અફઘાનિસ્તાન : એ બે મુસ્લિમ દેશ, જેણે તાલિબાનને આપ્યું નવજીવન

    • લેેખક, ટૉમ બેટમૅન
    • પદ, બીબીસી, મધ્યપૂર્વના સંવાદદાતા

અમેરિકાના સૈનિકોનું છેલ્લું વિમાન કાબુલ ઍરપૉર્ટ પરથી રવાના થયું, એ સાથે જ તાલિબાનના લોકોએ ઉત્સાહના અતિરેકમાં હવામાં ગોળીબાર કર્યા; પરંતુ કહેવું જોઈએ કે માત્ર હથિયારોના જોરે દુનિયાથી અલગ પડી ગયેલા તાલિબાનો અફઘાનિસ્તાનના લાખો નાગરિકોને અનિશ્ચિત ભવિષ્યમાંથી બહાર કાઢી શક્યા નથી.

તાલિબાન ફરી સત્તામાં આવી ગયું છે, ત્યારે આખી દુનિયા અફઘાનિસ્તાન પર દબાણ લાવવા પ્રયાસરત્ છે. આ પરિસ્થિતિમાં, બે મુસ્લિમ દેશો સમાધાન કરાવનાર સૂત્રધારના રૂપે આગળ આવી રહ્યા છે. આ બે દેશ છે - કતાર અને તુર્કી.

થોડાં વરસોથી તાલિબાનો સાથે વધારેલા સંબંધોને કારણે આ બંને ફાયદો લઈ રહ્યા છે. બંનેના અધિકારીઓએ હમણાં-હમણાં અફઘાનિસ્તાનમાં ખાસ્સી દેખા દીધી છે. જોકે બંને એક દાવ અજમાવી રહ્યા છે.

કુદરતી ગેસના ભંડારોથી સમૃદ્ધ નાનકડા અખાતી દેશ કતારના અધિકારીઓએ અફઘાનિસ્તાન છોડી ભાગી રહેલા કેટલાય લોકોને જીવનદાન આપ્યું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કુદરતી ગૅસના ભંડારોથી સમૃદ્ધ નાનકડા અખાતી દેશ કતારના અધિકારીઓએ અફઘાનિસ્તાન છોડી ભાગી રહેલા કેટલાય લોકોને જીવનદાન આપ્યું છે

આ એક એવી રમત છે, જે મધ્યપૂર્વના દેશોની જૂની હરીફાઈને વધુ પ્રોત્સાહિત કરી શકે છે.

કુદરતી ગૅસના ભંડારોથી સમૃદ્ધ નાનકડા અખાતી દેશ કતારના અધિકારીઓએ અફઘાનિસ્તાન છોડી ભાગી રહેલા કેટલાય લોકોને જીવનદાન આપ્યું છે.

થિંક ટૅન્ક ઇન્ટરનૅશનલ ક્રાઇસિસ ગ્રૂપનાં એક વરિષ્ઠ સલાહકાર ડીના એસ્ફન્ડિયરીએ જણાવ્યું હતું કે, "કોઈ પણ દેશ પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર લઈ જવા માટે કોઈ ને કોઈ રૂપે કતારની સહાય લીધા વિના સફળ નથી થયા."

તેણીએ વાતને લંબાવતાં કહ્યું, "અફઘાનિસ્તાન અને તાલિબાન, બંને કતાર માટે એક મહત્ત્વપૂર્ણ જીત હશે."

"માત્ર એટલા માટે નહીં કે એણે દર્શાવ્યું છે કે એ તાલિબાન સાથે સમાધાન માટેની મધ્યસ્થી કરી શકે એમ છે, બલકે, એટલા માટે પણ કે પશ્ચિમના દેશો માટે કતાર હવે અખાત પ્રદેશમાં ગંભીર ખેલાડી બની રહ્યું છે."

જેમ-જેમ પશ્ચિમી દેશો કાબુલથી ભાગ્યા, એમ-એમ કતારના અધિકારીઓનું રાજકીય મૂલ્ય વધતું ગયું. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોલવાહ અલખટરના ટ્વીટને દુનિયાના શક્તિશાળી દેશો તરફથી તાબડતોબ રિ-ટ્વીટ મળ્યાં હતાં.

ડીનાએ આ મહિનાની શરૂઆતમાં લખ્યું હતું કે, "કતાર, આ સંઘર્ષમાં એક વિશ્વસનીય મધ્યસ્થી કરનાર બની ગયું છે."

