અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરી રશિયા જેવી ઐતિહાસિક ભૂલો પણ એ ફળી કોને?
- લેેખક, ગ્રિગોર અતનેસ્યાન
- પદ, બીબીસી રશિયન સેવા
લગભગ કશી લડાઈ વગર અફઘાનિસ્તાન પર કબજો કરનારા તાલિબાનના આવા હુમલાથી દુનિયા આખી આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં કાગળ પરના આંકડા અનુસાર તાલિબાન કરતાં અફઘાન સૈન્ય સંખ્યા અને શસ્ત્રોની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે.
અમેરિકાના જાણકારો એમ કહે છે કે વરસો સુધી અમેરિકાએ અફઘાનિસ્તાનની વાસ્તવિક સ્થિતિ સામે આંખમીંચામણાં જ કર્યાં છે. એણે, અફઘાનિસ્તાન જ્યારે સોવિયત સંઘની સુરક્ષા હેઠળ હતું એ દરમિયાન રશિયાએ કરેલી બધી ભૂલોનું પુનરાવર્તન કર્યું છે.
જાણકારો એમ પણ કહે છે કે અમેરિકા 'માહિતીના યુદ્ધ' (ઇન્ફર્મેશન વૉર)માં તાલિબાન સામે હારી ગયું અને પોતાના એક સમર્થક પાકિસ્તાનને તાલિબાનનું સમર્થન કરતું અટકાવવામાં નિષ્ફળ ગયું.
અમેરિકન નેવી ગ્રૅજ્યુએટ સ્કૂલના પ્રોફેસર થૉમસ જૉન્સન કૅનેડાની ટીમના કમાન્ડરના મુખ્ય સલાહકાર તરીકે 2008-09 દરમિયાન કામ કરી ચૂક્યા છે, એમણે બીબીસી રશિયન સર્વિસ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે, "અમે હારી ગયા, કારણ કે અમે ક્યારેય અફઘાનિસ્તાને સમજી ન શક્યા."
કંદહારથી પાછા ફરેલા જૉન્સને લખ્યું હતું કે, અમેરિકા સોવિયત રશિયાની બધી ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યું છે. એમણે તો એ વખતે જ ભવિષ્યવાણી કરી હતી કે અમેરિકન સૈન્યની વતનવાપસી પછી અફઘાન સરકારનું પતન થશે.

ઇમેજ સ્રોત, AFP
એમણે યુએસ આર્મી વૉર કૉલેજના પોતાના એક સાથી સાથે 2011માં લખેલા એક લેખમાં લખેલું કે, "અમેરિકાએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિપદ પર એક કઠપૂતળી બેસાડી દીધી અને, જેમ સોવિયત રશિયાએ 30 વર્ષ પહેલાં કરેલું એમ, લોકોને અપ્રિય થઈ પડે એવાં પરિવર્તનો શરૂ કરી દીધાં."
એમણે ચેતવ્યા હતા કે અફઘાન સૈન્યની લડવાની ક્ષમતા સંદિગ્ધ છે અને અમેરિકાએ આદરેલી રાષ્ટ્રીય સમજૂતીની આગેવાનીની ગણના એક ભૂલ તરીકે થઈ રહી છે, આ કારણે માત્ર તાલિબાનના સંકલ્પો દૃઢ થઈ રહ્યા છે.
એ લેખની પ્રસ્તાવનામાં એવો પણ ઉલ્લેખ છે કે લેખકોએ અમેરિકાના સિનિયર અધિકારીઓને સલાહ આપી હતી પણ એમની કોઈ વાત એમના કાન સુધી પહોંચ્યાના કોઈ સંકેત મળ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૉન્સને કહ્યું કે, "અમે સોવિયત હુમલા પરથી કશી શીખ લીધા વગર જ અમારી નીતિ ઘડી. અમે સમસ્યાને હલ ન કરી શક્યા."
