મુસ્લિમ બ્રધરહુડ : જેની સ્થાપના અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે કરાઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'મારા પિતાને ઇજિપ્તની સરકાર મૃત જોવા માગે છે. હાઈ બ્લ્ડપ્રેસર હોવા છતાં એમનો કોઈ ઉપચાર નથી કરાવાઈ રહ્યો. તેમના મૃત્યુને પ્રાકૃતિક દેખાડવા માટે આવું કરાઈ રહ્યું છે.'
ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોરસીના નાના પુત્ર અબ્દુલ્લાએ થોડા સમય પહેલાં સમાચાર સંસ્થા એપી સાથેની વાતચીત અને 'વૉશિંગ્ટન પોસ્ટ'ના સંપાદકીય લેખમાં ઉપરોક્ત વાત કરી હતી.
ઇજિપ્તના સરકારી ટેલિવિઝન અનુસાર કોર્ટના પરિસરમાં મોરસીનું મૃત્યુ થયું અને મંગળવારે તેમની દફનવિધિ કરી દેવાઈ.
વર્ષ 2013માં સૈન્યના તખ્તાપલટ બાદ તેમને સત્તા પરથી બેદખલ કરી દેવાયા હતા.
મોરસી મુસ્લિમ બ્રધરહુડના સભ્ય હતા. તેમની અટકાયત બાદ ઇજિપ્તમાં આ સંગઠન વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરાઈ હતી.

'મુસ્લિમ બ્રધરહુડ' શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2013ની શરૂઆતમાં ઇજિપ્તમાં મોહમ્મદ મોરસી વિરુદ્ધ લાખો લોકોએ પ્રદર્શન કર્યાં અને સૈન્યએ મોરસીને પદભ્રષ્ટ કર્યાં.
એ વખતે આઠ દાયકા કરતાં વધુ વખતનો ઇતિહાસ ધરાવતા મુસ્લિમ બ્રધરહુડ પર ઇજિપ્તમાં સૌથી મોટી આફત આવી પડી હતી.
મુસ્લિમ બ્રધરહુડના નેતા અને હજારો સભ્યોની ઇજિપ્તમાં ધરપકડ કરી લેવાઈ હતી અને તેનાં કાર્યલયો સળગાવી દેવાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુસ્લિમ બ્રધરહુડ દ્વારા એ ઘટનાને 'નરસંહાર' ગણાવાઈ હતી તો ઇજિપ્તની સરકારે 'મુસ્લિમ બ્રધરહુડ'ને 'આતંકવાદી સગંઠન' જાહેર કરી દીધું.
કુરાનના ઉપદેશને પોતાની મુખ્ય વિધારધારા ગણાવતા મુસ્લિમ બ્રધરહુડ ઇજિપ્તનું સૌથી જૂનું અને સૌથી મોટું ઇસ્લામિક સંગઠન છે.
તેની સ્થાપના હસન અલ-બાન્ના નામના ઇસ્લામિક વિદ્વાને 1928માં કરી હતી.
મુસ્લિમ બ્રધરહુડને 'અલ-ઇખવાન અલ-મુસ્લિમન'ના નામે પણ ઓળખવામાં આવે છે.
મુસ્લિમ બ્રધરહુડનું કાર્યક્ષેત્ર માત્ર ઇજિપ્ત પૂરતું જ સિમિત ન રહેતાં વિશ્વના કેટલાય દેશોમાં ફેલાયેલું છે.
રાજકીય સક્રિયતાવાદ અને ઇસ્લામિક સખાવત તેની વિચારધારાનાં મુખ્ય તત્ત્વો છે.
મુસ્લિમ બ્રધરહુડની ચળવળનો પ્રારંભ ઇસ્લામિક આદર્શો અને સખાવતી કાર્યોના પ્રચારાર્થે થયો હતો.
જોકે, થોડા સમયમાં જ મુસ્લિમ બ્રધરહુડે રાજકારણમાં ઝંપલાવી દીધું. આવું કરવા પાછળનું કારણ ઇજિપ્ત પર કબજો જમાવી બેઠેલા અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા અને દેશમાંથી પશ્ચિમનો પ્રભાવ ખાળવાનું હતું.
જોકે, ઇખ્વાન નામે ઓળખાતા મુસ્લિમ બ્રધરહુડના સભ્યો લોકશાહીમાં માનતા હોવાનો દાવો તો કરે છે, સંગઠનના લેખિત ઉદ્દેશ શરિયતના કાયદા અંતર્ગત ચાલતું શાસન સ્થાપવાનો છે.
'ઇસ્લામ જ ઉકેલ છે' એવું સંગઠનનું સૂત્ર પણ છે.

પૅરામિલિટરી વિંગ અને હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
1928માં બન્નાએ ઇસ્લામિક બ્રધરહુડની સ્થાપના કરી અને દેશભરની મસ્જિદોમાં, એક શાળામાં અને એક રમતગતમની ક્લબમાં એની શાખાની સ્થાપના કરવામાં આવી.
જોતજોતામાં સંગઠનની લોકપ્રિયતા વધવા લાગી. 1940 સુધીમાં ઇજિપ્તમાં તેના સભ્યોની સંખ્યા 5 લાખ સુધી પહોંચી ગઈ.
એટલું જ નહીં, મુસ્લિમ બ્રધરહુડની વિચારધારા ઇજિપ્તની સરહદો ઓળંગી આરબવિશ્વમાં પણ ફેલાઈ ગઈ.
એ વખતે બન્નાએ 'મુસ્લિમ બ્રધરહુડ'ની પૅરામિલિટરી વિંગ પણ ઊભી કરી અને બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર ચળવળ આરંભી.
જોકે, અંગ્રેજો અને યહુદીઓ પર હુમલાઓ વધતા બ્રિટિશ સરકાર હરકતમાં આવી અને સંગઠનને 1948માં વિખેરી નાખ્યું.
પણ એના થોડા સમયમાં જ મુસ્લિમ બ્રધરહુડ પર ઇજિપ્તના વડા પ્રધાન મહમૌદ અલ-નુકરશીની હત્યા કરવા કરવાનો આરોપ લાગ્યો.
બન્નાએ આરોપોને ફગાવી દીધા અને વડા પ્રધાનની હત્યામાં સગંઠનનો હાથ ન હોવાનું જણાવ્યું.
આ ઘટનાને હજુ થોડો જ સમય થયો હતો કે ખુદ બન્નાની પણ હત્યા કરી દેવાઈ. હત્યા કરનારી વ્યક્તિ સુરક્ષાદળ સાથે સંકળાયેલી હોવાનું મનાયું.

બ્રધરહુડ અને જેહાદ
1952 દેશમાં સૈન્યબળવો થયો અને અંગ્રેજોના શાસનનો અંત આવ્યો. બળવો કરનારા સૈન્ય અધિકારીઓએ પોતાની જાતને 'ફ્રી-ઑફિસર્સ' ગણાવ્યા અને ઇખ્વાનોએ તેમની મદદ કરી.
1954માં ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દુલ નાસેરની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો. હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ ઇખ્વાનો પર લાગ્યો મુસ્લિમ બ્રધરહુડના હજારો સભ્યોની ધરપકડ કરાઈ.
જેને પગલ સત્તા સાથે સંઘર્ષ સર્જાયો અને મુસ્લિમ બ્રધરહુડને પોતાની વિચારધારામાં ધરખમ ફેરફાર કરવાની જરૂર પડી.
સઇદ કુત્બે નામના ઇખ્વાને પશ્ચિમ અને કથિત ઇસ્લામિક 'જાહિલ' સમાજો વિરુદ્ધ જેહાદ કરવાની ભલામણ કરી.
તેમનાં લખાણોએ અલ-કાયદા અને એવાં જ કેટલાંય ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠનોને વૈચારિક આધાર પૂરો પાડ્યો.
1965માં ઇજિપ્તે ફરી મુસ્લિમ બ્રધરહુડ પર લાલ આંખ કરી અને 1965માં કુત્બને મૃત્યુની સજા આપી.

લોકશાહીને આધાર બનાવ્યો

ઇમેજ સ્રોત, Reuters
એ બાદ મુસ્લિમ બ્રધરહુડે લોકશાહી ઢબે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. તેણે 1984માં વદ્ફ પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને 1987માં સોશિયાલિસ્ટ લેબર પાર્ટી અને સોશિયાલિસ્ટ લિબરલ પાર્ટી સાથે ગઠબંધન સાધ્યું અને ઇજિપ્તનો મુખ્ય વિપક્ષ બની ગયો.
વર્ષ 2000ની ચૂંટણીમાં ઇખ્વાનોએ 17 બેઠકો જીતી. એનાં પાંચ વર્ષ બાદ એટલે કે વર્ષ 2005ની ચૂંટણીમાં ઇખ્વાનોએ અપક્ષો સાથે મળીને સંસદની 20 ટકા બેઠકો મેળવી.
જેને પગલે રાષ્ટ્રપતિ હોશ્ની મુબારકને ભારે ધક્કો લાગ્યો. સરકાર મુસ્લિમ બ્રધરહુડ પર તૂટી પડી.
વર્ષ 2011માં ટ્યુનિશિયામાં પણ સરકાર વિરોધી આંદોલનો થયાં અને તેમાં મોટી સંખ્યામાં ઇખ્વાનોએ ભાગ લીધો.
વર્ષ 2011માં હોશ્ની મુબારકને સત્તામાંથી હટાવાયા બાદ ઇજિપ્તમાં ચૂંટણી યોજાઈ અને ઇખ્વાનોની નવી રચાયેલી 'ફ્રિડમ ઍન્ડ જસ્ટિસ પાર્ટી'ને ઇજિપ્તની 'પીપલ્સ ઍસેમ્બલી'માં અડધાથી વધુ બેઠકો મળી.
તો 'અલ્ટ્રા-કન્ઝર્વૅટિવ' ગણાતી અને સલાફી વિચારધારામાં માનતી નૂર પાર્ટી બીજા નંબરે રહી અને આવી રીતે ઇજિપ્તના નીચલા ગૃહમાં 70 ટકા બેઠકો ઇસ્લામિસ્ટોને મળી ગઈ.
સંસદના ઉપલા ગૃહ સુરા કાઉન્સિલમાં પણ આવું જ થયું. જેને પગલે ઇખ્વાનો અને તેમના મળતીયાઓએ ઇજિપ્તનું નવું બંધારણ ઘડ્યું. જેનો બિનસાંપ્રદાયિકો, કૉપ્ટિક ખ્રિસ્તીઓ, યુવાનો-મહિલાઓએ ભારે વિરોધ કર્યો.
ઇખ્વાનો પર ઇજિપ્તના વૈવિધ્યસભર વારસાનો અનાદર કરવાનો આરોપ પણ લગાવાયો.
એ બાદ ઇખ્વાનોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મોહમ્મદ મોરસીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા અને તેઓ 51% મતોથી જીતી ગયા.
આ જ મોહમ્મદ મોરસીના રાષ્ટ્રપતિ બનવાના એક વર્ષ બાદ ઇજિપ્તમાં જનઆંદોલન થયું અને તેઓ સત્તામાંથી બેદખલ કરાયા. સૈન્યને હસ્તક્ષેપ કરવો પડ્યો અને એ બાદ જે થયું એ જાણીત વાત છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