જોકે તાલિબાન સાથેની દોસ્તીનો સંબંધ ભવિષ્યમાં જોખમી સાબિત થવાની શક્યતા છે, જેનાથી મધ્ય-પૂર્વમાં જૂની દુશ્મની ફરી એક વાર માથું ઊંચકી શકે છે.

તુર્કી અને કતાર આ ક્ષેત્રના ઇસ્લામી આંદોલનોની સાથે જાણે કે ભળેલા છે. એના કારણે ક્યારેક-ક્યારેક ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવી પ્રાદેશિક શક્તિઓ સાથે તણાવ ઊભો થતો રહ્યો છે.

આ દેશો ઇસ્લામી સમૂહોને પોતાના અસ્તિત્વ માટે જોખમી ગણે છે.

જો આ બંને દેશ દક્ષિણ એશિયામાં તાલિબાન સાથે કૂટનીતિ કરવામાં દુનિયાને મદદ કરે, તો શું એની અસર મધ્યપૂર્વની રાજનીતિ પર પણ થશે!

ડીના એસ્ફન્ડિયરીએ એમ જણાવ્યું કે "તાલિબાન સત્તા પર પાછું આવ્યું એ ઇસ્લામ તરફ નવી રીતનો ઝુકાવ છે. આ એક એવી વિચારધારા છે, જે ઇસ્લામી કાનૂન મુજબ સરકાર અને સમાજને ફરીથી સંગઠિત કરવા ઇચ્છે છે."

ડીનાએ એમ પણ કહ્યું કે હમણાં તો આ વિચાર માત્ર દક્ષિણ એશિયા પૂરતો જ સીમિત છે.

તેમણે ઉમેર્યું, "આ અફઘાનિસ્તાનમાં થઈ રહ્યું છે, એનો મતલબ એમ નહીં કે એ મધ્યપૂર્વના દેશો માટે પણ સાચું છે."

line

તાલિબાન સાથે વાતચીત

1990ના દાયકામાં તાલિબાન જ્યારે પહેલી વાર સત્તા પર આવ્યું ત્યારે ઔપચારિક રીતે માત્ર ત્રણ જ દેશના તેની સાથે સંબંધ હતા, એ દેશ હતા, પાકિસ્તાન, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમિરાત

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જો બાઇડન સત્તા પર બિરાજ્યા, એ બાદ તેમણે અફઘાનિસ્તાન છોડી દેવાની સમયમર્યાદા વધારીને 11 સપ્ટેમ્બર સુધી કરી હતી.

1990ના દાયકામાં તાલિબાન જ્યારે પહેલી વાર સત્તા પર આવ્યું, ત્યારે ઔપચારિક રીતે માત્ર ત્રણ જ દેશને તેની સાથે સંબંધ હતા - પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત.

2011માં અમેરિકામાં 11/9નો હુમલો થયો, એ પછી આ સંબંધો પૂરા થઈ ગયા. જોકે, સાઉદી અરેબિયાના ઘણા લોકો ચોરીછૂપીથી ઘણાં વરસો સુધી આર્થિક સહાય કરતા રહ્યા.

સાઉદીના અધિકારીઓ એ હકીકતને નકારતા રહ્યા છે કે તેઓ ઔપચારિકરૂપે તાલિબાનને કશી મદદ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની હાજરી ખુદ અમેરિકનો માટે પણ જેમ-જેમ અપ્રિય થતી ગઈ, તેમ-તેમ એવા દેશો કે જેઓ અફઘાનિસ્તાનના મામલામાં કૂટનીતિ અખત્યાર કરવા ધારતા હતા, તેમના માટે કાબુલનો માર્ગ ખૂલી ગયો.

કતાર અને તુર્કીએ જુદી-જુદી રીતે તાલિબાનો સાથે સંપર્ક વધાર્યો.

2011માં, રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સરકારે યુદ્ધ-સમાપ્તિ વિશે વિચારણા અંગે જાહેરાત કરી હતી, તે સાથે જ કતારે શાંતિપ્રક્રિયાની શરૂઆત કરવા તાલિબાનના નેતાઓ સાથે મંત્રણાઓ આરંભી દીધી હતી.

એ પ્રક્રિયા ખૂબ જ વિવાદાસ્પદ રહી. ઝાકઝમાળભર્યા દોહા શહેરના માર્ગો પર સફેદ ઝંડો ફરકાવતા તાલિબાનોને જોઈને ઘણા લોકો નારાજ થયા. અમેરિકાના ઠપકા પછી તેમણે પોતાના ઝંડા નાના કરી દીધા હતા.

