હોમ લોન, કાર લોન કઈ લોન સારી અને કઈ લોન લેતાં પહેલાં ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
'શહેરમાં એક મ્યુઝિક કૉન્સર્ટ થવાનો છે. ટિકિટ બહુ મોંઘી છે પણ વાંધો નહીં, 'ઝીરો ઇન્ટરેસ્ટ' પર લોન પર મળી જશે.'
'બજારમાં લેટેસ્ટ મોબાઇલ આવ્યો છે. એક લાખ રૂપિયાથી વધુ કિંમત છે, પણ 16થી 18 ટકાના દરે સરળ હપતેથી મળી જાય છે.'
'વિદેશમાં વેકેશન ગાળવા જવું છે પણ રૂપિયા નથી? નો પ્રોબ્લેમ. ટ્રાવેલ કંપનીની મોબાઇલ એપ ડાઉનલોડ કરો, ટિકિટ બુક કરાવો અને વેકેશન માણી લો. બાકીની રકમ બે વર્ષ સુધી હપતેથી ભરી શકાશે.'
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દર છ મહિને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બહાર પાડે છે. ડિસેમ્બર 2024ના રિપોર્ટમાં જણાવાયું છે કે 50 હજાર રૂપિયાથી ઓછી રકમની પર્સનલ લોન લીધી હોય તેવા 11 ટકા ગ્રાહકોની પર્સનલ લોન ચૂકવવાની બાકી છે.
આ ઉપરાંત તેમાંથી 60 ટકા કરતા વધુ ગ્રાહકો એવા છે જેમણે નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં ત્રણ કરતાં વધુ લોન લીધી છે. ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં પર્સનલ લોન લીધી હોય તેવા 60 ટકા ગ્રાહકોની પહેલેથી ત્રણ લોન ચાલુ હતી.

આ રિપોર્ટ પ્રમાણે ઓછી આવક ધરાવતા લોકોમાં અનસિક્યૉર્ડ પર્સનલ લોન લેવાનું પ્રમાણ વધુ હોય છે જેમાં વ્યાજનો દર પણ ઘણો ઊંચો હોય છે.
વાર્ષિક પાંચ લાખથી ઓછી આવક હોય તેવા 18 ટકા ગ્રાહકોએ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં વધારે પર્સનલ લોન લીધી હતી જ્યારે ઊંચી આવક ધરાવતા લોકો સિક્યૉર્ડ લોન લેતા હોય છે. જેમાં તેઓ સોનું, શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા બીજી કોઈ મિલકતને જામીન આપીને લોન લે છે અને વ્યાજના દર નીચા હોય છે.

દરેક ઋણને ખરાબ ગણી ન શકાય. કારણ કે ઋણ પણ સારું અને ખરાબ એમ બંને પ્રકારના હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નિષ્ણાતોનું કહેવું છે કે જે દેવું તમારી સંપત્તિમાં વધારો કરે અથવા તમને લાંબા ગાળે આર્થિક ફાયદો અપાવે તેવું દેવું કરવું જોઈએ.
હોમ લોન, એજ્યુકેશન લોન અને બિઝનેસ લોન આ કેટેગરીમાં આવે છે.
આ ત્રણેય લોન એવા પ્રકારની છે જેનાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અથવા તમને મોટો નાણાકીય ફાયદો થઈ શકે છે.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર મિથુન જાથલે બીબીસીને કહ્યું કે, "શક્ય હોય ત્યાં સુધી હોમ લોન અથવા એજ્યુકેશન લોન જ લેવી જોઈએ કારણ કે તમે મકાન ખરીદશો તો તે તમારી એસેટ બનશે અને તેની કિંમત ભવિષ્યમાં વધવાની છે. એજ્યુકેશન લોન એટલા માટે લઈ શકાય કારણ કે તેનાથી કમાણી કરવાની ક્ષમતા વધે છે."
જોકે, નિષ્ણાતો એવું પણ માને છે કે મકાન ખરીદો તો રહેવા માટે ખરીદો. ભાડે આપવા માટે મકાન ખરીદવામાં આવે ત્યારે ભાડાની આવકમાંથી મેન્ટેનન્સ, દલાલી, અન્ય પરચુરણ ખર્ચ, લોનનો ખર્ચ, મ્યુનિસિપલ ટેક્સ વગેરે બાદ કરવામાં આવે તો માંડ બચત ખાતા જેટલું વળતર મળે છે. તેથી ભાડે આપવા માટે હોમ લોનથી પ્રોપર્ટી ખરીદવી એ સારો વિકલ્પ નથી.
ભારતમાં હાલમાં હોમ લોનના દર સામાન્ય રીતે 8.35 ટકાથી લઈને 9 ટકા વચ્ચે ચાલે છે. આ ઉપરાંત તેમાં મુદ્દલ અને વ્યાજની રકમને આવકવેરામાં મુક્તિનો લાભ પણ મળે છે.

તમારા માટે એસેટના બદલે જવાબદારીઓ પેદા કરે તેવા દરેક દેવાથી દૂર રહેવામાં સમજદારી છે.
મિથુન જાથલ કહે છે કે, "હોમ લોન અને એજ્યુકેશન લોનને બાદ કરતા બાકીની તમામ લોનને શક્ય હોય ત્યાં સુધી ટાળો કારણ કે તે તમારી એસેટ નહીં પણ તમારું દેવું વધારે છે અને ક્રેડિટ સ્કોર ખરાબ કરી શકે છે. તેથી કાર લોન, ગેજેટ લોન, પર્સનલ લોન વગેરેને ટાળો."
તેઓ કહે છે કે, "ખાસ કરીને યુવાનોમાં એવો ટ્રેન્ડ જોવા મળે છે જેમાં તેઓ પોતાના ગજા કરતા વધારે દેવું કરવા લલચાય છે. અત્યારે બહુ સહેલાઈથી ક્રેડિટ ફેસિલિટી મળે છે તેથી બહુ આસાનીથી મોંઘા મોબાઇલ, લેપટૉપ અથવા ટ્રાવેલ પૅકેજ ખરીદી લેતા હોય છે. તાજેતરમાં લોકોએ કોલ્ડપ્લે અથવા બીજા મ્યુઝિક કૉન્સર્ટની ટિકિટો પણ હપતેથી ખરીદી હોય તેવા કિસ્સા જોવા મળ્યા છે. કારણ કે તમે મોબાઇલ ઍપ દ્વારા મોંઘી ટિકિટો ખરીદો છો ત્યારે તેમાં ઈએમઆઈનો વિકલ્પ મળે છે."
ઘણા લોકો ઝીરો ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ વગરના હપતાની જાળમાં આવી જાય છે. પરંતુ વાસ્તવમાં શૂન્ય વ્યાજદર જેવું કંઈ હોતું નથી. તમારે ફાઇલ ચાર્જ અને પ્રોસેસિંગ ફી તરીકે અમુક રકમ ભરવી જ પડે છે. આ ઉપરાંત તમને બેફામ ખર્ચ કરવાની આદત પડી શકે છે.
ભારતમાં હાલમાં પર્સનલ લોનના દર 12 ટકાથી લઈને 18 ટકા સુધી ચાલે છે. અમુક કિસ્સામાં કુલ વ્યાજદર 24 ટકા સુધી પહોંચી શકે છે.
કાર અથવા ટુ-વ્હીલરની લોનના દર 12 ટકાથી 16 ટકા સુધી ચાલે છે. કાર એ ઘસારાને આધિન એસેટ છે તેથી કાર ખરીદતાની સાથે જ તેની વેલ્યૂ ઘટવા લાગે છે. પરિણામે કાર કે બીજાં વાહનો ખરીદવા માટે કરવામાં આવતું દેવું પણ સરવાળે નુકસાનકારક છે.


ઇમેજ સ્રોત, Getty Images
જયપુર સ્થિત સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે, "અનસિક્યૉર્ડ લોન લેવાથી તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થઈ શકે છે. કારણ કે ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોનમાં સમયસર પેમેન્ટ કરવામાં ન આવે તો સિબિલને અસર થાય અને ભવિષ્યમાં લોન મળવામાં મુશ્કેલી પડી શકે છે. તમને જે ક્રેડિટ મળતી હોય તેને આખે આખી વાપરી ન નાખો. ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ કાળજી રાખો અને વધુમાં વધુ એક કે બે ક્રેડિટ કાર્ડ રાખો. પાંચ-સાત ક્રેડિટ કાર્ડ રાખવામાં જોખમ છે અને તમારી ક્રેડિટ હિસ્ટ્રીને ખરાબ કરી શકે છે."
જે લોનમાં લોન લેનારે કોઈ ચીજને ગીરવે મૂકી ન હોય તેને અનસિક્યૉર્ડ લોન કહેવામાં આવે છે. આવામાં ઋણધારક નાણાં ચૂકવી ન શકે તો લોન આપનાર સંસ્થા કે બેન્ક કોઈ મિલ્કત જપ્ત કરી શકતી નથી. આના કારણે અનસિક્યૉર્ડ લોનમાં વ્યાજના દર બહુ ઊંચા હોય છે. પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ વગેરેની ગણના અનસિક્યૉર્ડ લોનમાં થાય છે. આવી લોન જોખમી હોવાથી તેમના ધિરાણની મર્યાદા નીચી હોય છે. જ્યારે ગોલ્ડ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, મકાન વગેરેની સામે લેવામાં આવતી લોન સિક્યૉર્ડ હોય છે અને તેના વ્યાજના દર નીચા હોય છે. સિક્યૉર્ડ લોનમાં ધિરાણ પણ વધારે મળે છે.
વિનોદ ફોગલાએ કહ્યું કે "300થી 549 સુધીનો સિબિલ સ્કોર હોય તો તે બહુ નબળો કહેવાય, આવા ઋણધારક ડિફૉલ્ટ થવાની શક્યતા વધુ હોય છે તેથી તેમને લોન મેળવવી મુશ્કેલ પડી શકે છે."
550થી 649 સુધીનો સ્કોર હોય તો મર્યાદિત ક્રેડિટ મળી શકે, પરંતુ તેમાં વ્યાજનો દર ઊંચો રહેશે.
650થી 749 સુધીનો સિબિલ સ્કોર તો તેને ઠીકઠાક સારો સ્કોર કહી શકાય અને લોન મળવાની શક્યતા સારી રહે છે.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે, "750થી ઉપર સિબિલ સ્કોર હોય તો બહુ મજબૂત સ્કોર કહેવાય. ઋણધારક લોન ભરી શકશે તેની શક્યતા વધુ હોય છે અને અનુકૂળ શરતો પણ તમે લોન મેળવી શકો છો. એકથી વધુ બૅન્કો તમને લોન આપવા તૈયાર થઈ જશે. સિબિલ સ્કોર સારો રહે તે માટે પણ બૅડ લોન ટાળવી જોઈએ અને પેમેન્ટનો રેકૉર્ડ સાતત્યપૂર્ણ હોવો જોઈએ."

મોટા ભાગના લોકો આવકમાંથી ખર્ચની બાદબાકી કર્યા પછી બચત કરતા હોય છે પરંતુ નાણાકીય નિષ્ણાતોના મતે આ ખોટી પદ્ધતિ છે. તેઓ કહે છે કે તમારે આવકમાંથી સૌથી પહેલાં બચતની રકમ એક બાજુ મુકવી જોઈએ અને પછી બાકીની રકમ ખર્ચ કરવી જોઈએ. આમ કરવાથી તમારા ખર્ચ પર કન્ટ્રોલ આવશે અને જરૂરી ચીજોની જ ખરીદી કરશો.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર મિથુન જાથલે કહ્યું કે, "અગાઉ હોમ લોન ખરીદવા માટે બૅન્કો 75થી 80 ટકા સુધી લોન આપતી હતી અને બાકીના 20થી 25 ટકા માર્જિન મની તમારે પોતાની બચતમાંથી ભરવા પડતા હતા. હવે બૅન્કો 90 ટકા સુધી હોમ લોનને ફાઇનાન્સ કરે છે તેથી લોકો મોટું દેવું કરવા પ્રેરાય છે. ઘણા લોકો હોમ લોનની અંદર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને ફર્નિચરનો ખર્ચ પણ ઉમેરીને લોન લેતા હોય છે તેથી તેમના માટે આ બહુ જોખમી સ્થિતિ પેદા થઈ શકે છે."
"આદર્શ સ્થિતિમાં તમારી જે આવક હોય તેમાંથી તમારા ઈએમઆઈ અથવા હપતા પાછળ જતી રકમ 33 ટકા એટલે કે એક તૃતિયાંશ કરતા વધુ હોવી ન જોઈએ. ધારો કે તમારી માસિક આવક 75 હજાર રૂપિયા હોય, તો તમારી તમામ લોનનો કુલ ઈએમઆઈ 25 હજાર રૂપિયાથી વધુ હોવો ન જોઈએ."

પર્સનલ લોનમાં વધતી જતી એનપીએ પણ એક મોટી સમસ્યા છે. રિઝર્વ બૅન્કે એક આરટીઆઈ અરજીના જવાબમાં જણાવ્યું હતું કે માર્ચ 2023થી જૂન 2024 વચ્ચે ભારતમાં પર્સનલ લોનમાં એનપીએ (નૉન પરફૉર્મિંગ ઍસેટ) 51 ટકા વધીને 7422 કરોડ રૂપિયામાંથી 11,210 કરોડ રૂપિયા થઈ હતી. કોઈ લોનનો હપતો 90 દિવસ કરતા વધુ સમય સુધી ચૂકવવામાં ન આવે ત્યારે તે એનપીએ ગણવામાં આવે છે.
રિઝર્વ બૅન્કના ડિસેમ્બર 2024ના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં માઇક્રોફાઇનાન્સ સેક્ટર માટે પણ કેટલીક ચિંતાજનક માહિતી છે.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ મહિનામાં 31થી 180 દિવસ સુધી હપતાની રકમ ચૂકવાઈ ન હોય તેની ટકાવારી 2.15 ટકાથી વધીને 4.30 ટકા થઈ છે. આ ઉપરાંત એક કરતા વધારે બૅન્કો કે સંસ્થાઓ પાસેથી ઋણ લેનારાઓનું પ્રમાણ પણ વધ્યું છે. ચાર કે વધારે ધિરાણકાર પાસેથી ઋણ લીધું હોય તેવા ગ્રાહકોનું પ્રમાણ છેલ્લાં ત્રણ વર્ષમાં 3.6 ટકાથી વધીને 5.8 ટકા થયું છે. માઇક્રોફાઇનાન્સમાં લોનની સરેરાશ રકમ 43 ટકા વધીને 35,299 રૂપિયામાંથી 50,430 રૂપિયા થઈ છે.

ભારતમાં તાત્કાલિક લોન આપવાનો વાયદો કરતી મોબાઇલ ઍપ્સના કારણે ઘણા લોકો દેવાની જાળમાં ફસાઈ જવાના અહેવાલો આવે છે.
બીબીસીએ આ વિશે એક ડૉક્યુમેન્ટરી બનાવી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે આ લોન ઍપ્લિકેશન્સ કઈ રીતે કામ કરે છે અને અન્ય દેશોમાં રહેતાં લોકો કઈ રીતે ભારતના સામાન્ય માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવીને પૈસા કમાઈ રહ્યા છે.
બીબીસી ઇન્ડિયા આઈની ડૉક્યુમેન્ટરી 'ધ ટ્રૅપ: ઇનસાઇડ ધ બ્લૅકમેઇલ સ્કૅમ ડિસ્ટ્રોયિંગ લાઇવ્સ અક્રૉસ ઇન્ડિયા'ને ઍમી ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી હતી.
ભારતમાં 'ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ' તરીકે ઓળખાતી ઘણી એપ્લિકેશન શરૂ થઈ છે જેમાં મહિને અઢી ટકા એટલે કે વાર્ષિક 30 ટકા અથવા તેનાથી પણ વધારે વ્યાજની વસૂલાત કરવામાં આવે છે.
ભારતમાં લોન આપતી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓએ રિઝર્વ બૅન્કના નિયમન હેઠળ કામ કરવાનું હોય છે. પરંતુ હવે ઘણી બધી મોબાઇલ લોન ઍપ પણ શરૂ થઈ છે જે નિયમોનો ભંગ કરે છે અને 'અનરેગ્યુલેટેટ' ધિરાણ આપે છે. આવા ડિજિટલ લેન્ડિંગ એપમાં ધિરાણ સરળતાથી મળે છે, પરંતુ તેમાં વ્યાજના દર અત્યંત ઊંચા હોય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા કેન્દ્ર સરકારે 'બેનિંગ ઑફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ ઍક્ટિવિટી (બીયુએલએ)' નામે એક ડ્રાફ્ટ ખરડો રજૂ કર્યો છે. તેમાં આવી લોન ઍપ પર પ્રતિબંધ મૂકવાની અને નિયમોના ઉલ્લંઘન બદલ એક કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની દરખાસ્ત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


















