9/11 ઍટેક: "ટાવર પર વિમાન ખાબક્યું અને અમારી જિંદગી બદલાઈ ગઈ" – એક અફઘાન પત્રકારની બે દાયકાની આપવીતી
- લેેખક, ન્યૂઝ ડેસ્ક
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
અફઘાનિસ્તાનના પત્રકાર બિલાલ સર્વારી 2001માં તાલિબાનનું પતન અને તે પછી દેશમાં આવેલા પરિવર્તનના સાક્ષી રહ્યા છે.
જોકે આ લેખમાં પોતાના અનુભવોનું વર્ણન કરતાં બિલાલ કહે છે કે અમેરિકાએ દેશમાં કાયમી શાંતિ માટેની તક રોળી નાખી છે.
છેલ્લા બે અઠવાડિયાંમાં બિલાલના વતનની સ્થિતિ પલટાઈ ગઈ છે અને તેના કારણે તેમની જિંદગી પર પણ જોખમ સર્જાયું છે.
2001માં બિલાલ પાકિસ્તાનના પેશાવરની પર્લ કૉન્ટીનેન્ટલ હોટેલમાં કાર્પેટ વેચવાનું કામ કરતા હતા અને જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. આગળની કહાણી વાંચો એમના શબ્દોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
એ ઘડી હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કામકાજમાં વચ્ચે થોડો બ્રેક પડ્યો હતો અને ટીવી ચાલુ કર્યું તો બહુ દિલધડક દૃશ્યો તેના પર દેખાઈ રહ્યા હતા. ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાન ખાબકી રહ્યું હતું.
એ પછી જોયું તો બીજું વિમાન પેન્ટાગોન પર પડ્યું હતું.
અ ઘડીથી અમારું જીવન અહીં પણ બદલાઈ ગયું.

અફઘાનિસ્તાન પર સંકટ છવાયું

ઇમેજ સ્રોત, Getty Images
તરત જ આખી દુનિયાનું ધ્યાન અફઘાનિસ્તાન તરફ દોરાયું, કેમ કે આ હુમલાનો મુખ્ય શકમંદ ઓસામા બિન લાદેન અને તેના સંગઠન અલ-કાયદાને તાલિબાને જ આશરો આપ્યો હોવાનું જણાવાયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા જ દિવસે અમારી હોટેલની લૉબીમાં મોટા પાયે વિદેશી પત્રકારો ઉમટી પડ્યા હતા અને એવા લોકોને શોધી રહ્યા હતા, જે તેમના માટે દુભાષિયાનું કામ કરી શકે. આ પત્રકારો અફઘાનિસ્તાનની સરહદે જવા માગતા હતા અને ત્યાં સાથે અંગ્રેજી જાણનારા માણસોને સાથે લઈ જવા માગતા હતા.
મેં એ ઑફર સ્વીકારી લીધી અને ત્યારથી આજ સુધી કદી પાછું વળીને જોયું નથી.
1990ના દાયકામાં સોવિયેત દળો જતા રહ્યા તે પછી અશાંતિ થઈ ત્યારે અમારું કુટુંબ અફઘાનિસ્તાન છોડવા મજબૂર થયું હતું. આ રીતે બાળપણમાં જ મારે વતન છોડવું પડ્યું હતું.
એટલે વર્ષો પછી મેં ફરીથી કાબુલમાં પગ મૂક્યો ત્યારે ચારે બાજુ થયેલા વિનાશ અને ભાંગી પડેલી ઇમારતો જોઈ આઘાત પામી ગયો હતો.
કામકાજ અટકી પડ્યું હતું, લોકો ગરીબાઈમાં સરી પડ્યા હતા અને ચારે બાજુ ભયનો માહોલ હતો.
શરૂઆતમાં મેં અબુ ધાબી ટીવી માટે કામ કર્યું હતું અને હું બીજા પાંચ પત્રકારો સાથે ઇન્ટરકૉન્ટિનેન્ટલ હોટેલમાં ઉતર્યો હતો.
રોજ સવારે ભયના ઓથાર નીચે જાગતો હતો, કેમ અમેરિકાના વિમાનો કાબુલ પર બૉમ્બમારો કરી રહ્યા હતા.
અલ-કાયદા અને તાલિબાનના માણસો અમારી હોટેલમાં પણ આવતા અને અમે શેરીઓમાં તેમને ફરતા પણ જોતા.
આખી રાત વિસ્ફોટોનો અવાજો આવ્યો કરતો. મને ચિંતા થતી કે અમારી હોટેલનો વારો ના આવી જાય. તે પછી ડિસેમ્બરના પ્રારંભમાં એક સવારે આખરે તાલિબાનો કાબુલ છોડીને જતા રહ્યા.
થોડા જ કલાકમાં લોકો હજામની દુકાને પહોંચ્યા અને પોતાની વધેલી દાઢીને ટ્રીમ કરાવવા લાગ્યા.
તાલબદ્ધ અફઘાન સંગીત પણ ફરીથી શેરીઓમાં ગુંજવા લાગ્યું અને વિસ્ફોટની ખાલી જગ્યા ભરવા લાગ્યું હતું. તે સવારે અફઘાનિસ્તાનના જીવમાં ફરી જીવ આવ્યો હતો.

