કોરોના વાઇરસ ફૅમિલી : જ્યારે સત્તર લોકોના સંયુક્ત પરિવારે જીત્યું કોરોના સામેનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Mukul Garg
- લેેખક, કૃતિકા પથી
- પદ, બીબીસી ન્યૂઝ
ગત 24 એપ્રિલે જ્યારે મુકુલ ગર્ગના 57 વર્ષીય કાકાને તાવ આવ્યો તો તેમને કોઈ ખાસ ચિંતા ન થઈ.
બાદમાં 48 કલાકમાં 17 લોકોના આ પરિવારમાં બીજા બે લોકો પણ બીમાર થઈ ગયા.
કેટલાક સમય પછી બીમાર લોકોનું તાપમાન વધવા લાગ્યું અને ગળું સુકાવા જેવાં લક્ષણો સામે આવવાં લાગ્યાં.
મુકુલ ગર્ગને એમ કે આ સિઝનનો તાવ હોઈ શકે છે, કેમ કે તેઓ એ માનવા તૈયાર નહોતા કે આ કોરોના વાઇરસ હોઈ શકે છે.
ગર્ગે વિચાર્યું કે "ઘરમાં એકસાથે પાંચ-છ લોકો માંદા પડી જાય તો પરેશાન ન થવું જોઈએ."
ત્યારબાદ ઘરના પાંચ અન્ય સભ્યોમાં પણ કોવિડ-19 જેવાં લક્ષણો જોવાં મળ્યાં.
આ રીતે ધીરેધીરે ગર્ગના મનમાં એક ડર પેદા થવા લાગ્યો.
થોડા દિવસો પછી 17 લોકોનો આ પરિવાર કોરોના વાઇરસ કલસ્ટરમાં તબદીલ થઈ ગયો, કેમ કે પરિવારના 11 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પડકાર વેઠતો પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
ગર્ગે પોતાના બ્લૉગમાં લખ્યું, "અમે કોઈ બહારની વ્યક્તિને મળ્યા નથી અને કોઈ અમારા ઘરે આવ્યા નથી. તેમ છતાં અમારા ઘરમાં એક પછી એક વ્યક્તિ કોરોના વાઇરસથી સંક્રમિત થતી ગઈ."
ગર્ગ દ્વારા લખાયેલા બ્લૉગથી લાગે છે કે કોરોના સામેના જંગમાં આ સંયુક્ત પરિવાર એક ચોક્કસ પડકાર દર્શાવી રહ્યો છે.
ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે જે લૉકડાઉન લાગુ કરાયું હતું એ 25 માર્ચથી શરૂ કરીને ગત અઠવાડિયા સુધી ચાલતું રહ્યું.
તેનો ઉદ્દેશ્ય લોકોને ઘરમાં રાખીને ભીડવાળા રસ્તાઓ અને સાર્વજનિક સ્થળોથી દૂર રાખવાનો હતો.
જોકે ભારતમાં ચાલીસ ટકા ઘરોમાં ઘણી પેઢીઓ એકસાથે રહે છે. (ત્રણથી ચાર લોકો એકસાથે એક છત નીચે જ રહે છે.) આથી ઘર પણ એક ભીડવાળી જગ્યા છે.
આ જોખમી છે, કેમ કે અધ્યયન દર્શાવે છે કે વાઇરસની ઘરમાં ફેલાવાવની શક્યતા વધુ રહે છે.
સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડૉ. જૈકબ જૉન કહે છે, "લૉકડાઉન દરમિયાન કોઈ પણ એક વ્યક્તિ સંક્રમિત થતા તેનો પરિવાર એક ક્લસ્ટરની જેમ બની જાય છે, કેમ કે એક વ્યક્તિને ચેપ લાગ્યા પછી લગભગ બધા લોકોને સંક્રમણ થવાની આશંકા વધી જાય છે."
ગર્ગના પરિવારથી જે સામે આવ્યું છે તેમાં સંયુક્ત પરિવારોમાં સામાજિક અંતર શક્ય નથી. ખાસ કરીને લૉકડાઉનને કારણે ઘરના બધા સભ્યો ઘરમાં મોજૂદ હોય ત્યારે.

'અમે ઘણી એકલતા સહન કરી'

