યોગ્ય અંગ્રેજી ન આવડતું હોવા છતાં ઊંચી ફી વસૂલવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું UKની યુનિવર્સિટીઓનું કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પૉલ કેન્યન અને ફર્ગસ હેવીસન
- પદ, બીબીસી ફાઈલ ઑન 4
યુકેમાં નવી શરૂ થયેલી એક યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરવા માટે યાસ્મિન (નામ બદલ્યું છે) ઈરાનથી આવ્યાં છે. પરંતુ તેમને જ્યારે જાણવા મળ્યું કે તેમના વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓને માંડ માંડ અંગ્રેજી આવડે છે અને તેમાંથી માત્ર બે વિદ્યાર્થી મૂળ બ્રિટિશર છે, ત્યારે તેમને આંચકો લાગ્યો હતો.
તેમણે બીબીસીને કહ્યું, "અંગ્રેજી શીખ્યા વગર કે બ્રિટિશ ઉચ્ચારણ સમજ્યા વગર આ અભ્યાસમાં કઈ રીતે આગળ વધી શકાય?"
તેમણે જણાવ્યું કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના કોર્સવર્ક માટે અથવા હાજરી પૂરાવવા માટે અન્ય લોકોને પૈસા આપે છે.
યાસ્મિનનો આ અનુભવ એક વધતી જતી સમસ્યા રજૂ કરે છે.
યુનિવર્સિટી ઍન્ડ કૉલેજ યુનિયન (યુસીયુ)એ જણાવ્યું હતું કે અમુક સંસ્થાઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી મળતી હોવાના કારણે તેમના ભાષાના જ્ઞાનને કોરાણે મૂકે છે.
એક અધ્યાપકે જણાવ્યું હતું કે હાલમાં તેમના એક અનુસ્નાતકના વર્ગમાં 70 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમનું અંગ્રેજી ઘણું નબળું છે.
યુનિવર્સિટીઝ યુકે (41 સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન) આ દાવાઓને નકારી કાઢે છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માટેની જરૂરિયાતોનું ચુસ્તપણે પાલન થાય છે.
વિવિધ યુનિવર્સિટીઓના 1.20 લાખ કર્મચારીઓ અને અધ્યાપકોનું પ્રતિનિધિત્વ કરતા યુસીયુના જૉ ગ્રૅડી જણાવે છે કે અંગ્રેજી નબળું હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ રીતે અહીં પ્રવેશ મેળવી લે છે તે એક જાણીતી વાત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૉ કહે છે, "અમે જ્યારે સભ્યો સાથે વાત કરીએ છીએ, ત્યારે તેઓ જણાવે છે કે કોઈપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ભાષાની પરીક્ષા પાસ કરવા કેવાં ગતકડાં અજમાવાય છે."


ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુકેમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતા દર 10 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ વિદેશી હોય છે, જે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોની સરખામણીએ ઘણો મોટો આંકડો છે, એમ હાયર ઍજ્યુકેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટના રોઝ સ્ટિફન્સને જણાવ્યું હતું.
ઇંગ્લૅન્ડમાં સ્થાનિક અંડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ટ્યુશન ફી 9250 પાઉન્ડ (લગભગ 9.96 લાખ રૂપિયા) પર મર્યાદિત રાખવામાં આવી છે, જે 2025-26માં વધીને 9535 પાઉન્ડ (લગભગ 10.27 લાખ રૂપિયા) થશે.
યુનાઈટેડ કિંગ્ડમના તમામ દેશો વિદેશી વિદ્યાર્થીઓ માટે એક ક્વૉટા નક્કી કરે છે, પરંતુ ઇંગ્લૅન્ડમાં ભણતાં વિદેશી વિદ્યાર્થીઓ માટે આ ક્વૉટાની કોઈ મહત્તમ મર્યાદા નથી.
સ્ટિફન્સને જણાવ્યું હતું કે,"વિદેશી વિદ્યાર્થીઓ જેટલી ફી ભરી શકવા સક્ષમ હોય એટલી ફી વસૂલવામાં આવે છે."
