મુકુંદ નરવણે : નેપાળ ભારતના જનરલને પોતાની સેનાના માનદ અધ્યક્ષ કેમ બનાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અને નેપાળની સેના વચ્ચે સદીઓથી ચાલતી પરંપરા અનુસાર ભારતના થલસેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેને નેપાળની સેનાના માનદ અધ્યક્ષનું પદ આપવામાં આવી રહ્યું છે.
આર્મી ચીફ નેપાળની મુલાકાતે છે અને તેઓ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીના હસ્તે આ પદવીથી સન્માનિત થશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ પૂર્વે વર્ષ 2017માં તત્કાલિક સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને આ પદવી આપવામાં આવી હતી.
જનરલ રાવતને આ જ વર્ષે જાન્યુઆરીમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા એટલે કે તમામ સેનાના પ્રમુખ બનાવાયા.
જનરલ નરવણેની નેપાળની મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કેમ કે છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ તો નહીં પણ મતભેદો જરૂર જોવા મળ્યા છે.
આની શરૂઆત આ વર્ષે જૂન મહિનામાં એ સમયે થઈ જ્યારે ઉત્તરાખંડમાં લિપુલેખ અને ધારચૂલાના 80 કિલોમીટરના માર્ગનું ભારત દ્વારા નિર્માણ થયું હતું. નેપાળે આ મુદ્દે વાંધો રજૂ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેના કેટલાક દિવસો બાદ નેપાળે એક નવો રાજકીય નકશો જાહેર કરી તેને સંસદમાં પાસ કરાવી લીઘો હતો. જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યા હતા.
નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ આ વિસ્તારોને નેપાળનું અભિન્ન અંગ ગણાવતા એક નવા વિવાદને જન્મ આપ્યો હતો જે પહેલા ક્યારેય ચર્ચામાં નથી રહ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી ભારત અને નેપાળની સરહદ પર પણ તણાવ જોવા મળ્યો જ્યારે નેપાળની સેના પર ગોળીબાર કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં ભારતીય નાગરિક ઘાયલ થયા હતા. વળી પ્રથમ વાર એવું થયું કે નેપાળે ભારત સાથેની સરહદ પર બોર્ડર પોસ્ટનુ નિર્માણ કરાયું.
આ જ તણાવ દરમિયાન જનરલ નરવણેએ નિવેદન આપ્યું જેનાથી એક નવો વિવાદ પેદા થયો હતો.
તેમણે નેપાળ દ્વારા જાહેર નકશા વિશે કહ્યું હતું કે (નેપાળ) આવું કોઈકના ઇશારે કરી રહ્યું છે.
જોકે નરવણેએ કોઈ દેશનું નામ નહોતું લીધું. પરંતુ તેમનો ઇશારો ચીન તરફ હોવાનું માનવામાં આવ્યું હતું.
ગત વર્ષે નેપાળની સેનાના અધ્યક્ષ પૂર્ણ ચંદ્ર થાપાને ભારતે ભારતની સેનાના માનદ અધ્યક્ષનું પદ આપ્યું હતું.

ભારત-નેપાળ વચ્ચેની જૂની પંરપરા

ઇમેજ સ્રોત, Getty Images
કર્નલ સંજય શ્રીવાસ્તવ ગોરખા રેજિમૅન્ટમાંથી સેવાનિવૃત્ત છે.
બીબીસી સાથેની વાતચીત કરતા તેઓ કહે છે, આ પંરપરા લાંબા સમયથી ચાલતી આવી છે. સૌપ્રથમ આવી પદવી ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ રહેલા જનરલ કે. એમ. કરિયપ્પાને વર્ષ 1950માં આપવામાં આવી હતી.
કર્નલ સંજય શ્રીવાસ્તવ કહે છે કે ભારતની સેનામાં પણ ગોરખા રેજિમૅન્ટ છે જેમાં નેપાળના નાગરિકોની ભરતી બ્રિટિશ હુકૂમત સમયથી થતી આવી છે.
