કોરોના વાઇરસ : નરેન્દ્ર મોદીના પત્રનો મજૂરે આપ્યો જવાબ...‘તો રોટલો કોણ આપત?’

મજૂરો

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

કોરોના સંકટ દરમિયાન ભારતે શરૂઆતમાં જે મોટું સંકટ જોયું, એ હતું પ્રવાસી મજૂરોનું પલાયન.

પગપાળા, સાઇકલ ચલાવતાં, બસો અને ટ્રકોમાં ચઢવા માટે સંઘર્ષ કરતાં મજૂરોની તસવીરો લાંબા સમય સુધી લોકોનાં દિલોદિમાગમાં છવાયેલી રહી.

કોઈએ સાઇકલથી લાંબી યાત્રા કરી, તો ભૂખ-તરસથી બેહાલ કોઈ મજૂર ચંપલ વિના પગપાળા ધોમધખતા તાપમાં પોતપોતાના વતન જવા નીકળી પડ્યા.

ઘણી ગર્ભવતી મહિલાઓ પોતાનાં નાનાંનાનાં બાળકોને ખોળા રાખીને ચાલી રહ્યાં હતાં, તો ઘણાં બાળકો પોતાના પિતાનો હાથ પકડીને લાંબી યાત્રા કરી રહ્યાં હતાં. આવાં દૃશ્યો ભારતના દરેક ભાગમાં સામાન્ય થઈ ગયાં હતાં.

શરૂઆતમાં સરકારો મૌન હતી, તો વિપક્ષ આક્રમક હતો. સરકાર જાગી અને કેટલાંક પગલાં ભરવાની કોશિશ પણ કરી. પણ ત્યાં સુધીમાં ઘણા મજૂરો પોતાના ગામ પહોંચી ગયા હતા.

મજૂરના પગ

ઇમેજ સ્રોત, SANJAY KANOJIA

ઘણા ટ્રેન નીચે આવી ગયા, ઘણા ટ્રક અને બસ દુર્ઘટનાઓનો શિકાર બન્યા.

આ કોરોનાકાળમાં ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે પોતાના બીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું કર્યું.

આ સમયે પીએમ મોદીએ દેશની જનતાને નામે એક પત્ર લખ્યો. આ પત્રમાં દેશને સંકટકાળમાં આત્મનિર્ભર બનવાનું આહ્વાન હતું, તો 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'ની પણ વાત થઈ. અનુચ્છેદ 370, તીન તલાક વિધેયક અને રામમંદિરનિર્માણની પણ જોરશોરથી ચર્ચા થઈ.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP/TWITTER

પરંતુ આ બધા વચ્ચે પીએમ મોદીએ લૉકડાઉન દરમિયાન મજૂરોના સંકટ પર કંઈ ખાસ ન કહ્યું. તેઓએ માત્ર એટલું કહ્યું કે પ્રવાસી મજૂરોને મુશ્કેલી પડી છે અને તેને દૂર કરવાની કોશિશ થઈ રહી છે.

પીએમ મોદીના આ પત્રના જવાબમાં જો આ પ્રવાસી મજૂરો અને તેમના પરિવારને પત્ર લખવાનો થાય તો તેઓ પીએમ મોદીને શું લખે. બીબીસીએ આમાંથી ત્રણ લોકો સાથે વાત કરી, જેઓ પ્રવાસી મજૂરોની અસહ્ય પીડાનું પ્રતીક બની ગયાં હતાં.

line

અશોકસિંહ ગૌડ, શહડોલ, મધ્ય પ્રદેશ

અશોકસિંહના પુત્ર અને તેમના પરિવારના નવ લોકો મહારાષ્ટ્રમાં રેલદુર્ઘટનામાં માર્યા ગયા હતા

ઇમેજ સ્રોત, ASHOK SINGH

ઇમેજ કૅપ્શન, અશોકસિંહના પુત્ર અને તેમના પરિવારના નવ લોકો મહારાષ્ટ્રમાં રેલદુર્ઘટનામાં માર્યા ગયા હતા

લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રના ઔરંગાબાદની ટ્રેન દુર્ઘટના અને રેલપાટા પર વેરવિખરે રોટલીઓ એક દર્દનાક દાસ્તાન હતી. એ દુર્ઘટનાએ મજૂરોની એક એવી લાચારી વ્યક્ત કરી, જે રોવડાવે તેવી હતી.

આંસુ તો મધ્ય પ્રદેશમાં શહડોલના રહેવાસી અશોકસિંહ ગૌડનાં પણ સુકાતાં નથી.

અશોકસિંહના પુત્રનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું. તો આવો જાણીએ કે અશોકસિંહ પીએમ મોદીને પત્રમાં શું લખવા માગે છે...

