શું નેપાળને ભારત વિરુદ્ધ ચીન ઉશ્કેરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, અનબરાસન એથિરાજન
- પદ, બીબીસી ન્યૂઝ
નેપાળની સંસદ આ અઠવાડિયે અધિકૃત રીતે દેશનો નવો નકશો જાહેર કરી શકે છે.
આમાં એ ત્રણ જગ્યાઓનો પણ સમાવેશ કરાયો છે જેને લઈને મજબૂત પડોશી દેશ ભારત સાથે વિવાદ સર્જાયો છે.
નકશાને ફરીથી તૈયાર કર્યા પછી આમાં હિમાલયના એક નાના વિસ્તારને સામેલ કરવામાં આવ્યો છે પણ આના લીધે વિશ્વની મોટી શક્તિઓ એવાં ભારત અને ચીનની વચ્ચેના તણાવ વધી ગયો છે.
નેપાળના લોકોએ વિરોધ અને ગુસ્સો વ્યક્ત કરતાં ભારત પર દેશના સાર્વભૌમત્વને નજરઅંદાજ કરવાનો આરોપ મૂક્યો છે.
હાલના મહિનાઓમાં નેપાળની સરહદ નજીક ભારત દ્વારા બની રહેલા રસ્તાને કારણે તણાવ વધ્યો છે. ભારત તરફથી જાહેર કરાયેલા નવા નકશામાં વિવાદિત જગ્યાને ભારતનો ભાગ દેખાડવામાં આવ્યો છે.

તણાવ કેમ વધ્યો?

આ બધાની વચ્ચે ભારત અને ચીન વચ્ચે પહેલાંથી જ ઉત્તર લદ્દાખમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. અહીં કેટલાંય અઠવાડિયા સુધી સૈનિકો આમનેસામને આવી ગયા હતા.
મીડિયા અને બીજા કેટલાક ભારતીય અધિકારીઓએ આરોપ મૂક્યો છે કે ચીનના પ્રભાવમાં આવીને નેપાળ નકશો બદલી રહ્યું છે. જોકે ચીને આ આરોપોનો હજુ સુધી જવાબ આપ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેપાળ અને ભારતની વચ્ચે અંદાજે 1880 કિલોમીટરની સરહદ ખુલ્લી છે.
બંને દેશોએ 98 ટકા સરહદને કવર કરતાં નક્શાને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, પરંતુ પશ્વિમ નેપાળમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના વિસ્તારોમાં તણાવની સ્થિતિ છે.
નેપાળના અધિકારીઓનું કહેવું છે કે આ ત્રણેય વિસ્તાર કુલ 370 વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. લિપુલેખ પાસ ભારતીય રાજ્ય ઉત્તરાખંડને ચીનના તિબ્બત સાથે જોડે છે.

નેપાળ સાથે વિવાદ

ઇમેજ સ્રોત, EPA
ભારતનો નેપાળ અને ચીન બંને દેશો સાથે વિવાદ છે. ભારતપ્રશાસિત કાશ્મીરને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચ્યા પછી ભારતે નવેમ્બરમાં પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો.
આ નકશામાં તે જગ્યાને ભારતના વિસ્તારમાં દેખાડી હતી જેને લઈને નેપાળ સાથે વિવાદ ચાલી રહ્યો છે.
નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવલીએ બીબીસીને કહ્યું, "અમે સૌ એ વાત સાથે સહમત છે કે બંને દેશો વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ દ્વિપક્ષીય કરારથી નક્કી થાય છે. કોઈ પણ પ્રકારની એક તરફી કાર્યવાહી તેમની ઉપસ્થિતિના દાવાને માન્ય ગણશે નહીં."
તેમણે કહ્યું કે 1816ની સુગૌલી-સંધિ સિવાય કોઈ કરાર નથી થયો જે નેપાળ અને ભારતની પશ્ચિમી સરહદને નક્કી કરતો હોય. આ સંધિમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ત્રણ વિસ્તારો નેપાળની સરહદમાં આવે છે.
ભારતને જવાબ આપતા નેપાળે ગયા મહિને નવો નકશો જાહેર કર્યો જેમાં વિવાદિત ક્ષેત્રને નેપાળની સરહદમાં દેખાડવામાં આવ્યું છે અને આનાથી ભારત ક્રોધે ભરાયું છે.