જૉર્જ મેસન યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક કાટ્ઝે પણ બીબીસી સાથે થયેલી વાતચીત દરમિયાન સહમતી દર્શાવી કે સોવિયત રશિયાની હાર થઈ એમાંથી અમેરિકા કશો બોધપાઠ લેવા નહોતું માગતું.
જૉન્સનની જેમ જ એમણે પણ 2014માં ચેતવણી આપેલી કે વૉશિંગ્ટન એ જ રસ્તે જઈ રહ્યું છે જેના પગલે સોવિયત રશિયાએ પોતાના સૈન્યને પાછું બોલાવી લેવું પડેલું અને અફઘાનિસ્તાનમાંની મોસ્કો સમર્થિત સરકારનું પતન થયેલું.
માર્ક કાટ્ઝે જણાવ્યું કે, "સોવિયત સંઘ અને અમેરિકા, બંનેમાંથી કોઈ અફઘાન સમાજને ખરેખર નથી ઓળખતું. એમણે સમજવાનો પ્રયત્ન પણ ન કર્યો. એવું નથી કે અમારી બંનેની પાસે અફઘાન વિશેષજ્ઞ નહોતા. પણ સત્તામાં બેઠેલા લોકો એવું માનતા હતા કે એમને ખબર છે કે એમણે શું કરવું છે."
2019માં વૉશિંગ્ટન પોસ્ટે અફઘાનિસ્તાનમાં થયેલા યુદ્ધનું એક સરકારી ઑડિટ પ્રકાશિત કર્યું હતું, એમાં સેના, રાજનેતાઓ અને સલાહકારોના કેટલાક ઇન્ટરવ્યૂ સામેલ હતા.
ઑડિટરો સાથેની વાતચીતમાં બુશ અને ઓબામા સરકારના અફઘાન સલાહકાર જનરલ ડગ્લસ લ્યૂટે સ્વીકારેલું કે, "અમે અફઘાનિસ્તાન વિશે ખાસ સમજ નહોતા ધરાવતા. અમને નહોતી ખબર કે અમે શું કરી રહ્યા છીએ અને અમે શું મેળવવા મથી રહ્યા છીએ. એટલે સુધી કે અમે શું કરી રહ્યા છીએ એ વિશે અમને કશો જ અંદાજ નહોતો."

કાબુલના સામ્રાજ્યથી માર્ક્સવાદ અને પ્રજાસત્તાક સુધી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની માનસિકતા સમજાવતાં માર્ક કાટ્ઝ જણાવે છે કે, "ઇતિહાસને ભૂલી જાઓ. અમારે બસ અમારા જેવાં સંસ્થાન બનાવવા પર અને અફઘાન શાસનના દરેક નિર્ણયો પર નિયંત્રણ રાખવાની જરૂર છે."
તેઓ આગળ જણાવે છે, "સોવિયત સંઘે માર્ક્સવાદને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો એટલે જ તેઓ નિષ્ફળ થવા માટે શાપિત હતા. પણ, અમે તો ખૂબ સારા છીએ."
જાણકારો એમ કહે છે કે અફઘાન સરકારની અમેરિકન સરકાર પરની પરાવલંબિતાને લીધે તેમને અફઘાન પ્રજાનું સમર્થન પ્રાપ્ત ન થયું. પરંતુ, સોવિયત સમર્થક અને અમેરિકા સમર્થક સરકારોની વિચારધારાઓ વચ્ચેના વિરોધાભાસે એમના નસીબને બદલવામાં કોઈ ખાસ ભૂમિકા નથી ભજવી.
જાણકારો અનુસાર, અમેરિકાના નેતાઓ બિલકુલ સોવિયત નેતાઓની જેમ જ અફઘાનિસ્તાનનાં સમાજ અને સંસ્કૃતિને જરા પણ સમજતા નહોતા.
માર્ક કાટ્ઝ કાબુલ દરબારના પહેલા બ્રિટિશ રાજદૂત માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને લખેલા પુસ્તક 'એ ટેલ ઑફ દ કિંગડમ ઑફ કાબુલ'નો સંદર્ભ આપે છે.
એ પુસ્તકમાં એલ્ફિન્સ્ટન એવા સમાજ વિશે જણાવે છે જેમાં દરેક કોઈની ને કોઈ સાથે લડે છે અને એમની વચ્ચે માત્ર એક જ પરિબળ એકતા સ્થાપિત કરી શકે છે, અને એ છે વિદેશી આક્રમણકારો.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ત્યારથી બ્રિટિશ સામ્રાજ્ય, સોવિયત સંઘ અને હવે અમેરિકાએ પણ એ તથ્યને નજરઅંદાજ કર્યું કે અફઘાનિસ્તાન જો કોઈની પણ સામે લડવા તૈયાર હોય તો તે છે વિદેશી શાસકો.
કાટ્ઝે કટાક્ષના સૂરમાં જણાવ્યું કે, "અમેરિકનો કોઈની પણ ગુલામીમાં રહેવાનું વિચારી પણ ન શકે. તેઓ કહે છે કે, ના, ના. અમે તો યોગ્ય અને સારું કામ કરવા માટે ત્યાં છીએ. એ કારણે ત્યાંના લોકોએ એમનું સ્વાગત કરવું જોઈએ."

શહેરોમાં જીત, ગામડાંમાં હાર

ઇમેજ સ્રોત, Getty Images
જૉન્સન માને છે કે સોવિયત સંઘ અને અમેરિકા બંનેનાં અભિયાનોની નિષ્ફળતાનું એક કારણ એ પણ છે કે 75 ટકા અફઘાનો ગામડાંમાં વસે છે, પરંતુ સોવિયત સૈનિકોની જેમ જ અમેરિકન સૈનિકોનો પણ ખાસ કરીને શહેરો પર જ કબજો હતો. તેઓ આને શહેરકેન્દ્રિત રણનીતિ કહે છે.
અમેરિકન સૈન્યદળોએ મોટી વસાહતોની નજીક ફૉર્વર્ડ ઑપરેટિંગ બેઝ (એફઓબી) બનાવ્યા. મોટા ભાગે આ બેઝ એવાં સ્થળો પર જ બનાવ્યા જ્યાં સોવિયત રશિયાના સૈનિકો પહેલાં હાજર હતા.
અફઘાનિસ્તાનમાં બગરામ ઍરબેઝે સોવિયત ઍરફોર્સના કેન્દ્ર તરીકે કામ કરેલું. અમેરિકન હવાઈદળનું પણ તે જ આધાર બન્યું અને પછી એક દિવસ પોતાના અફઘાન સાથીદારોને કોઈ પણ જાણકારી આપ્યા વગર જ અડધી રાત્રે તેમનાં વિમાનો દેશ છોડી ઊડી ગયાં.
અમેરિકાના લોકો અફઘાનિસ્તાનનાં ગામડાંની સંસ્કૃતિ અને તેમનાં રીતરિવાજો નહોતા જાણતા, જ્યારે તાલિબાનો તો એમને પોતાનું જ અંગ હોય એટલી સારી રીતે સમજતા-ઓળખતા હતા.
અમેરિકન સૈન્યનો ઉલ્લેખ કરતાં જૉન્સને જણાવ્યું કે, "અમે ક્યારેય અફઘાનિસ્તાનના કોઈ ગામડામાં રાત્રિરોકાણ નથી કર્યું."
દશ વર્ષ પહેલાં એમણે પોતાના લેખમાં લખેલું કે, "યુદ્ધનીતિ કહે છે કે કૃષિપ્રધાન દેશમાં શહેરો કબજે કરીને ગામડાંના વિદ્રોહીઓને હરાવવા લગભગ અસંભવ છે. સોવિયત નેતૃત્વે અનુભવે આ જ્ઞાન મેળવી લીધું. દેખાય છે કે હજી અમેરિકાને એ જ્ઞાન પ્રાપ્ત નથી થયું."