લાઇન

ચોવીસ વર્ષનો હતો, એક બાળક પણ છે, દોઢ વર્ષનું. કોને દોષી ગણવા? સરકારને? આ બાળકોને દોષી ગણવાં? રેલવે વિભાગને? કોને?

યાદ રહેશે કે લૉકડાઉનમાં બાળક ગુજરી ગયો. બે પૈસા કમાતો હતો અને પિતાપુત્ર પરિવાર ચલાવતા હતા. પરંતુ હવે એવું ન રહ્યું.

અમારા વડા પ્રધાન જે કહેશે, તેમાં અમે વિશ્વાસ રાખીશું.

જીવન તો પસાર થઈ ગયું, પણ તેના બાલબચ્ચા માટે રોજગારીનો આધાર જોઈશે. અમારું કર્તવ્ય અને માગ તો આ જ છે.

રેલદુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવક

ઇમેજ સ્રોત, AHSOK SINGH

સરકાર જ કહેશે એ અમે માનીશું. અમારી માગ એ જ છે કે અમારો પુત્ર તો ગયો, પરંતુ તેનાં બાળકોનો કોઈ આધાર હોવો જોઈએ.

અમારી કેન્દ્ર સરકાર છે, વડા પ્રધાન મહોદયજી છે, તેમની નિંદા કરીને અમારે શું કરવું છે?

વડા પ્રધાને નક્કી કરવાનું છે કે તેઓએ પબ્લિકને ગુમરાહ કરવી છે કે અમને ન્યાય અપાવવો છે. અમારું માનવું છે કે જે કરવાનું છે એ સરકારને જ કરવાનું છે. અમે સરકાર પાસેથી ન્યાય માગી રહ્યા છીએ. સરકાર અમને ન્યાય આપે.

હાલમાં દોઢ વર્ષનું બાળક છે, જેના પાલનપોષણમાં થોડા દિવસો લાગશે. જો ઇશ્વર નહીં રૂઠે તો અમારી પાસે આધાર છે. જો પરમાત્મા રૂઠી જશે તો અમારી પાસે શું રહેશે?

આશ્વાસન તો ઘણા આપે છે કે વડા પ્રધાન મદદ મોકલશે, રેલવે વિભાગ મદદ કરશે, કંપનીવાળા મદદ કરશે, પરંતુ અમને અત્યાર સુધીમાં કંઈ જ મળ્યું નથી.

આજે અમારી પાસે જમીન હોત, ખેતીવાડી હોત તો અમે બહાર ન જાત. અહીં જ કંઈક રોજગારી મેળવી લેત. રોજગાર વિના માણસ બહાર ન જાય તો ઘરમાં ચૂલો ન સળગે.

મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

તમે આ લૉકડાઉન ન કરત કે ત્રણ મેથી કમસે કમ એક અઠવાડિયા માટે લૉકડાઉન ખોલ્યું હોય તો જેટલા પ્રવાસી મજૂરો હતા, એ તેમના ગામડે પહોંચી જાત.

મુશ્કેલી તો છે, કશુંક તો ખામી છે શાસનની. અમે એવું નથી કહેતા કે ખામી નથી. જો એક અઠવાડિયા માટે લૉકડાઉન ખોલ્યું હોત તો બધા ઘરે પહોંચી જાત.

જેઓ મહિનાઓથી ભૂખે મરતા હતા, જેમની પાસે ખાવા નહોતું, તેમને એક દિવસનો મોકો પણ ન મળ્યો.

સાત વાગ્યે જાલનાથી ચાલ્યા, પેટમાં અન્નનો દાણો નહીં, પાછું પગપાળા. 900 કિલોમીટર પગપાળા ચાલવાનું હતું, જો રોટી બચાવીને ન રાખત તો રોટી દેત કોણ?

રોડ પર પોલીસનો ડંડો. માત્ર પાટા અને રોટીનો સહારો હતો. રોટી લઈને એક પાટા પર ચાલી રહ્યા હતા. જ્યાં સુધી ચંદ્રમાનો પ્રકાશ રહ્યો, ચાલતાં રહ્યા.

અંધારું થયું તો લોકોએ વિચાર્યું કે પાટા પર જઈશું તો ગબડીને પડી જાશું. આખી રાત ટ્રેન ન આવી અને દિવસ થવા આવ્યો હતો. ટ્રેન હવે કદાચ નહીં આવે એ વિચારીને સવાર થવા આવી હતી ત્યારે તેઓ આરામ કરવા માટે સૂઈ ગયા.