સુગૌલી સંધિ

ભારતીય વિદેશમંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું, "અમે નેપાળ સરકાર પાસે એવા અયોગ્ય દાવા કરવાથી દૂર રહેવાની અને ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાનો આર્ગહ કરીએ છીએ."
નકશામાં ફેરબદલ માટેનું બિલ નેપાળની સંસદમાં પાસ થવાની આશાઓ છે.
નેપાળે 1816માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાઓ સામે પરાજય બાદ પોતાના પશ્ચિમી વિસ્તારના એક ભાગને છોડી દીધો હતો. આ પછી સુગૌલી સંધિ દ્વારા કાલી નદીના મૂખ પાસે ભારત અને નેપાળની સીમા નક્કી કરાઈ. પરંતુ બંને દેશ કાલી નદીના સ્ત્રોતને લઈને અલગ-અલગ મંતવ્યો રજૂ કરે છે.
ભારતનું કહેવું છે કે સંધિમાં નદી માટે સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નહોતી અને દાવો કરવામાં આવ્યો હતો કે યોગ્ય સર્વે ટેકનિકની મદદથી બાદનાં વર્ષોમાં નકશો બનાવાયો હતો.

'કાર્ટોગ્રાફિક વૉર'

ઇમેજ સ્રોત, ISHWAR RAUNIYAR
હાલમાં જ 'કાર્ટોગ્રાફિક વૉરે' બંને દેશોની રાષ્ટ્રવાદી ભાવનાને ઉગ્ર બનાવી દીધી હતી અને નેપાળે ભારતને કાલાપાની વિસ્તારમાંથી સૈનિકોને હઠાવી લેવા કહ્યું છે.
નેપાળમાં ભારતના પૂર્વ રાજદૂત રહેલા રાકેશ સૂદ કહે છે, "પ્રાદેશિક રાષ્ટ્રવાદ પર બંને પક્ષે જે પ્રકારની નિવેદનબાજી કરવામાં આવી રહી છે તે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે યોગ્ય નથી."
હકીકતમાં, આ ત્રણેય વિસ્તાર છેલ્લાં 60 વર્ષથી ભારતના નિયંત્રણમાં છે અને આ વિસ્તારોમાં રહેતા લોકો ભારતીય નાગરિક છે. ભારત સરકારને કર ચૂકવે છે અને ભારતીય ચૂંટણીમાં મત આપે છે.
નેપાળી નેતાઓ કહે છે કે દેશ ઘણા દાયકાઓથી રાજકીય સંકટનો સામનો કરી રહ્યો હતો, જેમાં માઓવાદી ઉગ્રવાદ પણ ચરમસીમાએ હતો. જેના કારણે તેઓ ભારત સાથે સરહદવિવાદના મુદ્દાને ઉઠાવવાની સ્થિતિમાં નહોતા.

નેપાળ કેટલું મહત્ત્વનું છે?

ઇમેજ સ્રોત, AFP
નેપાળ, એક લૅન્ડલૉક રાષ્ટ્ર હોવાના લીધે વર્ષોથી ભારતની આયાત પર નિર્ભર હતું અને ભારતે નેપાળની બાબતમાં અનેક મહત્વની ભૂમિકા ભજવી હતી.
પરંતુ હાલનાં વર્ષોમાં નેપાળ ભારતના પ્રભાવથી દૂર થયું છે અને ચીને ધીમે-ધીમે નેપાળમાં રોકાણ કરીને અને કરજ આપીને એ જગ્યાને ભરી દીધી છે.
ચીન પોતાના 'બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ' (બીઆરઆઈ)માં નેપાળને એક મહત્ત્વના ભાગીદાર તરીકે જુએ છે અને વૈશ્વિક વેપારને વધારવાની પોતાની મોટી યોજનાના ઉદ્દેશથી નેપાળની માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા માગે છે.
1996માં, જિયાંગ ઝેમિન પછી શી જિનપિંગ નેપાળની મુલાકાતે પહોંચેલા પ્રથમ ચીનના રાષ્ટ્રપતિ બન્યા.
એ વખતે બંને રાષ્ટ્રો પોતાના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'માં બદલવા સહમત થયાં હતાં.

