સુરતની એ સરકારી શાળા જ્યાં ઍડમિશન માટે લાઇનો લાગે છે

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારી દીકરીને આ શાળામાં અભ્યાસ કરાવવા માટે હું છેલ્લાં બે વર્ષથી કોશિશ કરતો હતો પણ સફળતા મળતી નહોતી. આ વખતે પણ મેં સવારે ચાર વાગ્યે લાઇનમાં બેસીને ઍડમિશન ફૉર્મ ભર્યું હતું અને મને ખુશી છે કે મારા બાળકને ધોરણ ચારમાં પ્રવેશ મળી ગયો છે."
આ શબ્દો ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર અશોક ભડિયાદરા છે, જે છેલ્લાં બે વર્ષથી પોતાની દીકરીના એડમિશન માટે પ્રયાસ કરી રહ્યા હતા.
મનગમતી શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓની લાઇન એ દરેક શહેરમાં દર વર્ષે જોવા મળે છે. અને આવું મોટા ભાગે ખાનગી શાળાના કિસ્સામાં થતું હોય છે.
પરંતુ સુરત શહેરમાં એક એવી સરકારી શાળા છે જ્યાં દર વર્ષે વાલીઓ પોતાનાં બાળકોને એડમિશન મળે તે માટે પ્રયાસરત હોય છે.
નવાઈ વાત એ છે કે શાળામાં એટલાં બધાં ફૉર્મ ભરવામાં આવે છે કે પ્રવેશ માટે વિદ્યાર્થીનું વેઇટિંગ લિસ્ટ હોય છે અને એ લિસ્ટ મારફતે પ્રવેશ આપવામાં આવે છે.
બાળકોને ઉચ્ચ શિક્ષણ સાથે અદ્યતન સુવિધા ખાનગી શાળામાં જ મળે છે તેવું માનતા લોકો માટે સુરતની આ સરકારી શાળા દાખલારૂપ છે.
ક્યાં છે સુરતની આ અનોખી શાળા?

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
આ શાળા છે સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા અને લતા મંગેશકર પ્રાથમિક શાળા.
બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વર્ગ ધરાવતી શાળામાં 3500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના દરેક વર્ગમાં સ્માર્ટ બોર્ડથી શિક્ષણ અપાય છે. શાળામાં એક વિશાળ કમ્પ્યુટર લૅબ પણ છે. 5000 પુસ્તકો સાથેની અદ્યતન લાઇબ્રેરી અને ઇ-લાઇબ્રેરી પણ શાળામાં છે. આધુનિક પ્રવેગ શાળા અને બાળકોના મનોરંજન માટે રમતગમતનું સુંદર મેદાન પણ છે.
દર વર્ષે જ્યારે નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશન ફૉર્મ બહાર પાડવામાં આવે છે ત્યારે સામાન્ય કે ગરીબ પરિવારનાં જ નહીં પરંતુ આર્થિક રીતે સદ્ધર લોકો પણ પોતાનાં બાળકોને પ્રવેશ મળે તે માટે ટોકન લઈ સવારે ચાર વાગ્યાથી લાઇનમાં બેસી જતા હોય છે.
નવા શૈક્ષણિક ક્ષેત્રમાં આ શાળામાં પ્રવેશ માટે 2200 જેટલા વિદ્યાર્થીઓની અરજી આવી હતી જેમાંથી 750 જેટલા વિદ્યાર્થીઓને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વર્ગોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ 1450 વિદ્યાર્થીઓનું વૅઇટિંગ લિસ્ટ હજી પણ છે.

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ માત્ર આ વર્ષની વાત નથી પરંતુ છેલ્લાં છ વર્ષથી દર વર્ષે 1500થી 2000 હજાર જેટલા વિદ્યાર્થીનું વેઇટિંગ લિસ્ટ હોય છે.
શાળાના આચાર્ય ચેતન હીરપરા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "વર્ષ 2018થી આ શાળામાં પ્રવેશ માટે વાલીઓની લાઇન લાગે છે. ગયા વર્ષે 4200 જેટલા વિદ્યાર્થીઓની અરજી આવી હતી જેમાંથી 1000 જેટલા વિદ્યાર્થીઓને અમે પ્રવેશ આપી શક્યા હતા".
દર વર્ષે વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને જોતા આ કૅમ્પસમાં વધુ બે શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાલ 2019માં પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા શરૂ થઈ પરંતુ તેમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ક્લાસરૂમ કરતા વધી જતાં વર્ષ 2021માં લતા મંગેશકર પ્રાથમિક શાળા ક્રમાંક 355 શરૂ કરવામાં આવી છે.
હીરપરા જણાવે છે કે શાળામાં વિશેષ રીતે પ્રાર્થના અને વંદના કરાવવામાં આવે છે. શિક્ષકોને સર કે ટીચર નહીં પરંતુ ગુરુજી, ગુરુમા કે દીદી તરીકેના ઉપનામ સાથે બોલાવવામાં આવે છે. શાળામાં ભગવદગીતાના શ્લોકનું રોજ પઠન થાય છે.
શાળામાં બાળકોનો જન્મદિન કેક કાપીને નહીં પરંતુ યજ્ઞ કરીને ઊજવવામાં આવે છે. શાળામાં દરેક બાળકોને ભોજન આપવામાં આવે છે. વર્ષમાં એક વાર વિદ્યાઆરંભ સંસ્કાર થાય છે. આ ઉપરાંત શાળાનાં બાળકો માટે રમતગમત અને સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતની અનેક સુંદર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
"બે વર્ષ પ્રયાસ કર્યા બાદ મારા દીકરાને પ્રવેશ મળ્યો છે"

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
આ શાળામાં પોતાનાં બાળકને ભણાવવા પાછળનું કારણ જણાવતાં ગાયનેકૉલૉજિસ્ટ ડૉક્ટર અશોક ભડિયાદરા કહે છે કે "અહીં રૅન્કિંગ બેઝ નહીં પરંતુ સંસ્કાર અને ચારિત્રના આધારે બાળકને શિક્ષણ અપાય છે. બાળકના ભણતર અને ઘડતરની સાથે વિવિધ ધાર્મિક ગ્રંથોનું પણ જ્ઞાન અપાય છે."
વધુમાં તેઓ જણાવે છે કે શાળામાં બાળકોને ભણાવવાની પદ્ધતિ પણ અલગ છે. જે પ્રમાણે શિક્ષકોને સર કહીને નહીં પરંતુ ગુરુજી કહીને બોલાવવામાં આવે છે તે બાળકો અને શિક્ષકો વચ્ચે આત્મીયતાનો સંબંધ બનાવે છે.
"મારા ચારથી પાંચ ડૉક્ટરમિત્રો છે જેમનાં બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે અને તે બાળકોને જોઈ મેં પણ મારા બાળકને પ્રાઇવેટ શાળામાંથી આ શાળામાં ઍડમિશન કરાવ્યું છે."
ગ્રાન્ટેડ શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા રસિકભાઈ ધાનાણીએ પણ પોતાના બાળકને ખાનગી શાળામાંથી કાઢીને આ સરકારી શાળામાં ધોરણ સાતમાં પ્રવેશ અપાવ્યો છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "પહેલાં હું વ્યારામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો અને ઑગસ્ટ 2023માં મારી બદલી વ્યારાથી સુરત થઈ હતી. સુરત આવ્યા બાદ અવારનવાર સમાચારના માધ્યમથી અને સોસાયટીના અન્ય વિદ્યાર્થીઓને કારણે મને આ સરકારી શાળા વિશે જાણ થઈ."
"મૂલ્યલક્ષી શિક્ષણ જે મળવું જોઈએ એ પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીને મળતું નથી. આ શાળામાં બાળકના સર્વાંગી વિકાસ થાય છે. માત્ર ચાર દીવાલ વચ્ચે જ ભણાવવામાં નથી આવતું, તેમને ગમતી બધી જ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આ બધું મને શાળાની મુલાકાત લેતા જાણવા મળ્યું અને મેં મારા બાળકને અહીં પ્રવેશ માટે મળે તે માટે પ્રયાસ કર્યા હતા અને સફળતા મળી છે."
સુરત પ્રાંત ઑફિસમાં ડેપ્યુટી મામલતદાર તરીકે ફરજ બજાવતા નીલેશ સભાડિયાનો પુત્ર શ્લોક ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.
તેઓ કહે છે કે, "હું જ્યારે અમરેલી ખાતે ફરજ પર હતો ત્યારે અવારનવાર સુરત આવતો અને ભાઈના ત્યાં રોકાતા હતો. ભાઈનું ઘર આ મહારાજા કૅમ્પસની શાળાની બાજુમાં જ આવ્યું છે. તેથી ભાઈના ઘરની બારીમાંથી શાળામાં અભ્યાસ સિવાય પણ જે પ્રવૃત્તિ થતી તે કાયમ જોતો હતો."
"તેઓ બાળકોને ફક્ત ચોપડીનું જ નહીં પરંતુ બીજું જ્ઞાન પણ આપે છે. એટલા માટે મેં મારા બાળકનું અહીં ઍડમિશન કરાવ્યું. હાલ મારો દીકરો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે."
બાળકોના પ્રવેશ આપવા માટે શેરીએ શેરીએ ફરતા હતા : આચાર્ય

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને અન્ય બે પ્રાથમિક શાળાની શરૂઆતમાં સ્થિતિ આવી નહોતી.
ચેતન હીરપરા કહે છે, "શરૂઆતમાં પાલિકા સંચાલિત આ શાળાના કૅમ્પસમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા 334 શરૂ થઈ હતી. જેમાં કન્યાશાળા અને કુમારશાળાનો સમાવેશ થાય છે. 2017માં જ્યારે શાળા શરૂ થઈ તે સમયે હું અને મારા સાથી શિક્ષક સંજય સિદ્ધપરા શાળામાં બાળકોનો પ્રવેશ થાય તે માટે દરેક સોસાયટીમાં ફર્યા હતા."
"અંદાજે 72 જેટલી સોસાયટીમાં ફરી સોસાયટીના પ્રમુખોની પરમિશન લઈ લોકોને ભેગા કરતા, મીટિંગ કરતા અને ટૅમ્પ્લેટનું વિતરણ કરતા. પરંતુ ક્યારેક એવું પણ બનતું કે સામે એક જ વ્યક્તિ બેઠી હોય અને અમે તેમને સમજાવતા કે બાળકનો પ્રવેશ કરાવે. આમ પહેલા વર્ષમાં અમારી શાળામાં 252 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો."
પરંતુ હવે આ શાળામાં પ્રવેશ માટે પડાપડી કેવી રીતે થવા લાગી? તેના જવાબમાં ચેતન હીરપરા કહે છે, "વિદ્યાર્થીઓ દ્વારા જ શાળાનો પ્રચાર કરવામાં આવ્યો છે જેના કારણે આજે શાળાની આવી શાખ ઊભી થઈ છે."
"અહીં ભણતાં બાળકોનાં વાણી, વર્તન અને વ્યવહારથી લોકોમાં પ્રભાવિત થયા હતા અને તેમની અંદર શાળાની એક સારી છાપ ઊભી થઈ. શાખ વધતા વાલીઓ પોતાનાં બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે રાજી થયા હતા, જે આજે પણ અકબંધ છે."
સુરત મહાનગરપાલિકા શાળાઓ ચલાવે છે

ઇમેજ સ્રોત, RUPESH SONAWANE
સુરતના ઓછી આવક ધરાવતા પરિવારોને નજીવી ફી સાથે ગુણવત્તાયુક્ત માધ્યમિક શિક્ષણ પ્રદાન કરવા માટે સુરત મહાનગરપાલિકાએ 1999માં સુમન હાઇસ્કૂલની શરૂઆત કરી હતી.
1999માં ફક્ત ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ આપવામાં આવતું હતું. આજે ગુજરાતી ઉપરાંત મરાઠી, હિંદી, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ છે, જેમાં ધોરણ એકથી આઠમાં એક લાખ 71 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ શાળાઓ અન્ય રાજ્યોથી સુરતમાં સ્થાયી થયેલા પરિવારોનાં બાળકો માટે મહત્ત્વની છે.
સુરત મહાનગરપાલિકા ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા છે જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ચલાવે છે. શહેરમાં બે સ્કૂલ બોર્ડ છે – ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે સુમન હાઇસ્કૂલ બોર્ડ. બંને બોર્ડ સ્વતંત્ર રીતે કામ કરે છે.