જેવા સૂતાં કે ઊંઘ આવી ગઈ. ભૂખથી પરેશાન, ઊંઘ અલગ, થાક અલગ. એ સમયે ત્રણેય સિસ્ટમ એકસમાન રહી. આથી ટ્રેનનો કોઈ અવાજ ન સંભળાયો. પાટા એક કિલોમીટર પહેલાં જ માણસને સતર્ક કરી દે છે, પરંતુ તેમને કોઈ અહેસાસ ન થયો.

ઊંઘ માટે કોઈ પથારીની જરૂર નથી. જ્યારે શરીરમાં ઊંઘ આવે ત્યારે માણસ પથારી શોધતો નથી, તે આરામ ઇચ્છે છે. તેમને ઊંઘવું છે, તો ઊંઘવું છે. એ જ એ લોકોએ કર્યું.

line

મોહન પાસવાન, દરભંગા, બિહાર

જ્યોતિ કુમારી મોહન પાસવાન સાથે

ઇમેજ સ્રોત, BBC/CHANDAND

ઇમેજ કૅપ્શન, જ્યોતિ કુમારી મોહન પાસવાન સાથે

બિહારનાં જ્યોતિ કુમારી હવે દેશવિદેશમાં પહોંચી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઇંવાકા ટ્રમ્પે તેમનાં વખાણ કરીને ટ્વીટ કર્યું અને તેમની મદદ કરનારાઓની પણ લાઇનો લાગી ગઈ.

પરંતુ એક સમય એવો પણ હતો કે પોતાના બીમાર પિતાને સાઇકલથી ગુરુગ્રામથી બિહાર જવાનો જ્યોતિ કુમારીએ નિર્ણય લીધો.

એક નાની સાઇકલ પર પિતાને લઈને નીકળી પડેલાં જ્યોતિને રસ્તામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તો મદદ પણ મળી.

તેમની સાઇકલવાળી તસવીર પણ લૉકડાઉનમાં પીડાની એક કહાણી હતી કે કેવી રીતે મજબૂરીમાં એક દીકરીને સાઇકલ લઈને આટલી લાંબી યાત્રા કરવી પડી.

જાણીએ કે જ્યોતિના પિતા મોહન પાસવાન પીએમ મોદીને પત્રમાં શું કહેવા માગે છે...

લાઇન

અમે લોકો કોઈ પણ રીતે મરીમરીને જીવીને આવ્યા છીએ. સરકારને વિનંતી છે કે જે મજૂરો બહાર ફસાયા છે તેમને સમય પર કામ આપે અથવા તો તેમની મદદ કરે.

જે પ્રવાસી મજૂરો ફસાયા છે તેમને જો કામ મળી જાય તો તેઓ ઘરે શું કામ જાય. અમને પણ કામ મળી ગયું હોય તો ઘરે શું કામ જાત.

અથવા તો અમારી ખાવાપીવાની વ્યવસ્થા થઈ ગઈ હોય તો પણ અમે કેમ જાત?

એવું નહીં કે ટીવી પર કહી દીધું કે વ્યવસ્થા થઈ ગઈ છે અને ગલી-મહોલ્લામાં કશું નથી. અમે લોકો મોત અને જીવન વચ્ચે હતા, અને માત્ર અમે જ નહીં, અમારા જેવા લાખો હતા.

લોકો પગપાળા, સાઇકલથી, લારીમાં, મોટરસાઇકલથી જતા હતા. રસ્તાઓ લોકોથી ભરેલા હતા. લોકો રાતભર સફર કરતા રહ્યા.

લોકોનું ટોળું જોઈને હિંમત વધતી ગઈ. એક-દોઢ લાખ લોકો રસ્તા પર ચાલી રહ્યા હતા. તેમને જોઈને હિંમત મળતી હતી.

વીડિયો કૅપ્શન, કોરોના ટ્રિપ : 13 વર્ષની છોકરી પોતે 1200 કિલોમિટર સાઇકલ ચલાવી પિતા ઘરે લઈ ગઈ

અમે લૉકડાઉનને અનુસર્યા, જેમ ટીવીમાં કહેવાતું હતું કે ખાવાપીવાનું મળશે, પણ અમને નહોતું મળ્યું. કહેતા હતા કે ઘરેઘરે જઈને રૅશન આપી રહ્યા છે, પરંતુ અમને મળતું નહોતું.

એ સાચું કે લૉકડાઉનમાં કામ નહોતું, પણ પ્રવાસી મજૂરોને ભૂખે તો નહોતા મારવા જોઈતા.

અમે મજૂરો માણસ છીએ, ન અમે રાજકારણ જાણીએ છીએ, ન તો કંઈ બીજું. એનાથી સારું એ હતું કે લોકો જ્યાં ફસાયા હતા ત્યાં એમને ખાવું મળી ગયું હોત.