ત્રણ દાયકાના પ્રયાસો પછી કતાર માટે પોતાની સ્વતંત્ર વિદેશનીતિ સ્થાપિત કરવાની તક હતી. એક એવો દેશ જે ઈરાન અને સાઉદી અરેબિયાની બરાબર વચ્ચે હોય તેના માટે તો આ એક મહત્ત્વનું પગલું હતું.

જ્યારે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી થઈ ગઈ અને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડવાની જાહેરાત કરી; ત્યાં સુધી, એટલે કે વર્ષના આરંભ સુધી, 'દોહા મંત્રણા' ચાલુ હતી.

જો બાઇડન સત્તા પર બિરાજમાન થયા, એ બાદ તેમણે અફઘાનિસ્તાન છોડી દેવાની સમયમર્યાદા વધારીને 11 સપ્ટેમ્બર સુધી કરી હોવાની જાહેરાત કરી હતી.

line

ચેતી સમજીને પગલાં ભર્યાં

અફઘાનિસ્તાન સાથેના તુર્કીના સંબંધો મજબૂત અને ઐતિહાસિક છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તુર્કી એકમાત્ર એવો મુસ્લિમ દેશ હતો જે નેટો સેના સાથે અફઘાનિસ્તાનમાં હતો.

અફઘાનિસ્તાન સાથેના તુર્કીના સંબંધો મજબૂત અને ઐતિહાસિક છે. વાસ્તવમાં તુર્કી એકમાત્ર એવો મુસ્લિમ દેશ હતો, જે નેટો સેના સાથે અફઘાનિસ્તાનમાં હતો.

વિશ્લેષકો અનુસાર તાલિબાન સાથે જોડાયેલા કેટલાક અંતિમવાદીઓ સાથે તુર્કીએ ખાનગીમાં ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા છે. તુર્કીને પાકિસ્તાન સાથે પણ સારી મિત્રતા છે. પાકિસ્તાનના મદરેસાઓમાં જ તાલિબાનનો જન્મ થયો હતો.

જ્યારે અફઘાનિસ્તાનમાં કાબુલ ઍરપૉર્ટ પર અફરાતફરી હતી, તે વખતે જ તુર્કીએ તાલિબાનો સાથે ત્રણ કલાક લાંબી ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં એક મુદ્દો ભવિષ્યમાં ઍરપૉર્ટના સંચાલનનો પણ હતો. તુર્કી સૈનિકોએ છ વરસ સુધી આ ઍરપૉર્ટ પર ચોકી-પહેરો કર્યો હતો.

અન્ય વિદેશી સત્તાઓની સાથે તુર્કીને પણ પોતાનો કબજો જતો કરી દેશ છોડી દેવાનો આદેશ તાલિબાને પહેલાંથી જ આપી દીધો હતો.

વિશ્લેષકો જણાવે છે કે ગયા અઠવાડિયે થયેલી બેઠક એક વ્યાપક એજન્ડાનો ભાગ લાગે છે.

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને કહેલું કે, તાલિબાન નેતાઓના સંદેશાને તેઓ હકારાત્મકરૂપે જુએ છે.

એમણે કહેલું કે તુર્કીએ કોની સાથે વાત કરવી અને કોની સાથે નહીં, એ માટે એને કોઈની મંજૂરીની જરૂર નથી.

વીડિયો કૅપ્શન, બીબીસીને મળી તાલિબાનને કબ્જે કરેલા ક્ષેત્રમાં જવાની દુર્લભ પરવાનગી, જોઇશું વિશેષ અહેવાલ

એક પત્રકારપરિષદમાં અર્દોઆને કહ્યું હતું કે, "આ કૂટનીતિ છે. અફઘાનિસ્તાનની એકતા માટે તુર્કી દરેક પ્રકારે સમર્થન આપવા તૈયાર છે, પરંતુ અમે સમજી-વિચારીને પગલાં ભરીશું."

તુર્કીના પાટનગર ઇસ્તંબૂલની અલ્ટિબાસ યુનિવર્સિટીમાં અફઘાન સંબંધો માટેના વિશેષજ્ઞ પ્રોફેસર અહમત કાસિમ હાન માને છે કે તાલિબાન સાથેના સંબંધોને રાષ્ટ્રપતિ આર્દોઆન એક અવસરરૂપે જુએ છે.

એમણે બીબીસીને જણાવ્યું, "તાલિબાનને સત્તા ટકાવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય સહાય અને રોકાણની ખાસ જરૂર છે."

