સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ટેલિકૉમ વિવાદની તમારાં ખિસ્સાં પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરુવારે AGR મુદ્દે સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે કડક શબ્દોમાં કેન્દ્ર સરકાર તથા ટેલિકૉમ સર્વિસ કંપનીઓની ઝાટકણી કાઢી હતી.
ઑક્ટોબર-2019માં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપીને ટેલિકૉમ કંપનીઓને રૅવ્યૂ-આધારિત AGRની બાકી નીકળતી રકમ ચૂકવી દેવા કહ્યું હતું, જે હજુ સુધી ચૂકવાઈ નથી.
બીજી બાજુ, જાહેર સાહસની કંપનીઓને AGR હેઠળ નોટિસ કાઢીને સરકારે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો 'દુરુપયોગ' કર્યો હોવાનો મત પણ બેન્ચે વ્યક્ત કર્યો હતો.
માર્ચમાં સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે ટેલિકૉમ કંપનીઓએ AGR પેટે સરકારને રૂ. એક લાખ 30 હજાર કરોડ જેટલી રકમ ચૂકવવાની થાય છે.
પ્રથમ નજરે આ મામલો ટેલિકૉમ કંપનીઓની 'કૉર્ટરૂમ બૅટલ'નો લાગે, પરંતુ મોબાઇલ વપરાશકર્તા તથા કરદાતા તરીકે તેની અસર તમને પણ થઈ શકે છે.
આ અંગે વધુ સુનાણી આવતા ગુરુવારે (તા. 18મી જૂને) થશે.

20 સાલ બાદ...
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગુરુવારે જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર તથા એમ. આર. શાહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
20 વર્ષના ગાળા દરમિયાન તબક્કાવાર રીતે બાકી નીકળતી રકમની ચૂકવણી કરવાની માગ ઉપર ટિપ્પણી કરતા કોર્ટે પૂછ્યું હતું, '20 વર્ષ પછીનો સમય કોણે જોયો છે?' માત્ર વાયદા ઉપર કેમ ભરોસો કરી શકાય?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીઓ કેવા પ્રકારની ગૅરન્ટી આપવા તૈયાર છે તથા શું ડાયરેક્ટર્સ વ્યક્તિગત રીતે જામીન થશે, તેવો સવાલ પણ કૉર્ટે પૂછ્યો હતો. આ સિવાય ટેલિકૉમ સેવા પ્રદાતા કંપનીઓ બાકી નીકળતી રકમ કેવી રીતે ચૂકવવા માગે છે, તેની ઍફિડેવિટ દાખલ કરવા પણ જણાવ્યું હતું.
નિષ્ણાતોના મતે સરકાર દ્વારા ટેલિકૉમ કંપનીઓને સર્કલના આધારે સ્પેક્ટ્રમનાં લાઇસન્સ આપવામાં આવે છે. દરેક કંપનીના અલગ-અલગ લાઇસન્સ (2G,3G,4G) લેતી હોય છે. 20 વર્ષના ગાળા દરમિયાન આવા અનેક લાઇસન્સ ઍક્સ્પાયર થવાના હોય તારણવગર તબક્કાવાર ચૂકવણી કરવાની મંજૂરી આપવી તર્કસંગત ન રહે.
શું છે AGR વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેક્ટ્રમ, લાઇસન્સ, ઇન્ટરનેટ સેવા આપવાનું લાઇસન્સ વગેરે કેન્દ્ર સરકાર હસ્તક છે. આની ફાળવણી કરતી વેળાએ સરકાર દ્વારા અમુક રકમ તત્કાળ વસૂલવામાં આવે છે, જ્યારે અમુક રકમ ટેલિકૉમ કંપનીઓએ 'આવકમાંથી હિસ્સા' સ્વરૂપે ચૂકવવાની હોય છે.
આ હિસ્સો નક્કી કરવા માટે જે ગણતરી માંડવામાં આવે છે, તેને ઍડ્જેસ્ટેડ ગ્રોસ રૅવન્યૂ તરીકે ઓળખવામાં આવે છે.
સંચાર વિભાગનું કહેવું હતું કે ટેલિકૉમ કંપનીઓને જે કુલ આવક (ડિવિડન્ડ, સંપત્તિ વેચાણમાંથી નફો) થાય છે, તેમાંથી હિસ્સો મળવો જોઇએ. જ્યારે કંપનીઓનું કહેવું હતું કે માત્ર ટેલિકૉમ સેવા દ્વારા થતી આવકમાંથી હિસ્સો આપવાનો થાય છે.
જુલાઈ-2017માં સંસદમાં રજૂ થયેલા કૅગ (કમ્પ્ટ્રૉલર ઍન્ડ ઑડિટર જનરલ, CAG)ના રિપૉર્ટ મુજબ છ ટેલિકૉમ કંપની દ્વારા અલગ-અલગ છટકબારીનો ઉપયોગ કરીને રૂ. 61 હજાર કરોડ જેટલી રકમ ઓછી દર્શાવવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને હજારો કરોડનું નુકસાન થયું હતું.
ઑક્ટોબર-2019ના ચુકાદા બાદ કેન્દ્ર સરકારે સંચાર વિભાગ પાસેથી અલગ-અલગ લાઇસન્સ લેનાર જાહેર સાહસની કંપનીઓ પાસેથી તેમના મૂળ વ્યવસાયમાંથી થતી આવકમાંથી પણ હિસ્સો માગ્યો હતો.
જેમ કે GAIL ગૅસના વહન સાથે સંકળાયેલી પ્રવૃત્તિ કરે છે, પાવરગ્રીડ વીજ વિતરમ તથા ઑઇલ ઇન્ડિયા ક્રૂડઑઈલ-ગૅસની શોધ અને પરિહવન તથા એલ.પી.જી.ના (લિક્વિફાઇડ પેટ્રૉલિયમ ગૅસ) ઉત્પાદન સાથે સંકળાયેલી છે.
ઑક્ટૉબરમાં સર્વોચ્ચ અદાલતે ટેલિકૉમ વિભાગની રૅવન્યૂ-આધારિત વ્યાખ્યાને ગ્રાહ્યા રાખી હતી.

અસર જનતાને

ઇમેજ સ્રોત, Getty Images
જો ટેલિકૉમ કંપનીઓએ સરકારને કર પેટે બાકી નીકળતી રકમ ભરવાની થાય તો ઍરટેલ અને વોડાફોન-આઇડિયા પાસે એટલી રકમ ન રહે કે તે ટેલિકૉમ માળખું વિકસાવે. જેના કારણે ટેલિકૉમ સૅક્ટર તથા મોબાઇલ વપરાશકર્તાને સીધી અસર થાય.
ડિપાર્ટમૅન્ટ ઑફ ટેલિકૉમ તરફથી હાજર રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કૉર્ટ સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો, તેમણે કહ્યું :
"કેન્દ્ર સરકારે આ મુદ્દે ઊંડાણપૂર્વ છણાવટ કરી છે અને બૅલ-આઉટ પૅકેજ તૈયાર કર્યું છે. કંપનીઓ માટે એક સાથે આટલી મોટી રકમ ચૂકવવી મુશ્કેલ બની રહેશે. જો અદાલત દ્વારા વાંધો ઉઠાવવામાં આવશે તો ટેલિકૉમ સૅક્ટર અને નૅટવર્કની ગુણવત્તાને માઠી અસર પહોંચશે તથા ગ્રાહકે સહન કરવાનું આવશે."
જો બાકી નીકળતી રકમ કોઈ કંપની ચૂકવવામાં નિષ્ફળ રહે તો તેનો ધંધો બંધ કરવાની નોબત આવે અને મામલો નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ પાસે જતો રહે, જેથી કંપનીના કર્મચારીઓની નોકરીઓ ઉપર અસર થાય.
વ્યાજ અને દંડ સહિત વૉડાફોન-આઇડિયાએ રૂ. 50 હજાર કરોડની રકમ ચૂકવવાની થાય છે. કંપની વતી હાજર રહેલા મોદી સરકારના પૂર્વ સૉલિસિટર જનરલ તથા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું :
"અમારી પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા તથા ખર્ચા કાઢવા જેટલી રકમ પણ નથી."
ઍરટેલ ભારતી વતી અદાલત સમક્ષ રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ કંપનીએ પોતાની ગણતરી કરી છે અને પૂરેપૂરી રકમ (રૂ. 18 હજાર ચાર કરોડ) ચૂકવી દીધા છે. છતાં જો કોઈ રકમ નીકળતી હશે તો તે ચૂકવી દેવામાં આવશે?
કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન તથા વાઇરસને પગલે ઊભી થયેલી આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે અગાઉથી જ દબાણ હેઠળ રહેલું ભારતીય અર્થતંત્ર ઉપર વધુ ભાર આવી ગયો છે.
એક પછી એક અલવિદા

