નેપાળના રાજકીય સંકટમાંથી ચીને શું લાભ ખાટ્યો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
નેપાળમાં ઊભા થયેલા રાજકીય સંકટ વચ્ચે ચીનના પ્રતિનિધિમંડળની મુલાકાત ચર્ચાનો વિષય બન્યું છે.
ગત મહિને નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નેપાળની સંસદને ભંગ કરવાનો વિવાદિત નિર્ણય લીધો હતો. ઓલીએ આ વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી ચૂંટણી યોજવાની વાત કરી છે.
નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટીની અંદર પેદા થયેલા મતભેદ બાદ નેપાળમાં રાજકીય સંકટ વધ્યું છે.
આ દરમિયાન ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય મામલાના વિભાગમાં ઉપમંત્રીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે નેપાળની મુલાકાત લીધી.
કહેવાય છે કે ચીન નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી વિભાજનથી ખુશ નથી અને તે ઇચ્છે છે કે પ્રચંડ-ઓલી ફરીથી સાથે આવે.
જોકે આવું થતું જોવા મળતું નથી. ઓલીએ બુધવારે કહ્યું કે તે પ્રચંડ સાથે સમજૂતી કરતાંકરતાં થાકી ગયા છે, જ્યારે ચીની પ્રતિનિધિમંડળે પીએમ ઓલી સાથે પણ મુલાકાત કરી હતી.
ચીની પ્રતિનિધિમંડળે નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટીના પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને માધવ નેપાળ સાથે પણ વાતચીત કરી.
ઓલી અને પ્રચંડની વચ્ચે નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. બંને જૂથોએ ચૂંટણીપંચમાં પાર્ટીના પોતપોતાના દાવા રજૂ કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સહિત ચીનના પ્રતિનિધિમંડળે નેપાળના કેટલાક અન્ય નેતાઓ સાથે પણ વાત કરી, જેમાં નેપાળી કૉંગ્રેસના શેર બહાદુર દેઉબા અને જનતા સમાજવાદી પાર્ટીના નેતા બાબુરામ ભટ્ટરાઈ પણ સામેલ છે.

'હું સમજૂતી કરીને થાકી ગયો છું'

ઇમેજ સ્રોત, PM SECRETARIAT
કાઠમંડુમાં પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતા ઓલીએ વિરોધી જૂથોના નેતાઓની નિંદા કરી અને કહ્યું કે તેઓ તેમને પાર્ટી અને સરકાર ચલાવવામાં સહયોગ નથી કરતા.
તેઓએ પ્રચંડ પર ઘણી સમજૂતી તોડવાના આરોપ પણ લગાવ્યા.
તેઓએ કહ્યું, "પ્રચંડજી નેપાળ કૉંગ્રેસ સાથે સરકાર બનાવવાની વાત કરી રહ્યા હતા અને એ સમયે મારી સાથે પણ ભાવતાલ કરતા હતા. જોકે અમે ચૂંટણી ગઠબંધન કરીને જ જીત્યા હતા. હવે હું તેમની સાથે સમજૂતી કરીને થાકી ગયો છું."
ઓલીએ કહ્યું કે જો તેઓ સંસદ ભંગ કરવાની ભલામણ ન કરત તો પ્રચંડ અને વિરોધી જૂથના નેતાઓ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં મહાઅભિયોગનો પ્રસ્તાવ લાવી રહ્યા હતા.
તેઓએ એમ પણ કહ્યું કે નેપાળના બંધારણના હિસાબે એક વાર સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ જો મોકલવામાં આવે તો તેના પર પુનર્વિચાર ન કરી શકાય.
જોકે આ મામલાને લઈને નેપાળની સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેના પર જલદી સુનાવણી થવાની છે.
2018માં ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીને જ ઓલી અને પ્રંચડને સાથે લાવવાનું શ્રેય આપવામાં આવે છે.
વર્ષ 2017માં થયેલી સામાન્ય ચૂંટણીમાં કેપી શર્મા ઓલી નેપાળની કૉમ્યુનિસ્ટ પાર્ટી (એકજૂથ માર્ક્સવાદી-લેનિનવાદી) અને પ્રચંડની નેપાળી કૉમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) એકસાથે ચૂંટણીમેદાનમાં હતી.
આ ગઠબંધનને નેપાળની સંસદમાં બે તૃતીયાંશ બહુમતી મળી હતી. આગામી વર્ષે બંને પક્ષોનું વિલય ચીનને પહેલને કારણે થયું હતું.