ગ્રૅજ્યુએટ ફીમાં કોઈ મહત્તમ મર્યાદા નથી, તેથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રી માટેનો ખર્ચ 50 હજાર પાઉન્ડ (લગભગ 53.85 લાખ રૂપિયા) સુધી પહોંચી જાય છે.
વધુમાં સ્ટિફન્સન જણાવે છે કે ઇંગ્લૅન્ડમાં સ્થાનિક વિદ્યાર્થીઓની ફી મોંઘવારી સાથે વધારવામાં નથી આવતી. જેથી યુનિવર્સિટીઓની આવક પર તેની અસર પડે છે, એટલે જ સ્થાનિક વિદ્યાર્થીઓની ઓછી ફી સામે વિદેશી વિદ્યાર્થીઓની ફી વધારે રાખીને સરભર કરાય છે.
વિદેશના ધનિક પરિવારોને લક્ષ્ય બનાવાય છે

ઇમેજ સ્રોત, Getty Images
એક વ્હીસલબ્લોઅર અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદેશી વિદ્યાર્થીઓને તૈયાર કરતી એક કંપનીના કર્મચારીએ અમને જણાવ્યું કે એજન્ટો વિદેશમાં રહેતા ધનિક પરિવારોને લક્ષ્ય બનાવે છે.
અગાઉ સન્ડે ટાઈમ્સ સાથે વાત કરતાં વ્હીસલબ્લોઅરે જણાવ્યું હતું કે,"આ યુનિવર્સિટીઓ ઘણી વાર એકદમ ઉતાવળી બને છે અને અમે વિદ્યાર્થીઓને કેવી રીતે મેળવ્યા છે તેની તપાસ કર્યા વગર તેમને પ્રવેશ આપી દે છે."
આ વ્હીસલબ્લોઅર સ્ટડી ગ્રૂપ સાથે કામ કરતા હતા જે એક ઍજ્યુકેશન સર્વિસ પ્રોવાઇડર છે. તેઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી યુકેની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ પૂરી પાડવાનું કામ કરે છે.
યુકે સ્થિત સ્ટડી ગ્રૂપ એ યુકેની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓ ઉપલબ્ધ કરાવનાર એક રજિસ્ટર્ડ પ્રોવાઈડર છે. તે દુનિયાના 99 દેશોમાં લગભગ 3500 એજન્ટો ધરાવે છે.
સ્ટડી ગ્રૂપે વ્હીસલબ્લોઅરના દાવાને કડક શબ્દોમાં નકાર્યો હતો અને જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને તેમના મેરિટના આધારે યુકેમાં પ્રવેશ મળે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કોઈપણ અભ્યાસક્રમમાં યુનિવર્સિટી દ્વારા પ્રવેશ અપાય છે, સ્ટડી ગ્રૂપ દ્વારા નહીં. આ ઉપરાંત પ્રવેશ માટેના કોઈપણ માપદંડ લાગુ નથી થતાં એવા દાવાને પણ તેમણે નકાર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે તેમના દ્વારા ચલાવવામાં આવતા કોર્સને "પાર્ટનર યુનિવર્સિટીઓ દ્વારા ચુસ્ત રીતે ચકાસવામાં આવે છે."
યાસ્મિને દક્ષિણ ઇંગ્લૅન્ડ સ્થિત એક યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ ફાઈનાન્સના કોર્સ માટે 16 હજાર પાઉન્ડ (લગભગ 17.23 લાખ રૂપિયા) ની ફી ચૂકવી છે.
તેમને પાછળથી ખબર પડી કે તેમના અભ્યાસક્રમમાં 100માંથી મોટા ભાગે 80 કે 90 વિદ્યાર્થી એવા હતા જેઓ વિદેશમાં કોઈને નાણાં ચૂકવીને ઍસાઈનમેન્ટ તૈયાર કરાવી લેતા હતા.
ઇંગ્લૅન્ડની યુનિવર્સિટીઓમાં બીજાના કામને પોતાનું ગણાવવું ગુનો છે

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડમાં વિદ્યાર્થીઓ આ રીતે બીજાનાં કામને પોતાનું કામ ગણાવે તે ગુનો છે.
યાસ્મિને પોતાના શિક્ષકને આ વિશે જાણ કરી ત્યારે તેમણે કોઈ પગલાં લીધા નહીં. યાસ્મિનને હવે એવું લાગે છે કે તેમની માસ્ટર્સ ડિગ્રીનું મૂલ્ય ઘટી ગયું છે.
રસેલ ગ્રૂપ એ બ્રિટનની ટોચની યુનિવર્સિટીઓનું પ્રતિનિધિત્વ કરતું સંગઠન છે. તેના એક પ્રોફેસર પણ આવી જ ચિંતા વ્યક્ત કરે છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં ભણાવ્યું છે અને પોતાનું નામ જાહેર કરવા નથી માગતા.
તેમણે બીબીસીને જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષોથી માસ્ટર્સ અભ્યાસક્રમમાં ભણતા 70 ટકા વિદ્યાર્થીઓ પાસે અંગ્રેજીનું પુરતું જ્ઞાન નથી હોતું.
તેઓ કહે છે, "ઘણીવાર એવું થયું છે કે હું જે વિદ્યાર્થીઓને ભણાવું છું તેઓ સામાન્ય પ્રશ્ન પણ સમજી શકતા નથી."
પ્રોફેસરે જણાવ્યું કે તેમણે વિદ્યાર્થીઓને ભણાવવાની પદ્ધતિ બદલવી પડી છે. કેટલાક વિદ્યાર્થીઓ તો વર્ગખંડમાં અનુવાદ માટેના ઍપનો ઉપયોગ કરે છે.
પરંતુ તેઓ માને છે કે આના માટેનો બધો દોષ વિદેશી વિદ્યાર્થીઓ પર નાખવો ન જોઈએ, તેઓ પોતાનાથી બનતાં તમામ પ્રયત્નો કરતાં હોય છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે વિષયવાર બધે સ્થિતિ જુદી હોય છે.
તેમણે જણાવ્યું હતું કે અભ્યાસક્રમની યોગ્યતા પરીક્ષા દ્વારા નહીં, પણ ઍસાઈનમેન્ટ દ્વારા નક્કી થતી હોવાથી આવા વિદ્યાર્થીઓ પાસ પણ થઈ જાય છે.
કેટલાક વિદ્યાર્થીઓ નિબંધ લખી આપતી કંપનીઓની મદદ લે છે અને નાણાં આપીને પેપર લખાવે છે. હવે વિદ્યાર્થીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનું ચલણ પણ વધ્યું છે. આ બંને પદ્ધતિ એવી છે જે હાલના ઉઠાંતરીને શોધી કાઢતા સૉફ્ટવેરને પણ માત આપી દે છે.
નાણાંકીય કટોકટીથી ઝઝુમતી યુકેની યુનિવર્સિટીઓ

ઇમેજ સ્રોત, Getty Images
યુસીયુના જૉ ગ્રૅડી જણાવે છે કે જે વિદ્યાર્થીઓનું અંગ્રેજી નબળું છે તેઓ બીજાની મદદ લે કે પછી એઆઈનો ઉપયોગ કરે તેમાં કોઈ નવાઈ નથી. તેઓ અધીરાઈમાં આવું કરે છે.
તેમણે જણાવ્યું હતું કે તેમના યુનિયનના સભ્યો પ્રશાસનને હંમેશાં કહેતા હોય છે કે અંગ્રેજીનું સારું જ્ઞાન ન ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તે યોગ્ય નથી. તેનાથી વિદ્યાર્થીઓને તકલીફ પડે છે અને તેમને ભણાવવાનું કામ પણ મુશ્કેલ બને છે.
જોકે, તેમણે જણાવ્યું હતું કે, "યુનિવર્સિટીઓ આને અટકાવી નથી રહી કારણ કે વિદેશી વિદ્યાર્થીઓ અત્યંત ઊંચી ફી ચૂકવતા હોય છે."
ગ્રેડી જણાવે છે કે અમુક યુનિવર્સિટીઓ નાણાકીય સંકટમાં છે અને તેઓ વધુ ફી આપતા તેમ જ "પુષ્કળ નાણાં ચૂકવતા" વિદેશી વિદ્યાર્થીઓ પર આધાર રાખે છે.
તેઓ કહે છે, "શિક્ષણ સંસ્થાઓ નાણાંની પાછળ દોડે છે. તેમને સારા વિદ્યાર્થીઓ નથી જોઈતા. ઉચ્ચ શિક્ષણમાં ચાલતો આ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે."
ઓછું અંગ્રેજી જાણતા વિદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ માત્ર વધુ પૈસા કમાવા માટે પ્રવેશ આપે છે, એવા દાવાને યુનિવર્સિટી યુકેના ચીફ ઍક્ઝિક્યુટિવ વિવિએન સ્ટર્ને ફગાવી દીધો હતો.
તેમણે જણાવ્યું હતું કે યુકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ભાષાની લઘુતમ યોગ્યતા સહિતના તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને પછી પ્રવેશ અપાય છે.
તેઓ કહે છે, "યુકેમાં શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ. પરંતુ ત્યાર પછી જે વિદ્યાર્થીઓ અરજી કરે તેમને મેરિટના આધારે પસંદ કરવામાં આવે છે. લોકો આ પદ્ધતિમાં જ ભરોસો મૂકે છે."

ઇમેજ સ્રોત, Getty Images
સ્ટર્નનું કહેવું છે કે વિદેશી વિદ્યાર્થીઓ યુકેના શિક્ષણની ગુણવત્તાને કારણે આકર્ષાય છે. તેમની દલીલ છે કે સ્થાનિક શિક્ષણ અને સંશોધનને ટેકો આપવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આવક પર આધાર રાખવામાં આવે તે યોગ્ય નથી કારણ કે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યાને ભૂરાજકીય પરિબળો અથવા કરન્સીની વધઘટની અસર થઈ શકે છે.
આ દરમિયાન યુકેમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંઘાયો છે.
યુકેની સ્ટુડન્ટ વિઝા અરજીઓ વિશે ઉપલબ્ધ માહિતી મુજબ આ વર્ષના પ્રથમ છ માસિકમાં અરજીઓની સંખ્યામાં 16 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે ઘણી સંસ્થાઓની આવકમાં પણ ઘટાડો થયો છે.
આ ઘટાડો અમુક અંશે યુકેના સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં થયેલા પરિવર્તનને કારણે પણ છે, જે મુજબ અનુસ્નાતક વિદ્યાર્થીઓ હવે પોતાના આશ્રિતોને યુકે લઈ જઈ શકતા નથી.
પહેલી વખત ફી લાગૂ કરવામાં આવી ત્યાર પછી આવા કારણોથી યુનિવર્સિટીઓ માટે નાણાકીય સંકટમાં વધારો થયો છે.
ગયા મહિને જ સરકારી નિયંત્રણ ઑફિસ ફોર સ્ટુડન્ટ્સ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે 2025-26 સુધીમાં 72 ટકા જેટલી યુનિવર્સિટીઓનો ખર્ચ તેમની આવક કરતાં વધારે હશે. તેમણે ચેતવણી આપી છે કે યુનિવર્સિટીઓએ "આકરા અને નિર્ણાયક પગલાં લેવા પડશે."
શિક્ષણ વિભાગે બીબીસીને જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓ પરની નિર્ભરતાને જોખમ તરીકે જોવામાં આવી રહી છે. ઘણી યુનિવર્સિટીઓએ પોતાના બિઝનેસ મોડેલમાં પરિવર્તન લાવવું પડશે. કાળજીપૂર્વક રીતે આ ફેરફાર કરવામાં આવે તેના માટે સરકાર પ્રતિબદ્ધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