ઇમેજ સ્રોત, Getty Images
એક તબક્કે દેશમાં 10 જેટલી મોબાઇલ સેવા પ્રદાતા કંપનીઓ હતી, પરંતુ મર્જર-વેચાણ બાદ હાલમાં સરકારી ક્ષેત્રની 'ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ', સુનિલ મિત્તલની 'ઍરટેલ', મુકેશ અંબાણીની 'રિલાયન્સ જિયો' અને બિરલા જૂથની 'વૉડાફોન-આઇડિયા' છે.
વર્તમાન સંજોગો મુજબ, આ ચુકાદા બાદ મુખ્યત્વે ત્રણ કંપનીઓ વધે તથા 'જિયો' અને 'ઍરટેલ' વચ્ચે મુખ્ય સ્પર્ધા થાય. ફેસબુકે અંબાણીની જિયોમાં રોકાણ કર્યું છે તથા ઍમેઝોન અને ગુગલ જેવી કંપનીઓ પણ ભારતની ટેલિકૉમ કંપનીઓમાં રોકાણ કરવા ઇચ્છૂક હોવાના અહેવાલ છે.
ગુરુવારે ઍરટેલના શૅરમાં 2.75 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો અને તે રૂ. 15.60 ઘટીને રૂ. 551.5 ઉપર બંધ આવ્યો હતો.
છેલ્લા 10 ટ્રૅડિંગ સૅશન દરમિયાન વૉડાફોન-આઇડિયાના શૅરમાં આકર્ષણ જોવા મળ્યું હતું અને તે 28મી મેની રૂ. 5.80ની સપાટીથી બમણો થઈને સોમવારે રૂ. 12 સપાટી સ્પર્શી ગયો હતો. ગુરુવારે કૉર્ટમાં સુનાવણી બાદ તેમાં 13.36 ટકા (રૂ. 1.45) ઘટીને રૂ. 9.40 ઉપર બંધ આવ્યો હતો.
મુકેશ અંબાણીની માલિકીની જિયો શૅરબજારમાં લિસ્ટેડ નથી, પરંતુ ફેસબુકના રોકાણ દરમિયાન તેની કિંમત રૂ. ચાર લાખ 60 હજાર કરોડ જેટલી આંકવામાં આવી હતી.

રૂ. ચાર લાખ કરોડની માગ
ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર સાહકની કંપનીઓને (પબ્લિક સૅક્ટર અંડરટેકિંગ, PSU) ને રૂ. ચાર લાખ કરોડની બાકી નીકળતી રકમની નોટિસા કાઢવામાં આવી હતી. જેના અંગે ટિપ્પણી કરતા કૉર્ટે પૂછ્યું હતું કે 'શા માટે આવી મંજૂર ન કરી શકાય તેવી રકમની માગ કરવામાં આવી હતી?'
જેના જવાબમાં મહેતાએ કહ્યું હતું કે તેઓ ઍફિડેવિટ દાખલ કરીને રકમ માગવા પાછળની કેન્દ્ર સરકારની ગણતરી રજૂ કરશે. અદલાતે માગ ઉપર પુનર્વિચાર કરવા સરકારને સૂચન કર્યું હતું.
બ્લૂમબર્ગક્વિન્ટના એક અહેવાલ મુજબ, રાજ્ય કક્ષાના ટેલિકૉમ પ્રધાન સંજય ધોત્રેએ માર્ચ-2020માં એક સવાલના જવાબમાં લોકસભામાં જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ પાસેથી AGR પેટે રૂ. એક લાખ 30 હજાર કરોડ જેટલી રકમ લેવાની થાય છે.
જેમાં ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા પાસેથી રૂ. એક લાખ 83 હજાર કરોડ, ઑઇલ ઇન્ડિયા પાસેથી રૂ. 48 હજાર 489 કરોડ, પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસેથી રૂ. 21 હજાર 954 કરોડ, ગુજરાત નર્મદા વૅલિ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ પાસેથી રૂ. 15 હજાર કરોડ નીકળતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સિવાય રૅલટેલ (રેલવેની ટેલિકૉમ સેવા સંબંધિત પાંખ) તથા દિલ્હી મૅટ્રો પાસેથી પણ બાકી નીકળતી રકમની નોટિસ કાઢવામાં આવી હતી.
સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ સાર્વજનિક કંપનીઓને તેમાંથી 'ડિટેચ' કરી દેવામાં આવી હોવાનું ધોત્રેએ નીચલાગૃહને જણાવ્યું હતું.
(આ અહેવાલ માટે સુપ્રીમ કૉર્ટમાં થયેલી સુનાવણી સંદર્ભે સુચિત્રા મોહન્તીના ઇનપુટ્સ્ પ્રાપ્ત થયા છે.)


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