એટલું જ નહીં તેઓ કહે છે કે નેપાળની સેનાના જૂનિયર અને વરિષ્ઠ કમિશન્ડ અધિકારીઓને ભારતમાં તાલીમ પણ આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે તેઓ કહે છે કે નેપાળની સેનાના જે અધ્યક્ષને ગત વર્ષે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ભારતની સેનાના માનદ અધ્યક્ષની પદવી આપી હતી, તે જનરલ પૂર્ણ ચંદ્ર થાપા ભારતના નેશનલ ડિફેન્સ કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય જનરલ મહેન્દ્ર થાપાએ મદ્રાસ યુનિવર્સિટીની રક્ષા અને સમારિક બાબતોમાં સ્નાતકોત્તરની ડિગ્રી પણ મેળવી છે.
સાથે જ ભારતની સેનામાં નેપાળના નાગરિકોને બે વર્ષમાં 4 મહિનાની રજા મળે છે જ્યારે આ જ રેજિમૅન્ટમાં કામ કરતા ભારતીય જવાનોને માત્ર એક મહિનાની રજા આપવામાં આવે છે.
સેનાના આર્મ્ડ કોરમાંથી સેવાનિવૃત્ત થયેલા કર્નલ ચન્દ્ર મોહન જગોટાએ બીબીસીને જણાવ્યું કે ગોરખા રેજિમૅન્ટમાં કામ કરતા તમામ અધિકારીઓ માટે આ જરૂરી છે કે તેઓ ગોરખાલી એટલે કે નેપાળની ભાષા સારી રીતે શીખે.
આ રેજિમૅન્ટમાં તહેનાત તમામનું અંગત હથિયાર 'ખુખરી' હોય છે.
કર્નલ જગોટા કહે છે કે ગોરખા રેજિમૅન્ટ પણ અલગ અલગ છે. જેમ કે પ્રથમ ગોરખા રેજિમૅન્ટ, બીજી અને ત્રીજી અને દસમી રેજિમૅન્ટ વગેરે.
એક રેજિમૅન્ટમાં કેટલીક બટાલિયન હોય છે અને તેમાં નેપાળી નાગરિકની ભરતી થતી આવી છે. અને તેમને તેમાં કેટલીક છૂટ પણ મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ સેનામાં એક અધિકારી તરીકે હતા ત્યારે તેમની સાથે તાલીમ લેનારાઓમાં નેપાળની સેનાના અધિકારી અથવા કૅડેટ પણ સામેલ હતા.
જોકે કર્નલ સંજય શ્રીવાસ્તવ રાંચીથી છે, તેઓ કહે છે કે બિહાર અને ઝારખંડ પોલીસમાં પણ નેપાલના નાગરિકોનો નોકરી મળવાની પરંપરા રહી છે.
બિહારમાં જ્યાં બટાલિયનમાં નેપાળના નાગરિકની ભરતી થાય છે, તેનું નામ - 'બિહાર મિલિટરી પોલીસ' છે. જ્યારે ઝારખંડમાં તેને 'ઝારખંડ આર્મ્ડ પોલીસ' અથવા 'જૈપ' નામથી ઓળખાય છે. રાંચીમાં જૈપના અતિથિ ગૃહનું નામ જ 'ખુખરી ગેસ્ટ હાઉસ' છે.
નેપાલની સેનાએ જનરલ નરવણેની મુલાકાત વિશે નિવેદન જારી કર્યું છે જેમાં કહેવાયું છે કે તેઓ એટલે કે નરવણે 'સત્તાવાર' નિમંત્રણ પર નેપાળ પ્રવાસે જઈ રહ્યા છે.
નરવણે વડા પ્રધાન કે. પી. ઓલીને પણ મળશે. આ સિવાય તેઓ શિવપુરીસ્થિત નેપાળના 'આર્મી કમાન્ડ ઍન્ડ સ્ટાફ' કોલેજમાં પ્રશિક્ષણ અધિકારીઓને પણ સંબોધન કરશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












