઈ પણ નિષ્ણાતને કોઈ શંકા નથી કે આ હત્યાકાંડનું મૂળ બંગાળની રાજકીય હિંસાની સંસ્કૃતિમાં છે.
પંકજ દત્તાએ અમને કહ્યું, "અહીં કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન તમે બૉમ્બનો બેફામ ઉપયોગ જોશો." "અહીં બાળકોનાં બાળપણનું ભારે શોષણ થઈ રહ્યું છે. એક સમાજ તરીકે આ મોટી બેદરકારી છે."
પંકજ દત્તાનું નવેમ્બરમાં નિધન થયું હતું.
પૌલમી ઉમેરે છે: "જેમણે બૉમ્બ મૂક્યા હતા તેઓ હજુ પણ આઝાદ છે. કોઈએ બૉમ્બને આજુબાજુ પડેલા છોડવા જોઈએ નહીં. કોઈ પણ બાળકને આ રીતે ક્યારેય હાનિ ન પહોંચવી જોઈએ."
'જુઓ તેઓએ મારા પુત્ર સાથે શું કર્યું'
પરંતુ દુર્ઘટનાઓનો દૌર ચાલુ જ છે.
હુગલી જિલ્લામાં મે મહિનાની સવારે, ત્રણ છોકરાઓ એક તળાવ પાસે રમતા અજાણતા બૉમ્બ પર ઠોકર ખાઈ ગયા. વિસ્ફોટમાં નવ વર્ષના રાજ બિસ્વાસનો જીવ ગયો અને તેનો એક મિત્ર હાથ કપાતા અપંગ થયો અને બીજાના પગમાં ફ્રેક્ચર આવ્યું.
"જુઓ, તેઓએ મારા પુત્ર સાથે શું કર્યું છે..." રાજના દુઃખી પિતા તેમના મૃત બાળકના કપાળને સ્પર્શતા રડી પડે છે.
રાજના મૃતદેહને કબરમાં ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ નજીકના વિસ્તારમાં ચૂંટણી રેલી નીકળી હતી, જ્યાંથી રાજનીતિક નારાઓ હવામાં ફંગોળાઈ રહ્યા હતા: "બંગાળનો જય હો!"
ભીડે નારા લગાવ્યા, "બંગાળનો જય હો!"
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો સમય હતો. અને ફરી એકવાર, એની કિંમત બાળકો ચૂકવી રહ્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