એમણે ઉમેર્યું કે, અફઘાનિસ્તાનનાં ગામડાં વિશેની અમેરિકનોની અજ્ઞાનતા અને ઉદાસીનતા સૈનિક કાર્યવાહીની સાથે જ તેના પ્રચારની પૂર્ણતઃ વિફળતામાં પણ જોવા મળી.
તેઓએ જણાવ્યું કે, "અમારું માહિતી આપનારું માધ્યમ ઘણું નબળું સાબિત થયું, કેમ કે અમે આ દેશને એ રીતે સમજી જ ન શક્યા કે દેશની ગ્રામીણ પ્રજાને પોતાના પક્ષમાં લઈ શકીએ. અમારી હાર માટે આ જ એક સાચું કારણ છે."
એમનું કહેવું છે કે અમેરિકન સૈન્યસિદ્ધાંત એમ કહે છે કે વિદ્રોહીઓ સાથેની અથડામણમાં સૈનિક કાર્યવાહી માત્ર 20 ટકા પરિણામ હાંસલ કરે છે, જ્યારે 80 ટકા સફળતા માહિતી અને રાજકીય પરિબળો પર આધારિત હોય છે. પણ, રાત્રે હુમલો કરવાના (મારવાની કે પકડવાની રણનીતિ) અમેરિકન ઑપરેશનની સફળતા હંમેશાં માર્યા ગયેલા કે પકડાઈ ગયેલા ઉગ્રવાદીઓની સંખ્યાના આધારે નક્કી થતી રહી.
જૉન્સને કહ્યું કે, "સ્ટેન્લી મૅકક્રિસ્ટલ કે ડેવિડ પેટ્રિયસ કહી શકે કે 'બૉડી બૅગ' એમની સફળતાનો નશો હતો." તેઓ 2009-11ના ગાળામાં સંઘીય સેનાનું નેતૃત્વ સંભાળનારા એ બે જનરલોની વાત કરતા રહ્યા હતા.
આ એ સમયની વાત છે જ્યારે ઓબામા સરકારે તાલિબાનના નવા હુમલાના જવાબમાં અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની સંખ્યામાં મોટો વધારો કર્યો હતો. બીજી તરફ તાલિબાને અફઘાન પ્રજાની સાથે વ્યવસ્થિત (સહકારપૂર્ણ) કામ કર્યું.
'તાલિબાન પ્રોપેગેંડા' નામના પુસ્તકના લેખક જૉન્સન જણાવે છે કે, "તાલિબાન કહે છે, અમારા દાદાઓએ સોવિયત સંઘને હરાવ્યું, અને એના પહેલાં અમારા પૂર્વજોએ ત્રણ વાર અંગ્રેજોને હરાવેલા; હવે અમે આ કાફિરો (વિધર્મીઓ)ને હરાવીશું જે અમારી પરંપરાઓને નેસ્તનાબૂદ કરવા અને અમને ખ્રિસ્તી બનાવવા આવ્યા છે."
એમણે કહ્યા અનુસાર, તાલિબાને પોતાના પ્રચારકોને ગામડાંમાં મોકલ્યા. એ મુલ્લાઓ શુક્રવારની (જુમ્મા) નમાજ વખતે પ્રચાર કરતા હતા અને એક અઠવાડિયું કે ઘણી વખત તો દશ દિવસ સુધી ગામડામાં રહેતા હતા.
આ દરમિયાન તેઓ સ્થાનિક પ્રજાને તાલિબાનને સમર્થન આપવા સમજાવતા હતા. જો મુલ્લા કશું ન કરી શકે તો સશસ્ત્ર ઉગ્રવાદીઓ ગામમાં ઘૂસી જતા, ગામલોકોને બંદી બનાવતા અને પોતાના આંદોલનમાં સામેલ થવાની માગણી મૂકતા.