ભારત માટે લિપુલેખ કેમ મહત્ત્વનું છે?
દક્ષિણ એશિયાના નિષ્ણાત અને શાંઘાઈની ફુદાન યુનિવર્સિટીના પ્રૉફેસર ડિંગલી શેન કહે છે, "નેપાળ ઘણા સમયથી ભારતના પ્રભાવ હેઠળ રહ્યું છે. પરંતુ હવે ચીનના આવવાથી તેની પાસે ચીનનાં બજાર અને સંસાધનોના ઉપયોગની તક છે. પ્રશ્ન એ છે કે શું નેપાળ ભારત અને ચીન સાથેના પોતાના સંબંધોમાં સંતુલન બનાવી શકશે?"
ભારત માટે લિપુલેખનો કેસ સંરક્ષણ સાથે જોડાયેલો છે.
વર્ષ 1962માં ચીન સાથે થયેલા યુદ્ધ બાદ ભારતની ચિંતા એ રહી છે કે ક્યાંક ચીન આ પાસમાંથી ઘૂસણખોરી ન કરી લે. આ ઉપરાંત પણ ભારત ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી સામેના રક્ષણ માટે વ્યૂહાત્મક હિમાલયનો માર્ગ અપનાવવા ઉત્સાહી રહ્યું છે. ત્યાર બાદથી આ પાસ વિવાદનો વિષય બની ગયો છે.
આ વર્ષે મે મહિનામાં, ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અહીં 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ફેરફારથી ત્યાં મુસાફરી કરનારા તમામ હિંદુ શ્રદ્ધાળુઓનો સમય બચશે પરંતુ આ કારણે જ નેપાળ સાથેના રાજદ્વારી સંબંધો બગડી ગયા છે.

નેપાળમાં ભારતવિરોધી અવાજ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના આ પગલાથી ગુસ્સે ભરાયેલા નેપાળીઓએ કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું અને ભારતીય સૈન્યને આ વિસ્તારમાંથી પરત હઠવાની માગ કરી હતી.
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો 'બૅક ઑફ ઈન્ડિયા' (#Backoffindia)ના હૅશટૅગ દ્વારા પણ વ્યક્ત કર્યો હતો.
નેપાળના સર્વે વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ બુદ્ધિ નારાયણ શ્રેષ્ઠે કહ્યું, "અમે 1976માં એક નકશો પ્રકાશિત કર્યો હતો, જેમાં લિપુલેખ અને કાલાપાણી બંનેને નેપાળની સરહદમાં દર્શાવ્યા હતા. માત્ર લિંપિયાધુરા દર્શાવવાનું બાકી હતું જે ભૂલ હતી."
જોકે આ સરહદવિવાદ પહેલાં નેપાળમાં ભારતવિરોધી અવાજ ઉઠતો રહ્યો છે. વર્ષ 2015માં મધેસી સમુદાયના વિદ્રોહ દરમિયાન હિંસા થઈ હતી. તે લોકો વધારે અધિકારની માગ કરી રહ્યા હતા. આ સમયે ભારત તરફથી સામાનની નિકાસ રોકી દેવામાં આવી હતી.
જોકે ભારત આ વાતથી ઇનકાર કરી રહ્યું છે કે તે આર્થિક પ્રતિબંધ મૂકવા માગતુ હતું, પરંતુ આ દાવા પર વિશ્વાસ કરવારા લોકોની સંખ્યા નેપાળમાં બહુ જ ઓછી હતી.
પાંચ મહિનાના પ્રતિબંધે નેપાળના જનજીવનને બેહાલ કરી દીધુ અને તેનાથી અનેક લોકો નારાજ હતા. જેને લીધે વર્ષ 2015માં ભૂકંપના કારણે સર્જાયેલા તબાહી પછી પુનર્નિર્માણના કામમાં ઘણી તકલીફ થઈ હતી.

શું ચીન દરમિયાનગીરી કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
હાલના સરહદી વિવાદમાં ભારતીય વિદેશમંત્રાલયના અધિકારીઓ પર આરોપ લાગ્યો છે કે તેઓ આ મુદ્દાનું નિરાકરણ લાવવા માગતા નથી. ભારતને એવું લાગે છે કે નેપાળનો આ મિજાજ ચીનના સમર્થનના કારણે છે.
ભારતીય સૈન્યના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ સાર્વજનિક રીતે કહ્યું છે કે નેપાળે બીજા કોઈના લીધે પોતાની મુશ્કેલીઓને વધારી લીધી છે.
આ નિવેદનને ચીનની દરમિયાનગીરી સાથે જોડવામાં આવે છે અને ભારતમાં કેટલીક દક્ષિણપંથી મીડિયા ચેનલોએ સરહદી વિવાદ ઊભો કરવા અંગે નેપાળને "ચીનના પ્રૉક્સી" સુધી દર્શાવી દીધું છે. આ નિવેદન નેપાળના લોકોને પસંદ નથી આવ્યું.
જોકે પ્રૉફેસર શેનનું માનવું છે કે આમાં ચીનનો કોઈ હાથ નથી. તેઓ કહે છે, "વ્યક્તિગત રીતે મને નથી લાગતું કે નેપાળ હાલ જે કંઈ ભારતની સાથે કરી રહ્યું છે તેમાં ચીનની ભૂમિકા હોય."
હવે આ તમામ વસ્તુઓ છત્તાં ચીને આ મામલે મૌન ધારણ કરી રાખ્યું છે. જોકે તેના વિદેશમંત્રાલયે કહ્યું કે તેને આશા છે કે ભારત અને નેપાળ કોઈ પણ એક તરફી નિર્ણય નહીં લે, જેનાથી આ વિસ્તારમાં સ્થિતિ બગડી જાય.
બંને દેશો વચ્ચે સામાન્ય સહમતિ છે કે આ મુદ્દો માત્ર વાતચીતથી જ ઉકેલી શકાય છે પરંતુ એ પણ સ્પષ્ટ છે કે ક્યારેક નજીકનું સાથી રહેલું નેપાળ હાલ ભારતથી નાખુશ છે.
જ્યારે નેપાળની સંસદ નવા નકશાને પાસ કરશે તો ભારત માટે વાતચીતથી બચવું મુશ્કેલ બની જશે. બંને દેશોના કેટલાય પૂર્વ રાજદ્વારીઓ ભારત સાથે વાતચીત શરૂ કરવાની અપીલ કરતા રહ્યા છે.
રાકેશ સૂદનું કહેવું છે કે હાલ છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતનું તમામ ધ્યાન કોરોના મહામારી સામે લડવામાં લાગ્યું છે પરંતુ "તેમને નેપાળ સાથે ચર્ચા કરવાનો એક મોકો કાઢી લેવો જોઈતો હતો. ભલે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા પરંતુ આ મામલે વાત કરે."
જોકે ભારત માટે ચીન પાસેના સરહદી વ્યૂહાત્મક વિસ્તારને છોડવો મુશ્કેલ હશે, પરંતુ નેપાળી નેતા તેના બદલામાં કંઈ મેળવ્યા વિના પોતાના જ લોકોની વચ્ચે સંઘર્ષ કરશે. બંને પક્ષો માટે આ રસ્તો ઘણો લાંબો છે.
જો ભારત પોતાની સ્થિતિ વધારે આકરી કરે અને નેપાળમાં પોતાનો પ્રભાવ વધારવાની હોડમાં સામેલ થશે તો તેણે ભારત-વિરોધી અવાજો વધારે સાંભળવા પડી શકે છે.
ભારત અને ચીનની વચ્ચે દુશ્મનીથી નેપાળને ફાયદો થઈ શકે એમ છે પણ આમાં એ પણ જોખમ રહ્યું છે કે તે એશિયાની આ પાવર ગૅમમાં પિસાઈ ન જાય.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













