જેમ્સ બૉન્ડ બોલશે ગુજરાતી, No Time To Die ક્યારે થશે રજૂ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભવ્ય વિદેશી લોકેશન, દિલધડક સ્ટન્ટ્સ, ખતરનાક દુશ્મન. બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બૉન્ડ 007ની ફિલ્મોમાં આ બધું હતું. બૉન્ડ અંગ્રેજી, હિંદી કે વધીને તેલુગુ કે તામિલ જેવી પ્રાદેશિક ભાષા બોલતા હતા, પરંતુ હવે તેઓ ગુજરાતી પણ બોલશે.
આ મહિનાના અંતમાં બૉન્ડ શ્રેણીની 25મી ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાઈ' રજૂ થશે, જે ભારતમાં અંગ્રેજી, હિંદી, તામિલ, તેલુગુ ઉપરાંત મલયાલમ, પંજાબી, ગુજરાતી, ભોજપુરી ભાષામાં રજૂ થશે.

ઇમેજ સ્રોત, Twitter/@James Bond
બૉન્ડ એ ઇયાન ફ્લેમિંગની કલ્પનાનું રૂપેરી પડદે નિરુપણ છે. તેમણે આ શ્રેણીની 14 નવલકથા લખી છે. તેમના નિધન બાદ સત્તાવાર રીતે અન્ય લેખકોએ પણ બૉન્ડની નવલકથાઓ લખી છે.
અગાઉ ત્રણ વખત બૉન્ડની ફિલ્મ મોકૂફ રહી ચૂકી છે. યુનિવર્સલ પિક્ચર્સ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે તા. 30મી સપ્ટેમ્બરે ફિલ્મ થિયેટરમાં પણ રજૂ થશે.

નામ છે બૉન્ડ

ઇમેજ સ્રોત, MLADEN ANTONOV
આમ તો ફિલ્મનું ગુજરાતી ટ્રૅલર ફેબ્રુઆરી-2020માં જ રજૂ થઈ ગયું હતું, પરંતુ રિલીઝની તારીખ નક્કી થતાં તે ફરી એક વખત ચર્ચામાં છે.
ટ્રૅલરના એક દૃશ્યમાં સિક્યૉરિટી ગાર્ડ નામ પૂછે છે ત્યારે ક્રૅગ કહે છે, 'નામ છે બૉન્ડ. જેમ્સ બૉન્ડ'
જાણકારોના કહેવા પ્રમાણે, ગુજરાતના શહેરી વિસ્તારમાં લોકો અંગ્રેજી અથવા હિંદી ભાષામાં બોલીવૂડની ફિલ્મોને જોવા ટેવાયેલા છે, પરંતુ અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકો સુધી પહોંચવા માટે યુનિવર્સલ સ્ટુડિયો દ્વારા આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન ટેક કંપની ઍમેઝોને બૉન્ડ સિરીઝની ફિલ્મોની સહનિર્માતા કંપની એમજીએમને લગભગ સાડા આઠ અબજ ડૉલરમાં ખરીદી લીધી હતી, તેથી ઓટીટીના માધ્યમથી પ્રાદેશિક દર્શકો સુધી પહોંચવાની વ્યૂહરચના હોવાની અટકળને વેગ મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍમેઝોન પ્રાઇમ દ્વારા વીડિયો સ્ટ્રીમિંગની સર્વિસ પૂરી પાડે છે. એમજીએમ પાસે હોલીવૂુની ચાર હજાર જેટલી ફિલ્મો તથા 17 હજાર જેટલા ટેલિવિઝન શૉ છે.
ત્રણ વખત મોકૂફ રહ્યા બાદ બૉન્ડ શ્રેણીની ફિલ્મ 'નૉ ટાઇમ ટુ ડાઈ' ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તા. 30મી સપ્ટેમ્બરે રજૂ થઈ રહી છે. તે ભારતમાં હિંદી અને અંગ્રેજી જેવી મુખ્ય ભાષા ઉપરાંત ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓમાં પણ રજૂ થશે.
સૌ પહેલાં તે એપ્રિલ-2020માં રજૂ થવાની હતી, પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના અને લૉકડાઉનને કારણે તેને ત્રણ વખત મોકૂફ રાખવી પડી હતી.
જેને બાદમાં નવેમ્બર-2020 સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પાછળથી તેને એપ્રિલ-2021ના પ્રથમ અઠવાડિયામાં રજૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી.
આ અરસામાં ફિલ્મ સીધી જ ઓટીટી (ઑવર ધ પ્લૅટફૉર્મ) પર રજૂ થશે અને ઓટીટીની સાથે જ થિયેટરમાં રજૂ થશે, એવી ચર્ચાઓ પણ ચાલી હતી. બૉન્ડ શ્રેણીની છેલ્લી ફિલ્મ 'સ્પેક્ટર' 2015માં રજૂ થઈ હતી, એટલે બૉન્ડના ફેન્સમાં આ ફિલ્મ અંગે ભારે ઉત્કંઠા પ્રવર્તમાન હતી.

બૉન્ડની ફિલ્મો વિશે

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના લેખક ઇયાન ફ્લેમિંગ બીજા વિશ્વયુદ્ધ બાદ કેટલાક બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ અને કમાન્ડોને મળ્યા હતા. તેમનાં અનુભવો, વ્યક્તિત્વ અને ચપળતાને ધ્યાનમાં રાખીને તેમણે જેમ્સ બૉન્ડ 007ની રચના કરી જે દિલધડક ઑપરેશન્સને અંજામ આપે છે.
ફિલ્મોમાં બૉન્ડ રશિયન્સ, અણુજોખમ, ડ્રગ લૉર્ડ, બિઝનેસ ટાયકૂન, સાયબર-ઍટેકર સામે લડે છે.
1953માં 'કસીનો રૉયલ' ના નામથી પહેલી નવલકથા રિલીઝ થઈ, પરંતુ તે ફિલ્મસ્વરૂપે 1962માં (ડૉ. નો) પ્રથમ વખત થિયેટરોમાં રજૂ થઈ. એ સમય સુધીમાં ઇયાન આ શ્રેણીની નવ જેટલી નવલકથા લખી ચૂક્યા હતા.
ડેનિયલ ક્રૅગ પહેલાં પિયર્સ બ્રૉસનન , ટીમથી ડાલ્ટન , રોજર મૂર, જ્યૉર્જ લેઝનબે અને શૉન કૉનરી જેવા કલાકારો આ ભૂમિકા ભજવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બૉન્ડ તરીકે ક્રૅગની આ પાંચમી અને અંતિમ ફિલ્મ છે. શૉન કૉનરી તથા રોજર મૂર રેકર્ડ છ-છ વખત બ્રિટિશ જાસૂસની ભૂમિકા ભજવી ચૂક્યા છે.
આગામી સમયમાં કોઈ મહિલા બૉન્ડની ભૂમિકા ભજવશે એવી ચર્ચા હતી, પરંતુ બાદમાં નિર્માતાઓએ આ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
બૉન્ડની 24 ફિલ્મોનું નિર્માણ ઇયાન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે કીર્તિમાન છે. આ શ્રેણીની ફિલ્મોએ કુલ સાત અબજ ડૉલરનો વેપાર કર્યો છે.
બૉન્ડની ફિલ્મો માત્ર રૂપેરી પડદે જ નથી દેખાઈ, પરંતુ ટેલિવિઝન, નવલકથા, કૉમિક, રેડિયો, વીડિયોગેઇમ, રૉલપ્લેઇંગ ગેઇમ્સ તથા અન્ય મર્ચેન્ડાઇઝ સ્વરૂપે ચાહકો સુધી પહોંચી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