આંખે જોઈ હતી તાલિબાનની હાર

ઇમેજ સ્રોત, Bilal Sarwary
તે પછી હું અફઘાન લોકોનું જીવન બહુ નિકટથી જોતો આવ્યો છું. સ્થિતિ થાળે પડવા લાગી હતી અને હવે મારી દુભાષિયા તરીકે જરૂર નહોતી, પણ હું હવે પત્રકાર બની ગયો હતો.
મેં પૂર્વમાં તોરાબોરાથી લઈને શાઈ કોટની લડાઈ સુધી તાલિબાનની હારને જોઈ હતી અને અહેવાલો આપ્યા હતા.
તાલિબાનના લડાકુઓ ગ્રામીણ વિસ્તારમાં પહાડીઓમાં છુપાઈ ગયા અને તેના નેતાઓ પાકિસ્તાન નાસી ગયા.
મને હવે લાગે છે કે એક સારી તક મળી હતી, પણ અમેરિકાએ તે ગુમાવી દીધી. અમેરિકાએ ત્યારે જ તાલિબાન સાથે બેસીને શાંતિ માટેની વાટાઘાટ કરવાની જરૂર હતી.

ઇમેજ સ્રોત, Getty Images
મેં જોયું હતું કે તાલિબાનના લડવૈયાઓમાંથી ઘણા બધા શસ્ત્રો હેઠા મૂકીને ફરીથી રાબેતા મુજબનું જીવન જીવવા માગતા હતા.
પણ અમેરિકનોની એવી કોઈ ઇચ્છા નહોતી. મારા અહેવાલોમાં મેં લખ્યું હતું તે પ્રમાણે અને બીજા અફઘાનો માનતા હતા તે પ્રમાણે અમેરિકાને માત્ર 9/11ના હુમલાનો બદલો લેવો હતો.
તે પછીનાં વર્ષોમાં એક પછી એક ભૂલો થતી આવી.
ગામડાંના ગરીબ અને નિર્દોષ અફઘાનો પર બૉમ્બમારો થતો રહ્યો અને તેમને પકડીને પૂરી દેવાયા. અફઘાન સરકારે વિદેશી સૈનિકોને લડાઈ લડવાની છૂટ આપી તેના કારણે સત્તાધીશો અને લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા થઈ ગઈ હતી.
મને આજે પણ એ ઘટના યાદ છે, જ્યારે અમેરિકન સૈનિકોએ કાબુલથી ગર્દેઝના રસ્તા પર સૈયદ અબાસીન નામના એક ટૅક્સી ડ્રાઇવરને ખોટી રીતે પકડ્યો હતો.
તેના પિતા રોશન મોટી ઉંમરના હતા અને એરિયાના ઍરલાઇન્સમાં કામ કરી ચૂક્યા હતા. અમે ખોટી રીતે અબાસીને પકડ્યો છે તેના અહેવાલો આપ્યા તે પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પણ બધા આટલા નસીબદાર નહોતા અને કેદમાંથી આ રીતે તેમનો છુટકારો થયો નહોતો.

જ્યારે અમેરિકા પરથી ભરોસો ઉઠવા લાગ્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકનો એ આકરું વલણ અપનાવ્યું હતું અને આમ અફઘાન લોકો પર ત્રાસ કરીને મોટી મુશ્કેલી ઊભી કરી હતી.
અમેરિકન સૈનિકોનો જીવ ના જાય તે માટે ટુકડી મોકલવાના બદલે તે લોકો બોમ્બ ફેંકવાનું અને ડ્રોનથી હુમલો કરવાનું પસંદ કરતા હતા.
અમેરિકા પરનો વિશ્વાસ ઘટવા લાગ્યો હતો અને શાંતિ માટેની આશા ઠગારી નીવડતી દેખાતી હતી.
અફઘાનિસ્તાન કેવું બની શકે છે તેનું આશાનું કિરણ ક્યારેક વચ્ચે દેખાઈ આવતું હતું. વચ્ચે એવો તબક્કો હતો કે હજારો માઇલ લાંબા હાઈવે પર હું જીવ જવાના ભય વિના પ્રવાસ કરી શકતો હતો.
હું કાબુલથી ખોસ્ત અને પાક્તિકા જેવા દૂરના શહેરો સુધી ફરતો રહ્યો હતો અને રાત્રે પણ મુસાફરી કરતો હતો.
અફઘાનિસ્તાનના અનોખા ગ્રામીણ વિસ્તારમાં પણ મોકળાશથી હરવાફરવાનું શક્ય બન્યું હતું.
2003 અગત્યનું ટર્નિંગ પોઇન્ટનું વર્ષ હતું. તે વર્ષ પછી ઉદ્દામવાદીઓ ફરીથી ભેગા થવા લાગ્યા અને નવી તાકાત સાથે સામી લડત આપવા લાગ્યા હતા.
એક દિવસ મને બરાબર યાદ છે: કાબુલમાં બહુ મોટો વિસ્ફોટ થયો હતો અને આસપાસની અસંખ્ય ઇમારતોના કાચ તૂટી ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચનારો હું સૌ પ્રથમ પત્રકાર હતો અને મેં ત્યાં જે જોયું તેને યાદ કરું છું તો આજેય કમકમાં આવી જાય છે.
આગળ જતા કેવી ખાનાખરાબી થવાની છે તેનો પહેલો અણસાર તે વિસ્ફોટમાં મળ્યો હતો. ચારે બાજુ કપાયેલા અંગો પડ્યા હતા અને લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા.
સ્થિતિ વધારે કફોડી થવા લાગી હતી. અફઘાન દળો, વિદેશી દેળો, નિર્દોષ નાગરિકો પર ટ્રક બૉમ્બ અને આત્મઘાતી હુમલાઓ થવા લાગ્યા હતા. ધોળા દિવસે શહેરની મધ્યમાં વિસ્ફોટો થવા લાગ્યા અને અશાંતિનું એક નવું પ્રકરણ શરૂ થયું હતું.
આના પ્રત્યાઘાતમાં અમેરિકીઓએ મોટા પાયે બૉમ્બિંગ કરવાનું ચાલુ કર્યું. તાલિબાનને ટાર્ગેટ કરવાના નામે હવે ગ્રામીણ વિસ્તારમાં લગ્નના વરઘોડા નીકળી હોય કે સ્મશાન યાત્રા નીકળી હોય તેના પર પણ હવાઈ હુમલા થવા લાગ્યા હતા.