"તાલિબાન અત્યારે તો એના સરકારી કર્મચારીઓનો પગાર ચૂકવી શકવા માટે પણ સમર્થ નથી."

એમણે જણાવ્યું કે, તુર્કી પોતાને ગૅરેંટર રૂપે સ્થાપવાના પ્રયત્નો કરી રહ્યું છે અને તે રશિયા કે ચીનની તુલનાએ વધારે વિશ્વસનીય મધ્યસ્થીરૂપે દેખાવા ઇચ્છે છે.

line

શાખ ગુમાવવાનું જોખમ

તાલિબાને સત્તા ફરી હાંસલ કરી એ પછી ઘણા દેશોએ એમનો સંપર્ક કર્યો છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કતાર સંધિકર્તા તરીકે ઇચ્છશે કે અખાતી દેશોમાં જૂના વાદવિવાદ વધી ન જાય.

તાલિબાને સત્તા ફરી હાંસલ કરી, એ પછી ઘણા દેશોએ એમનો સંપર્ક કર્યો છે.

એમાં આગળ વધવા માટે એ દેશો દોહાનો જ સહારો લે છે, પરંતુ તુર્કી એ દેશોમાંથી છે જે તાલિબાન સાથે આધારભૂત સંબંધો વિકસાવવાની મજબૂત સ્થિતિમાં છે. જો કે એવા સંબંધો રાખવામાં જોખમ વધારે છે.

પ્રોફેસર હાન એમ પણ માને છે કે અફઘાનિસ્તાન સાથેના હવેના સંબંધો રાષ્ટ્રપતિ અર્દોઆન માટે પોતાની વિદેશનીતિની ચોપાટને વ્યાપક કરવાનો માર્ગ ખોલી આપશે.

પ્રોફેસર હાને જણાવ્યું કે, "તેઓ દુનિયામાં તુર્કીને મોટી ભૂમિકા ભજવનારના રૂપે જોવા ઇચ્છે છે. બધાં જ મુસ્લિમ રાષ્ટ્રો કરતાં પણ મોટી ભૂમિકામાં."

"આની પાછળના કારણમાં તુર્કીનો ભૂતકાળ અને ખિલાફતની ગાદી હોવાની સાથે જોડાયેલો વારસો છે. જોકે શરિયત આધારે ચાલતા દેશ તરીકે તુર્કી પોતાને અલગ રાખવાનું ઇચ્છશે."

અર્દોઆનના આ પગલાનો કહેવાતો વધુ તર્કસંગત ઉદ્દેશ પણ છે.

તુર્કી ઇચ્છે છે કે અમેરિકા અને NATO સાથેના તણાવપૂર્ણ સંબંધો સુધરે અને સાથે જ તુર્કીમાં આવતા અફઘાન શરણાર્થીના પ્રવાહને પણ રોકી શકાય.

વીડિયો કૅપ્શન, અફીણના વેપારમાંથી કેવી રીતે તાલિબાન કરોડો રૂપિયા કમાય છે?

કતાર સંધિકર્તા તરીકે ઇચ્છશે કે અખાતી દેશોમાં જૂના વાદવિવાદ વધી ન જાય.

દોહાએ મધ્યપૂર્વના ઘણાં યુદ્ધ-સંઘર્ષોમાં જુદાંજુદાં જૂથો વચ્ચે સમાધાનકારી વાતચીતમાં મધ્યસ્થી કરી છે.

જોકે અરબ સ્પ્રિંગ (સરકારો વિરુદ્ધનાં આંદોલનો) દરમિયાન અખાતના કેટલાક દેશોએ તેના પર ઇસ્લામવાદીઓનો પક્ષ લીધો હોવાનો આરોપ મૂક્યો હતો.

2017માં, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત અને બહેરીને દોહા સાથેના પોતાના સંબંધો તોડી નાખ્યા હતા.

કતાર પર ઈરાન સાથે ખૂબ નજીકના સંબંધ રાખવાનો અને પોતાની સમાચાર ચેનલ અલ-જઝીરાના માધ્યમથી અસ્થિરતા વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો. કતારે આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા.

હાલની સ્થિતિમાં કતાર અને તુર્કી એ બે દેશ જ એવા છે જે અફઘાનિસ્તાનમાં તાલિબાનના સીધા સંપર્કમાં છે.

જોકે, અફઘાનિસ્તાનનું ભવિષ્યનિર્માણ કરવામાં ચીન અને રશિયા પણ પોતપોતાની ભૂમિકા મજબૂત હોય એવું ઇચ્છશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો