ગુજરાતીઓ માટે કૅનેડા જવું વધારે મુશ્કેલ બનશે, વિઝાના નિયમોમાં ફરી ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બરિંદરસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફારના કારણે કૅનેડા જવા ઇચ્છતા માઇગ્રન્ટ માટે પીઆર મેળવવાનું કામ વધારે મુશ્કેલ બને તેવી શક્યતા છે. કૅનેડા સરકારનો દાવો છે કે આ નવા ફેરફારોને કારણે કૅનેડા વસવાટ કરવા માગતા લોકો સામેની છેતરપિંડી પણ ઘટશે.
કૅનેડા સરકાર પોતાની ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફારના કારણે કૅનેડા જવા ઇચ્છતા માઇગ્રન્ટ્સ માટે પીઆર મેળવવાનું કામ વધારે મુશ્કેલ બને તેવી શક્યતા છે.
કૅનેડા સરકારે આ વિશે પોતાની સત્તાવાર વેબસાઇટ પર એક નિવેદન જારી કરીને નવા ફેરફારોની માહિતી આપી છે.
કૅનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે ઇમિગ્રેશન પૉલિસીના નિયમોમાં અમુક ફેરફારની જાહેરાત કરી છે.
આ રિપોર્ટમાં આપણે નવા નિયમો શું છે, તે ક્યારથી લાગુ થવાના છે અને તેની કૅનેડા જવા માગતા ગુજરાતીઓ પર કેવી અસર થશે તેની વાત કરીશું.
કૅનેડાએ કયા ફેરફાર કર્યા?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાની ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમનો હેતુ કૅનેડાના અર્થતંત્રને વિકસાવવા માટે સ્કીલ્ડ માણસો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ નિયમોમાં ફેરફારથી ઇમિગ્રેશન સિસ્ટમ વ્યવસ્થિત બનશે અને સારી રીતે સંચાલન થશે તેવો કૅનેડાની સરકારનો દાવો છે.
સરકારે બહાર પાડેલા એક નિવેદન પ્રમાણે દેશમાં વસવાટ કરવા આવતા લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી રોકવાના પ્રયાસો ચાલુ છે. તેના હેઠળ ઇમિગ્રેશન, રૅફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે કહ્યું છે કે ઍક્સપ્રેસ ઍન્ટ્રીના ઉમેદવારોને નોકરીની ઑફર બદલ હવેથી વધારાના પૉઈન્ટ નહીં મળે.
આ ઉપરાંત એવું કહેવાયું છે કે આ કામચલાઉ ઉપાયથી છેતરપિંડીના કેસ ઘટશે, કારણ કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ ઍસેસમેન્ટ (એલએમઆઈએ)ને ગેરકાયદે રીતે ખરીદવા કે વેચવાનો કોઈ ફાયદો નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅનેડાના પરમેનન્ટ રેસિડેન્ટ (પીઆર) એટલે કે કાયમી નાગરિકતા મેળવવા માટે કોઈ ઉમેદવારના ચાન્સ વધારવા એલએમઆઈએના ખરીદ-વેચાણમાં ફ્રૉડ થતા હોય છે. જે રોકવાના ભાગરૂપે આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો આગામી ફેબ્રુઆરીથી લાગુ થવાના છે.
ઇમિગ્રેશન, રૅફ્યૂજી ઍન્ડ સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે જણાવ્યું કે, "અમે છેતરપિંડીના કેસ ઘટાડવા અને અમારા અર્થતંત્રને જેમની જરૂર છે તેવા સ્કીલ્ડ (કુશળ) લોકોને આકર્ષવા માટે નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. ઇમિગ્રેશન એ હંમેશાથી કૅનેડાની સફળતાનો પાયો રહ્યો છે. અમે શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી લોકોને કૅનેડામાં આવકારીએ છીએ જેથી બધાને સારી ગુણવત્તાની જૉબ, મકાન અને વિકાસ કરવા માટે તક મળી શકે."
નિવેદનમાં જણાવાયું છે કે, "આપણા દેશના વિકાસ અને સફળ આર્થિક માળખા માટે ઇમિગ્રેશન આવશ્યક છે. અમે મહત્ત્વનાં ક્ષેત્રોમાં નવા લોકોને આવકારવાનું ચાલુ રાખીશું."
કૅનેડા જનારાઓ પર આ ફેરફારની કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા સરકારના એક નિવેદન મુજબ આ નિયમો લાગુ થયા પછી આ ફેરફારો એવા ઉમેદવારોને અસર કરશે જેઓ ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમથી કૅનેડાના પીઆર (પરમેનન્ટ રેસિડેન્સી) મેળવવા માંગે છે. તેમાં હાલમાં કામચલાઉ ધોરણે કૅનેડામાં કામ કરતા વર્કરોનો પણ સમાવેશ થાય છે.