સમગ્ર અફઘાનિસ્તાન હિંસાની આગમાં સળગી રહ્યું હતું

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાન જનતા માટે આકાશમાંથી જાણે મોત વરસતું હતું. ખુલ્લા આકાશ નીચે વહેલી સવારે કે મોડી સાંજ સુધી પશુઓને ચરાવવાનું કે રાત્રે તારાઓનું સૌંદર્ય માણવાનું શક્ય ના રહ્યું.
કંદહાર શહેર નજીક આવેલી અરઘાનદાન નદીની ખીણમાં હું તેના મશહૂર દાડમની વાડીઓ જોવા ગયો હતો, પણ તેની જગ્યાએ મને ત્યાં જનતાના લોહીના ડાઘ જોવા મળ્યા હતા.
સમગ્ર અફઘાનિસ્તાનમાં કેવી હિંસા ફેલાઈ છે તેનો નમૂનો અહીં જોવા મળ્યો હતો.
તાલિબાનના લડાયકો ખીણમાં આવીને છુપાયા હતા, પણ સરકાર તેમને ત્યાંથી હાંકી કાઢવા માગતી હતી.
આ ખીણ પર કબજો જમાવવા માટે લડાઈ ચાલતી રહી અને તેમાં સૌથી વધુ ભોગ સ્થાનિક નિર્દોષ લોકોનો લેવાઈ ગયો હતો.
એ દિવસે મેં 33 વાર હવાઈ હુમલા થયા હતા તે ગણ્યા હતા. તેની સામે તાલિબાને વળતો ઘા કરવા કેટલા આત્મઘાતી કાર બૉમ્બિંગ કર્યા તેની કોઈ ગણતરી જ રહી નહોતી. મકાનો, પુલો અને વાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
બાતમીના આધારે અમેરિકી સૈનિકો હવાઈ હુમલા કરતા હતા. તેના કારણે ઘણા લોકો કોઈની સામે બદલો લેવા માગતા હોય, જમીનનો કે બીજો ઝઘડો થયો હોય ત્યારે ખોટી માહિતી પહોંચાડી દેવાતી હતી.
સેના અને અફઘાન લોકો વચ્ચે વિશ્વાસની મોટી ખાઈ ઊભી થઈ હતી અને તેના કારણે અમેરિકી સૈનિકો પાસે સાચી કે ખોટી બાતમીની ખરાઈ કરવાનું કોઈ માધ્યમ રહ્યું નહોતું.
આ રીતે થતા હુમલાનો પ્રચાર કરીને તાલિબાને લોકોને તેમની જ સરકાર સામે ઉશ્કેર્યા હતા. આવી સ્થિતિને કારણે તાલિબાન અનેક યુવાનોને પોતાનામાં ભરતી કરી શક્યું હતું.
આ દાયકા દરમિયાન જ (2001થી 2010 સુધીમાં) 9/11ની ઘટના જોનારી પેઢીના યુવાનો વિદેશમાં અભ્યાસ કરીને પરત ફર્યા હતા. ભારત, મલેશિયા, અમેરિકા અને યુરોપમાં ભણીને પાછા આવેલા આ યુવાનોને કામે લગાવીને દેશનું નવેસરથી ઘડતર કરવાનો સમય હતો.
આ નવી પેઢી નવી આશાઓ લઈને આવી હતી અને દેશને ધબકતો કરવા માગતી હતી.

ભ્રષ્ટાચારનો સડો

ઇમેજ સ્રોત, Bilal Sarwary
દેશના ઘડતર માટે કામ કરવાના બદલે તેમની સામે નવા અવરોધો આવીને ઊભા હતા. તેમણે જોયું કે અમેરિકાનો ટેકો લઈને નવી સશસ્ત્ર ટોળકીઓ જામી હતી. ચારે બાજુ તેમણે ભ્રષ્ટાચારને ફેલાયેલો જોયો.
આદર્શોની સામે કડવી વાસ્તવિકતા દેખાડતી આ સ્થિતિને કારણે યુવાનોમાં હતાશા પ્રવેશી હતી.
અમારા દેશનો ભૂગોળ દૂરથી ડુંગર રળિયામણા જેવો છે. તેની ખીણ, પહાડો, ટેકરીઓ, વળાંકો લેતી નદીઓ અને નાનાં-નાનાં ગામોને જોઈને સુંદર લાગે, પણ દૂરથી દેખાતી તે શાંતિ અને ખુશનુમાનું દૃશ્ય વાસ્તવિક નહોતું. અફઘાન લોકોના જીવનમાં શાંતિનો પ્રવેશ થયો જ નહોતો.
તમારા ઘરમાં જ તમે સલામત ના હો ત્યાં સુધી શાંતિ અને સુરક્ષાની ભાવના શક્ય નથી.
ચાર વર્ષ પહેલાં વર્ડાક પ્રાંતના એક નાનકડા ગામમાં હું લગ્ન સમારંભમાં ગયો હતો.
રાત્રે અજવાળિયામાં સૌ ભોજન કરવા માટે એકઠા થયા હતા.
સ્વચ્છ આકાશ હતું, તારાઓ ચમકી રહ્યા હતા, પણ અચાનક જોયું તો વિમાનો અને ડ્રોનની ઘરઘરાટી સંભળાવા લાગી.
જાનૈયાઓના ચહેરા પરથી નૂર ઊડી ગયું, કેમ કે હવાઈ હુમલો આવી પહોંચ્યો છે તેનો અણસાર આવી ગયો હતો.
તે રાત્રે મોડેથી હું એક તાલિબાન લડાયકના પિતા સાથે જમવા બેઠો હતો. અફઘાનોનું લોકપ્રિય ખાણું કાબુલી પુલાવ ખાતાં ખાતાં તેમણે જણાવ્યું કે હેલમંદ પ્રાંતમાં કઈ રીતે તેનો પુત્ર માર્યો ગયો હતો.
તેનો દીકરો માત્ર 25 વર્ષનો જ હતો અને તેની પાછળ એક વિધવા અને બે નાના સંતાનોની જવાબદારી છોડીને જતો રહ્યો.
યુવાન પુત્રે 'શહીદી' વહોરી તેની વાત કરનારા પિતાને હું અવાચક બનીને સાંભળતો રહ્યો. જીવનને બદલવા માટે બહાદુર દીકરો લડવા નીકળ્યો હતો અને પોતે નાચીજ પિતા છે એવું તે કહેતા રહ્યા હતા.
હું આ વૃદ્ધ પિતાના ચહેરા પર દુખ અને ઉદાસી જોતો રહ્યો હતો.

વિધવાઓ, અનાથ બાળકો અને સંતાન ગુમાવનાર વૃદ્ધોની દર્દનાક કહાણીઓ

ઇમેજ સ્રોત, Getty Images
તાલિબાનનો કબજો હતો ત્યારે સંગીતની મનાઈ હતી. લગ્નમાં પણ સંગીત વગાડી શકાતું નહોતું. તેના બદલે લગ્ન પ્રસંગે સૌ ભેગા થયા હોય ત્યારે આવી દુઃખ ભરી વાતો જ સાંભળવા મળતી હતી.
તાલિબાન સામેની લડાઈને કારણે માત્ર મોત થયા એટલું જ નહીં અનેકના જીવન બરબાદ થઈ ગયાં છે તેના તરફ ઓછું ધ્યાન જાય છે.
આ લડાઈને કારણે અનેક સ્ત્રીઓ વિધવાઓ થઈ છે, અનેક વૃદ્ધો નિરાધાર થઈ ગયા છે, બાળકો અનાથ બન્યાં છે અને યુવાનો અપંગ થઈ ગયા છે.
હવે તમે શું કરવા માગો છો એવું મેં આ પિતાને પૂછ્યું ત્યારે તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું, "આ લડાઈ બંધ થાય તેમ ઇચ્છું છું. બહુ થયું હવે, સંતાન ગુમાવવાનું દુઃખ મેં ભોગવ્યું છે. અફઘાનિસ્તાનને હવે શાંતિની જરૂર છે, યુદ્ધનો હવે અંત લાવવો પડે."
કાબુલમાં મારી ઑફિસ આવેલી છે તેની નજીકમાં જ એક મોટી મિલિટરી હૉસ્પિટલ છે.
મારા વતનના પ્રાંત કુનારના મારા પરિચિતો, સગાઓ અને મિત્રો ઘણી વાર કાબુલ આવે છે અને મને આ હૉસ્પિટલમાં તેમની સાથે લઈ જાય છે.
આ લોકોને અફઘાન નેશનલ સિક્યુરિટી ફોર્સ સાથે કામ કરતા સગાનું મોત થયું હોય ત્યારે મૃતદેહની ઓળખ કરવાની હોય છે.
ઘણી વાર મને લાગે છે કે અહીંથી વતનમાં લઈ જવામાં આવતા આ મૃતકોના જનાજાનો બહુ ભારે બોજ મારા પ્રાંતના લોકો પર પડી રહ્યો છે.
છેલ્લે અમેરિકાએ દોહામાં તાલિબાનના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી ત્યારે પ્રારંભમાં અમને આશાઓ જાગી હતી.
દેશભરમાં કાયમી શાંતિ અને કાયમી યુદ્ધવિરામની ઇચ્છા છે અને તે માટે આ રીતે વાટાઘાટો કરવી જ ઉપાય છે તે સૌ સમજતા હતા.
મેં પણ મારા લાખો અફઘાન લોકોની જેમ ક્યારેય મારા દેશમાં શાંતિને કાયમી થતી જોઈ નથી. જોકે ફરી એક વાર અમારી આશાને પડી ભાંગતા અમે જોઈ.
અમે જોયું કે વાટાઘાટો શાંતિની સ્થાપના માટે નથી થઈ રહી, પણ લડાઈના મેદાનમાં જેમણે જેટલું જોર દાખવ્યું હતું તેનો ફાયદો ઉઠાવી લેવાની કોશિશો હતી.

અફઘાન લોકોના નસીબમાં શાંતિ ક્યારે આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનની જનતા માટે આવી વાટાઘાટોનો કોઈ અર્થ રહ્યો નહોતો.
અમેરિકાએ જેલમાં રહેલા 6,000 જેટલા તાલિબાન લડાયકો અને કમાન્ડરોને છોડી મૂક્યા. કાયમી શાંતિ માટે યોગ્ય રીતે વાટાઘાટો થાય તે માટે જરૂરી સમજીને આવું પગલું લેવાયું હતું. પણ આશા ફળીભૂત થઈ નથી.
તેના બદલે કેટલાક જાણીતા લોકોની હત્યાઓ થઈ અને તેના કારણે શાંતિની પ્રક્રિયા પણ આઘાતજનક બની હતી.
અમારા દેશ માટે બહુ ઉપયોગી એવા લોકો - પત્રકારો, વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકોની ઘરમાં ઘૂસીને કાબુલમાં અને દેશભરમાં ઠેર-ઠેર હત્યાઓ થઈ.
અમેરિકા અને તાલિબાન વચ્ચે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન એક વખત સ્થાનિક પોલીસ અધિકારીએ રોષ ઠાલવ્યો હતો તે મને યાદ છે. તેમણે વૉર કાઉન્સિલની મિટિંગમાં જ અચાનક રોષે ભરાઈને કહ્યું હતું કે અમેરિકાએ દુશ્મન સાથે વાટાઘાટો શરૂ કરીને અફઘાનની સેના સાથે દગો કર્યો છે.
તેમણે ગુસ્સા સાથે કહ્યું, "તે લોકોએ આપણી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે."
અનેક અફઘાનોની જેમ અમેરિકાની બાબતમાં તેમના મનમાં ઊંડા રોષની લાગણી હતી.
મારી સાથે ભણતો મારો એક સહાધ્યાયી તાલિબાન સાથે જોડાયેલો છે. અમે બંને જુદી-જુદી વિચારસરણી ધરાવીએ છીએ, છતાં છેલ્લા 20 વર્ષથી અમારી વચ્ચે સંવાદ ચાલતો રહ્યો છે.
જોકે હાલમાં જ એક લગ્ન પ્રસંગમાં તેને મળવાનું થયું ત્યારે મેં જોયું કે તેનું વલણ બહુ આકરું થઈ ગયું હતું. તેનામાં કડવાશ દેખાઈ હતી અને મને લાગ્યું કે આ લડાઈને કારણે અનેક અફઘાનો વચ્ચે આ રીતે જ ફાંટા પડી ગયા છે.
અમે એક બીજાને મળ્યા પણ ભાગ્યે જ કોઈ વાત કરી શક્યાં. પેશાવરમાં અમે સાથે ભણતા, ક્રિકેટ રમતા ત્યારે તે મારો દોસ્ત હતો તેવો હવે તે રહ્યો નહોતો.
આટલા વર્ષ પછી તેને આટલો બદલાયેલો જોઈને મને કેવું લાગ્યું હશે?
તેની કહાણી પણ બહુ મોટી અંગત ખોટ સમાન છે. સ્થાનિક દુશ્મનાવટને કારણે ખોટી બાતમી અપાઈ હતી અને તે પછી હુમલો થયો તેમાં તેનો ભાઈ, પિતા અને કાકા માર્યા ગયા હતા.
અમે આ રીતે જુદા પડી ગયા હતા, પણ ભવિષ્યમાં રાષ્ટ્રીય સાહચર્ય ઊભું થશે તેની આશા સેવતા રહ્યા હતા.
પણ હવે તો તેવી પણ કોઈ શક્યતા દેખાતી નથી.
હાલનાં અઠવાડિયાંમાં કાબુલ પર તાલિબાને કબજો કર્યો ત્યારે પણ હું અહેવાલો મોકલતો રહ્યો હતો. સેનાએ કોઈ સામનો ના કર્યો અને સૌ કોઈએ શરણાગતિ સ્વીકારી લીધી. તે લોકો આવી રીતે કાબુલમાં ઘૂસીને કબજો કરી શકશે એવી મને કલ્પનાય નહોતી.
કબજો થયો તેની આગલી રાતે જ મારે કેટલાક અધિકારીઓ સાથે વાતીચત થઈ હતી અને તેમનું કહેવું હતું કે અમેરિકા હવાઈ હુમલા કરશે એટલે ટકી જવાશે.
આ ઉપરાંત શાંતિમય રીતે સત્તાના હસ્તાંતરણની વાતો પણ ચાલી રહી હતી. પણ તે પછી અચાનક પ્રમુખ ગની નાસી ગયા અને શહેરમાં તાલિબાનનો કબજો થઈ ગયો હતો.
તાલિબાનને પાછા આવેલા જોઈને લોકો માથે ભયનો ઓથાર છવાઈ ગયો હતો. તે પછી મને ચેતવણી મળી કે તારા જીવ પર જોખમ છે.
મેં બે જોડી કપડાં ઝડપથી ભર્યા અને પત્ની, પુત્રી અને માતાપિતાને લઈને અજાણી જગ્યાએ જઈને છુપાઈ ગયો.

ફરી સપનાં અને અપેક્ષાઓને દફનાવવાનો વારો આવ્યો

ઇમેજ સ્રોત, US ARMY
આ કાબુલની ગલીએ ગલીને હું જાણું છું, પણ મેં જોયું કે હવે એકેય જગ્યા મારા માટે સલામત નહોતી.
મારી દીકરીનું નામ જ સોલા એટલે કે શાંતિ છે. દીકરીનું શું થશે તેનો વિચાર કરીને હચમચી જાઉં છું, કેમ કે તેના ઉજ્જવળ ભવિષ્યનાં સપનાં અમે જોયાં હતાં તે હવે વિખેરાઈ ગયા છે.
હું ઍરપોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે સમજાયું કે હું મારા જીવનમાં ફરી એક વાર અફઘાનિસ્તાનને પાછળ છોડીને નાસી રહ્યો છું.
હું અહીં આવી પહોંચ્યો તે પછી વર્ષો સુધી મેં ત્યાં કામ કર્યું તેની યાદો મને વીંટળાયેલી છે. હું અધિકારીઓ અને પત્રકારો સાથે અનેક વાર અફઘાનિસ્તાનમાં ગયો હતો અને અનેક જગ્યાએ ફર્યો હતો.
હવે મેં જોયું કે મારી જેમ અનેક લોકો, અનેક પરિવારો નાસી રહ્યા છે.
ફરી એક વાર અફઘાન લોકો પોતાના સપનાં અને અપેક્ષાઓને દફનાવીને નાસી રહ્યા છે, પરંતુ આ વખતે હું તેમની કહાણીઓ લખવા માટે તેમને મળી શકું તેમ નથી.
(બિલાલ સાર્વરી 14 વર્ષ સુધી બીબીસી માટે દુભાષિયા તરીકે કામ કરતા રહ્યા હતા. બાદમાં તેમણે કાબુલમાંથી પ્રોડ્યુસર અને રિપોર્ટર તરીકે કામગીરી બજાવી હતી. તેમણે અબુ ધાબી ટીવી અને એબીસી ન્યૂઝ અમેરિકા તરીકે પણ કામ કર્યું હતું અને હાલના સમયમાં ફ્રિલાન્સિંગ કરી રહ્યા હતા.)

ઇમેજ સ્રોત, Bilal Sarwary
બિલાલ પોતાના વતનની ખૂબસુરત તસવીરો પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરે છે. તેની સાથે તઓ આ હૅશટેગ સાથે જોડે છે. #AfghanistanYouNeverSee

ઇમેજ સ્રોત, BILAL SARWARY

ઇમેજ સ્રોત, Bilal Sarwary



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