ભ્રષ્ટાચાર અને રાજનીતિનો રંગમંચ

બીજી તરફ અમેરિકા 'પ્રતિવાદ'ના સિદ્ધાંતનો આશ્રય લઈ રહ્યું હતું, જેણે એ સ્પષ્ટ કર્યું કે, રોકાણ, આર્થિક વિકાસ અને સામાન્ય જરૂરિયાતોની પૂર્તિની પરિયોજનાઓ દ્વારા વિદેશી સત્તાઓ પોતાના સ્થાનિક સહયોગીઓની માન્યતા વધારી શકે છે.
અફઘાન મૂળના અમેરિકન જલ્મએ ખલીલજાદે એક નવા સંવિધાનનો મુસદ્દો તૈયાર કરવામાં મદદ કરી હતી, જેમણે પછીથી કાબુલમાં અમેરિકાના રાજદૂત તરીકે કામગીરી કરી. એમણે 2001 પછી અફઘાનિસ્તાન પર અમેરિકા શાસન ચલાવી શકે એ માટેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
એક કે બીજી અનેક રીતે 2000ના દાયકાના મધ્યભાગમાં ફરી શરૂ થયેલા ગેરિલા યુદ્ધે આ દેશના આર્થિક વિકાસ અને પુનર્નિર્માણને અવરોધ્યાં. એ અને ભ્રષ્ટાચાર અમેરિકાની લોકપ્રિયતાને ઘટાડવાના મહત્ત્વના ઘટકો બની રહ્યા.
જાણકારો કહે છે કે, બધાં ક્ષેત્રે પગપેસારો કરી ચૂકેલો ભ્રષ્ટાચાર અને વધારે માત્રામાં થયેલી ચૂંટણીની ધાંધલધમાલના લીધે રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને અશરફ ગનીને અફઘાન લોકો સ્વીકારી ન શક્યા.
જૉન્સને જણાવ્યું કે, "ગની સરકાર ખૂબ બધા ભ્રષ્ટાચારો અને દગાખોરીને લીધે પડી ભાંગી. લોકોને ખબર હતી કે વાસ્તવમાં તેઓ 2014 અને 2019ની ચૂંટણી જીત્યા નહોતા."
મોટી માત્રામાં ધાંધલધમાલના સમાચારો વચ્ચે મતદાન થયું. 2019માં વિપક્ષના નેતા અબ્દુલ્લા અબ્દુલ્લા પહેલા વિજેતા ઉમેદવાર ઘોષિત થયા હતા. બંને ઉમેદવારોએ જાતે પોતાને જ રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા! એના પછી અમેરિકાના દબાણ સાથે એ બંને એ વાતે સંમત થયા કે ગની જ રાષ્ટ્રપતિપદ શોભાવશે.
એ સમય સુધી ટ્રમ્પ સરકારે સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય લઈ લીધો હતો. આ નિર્ણય જે બાઇડનને વારસામાં મળ્યો અને એમણે પણ એને સમર્થન આપ્યું.
અમેરિકાએ કતારની રાજધાની દોહામાં તાલિબાનના રાજકીય નેતૃત્વની સાથે અફઘાનિસ્તાનના ભવિષ્ય પર ખાનગી વાતચીત કરી. ખલીલજાદ એ વાર્તાલાપમાં વૉશિંગ્ટનનો મુખ્ય સભ્ય હતો.
આ પ્રક્રિયાએ છેવટે કાબુલ સરકારના પગ નીચેથી જમીન સરકાવી દીધી અને તેઓ દેશના ભવિષ્યની પરિભાષામાંથી બહાર નીકળી ગયા.
ફેબ્રુઆરી 2020માં ખલીલજાદે તાલિબાન નેતાઓમાંથી એક અબ્દુલ ગની બરાદરની સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આ વાર્તાલાપ માટે બરાદરને અમેરિકાના દબાણથી પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો.
જૉન્સન જણાવે છે કે, "આ શાંતિ સમજૂતી નહોતી. ખરેખર તો એ એક રાજકીય નાટક હતું."

'પાકિસ્તાનની જીત'

ઇમેજ સ્રોત, AFP
તાલિબાને અમેરિકાને રાજકીય સમજૂતીઓની પ્રક્રિયામાં સમર્થન આપવા અને જોર-જબરદસ્તીથી સત્તા હાંસલ ન કરવા, હિંસાની સૌથી ક્રૂર રીતો છોડવા અને અલ-કાયદાના આતંકવાદીઓને શરણ નહીં આપવા જેવા વાયદા કર્યા હતા.
પરંતુ તેમણે પોતે આપેલા વાયદા પાળ્યા નહીં. આમ છતાં, ખલીલજાદ અમેરિકાના વિશેષ દૂત રહ્યા અને રાષ્ટ્રપતિ બાઇડને સૈન્ય પાછું બોલાવવાનો નિર્ણય અફર રાખ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિની સ્થિતિ વર્ણવતાં માર્ક કાટ્ઝ જણાવે છે કે, "એ સનકી અથવા વ્યવહારુ નિર્ણય હતો કે અફઘાનિસ્તાન બચાવવાને લાયક નથી. કદાચ એ ક્યારેય નહોતું જ. તાલિબાન ખૂબ જ મજબૂત છે. પાકિસ્તાન દ્વારા એને થતી મદદને અટકાવી નહીં શકાય તો છોડો એને, અને એને બીજા કોઈની સમસ્યા બનવા દો."
કેટલાક તપાસ અને જાણકારી રાખનારાઓના રિપોર્ટ એમ કહે છે કે, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા (આઈએસઆઈ)ના તાલિબાનના સરદારો સાથે ગાઢ સંબંધો રહ્યા છે. જોકે, પાકિસ્તાન સત્તાવાર રીતે આ વાતનું ખંડન કરે છે.
માર્ક કાટ્ઝે કહ્યું હતું કે, 1980ના દાયકામાં મુજાહિદ્દીનોને અને હવે તાલિબાનોને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનને કારણે એમને હરાવવા લગભગ અશક્ય છે.
તેઓ યાદ કરે છે કે, સોવિયત રાજસત્તાધારીઓએ પોતાના સૈનિકોને પાછા બોલાવવાના બદલામાં મુજાહિદ્દીનોને અમેરિકા તરફથી મળી રહેલા સમર્થનને હઠાવવા માટેની સમજૂતી કરી હતી. જોકે, આ શરત ક્યારેય પૂરી ન થઈ.
કાટ્ઝે કહ્યું કે, અમેરિકાએ તાલિબાનને સમર્થન ન આપવા માટે પાકિસ્તાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અફઘાનિસ્તાન ભારતના પ્રભાવ હેઠળ આવી જવાની એને હંમેશાં બીક રહી, તેથી ઇસ્લામી કટ્ટરપંથીઓને સમર્થન આપવા અમેરિકા મજબૂર હતું. પાકિસ્તાનને એમ હતું કે તાલિબાન ક્યારેય હિંદુ બહુમતીવાળી લોકશાહીને સહયોગ નહીં આપે.
એટલું જ નહીં, પાકિસ્તાની નેતૃત્વના એક જૂથે તો તાલિબાની વિચારધારાને પણ સમર્થન આપ્યું.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના પૂર્વપ્રમુખ જનરલ હામિદ ગુલે 2014માં કહેલું કે ભવિષ્યમાં ઇતિહાસનાં પુસ્તકોમાં લખાયેલું હશે કે આઈએસઆઈએ અમેરિકાની મદદથી અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘને હરાવ્યું અને આઇએસઆઇએ અમેરિકાની મદદથી અમેરિકાને હરાવ્યું.
એટલે તો કાટ્ઝે કહ્યું કે, "કોઈ, જો આ યુદ્ધ જીત્યું છે, તો એ પાકિસ્તાન છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