ઇમેજ સ્રોત, Getty Images
મુકુલ ગર્ગનો પરિવાર દિલ્હીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં બનેલા એક ત્રણ માળના ઘરમાં રહે છે.
33 વર્ષીય ગર્ગ તેમનાં 30 વર્ષીય પત્ની અને બે વર્ષનાં બે બાળકો સાથે ટૉપ ફ્લોર પર રહે છે. ગર્ગની સાથે તેમનાં દાદા-દાદી અને માતાપિતા પણ રહે છે.
પહેલા બે માળે ગર્ગના કાકા અને તેમનો પરિવાર રહે છે.
પરિવારના સભ્યોમાં 90 વર્ષીય વૃદ્ધથી લઈને ચાર મહિનાનું બાળક પણ સામેલ છે.
સામાન્ય સંયુક્ત પરિવારોમાં ઘણા લોકો એક જ રૂમ અને બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે.
જોકે ગર્ગનું ઘર ઘણી વિશાળ જગ્યામાં બનેલું છે. 250 વર્ગ મીટરમાં બનેલા આ ઘરમાં દરેક માળે ત્રણ બેડરૂમ છે, જેમાં બાથરૂમ ઍટેચ છે. તેમજ રસોડું પણ છે.
આટલી વિશાળ જગ્યા હોવા છતાં વાઇરસ એક માળથી લઈને બીજા માળે લોકોને સંક્રમિત કરતો ગયો.
આ પરિવારમાં સૌથી પહેલાં સંક્રમિત થનારા શખ્સ મુકુલ ગર્ગના કાકા હતા, પરંતુ તેમને હજુ સુધી ખબર પડી નથી કે તેઓને કેવી રીતે ચેપ લાગ્યો.
ગર્ગ કહે છે, "અમને લાગે છે કે તેઓ શાકભાજીવાળા કે કરિયાણાવાળાથી સંક્રમિત થયા હશે, કેમ કે ત્યારે જ પહેલી વાર ઘરમાંથી કોઈ બહાર ગયું હતું."
આ પરિવારમાં ધીમેધીમે વાઇરસ ફેલાઈ રહ્યો હતો, પરંતુ ડર અને શરમને કારણે કોઈએ ટેસ્ટ કરાવવાનું યોગ્ય ન સમજ્યું.
ગર્ગ કહે છે, "અમે 17 લોકો એકસાથે હતા, પણ અમે ઘણી એકલતા સહન કરતા હતા. અમે ચિંતિત હતા કે અમને કંઈ થઈ ગયું તો કોરોના વાઇરસ સાથે જોડાયેલી શરમને લીધે શું કોઈ અમારે ત્યાં અંતિમસંસ્કારમાં સામેલ થશે?"
મે મહિનાના પહેલા અઠવાડિયામાં તેમની 54 વર્ષીય કાકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ ત્યારે પરિવાર તેમને લઈને હૉસ્પિટલ પહોંચ્યો.
ગર્ગ કહે છે કે તેમને લાગતું હતું કે આખા પરિવારનું ટેસ્ટિંગ કરાવવું પડશે.

'બીમારીનો મહિનો'

ઇમેજ સ્રોત, Getty Images
મે મહિનો આખો વાઇરસ સામે લડવામાં વીતી ગયો. ગર્ગ કહે છે કે તેઓ કલાકો સુધી ડૉક્ટરો સાથે વાત કરતા હતા અને પરિવારના સભ્યો વૉટ્સઍપ પર એકબીજાનાં ખબરઅંતર પૂછતાં હતાં.
ગર્ગ કહે છે, "અમે લક્ષણોને આધારે પરિવારના સભ્યોની જગ્યા પણ બદલતા હતા, જેથી વધુ તાવવાળા બે લોકો એક જગ્યાએ ભેગા ન થાય."
સંક્રમિત થયેલા 11 લોકોમાંથી 6 લોકોને કો-મૉર્બિડિટીની સ્થિતિ હતી. ડાયાબિટીસ, હૃદયની બીમારી અને હાયપર ટેન્શનને કારણે તેમની સ્થિતિ વધુ જોખમી હતી.
ગર્ગ કહે છે, "રાતોરાત અમારો પરિવાર કોવિડ-19 હેલ્થકૅર સેન્ટર બની ગયું, જ્યાં અમે એક-એક કરીને નર્સની ભૂમિકા અદા કરતા હતા."
સંક્રામક રોગોના વિશેષજ્ઞ કહે છે કે મોટા પરિવારો એક ભીડભાડભરી જગ્યા જેવા હોય છે. બસ, લોકોની ઉંમરમાં મોટું અંતર હોય છે.
આવા જ એક વિશેષજ્ઞ ડૉ. પાર્થો સારોથી રે કહે છે, "જ્યારે ઘણી ઉંમરવાળા લોકો એક જગ્યાએ રહે ત્યારે એ બધા લોકોને અલગઅલગ જોખમ હોય છે. તેમાં વૃદ્ધ લોકોને સૌથી વધુ જોખમ હોય છે."
ગર્ગ માટે આ વાત ચિંતાજનક હતી, કેમ કે તેઓ 90 વર્ષીય પોતાના દાદાને લઈને ઘણા ચિંતિત હતા.
દુનિયાભરમાં વૈજ્ઞાનિકોને અચરજ પમાડનારા આ વાઇરસે ગર્ગ પરિવારને પણ હેરાન કરી નાખ્યો.
એ કોઈ અચરજની વાત નહોતી કે ગર્ગ અને તેમનાં પત્નીમાં (જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે) કોઈ લક્ષણો જોવાં મળ્યાં નહોતાં. પરંતુ આ વાત અચરજ પમાડે તેવી હતી કે તેમના 90 વર્ષીય દાદામાં પણ કોઈ પ્રકારનાં લક્ષણો નહોતાં દેખાયાં.
અને ઘરના એક સભ્યને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી તેમ થતાં તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા. પરિવારના અન્ય સભ્યોમાં પણ સામાન્ય લક્ષણો જોવાં મળ્યાં.
ગર્ગ જણાવે છે કે તેઓએ એટલા માટે બ્લૉગ લખ્યો કે જે લોકોને મદદ જોઈતી હોય તેમના સુધી પહોંચી શકે.
તેઓ લખે છે, "શરૂઆતમાં અમે એના વિશે બહુ વિચાર્યું કે લોકો શું વિચારશે. જોકે અમને કૉમેન્ટમાં લોકોની ઘણી સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી. કૉમેન્ટમાં હતું કે જો કોરોના વાઇરસ થઈ ગયો હોય તો કોઈ મોટી વાત નથી. આ કોઈ એવી વાત નથી કે તમારી શરમાવવું જોઈએ."
મે મહિનાના બીજા અઠવાડિયામાં લક્ષણો દેખાવવાનું બંધ થઈ ગયું. અને એક પછી એક પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવવા લાગ્યો, જેથી પરિવારને એક મોટી રાહત મળી.
આ દરમિયાન ગર્ગનાં કાકાનો કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ આવતાં તેઓને હૉસ્પિટલમાં રજા અપાઈ.
આ સમયે પરિવારને લાગ્યું કે ખરાબ સમય વીતી ગયો.
પરંતુ મે મહિનાના (જેને ગર્ગ 'બીમારીનો મહિનો' કહે છે) અંત સુધીમાં પરિવારના માત્ર ત્રણ સભ્યો કોરોનાથી સંક્રમિત રહ્યા. તેમાં ગર્ગ પોતે પણ સામેલ હતા.
એક જૂને ત્રીજી વારના ટેસ્ટમાં તેઓ કોરોના સંક્રમિતથી આઝાદ થઈ ગયા.

'સૌથી સારો અને સૌથી ખરાબ સમય'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતના સંયુક્ત પરિવારોમાં સમર્થન અને દેખભાળ હાંસલ કરી શકાય છે, પરંતુ વિરોધ અને સંપત્તિવિવાદ પણ જોવા મળે છે. જોકે આવા સમયે પરિવારના લોકો જ તમારી મદદ માટે પહેલ કરી શકે છે.
ડૉ. જૉન કહે છે, "શું તમે કલ્પના કરી શકો કે એક વૃદ્ધ વ્યક્તિ ક્વોરૅન્ટીનમાં એકલા રહે જ્યાં તેમની મદદ માટે કોઈ હાજર ન હોય? તમામ પડકારો છતાં સંયુક્ત પરિવારોમાં એક ફાયદો એ થાય છે કે યુવાવર્ગ વૃદ્ધોની મદદ માટે હાજર હોય છે."
ભારતમાં કોરોના વાઇરસના કેસ ત્રણ લાખને પાર કરી ગયા છે. એવામાં એક ચર્ચા શરૂ થઈ છે કે શું આ મહામારી સંયુક્ત પરિવારો માટે જોખમી સાબિત શઈ શકે છે, કેમ કે યુવાઓ એ બાબતે ચિંતિત છે કે ક્યાંક તેઓ પોતાના વૃદ્ધ સગાંઓ સુધી આ વાઇરસને પહોંચાડી ન દે.
કાનપુરની સીએસજેએમ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનાં પ્રોફેસર કિરણ લાંબા ઝા કહે છે, "સંયુક્ત પરિવાર એક એવું તંત્ર છે જે પશ્ચિમી મૂલ્યો અને વસાહતીકરણનો પ્રભાવ થતાં જીવિત રહ્યું છે અને કોરોના વાઇરસ તેને ખતમ કરી રહ્યો નથી."
ગર્ગ પરિવાર પણ તેનાથી સહમત થશે.
ગર્ગ કહે છે કે વાઇરસથી સંક્રમિત થયા પહેલાં તેમનો પરિવાર સમૃદ્ધ હતો, જે નેવુંના દશકની કોઈ ફિલ્મની યાદ અપાવતો હતો.
તેઓ કહે છે, "એક પરિવાર તરીકે અમે ક્યારેય પણ આટલો સમય એકસાથે જીવ્યા નથી જેટલો અમે લૉકડાઉનમાં પહેલા મહિનામાં જીવ્યા. અને આ અમારા પરિવારની સૌથી સુખી ક્ષણોમાંની એક હતી."
જોકે એક પછી બીજી વ્યક્તિને કોરોના વાઇરસથી સંક્રમિત થતા જોવી તકલીકદાયક હતું.
"અમે એકબીજાને તેમના સર્વોત્તમ અને સૌથી ખરાબ પળોમાંથી પસાર થતા જોયું. પણ અમે તેમાંથી મજબૂત થઈને બહાર નીકળ્યા. અમે હજુ પણ બીજી વાર સંક્રમણને લઈને સજાગ છીએ, પરંતુ અમે એ વાત ખુશ છીએ કે અમે આ વાઇરસને હરાવવામાં સફળ થયા."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













