અંકલેશ્વરમાં બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો શું છે?

વાલીઓનો આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની કામગીરી કરતાં લોકોએ ઇરાદાપૂર્વક વિદ્યાર્થિઓનાં હિજાબ કઢાવ્યો હતો

ઇમેજ સ્રોત, SALMAN NAZMI

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલી શાળામાં ધોરણ -10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કથિત રીતે દૂર કરાવવાનો મામલો સામે આવ્યા બાદ હોબાળો થયો હતો.

વાલીઓનો આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની કામગીરી કરતાં લોકોએ ઇરાદાપૂર્વક વિદ્યાર્થિનીઓનાં હિજાબ કઢાવ્યા હતા. જ્યારે શાળા સંચાલકોનું કહેવું છે કે તેમનો સ્ટાફ માત્ર જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરી રહ્યો હતો.

વાલીઓના વિરોધ અને જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરતા આ ઘટનામાં સામેલ જવાબદાર અધિકારીઓને પરીક્ષાની કામગીરીમાંથી હઠાવી દેવામાં આવ્યા છે.

શુક્રવારે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું, "અંકલેશ્વરની શાળામાં આચાર્ચ અને સ્થળ સંચાલક દ્વારા જે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું તે નીતિ નિયમ પ્રમાણે હતું. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થાય અને કોઈ વ્યક્તિ પરીક્ષાખંડમાં ખોટી રીતે પ્રવેશ ન કરે તે માટે સ્થળ સંચાલક અને આચાર્યને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. સુરક્ષાના કારણોસર જો વેરીફિકેશન કર્યું હોય તો તે વાજબી છે અને તેમાં કોઈ મુદ્દો ઊભો કરવાની જરૂર નથી."

સમગ્ર મામલો શું છે?

નાવેદ અંજુમ મલીકની દીકરીને હિજાબ કઢાવા માટે કહેવામાં આવ્યું હતું

ઇમેજ સ્રોત, SAJID PATEL

ઇમેજ કૅપ્શન, નાવેદ અંજુમ મલીકની દીકરીને હિજાબ કઢાવા માટે કહેવામાં આવ્યું હતું

અંકલેશ્વર શહેરની લાયન્સ સ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાનું કેન્દ્ર છે. બુધવારે ગણિત વિષયનું પેપર હતું જેમાં હિજાબ કઢાવવાના મામલે વિવાદ થયો હતો.

પરીક્ષા શરૂ થાય તેની અમુક મિનિટો પહેલાં પરીક્ષાની કામગીરી કરતા સ્ટાફે પરીક્ષાખંડમાં હાજર વિદ્યાર્થિનીઓને હિજાબ કાઢવાનો આદેશ આપ્યો હતો. સ્ટાફે વિદ્યાર્થિનીઓને જણાવ્યું કે ગેરરીતિ ન થાય તે માટે આમ કરવામાં આવ્યું છે.

નાવેદ અંજુમ મલીકની દીકરીને પણ હિજાબ કઢાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે પરીક્ષા શરૂ થવાની અમુક મીનિટ પહેલાં હિજાબ કઢાવી લેતાં તેમની દીકરી અને અન્ય વિદ્યાર્થિનીઓનું મનોબળ તૂટી ગયું હતું. હિજાબ કઢાવી લીધા બાદ પરત પણ કર્યું નહોતું.

નાવેદ અંજુમ મલીકે કહ્યું, ‘‘મારી દીકરી તહેરીન મલીકનું લાયન્સ સ્કુલમાં પરીક્ષા કેન્દ્ર છે. બુધવારે તે ગણિતની પરીક્ષા આપવા ગઈ હતી. પરીક્ષા શરૂ થવાની અમુક મીનિટો પહેલાં શાળાનાં આચાર્યા અને તેમના સહાયકે પરીક્ષાખંડમાં આવીને વિદ્યાર્થિનીઓને હિજાબ કાઢી નાખવાનું કહ્યું. પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ તેમણે હિજાબ પરત પણ કર્યું નહોતું.’’

તેઓ વધુમાં જણાવે છે કે પરીક્ષા હૉલની અંદર ચેકિંગ કરવામાં આવતા વિદ્યાર્થિનીઓનાં મનોબળ પર અસર થઈ હતી.

‘‘જો ચેકિંગ કરવી જ હતી તો પરીક્ષાખંડની બહાર કરવી જોઈતી હતી. ખંડની અંદર ચેકિંગ કરવાથી તહેરીન સહિત અન્ય વિદ્યાર્થિનીઓ મૂંઝાઈ ગઈ હતી. અમે આ બાબતે જ્યારે શાળાને રજૂઆત કરી હતી તો તેમણે જણાવ્યું કે ચેકિંગ જિલ્લા શિક્ષણ વિભાગના આદેશોના પ્રમાણે થઈ છે.’’

‘‘અમે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરી તો જાણવા મળ્યું કે વિભાગ દ્વારા આવો કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. અમારી રજૂઆત બાદ વિભાગ દ્વારા જવાબદાર સ્ટાફ સામે પગલાં લેવામાં આવ્યાં છે. અમે ઇચ્છીએ છીએ કે આવું ફરીવાર ન બને.’’

શાળા અને જિલ્લા શિક્ષણાધિકારીઓ શું કહેવું છે?

વીડિયો કૅપ્શન, બૉર્ડની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવાનો મામલો શું છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિજાબ કઢાવવાના મામલે વિવાદ થતાં શાળાએ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં શાળાના સંચાલકોને જણાવ્યું કે ચેકિંગ કરવાનો નિર્ણય સ્કૂલનો નહોતો. પરીક્ષા સુપરવાઈઝરના આદેશ પર હિજાબ કઢાવવાની સૂચના આપવામાં આવી હતી.

શાળાએ કરેલા દાવા અનુસાર એવો આદેશ છે કે બોર્ડની પરીક્ષામાં 80 ટકા ચહેરો સીસીટીવીમાં દેખાવો જોઈએ.

હિજાબ કઢાવવા બાબતે નાવેદ અંજુમ મલીકે જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતી રાઉલજીએ કહ્યું કે, ‘‘અંકલેશ્વરની લાયન્સ સ્કુલમાં ઘટના સામે આવી છે જેમાં આચાર્યાએ વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપતી વખતે હિજાબ કાઢવા માટે કહ્યું હતું. આચાર્યાનું કહેવું હતું કે આવું વિદ્યાર્થિનીની ઓળખ થાય તે માટે કરવામાં આવ્યું હતું.’’

‘‘બોર્ડની ગાઇડલાઇનમાં વિદ્યાર્થીઓના પહેરવેશ અંગે કોઈ ચોક્કસ સૂચના નથી. ભદ્ર પોશાક પહેરીને પરીક્ષા આપવી એવું કહેવામાં આવ્યું છે. ફરિયાદ બાદ સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં ફરિયાદમાં તથ્ય જણાયું છે અને શાળાના સ્થળ સંયાલકને બદલવાની કાર્યવાહી કરવામાં આવી છે.’’

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અનુસાર વાલી દ્વારા લાયન્સ સ્કૂલમાં દીકરીઓના હિજાબ કઢાવવા બાબતે જાણ કરવામાં આવી છે, આ મામલે તપાસ અધિકારી દ્વારા આજની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે, સાથે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવા સહિતની કાર્યવાહી બાદ કાયદા અનુસાર યોગ્ય પગલાં લેવામાં આવશે.

મુસ્લિમ મહિલાઓ હિજાબ શા માટે પહેરે છે?

ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મહિલાઓ અને પુરુષ બંનેના નમ્રતાપૂર્વકનાં પોશાકો વિશે વર્ણન કરેલું છે, જેને સત્ર કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મહિલાઓ અને પુરુષ બંનેના નમ્રતાપૂર્વકનાં પોશાકો વિશે વર્ણન કરેલું છે, જેને સત્ર કહે છે

કુરાનને ટાંકતા જાણકારો કહે છે કે ઇસ્લામના પવિત્ર પુસ્તક કુરાનમાં મહિલાઓ અને પુરુષ બંનેના નમ્રતાપૂર્વકનાં પોશાકો વિશે વર્ણન કરેલું છે, જેને સત્ર કહે છે.

પુરુષો માટે નાભિથી ઘૂંટણ સુધીનું શરીર અને મહિલાઓને ચહેરો તથા હાથપગ સિવાયના શરીરને ઢાંકવાની વાત કહેલી છે, એ પણ ત્યારે જ્યારે કે તેઓ કોઈ અજાણી કે સંબંધી ના હોય તેવી વ્યક્તિની હાજરીમાં ઊભાં હોય.

તેમના મહેરમ સિવાય કોઈ પુરુષની હાજરી હોય તો દર્શાવેલાં સત્ર ઢાંકવાનો હુકમ છે. શરીરને ઢાંકવા બાબતેની સમજણ અંગે અલગ-અલગ મતો રહેલા છે.

વરિષ્ઠ પત્રકાર અને લેખક ઝીયા ઉસ સલામ સાથે બીબીસીની વાત થઈ તે પ્રમાણે, "મુસલમાન મહિલાઓનું બુરખો પહેરવા પાછળનું સૌથી મુખ્ય કારણ છે કે તે અનિચ્છનીય મેલ ગેઝથી પોતાને બચાવવા માગે છે. કુરાનમાં બુરખાનો ઉલ્લેખ ક્યાંય નથી, પરંતુ મહિલાના ફિગરને હાઇલાઇટ કરતાં જો કપડાં હોય તો તેને શાલ કે ઢીલાં કપડાં વડે કવર કરવું, જેથી પુરુષો તેમને તાકીને ના જુએ. આ ઉલ્લેખ કરતા પહેલાં કુરાનમાં પુરુષોને તેમની નજર નીચે રાખીને ચાલવાનું ફરમાન છે."

તેમજ ઝીયા ઉસ સલામ કહે છે કે, "સૂર-એ-નૂર અને સૂર-એ-અહઝદમાં લખ્યું છે તે પ્રમાણે સત્ર ઢાંકવું તે પુરુષ અને મહિલા બંને માટે હતું, પરંતુ આજે મુસ્લિમ પુરુષો બિન્દાસ શૉર્ટ્સમાં સ્પૉર્ટ્સ રમતા દેખાય છે, કારણ કે કોઈ પણ ધર્મ એ પિતૃસત્તાક ધર્મ પહેલા છે."

" અને પુરુષો પોતાની મરજી પ્રમાણે તેને બદલતા આવ્યા છે. જો બુરખો પહેરવો મહિલાની સ્વતંત્ર ચોઇસ છે તો તેનો આદર કરવો જોઈએ."

ત્યારે કેરળ વિશ્વવિદ્યાલયના ઇસ્લામી ઇતિહાસના પ્રોફેસર અશરફ કદક્કલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ઇસ્લામી વિધિશાસ્ત્રના બધા ચાર સ્કૂલ્સ- સફી, હનફી, હનબલી અને મલિકીમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મહિલાઓ વાળને ખાસ કરીને મહેરમ સિવાયના પુરુષો સામે ઢાંકવા જોઈએ. આ રીતે આ ઇસ્લામનો અતૂટ ભાગ છે."

તેમણે કહ્યું કે, ''એટલે સુધી કે ઇસ્લામી કાયદાનો આધાર- કુરાન ( પવિત્ર પુસ્તક), હદીસ (પયગંબર મોહમ્મહની રવાયતો અને અમલ), ઇઝ્મા (સહમતી) અને કયાસ (કોઈના જેવું)- માં ઉલ્લેખ છે કે વાળ ઢાંકવા જોઈએ.''

પ્રોફેસર અશરફ કહે છે, "હદીસમાં આ અનિવાર્ય જણાવાયું છે. કુરાનમાં કેટલીક આયતો છે જે મહિલાઓ માટે આને અનિવાર્ય ગણાવે છે, ખાસ કરીને મોહમ્મદનાં પત્નીઓ અને પુત્રીઓ માટે, કે તેમણે પોતાની નજર નીચી રાખવી અને માથું સ્કાર્ફથી ઢાંકવું. સ્કાર્ફનો કુરાનમાં ઉલ્લેખ છે. કાયદાકીય બાબતોમાં ઇસ્લામી સોર્સ પણ આને ધર્મનો અતૂટ ભાગ ગણાવે છે."

પ્રોફેસર અશરફનું કહેવું છે કે આ નિર્દેશથી સ્પષ્ટ થાય છે કે "આ માત્ર સ્કાર્ફ છે. આ ચાદર કે નકાબ નથી. ચહેરો ઢાંકવાની વાત ચોક્કસપણે ન કહી શકાય પરંતુ વાળ ઢાંકવા એ ધર્મનો અગત્યનો ભાગ છે."

આ અંગે બીબીસી સાથે વાત કરતા જામિયા મિલ્લિયામાં ઇસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર એમેરિટ્સ અખ્તરુલ વાસેએ કહ્યું કે, "આ હિંદુ ધર્મ કે શીખ ધર્મની મહિલાઓ પહેરે છે તેના કરતાં અલગ નથી, જ્યાં માથાને ઘૂંઘટ અથવા દુપટ્ટાથી ઢાંકવામાં આવે છે. ઇસ્લામી કાયદા હેઠળ સલવાર, કમીઝ (અથવા જંપર)ની સાથે દુપટ્ટો જરૂરી છે જે છાતી અને માથાને ઢાંકે."

તો ઇતિહાસકાર લેસ્લી હેઝલટનના પુસ્તક 'આફ્ટર ધ પ્રોફેટ-ધ ઍપિક સ્ટોરી ઑફ શિયા-સુન્ની સ્પ્લિટ'માં લખ્યા પ્રમાણે, પણ જ્યારે મોહમ્મદનાં પત્નીઓ માટે પડદો ફરજિયાત કરી દેવાયો તો સમાજમાં તેને એક પ્રતીકરૂપે લોકોએ જોવાનું શરૂ કર્યું અને ઉચ્ચ ખાનદાનનાં તથા સમૃદ્ધ મહિલાઓએ તેનો ઉપયોગ શરૂ કર્યો. જેમજેમ સમય વીતતો ગયો તેમ ઇસ્લામના પુરુષ રૂઢિવાદીઓ એ વાત પર સહમત થયા કે સર્વત્ર મહિલાઓ માટે પડદો અનિવાર્ય હોવો જોઈએ.