સૌથી વધુ મુશ્કેલી ખાવાની થઈ. નંબર જોડ્યો, લાઇનોમાં રહ્યા, પરંતુ ખાવાનું ન મળ્યું. એ સમયનું વિચારીને દિલ દ્રવી ઊઠે છે. અમારી દીકરી અમને ઊંચકીને લાવી છે.

બીજાનું દુખ જોઈને માણસ પોતાનું દુખ ભૂલી જાય છે. સાથે ચાલતાં પ્રવાસીઓના પગમાં ઈજા થઈ હતી. સગર્ભાઓ પગપાળા ચાલતી હતી. નાનાંનાનાં બાળકો પણ ચાલતાં હતાં. તેમને જોઈને હિંમત વધતી હતી.

અમે વિચારતા હતા કે કેવી મુશ્કેલ પરિસ્થિતિ છે કે લોકો પેટ માટે ઘર તરફ જઈ રહ્યા છે. જો ખાવાપીવાની વ્યવસ્થા શહેરમાં જ થઈ ગઈ હોત તો લોકો આટલું કષ્ટ શું કામ વેઠત?

line

રામપુકાર પંડિત, બેગુસરાય

રામપુકાર પંડિત

બિહારના બેગુસરાયમાં રહેતા રામપુકાર પંડિતની ફોન પર વાત કરતી તસવીર ખૂબ વાઇરલ થઈ હતી. જોકે આ તસવીર પાછળની કહાણી સાચે જ હૃદય દ્રવી ઊઠે તેવી હતી.

રામપુકાર પુત્રના મોતના સમાચાર સાંભળીને 11 મેના રોજ દિલ્હીથી પગપાળા જ બેગુસરાય પોતાના ગામ તારા બરિયારપુર માટે નીકળી પડ્યા હતા. જોકે પોલીસે તેમને દિલ્હી-યુપી બૉર્ડર પર રોકી રાખ્યા હતા.

પુત્રના મૃત્યુના દુખ વચ્ચે વ્યવસ્થાની ગૂંચમાં પડેલા રામપુકારને આજે પણ એ વાતનો અફસોસ છે કે તેઓ તેમના પુત્રને અંતિમ વિદાય આપી ન શક્યા.

રામપુકાર પોતાની કહાણી કહે છે અને એ પણ કહે છે કે તેમને પીએમ મોદીને શું કહેવું છે...

લાઇન

મારું નામ છે રામપુકાર પંડિત. મારા પુત્રનું નામ હતું રામપ્રવેશ કુમાર. હું બિહારના બેગુસરાય જિલ્લામાં રહું છું.

મોદીજીના નામે મારો એક પત્ર, જો તેઓ વાંચે તો-

ચાર કે પાંચ મેના રોજ મારા પુત્રની તબિયત ખરાબ હતી. મારી પાસે બે હજાર રૂપિયા હતા, જે વપરાઈ ગયા હતા. પણ એ બચી ન શક્યો. બાળક જીવી ન શક્યો. તેની ઉંમર એક વર્ષ હતી.

અમે મજૂરી કરતા હતા. સિમેન્ટમાં રેલી મિલાવીને આપતા હતા. લૉકડાઉન થયું. લૉકડાઉનમાં બાળક બીમાર પડ્યો. ત્રણ પુત્રી બાદ એક પુત્ર થયો હતો.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

હું દિલ્હીથી નીકળી પડ્યો કે જેથી પુત્રનું મોઢું જોઈ શકું. મેં મારી જાતને કહ્યું કે હું મોઢું ન જોઈ શકું તો મરી જઈશ.

હવે ક્યાંય મન નથી લાગતું. મન પૂછે કે મારો પુત્ર શું કહેશે?

તેની મા કહે છે કે એ મને ખભે ઊંચકીને લઈ જાત, પરંતુ હું તેને ખભા પર લઈ ગઈ. મા બીજું શું કહે, મા એ જ કહે અને કાળજા પર પથ્થર મૂકી લેત. ઘરમાં હવે ત્રણ પુત્રી છે, પત્ની છે.

સરકાર પાસે એ જ માગ કરું છું કે કંઈક કામ અપાવી દેશો તો અમે કરી લેશું. અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે અમારું ઘર જોઈને, અમારું સ્થિતિ જોઈને, એમને જે યોગ્ય લાગે તે અમારા માટે કરે.

તે જે કરશે એ અમે માની લેશું. અમે શું કહેશું, બસ અમારા માટે રોજગારી હોય.

(બીબીસીએ ફોન પરની કરેલી વાતચીતને આધારે)

કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો