H-1B વિઝા વિવાદ : ગુજરાતીઓને અમેરિકાના વિઝા લેવાનું મુશ્કેલ થઈ જશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઍલન ઇલોન મસ્ક, H-1B વિઝા, ભારતીયોની અરજી, વિવેક રામાસ્વામી, સ્કિલ્ડ વર્કર, વિઝા પ્રોગ્રામ કાર્યક્રમ,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી ગુજરાતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપ્રચાર વખતે ઇમિગ્રૅશનવિરોધી વલણ અપનાવીને 'અમેરિકા ફર્સ્ટ' અભિયાન ચલાવ્યું હતું.

પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ગણવામાં આવતા ઉદ્યોગપતિ ઍલન મસ્કે એચ-1બી વિઝાની પ્રખર હિમાયત કરી છે અને કહ્યું છે કે એચ-1બી કાર્યક્રમને બચાવવા માટે તેઓ યુદ્ધ કરવા પણ તૈયાર છે.

તેમણે એમ પણ કહ્યું છે કે એચ-1બી વિઝા પ્રોગ્રામમાં ઘણી ખામી છે અને તેને સુધારવાની જરૂર છે.

બીજી તરફ અમેરિકામાં એક વર્ગ એવો પણ છે જેઓ વિદેશી ઇમિગ્રન્ટ્સને એચ-1બી વિઝા આપવાનો વિરોધ કરે છે. આ વર્ગમાં ટ્રમ્પના સમર્થકોનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પના શપથગ્રહણનો દિવસ નજીક આવતો જાય છે તેમ-તેમ ઇમિગ્રૅશન મામલે વિવાદ વધતો જાય છે અને કંઈ નક્કર નિર્ણય ન આવે, ત્યારસુધી તેના ઉપર ચર્ચા પણ ચાલતી રહેશે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

એચ-1બી વિઝા પ્રોગ્રામનું મહત્ત્વ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઍલન ઇલોન મસ્ક, H-1B વિઝા, ભારતીયોની અરજી, વિવેક રામાસ્વામી, સ્કિલ્ડ વર્કર, વિઝા પ્રોગ્રામ કાર્યક્રમ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ તા. 20 જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે

અમેરિકાના ઇમિગ્રૅશન પ્રોગ્રામમાં એચ-1બી વિઝા સૌથી વધારે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

પદનામિત ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ઇમિગ્રૅશનવિરોધી વલણ માટે જાણીતા હતા, પણ ટેસ્લાના માલિક મસ્કે જણાવ્યું હતું કે કુશળ વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં લાવતા માટે આ પ્રોગ્રામ આવશ્યક છે.

ટ્રમ્પના ભારતીય મૂળના ટેકેદાર વિવેક રામાસ્વામીએ પણ એચ-1બી વિઝા કાર્યક્રમનો બચાવ કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ફરીથી મહાન બનાવવાનું સૂત્ર આપ્યું છે, પરંતુ તેમની કેટલીક જાહેરાતોના કારણે તેમના સમર્થકો પણ નારાજ છે.

ટ્રમ્પે તાજેતરમાં ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) વિભાગના પ્રેસિડન્ટ બનાવ્યા હતા.

એક સમયે ઇમિગ્રૅશનના વિરોધી ગણાતા મસ્કે પણ ટ્રમ્પનો પક્ષ લઈને એચ-1બી વિઝાને ટેકો આપ્યો છે.

મસ્કે ટ્વિટ કર્યું હતું કે અમેરિકન ટેક્નૉલૉજી કંપનીઓએ દેશમાં કામ કરતા એન્જિનિયર્સની સંખ્યા બમણી કરવાની જરૂર છે.

તેમણે લખ્યું છે કે, "તમે ઇચ્છતા હોવ કે તમારી ટીમ ચૅમ્પિયનશીપ જીતે, તો તમારે ટોપ ટૅલેન્ટની ભરતી કરવી પડશે."

યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રૅશન સર્વિસિસના માર્ચ 2024ના રિપૉર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023માં અમેરિકાએ 3.86 લાખ એચ-1બી વિઝા ઈશ્યૂ કર્યા હતા.

જેનો લાભ લેનારાઓમાં 72.3 ટકા ભારતીયો હતા, ત્યાર પછી બીજા નંબર પર ચીન હતું જેને 11 ટકા એચ-1બી વિઝા મળ્યા હતા.

આથી, આ વિઝા ભારતીયો માટે સૌથી વધારે મહત્ત્વના ગણવામાં આવે છે.

યુએસ એચ-1બી વિઝાની જે અરજીઓ થાય છે, તેમાં પણ ભારતીયોનો હિસ્સો 72 ટકા કરતા વધુ હોય છે.

પરંતુ એચ-1બી વિઝા બધા લોકોને નથી મળી શકતા અને દરેક દેશ માટે ટોચમર્યાદા નક્કી થયેલી છે.

હાલમાં કોઈ પણ દેશને કુલ વિઝામાંથી 7 ટકા કરતા વધારે એચ-1બી વિઝા ફાળવવામાં આવતા નથી.

તેના કારણે ભારત જેવા દેશના વર્કર માટે સમસ્યા થાય છે કારણ કે દરવર્ષે 85,000 વિઝાની લિમિટ છે.

આ મર્યાદા ઝડપથી ભરાઈ જાય છે અને ભારત જેવા ઉચ્ચ ડિમાન્ડ ધરાવતા દેશોની વિઝા અરજીઓમાં વિલંબ થાય છે.

વર્ષે કેટલા લોકોને એચ-1બી વિઝા મળે?

વીડિયો કૅપ્શન, Mutual funds માં રોકાણ ફાયદાનો સોદો કે નુકસાનનો, તેમાં રોકાણ કેવી રીતે કરવું?

અમેરિકાએ 1990માં કુશળ અથવા સ્કીલ્ડ વર્કર્સ માટે H-1B વિઝાની શરૂઆત કરી હતી. તે સામાન્ય રીતે ત્રણ વર્ષ માટે હોય છે, પરંતુ તેને છ વર્ષ સુધી લંબાવી શકાય છે.

2004થી અમેરિકાએ એચ-1બી વિઝાની સંખ્યા 85 હજાર પર નિશ્ચિત રાખી છે.

તેમાંથી 20 હજાર વિઝા અમેરિકન યુનિવર્સિટીઓમાંથી માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે.

જોકે, યુનિવર્સિટીઓ, અમુક એનજીઓ અથવા થિંક ટૅન્કને આ લિમિટ લાગુ નથી પડતી. તેથી વાસ્તવિક સંખ્યા 85 હજાર કરતા વધુ હોઈ શકે છે.

બીબીસી આઈનો અહેવાલ કહે છે કે નાણાકીય વર્ષ 2023માં (ઑક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે) 3.86 લાખ એચ-1બી વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.

તેમાં 1.19 લાખ નવા એચ-1બી વિઝા હતા જ્યારે 2.67 લાખ વિઝાની મુદત લંબાવવામાં આવી હતી.

2022માં અમેરિકાએ આ રીતે 4.74 લાખ એચ-1બી વિઝા અરજીઓ મંજૂર કરી હતી જેની તુલનામાં 2023માં ઘટાડો થયો હતો.

યુએસસીઆઈએસનો ડેટા એમ પણ દર્શાવે છે કે એચ-1બી વિઝા પર અમેરિકા આવનારા 70 ટકા ઉમેદવારો પુરુષ હોય છે અને તેમની સરેરાશ ઉંમર 33 વર્ષ હોય છે.

H-1B વિઝા મામલે ઍક્સપર્ટ્સ શું કહે છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઍલન ઇલોન મસ્ક, H-1B વિઝા, ભારતીયોની અરજી, વિવેક રામાસ્વામી, સ્કિલ્ડ વર્કર, વિઝા પ્રોગ્રામ કાર્યક્રમ, અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાની ચૂંટણીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મોટો મુદ્દો હતા

વિઝા નિષ્ણાતોના માનવા પ્રમાણે ભારતીયો માટે અત્યારે અનુકૂળ સ્થિતિ છે, કારણ કે અમેરિકાના વર્ક ફોર્સમાં ભારતીય પ્રતિભાશાળી લોકોની કાયમ જરૂરિયાત રહેવાની જ છે.

અમદાવાદસ્થિત વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર કહે છે કે, "ભારતીયોએ આને એક તક તરીકે જોવાની જરૂર છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની અગાઉની ટર્મ વખતે જે ટીમ હતી."

"અત્યારની જે ટીમ છે તે અલગ છે. તેઓ કહે છે કે ઘણી વખત ટીમની અસરથી નિર્ણય લેવાતા હોય છે."

ભાવિન ઠાકરે જણાવ્યું કે, "ટ્રમ્પની હાલની ટીમમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ છે અને તેમને વર્કફોર્સના મહત્ત્વની ખબર છે. તેથી તેઓ વિદેશી ટેલેન્ટની ઉપેક્ષા કરી શકે તેમ નથી."

"ઉદ્યોગપતિઓ વ્યવહારુ રીતે શું યોગ્ય છે અને શું નથી તે સમજતા હોય છે. અત્યારે અમેરિકાની જે વસતી છે તેમાં બધા જ લોકો વર્ક ફોર્સમાં ઉપયોગી બને તેવું નથી."

"ઘણા સ્થાનિક યુવાનો ધોરણ 12 સુધી માંડ ભણેલા હોય છે. અમેરિકા ડિફેન્સ અને ફાર્મા ક્ષેત્રે અગ્રણી છે, પણ તેની સામે ટેલેન્ટની અછત છે જેના માટે બહારથી લોકો લાવવા જરૂરી છે."

ગાંધીનગરસ્થિત અમેરિકન વિઝા કન્સલ્ટન્ટ મમતા ઠક્કરે જણાવ્યું કે "ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ જવા માટે અમેરિકા અને કૅનેડા હંમેશાથી ટોપ પસંદગી હોય છે."

"હાલમાં કૅનેડા સાથેના વિવાદના કારણે તેમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ યુએસએ હજુ પણ સૌથી ઉપર જ છે."

ભાવિન ઠાકરે ઉમેર્યું હતું, "કૅનેડામાં જેના કોઈ પરિવારજન હોય અથવા જોબની કોઈ વ્યવસ્થા હોય તો સ્ટુડન્ટ્સ કૅનેડા પસંદ કરે છે, પરંતુ બાકી અમેરિકા LA સૌથી ફૅવરિટ જ છે."

"USCIS (યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રૅશન સર્વિસિસ) 17 જાન્યુઆરીએ અપડેટેડ I-129 ફોર્મ જારી કરશે જે નોન ઇમિગ્રન્ટ વર્કર માટેની પિટિશન હોય છે. એચ-1બીમાં તાજેતરમાં જે ફેરફારો થયા તેનો આ ફોર્મમાં સમાવેશ કરવામાં આવશે."

અમેરિકામાં ઇકૉનૉમીને મદદ કરે તેવા લોકોની જરૂર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઍલન ઇલોન મસ્ક, H-1B વિઝા, ભારતીયોની અરજી, વિવેક રામાસ્વામી, સ્કિલ્ડ વર્કર, વિઝા પ્રોગ્રામ કાર્યક્રમ, અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવું

ઇમેજ સ્રોત, Getty Images

વિઝા ઍક્સપર્ટ ભાવિન ઠાકરે કહ્યું, "એચ-1બી વિઝા માટે ભારતીય માટે ઘણી સારી તક છે. ટ્રમ્પ વહીવટીતંત્રને જે વાંધો છે જે ગેરકાયદે ઘૂસી આવેલા ઇમિગ્રન્ટ્સ સામે છે. અમેરિકાની ઇકૉનૉમીને હાલમાં કરદાતાઓની જરૂર છે."

"તેથી જે લોકો યુવાન હોય, અમેરિકામાં વર્ષો સુધી કામ કરીને ટેક્સ ચૂકવી શકે તેવા લોકો પર સરકારનું ફોકસ છે. એચ-1 બી વિઝા માટે ભલે 85 હજારની લિમિટ હોય, પરંતુ તેના કરતા ઘણાં વધારે લોકો યુએસમાં કામ કરવામાં સફળ થતા હોય છે."

"અગાઉ સ્ટેમ (સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ) પર યુએસનું વધારે ફોકસ રહેતું હતું. તેની જગ્યાએ અત્યારે સ્પેશિયાલિટી ઑક્યુપેશન પર વધારે ફોકસ જોવા મળે છે."

મમતા ઠક્કરે જણાવ્યું કે, "અત્યાર સુધી એચ-1બી વિઝાની અરજી રિન્યૂ કરવા માટે ભારત આવવું પડતું હતું, પરંતુ હવે તે અમેરિકામાંથી જ રિન્યૂ થઈ શકશે તે પણ ભારતીયો માટે એક પૉઝિટિવ બાબત છે."

"ભારતમાંથી જે વિદ્યાર્થીઓ હાયર ઍજ્યુકેશન માટે અમેરિકા જાય છે તેઓ મોટા ભાગે નર્સિંગ, બિઝનેસ ઍનાલિટિક્સ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગના કોર્સમાં ઍડમિશન લેતા હોય છે."

H-1B વિઝા ત્રણ વર્ષના ગાળા માટે માન્ય હોય છે, પરંતુ તેને વધુ ત્રણ વર્ષ માટે પણ રિન્યૂ કરી શકાય છે. ત્યાર પછી ગ્રીનકાર્ડની મંજૂર થયેલી પિટિશન સાથે વધારે ઍક્સ્ટેન્શન મળી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.