જેમને પહેલેથી જ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે અથવા જેમણે પહેલેથી અરજી કરી દીધી છે તેવા લોકોને આ ફેરફારોની અસર નહીં પડે.
નવા સુધારા પછી જૉબની ઑફર કરાયેલા તમામ ઉમેદવારોને તે લાગુ થશે. તેવી જ રીતે પૂલમાં પ્રવેશી રહેલા નવા ઉમેદવારોને પણ તે લાગુ પડશે.
ઇમિગ્રેશનના નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે બીબીસીએ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ રછપાલસિંહ સાથે વાત કરી હતી.
રછપાલસિંહ જણાવે છે, "અગાઉ જ્યારે એલએમઆઈએ આધારિત જૉબ ઑફર ધરાવતી વ્યક્તિ ઍક્સપ્રેસ ઍન્ટ્રી મારફત કૅનેડાના પીઆર માટે અરજી કરતી ત્યારે તેને પીઆર માટે વધારાના 50 પૉઇન્ટ મળતા હતા. પરંતુ હવે નવા ફેરફારના કારણે તેને 50 પૉઇન્ટ નહીં મળે."
તેમણે કહ્યું, "નિયમોમાં કરવામાં આવેલા નવા ફેરફારોથી પીઆરની ફાઇલ પર તો અસર થશે જ, પરંતુ વર્ક પરમિટ પર તેની કોઈ અસર નહીં પડે."
રછપાલસિંહ જણાવે છે, "જે લોકોને પીઆર માટે ઇન્વિટેશન ટુ ઍપ્લાય (આઈટીએ) મળી ગયા છે, તેમને આનાથી ફરક નહીં પડે. પરંતુ જેમની ફાઈલ હજુ પૂલમાં છે અથવા પૂલમાં ઉમેરાવાની છે તેમને નવા ફેરફારોથી અસર પડશે."
ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ ગુરપ્રીતસિંહ કહે છે, "ફેડરલ સરકાર પાસે પીએનપી માટે અલગ-અલગ પ્રોગ્રામ છે. તેમાં કૅનેડાના પીઆર મેળવવા માટે હાલમાં 535-540 પૉઇન્ટની જરૂર પડે છે. અગાઉ જ્યારે 475-480 પૉઇન્ટની જરૂર પડતી હતી, તે વખતે આઈઈએલટીએસના પૉઇન્ટ અને ડૉબના પૉઇન્ટ ઉમેરીને તે પૂરું કરવામાં આવતું હતું."
"કૅનેડામાં નિયમો કડક થવાથી ઘણા યુવાનો પોતાના પૉઇન્ટ પૂરા કરવા માટે એલએમઆઈએ ખરીદી રહ્યા છે. તેનું કારણ એ છે કે કૅનેડામાં પીઆર લેવા માટેનો સ્કોર ઘણો વધી ગયો છે. યુવાનોને ડર છે કે આવી સખતાઈના કારણે તેઓ આવું નહીં કરી શકે અને તેમને પાછા જવું પડશે."
ગુરપ્રીતસિંહનું કહેવું છે કે કૅનેડા સરકારની સખતાઈના કારણે ઘણા યુવાનો કૅનેડાથી અમેરિકા જતા રહ્યા છે અને કેટલાક ભારત પાછા પણ આવી ગયા છે.
તેમણે કહ્યું કે ઘણા લોકો કૅનેડામાં યુવાનો સાથે એવી સમજૂતિ કરે છે કે તેઓ તેમની પાસે ત્રણ વર્ષ સુધી ઓછા પગારે કામ કરશે અને પછી તેને ડૉક્યુમેન્ટ આપવામાં આવશે.
"કૅનેડામાં એલએમઆઈએના નામે અનેક યુવાન છોકરા-છોકરીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે."
ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરપ્રીતસિંહ જણાવે છે, "ઇમિગ્રેશનની ભાષામાં ઍક્સપ્રેસ ઍન્ટ્રી સિસ્ટમને પૂલ સિસ્ટમ કહેવામાં આવે છે. આ એક પોર્ટલ છે, જેના દ્વારા ડ્રૉ કરવામાં આવે છે. તેમાં ઉમેદવારને જ્યાંથી લેટર મળ્યો હોય ત્યાંથી પીએનપી મળે છે. તેના આધારિત સિસ્ટમ મારફત પીઆર ફાઇલો સબમિટ કરવામાં આવે છે."
"તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ ફેડરલ સરકારે નક્કી કરેલા પૉઇન્ટ મેળવે તો તે પીઆર માટે અરજી કરી શકે છે."
ગુરપ્રીતસિંહના કહેવા મુજબ, "તેમાં માસ્ટર્સ ડિગ્રી, બેથી ત્રણ વર્ષનો અનુભવ, આઈઈએલટીએસ જનરલમાં ટ્રિપલ 7, 8 બૅન્ડનો સમાવેશ થાય છે, જેના આધારે તમે ફાઇલ કરવા માટે પાત્ર રહેશો."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)