ચીનના પ્રયાસો નિષ્ફળ

ઇમેજ સ્રોત, OFFICE OF THE PRESIDENT OF NEPAL
નેપાળની રાજધાની કાઠમંડુમાં મોજૂદ વરિષ્ઠ પત્રકાર યુવરાજ ધિમિરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આખા પ્રકરણમાં ચીનની કોશિશ નિષ્ફળ રહી અને તેને કંઈ પણ હાંસિલ થયું નથી.
તેઓ કહે છે, "ચીનને એમ હતું કે કૉમ્યુનિસ્ટ પાર્ટીનાં બધાં જૂથો તેમની વાત માની લેશે. પણ એવું થયું નથી. ભારતવિરોધી માનવામાં આવતા કેપી ઓલી પણ ચીનની વાતોમાં ન આવ્યા અને ન તો પ્રચંડનું જૂથ."
ચીન માટે આ મોટો ફટકો હતો, જોકે નેપાળમાં મોજૂદ ચીની રાજદૂતે પોતાની રીતે ઘણા પ્રયાસો કર્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નેપાળના સેન્ટર ફૉરર ઇકૉનૉમિક્સ ઍન્ડ ટેકનિકલ સ્ટડીઝના કાર્યકારી નિદેશક હરિબંશ ઝા અનુસાર, "સત્તાધારી દળ તૂટવાની અણી પર પહોંચી ગયું છે. આ એવા સમયે થઈ રહ્યું છે કે રાજશાહીની વાપસી માટે પણ માગ ઊઠી રહી છે."
ઝા અનુસાર, "વર્તમાન સરકાર કોવિડ-19ની મહામારીને યોગ્ય રીતે સંભાળી શકી નથી અને ના તો ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં સફળ રહી છે. આ સમયે ભારત નેપાળને લઈને પોતાની સ્થિતિ અને બંને દેશ વચ્ચેના પારંપરિક રિવાજો અને સંસ્કૃતિ પર ફરીથી ભાર આપી રહ્યા છે."
"તો ચીન પણ નેપાળમાં 'બૉર્ડર રોડ ઇનિશિએટિવ (બીઆરઆઈ)'ને લઈને પાછળ હઠતું જોવા મળતું નથી. અમેરિકા પણ પાંચસો અબજ ડૉલરની 'મિલેનિયમ ચેલેન્જ કો-ઑપરેશન (એમસીસી)'ને લઈને તૈયાર છે, જેને નેપાળની સંસદે અનુમતી આપવાની છે."
ઝા માને છે કે નેપાળની ઘરેલુ સમસ્યાઓને કારણે જ વિદેશી શક્તિઓને ત્યાં પગ ફેલાવવાનો મોકો મળ્યો છે.

નેપાળ-ભારત અને ચીનની ભૂમિકા

ઇમેજ સ્રોત, HOU YANQI/TWITTER
ભારતે પણ નેપાળના મામલાઓને લઈને ગંભીરતા દર્શાવી છે અને ઑક્ટોબરથી લઈને નવેમ્બર સુધી ભારત તરફથી રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ એટકે કે રૉના નિદેશક સામંતકુમાર ગોયલ, વિદેશસચિવ હર્ષવર્ધન શૃંખલા અને ભારતીય સેનાના પ્રમુખ એમએમ નરવણેએ વારાફરતી નેપાળની મુલાકાત લીધી છે.
હરિબંશ ઝા એ પણ માને છે કે આ મુલાકાતોથી એટલો સંકેત તો મળી ગયો છે કે ભારત નેપાળની સાથે પોતાના પારંપરિક સંબંધો ફરીથી બનાવવા માગે છે, જેમાં કેટલાંક વર્ષોથી કડવાશ પેદા થઈ હતી.

ઇમેજ સ્રોત, PIB
વિદેશ મામલાના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર મનોજ જોશી કહે છે, "નેપાલમાં હાલના રાજકીય સંકટમાં ચીનની નિષ્ફળતા સૌથી મોટું ઉદાહરણ છે કે જે નેપાળી કૉંગ્રેસને તેઓ આટલાં વર્ષો સુધી 'ચીનવિરોધી' માનતા હતા, તેના નેતાઓને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ પરત ફરતા ચીન આવવાનું આમંત્રણ આપ્યું છે. તેઓએ આ આમંત્રણ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના શતાબ્દી ઉત્સવમાં સામેલ થવા માટે આપ્યું છે."
તો ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં વ્યૂહાત્મક મામલાઓ પર શોધવિભાગના અધ્યક્ષ હર્ષ પંતે બીબીસીને કહ્યું કે નેપાળની ભૌગોલિક સ્થિતિ તેને વ્યૂહાત્મક રીતે ઘણી મહત્ત્વની બનાવી દે છે.
તેમનું કહેવું છે, "અગાઉ ચીનને નેપાળના મામલામાં એટલો રસ નહોતો. જ્યારે રાજતંત્ર હતું ત્યારે પણ ચીન નેપાળના મામલામાં વધુ દખલગીરી કરતું નહોતું. ભારત સાથે નેપાળના પારંપરિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત રહ્યા. આજે પણ બંને દેશના નાગરિકોને આવનજાવનમાં ન તો વિઝાની જરૂર છે, ન તો પાસપોર્ટની."

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "પણ હવે પરિસ્થિતિઓ બદલાઈ છે, કેમ કે ચીન મહત્ત્વાકાંક્ષી થયું છે. પહેલાં નેપાળમાં અમેરિકાના હસ્તક્ષેપથી ભારતને પણ વિરોધ રહેતો હતો. પણ હવે ભારતને કશો ફેર પડતો નથી. તો આ તરફ કેટલાંક વર્ષોથી ચીનનો નેપાળમાં રસ વધ્યો છે."
"જોકે નેપાળની વિદેશનીતિ ક્યારેય એવી રહી નહોતી. પણ હવે નેપાળમાં ચીને સરકાર બનાવવાથી લઈને સંગઠનોનાં વિલયમાં પણ મોટી ભૂમિકા નિભાવી છે."
પંત કહે છે, "વામદળોમાં વિચારોમાં મતભેદ હોવા નવું નથી. ભલે તે ભારતમાં હોય કે નેપાળમાં. પણ ચીન ભારતવિરોધી ભાવનાઓને ચાલુ રાખવા માટે નેપાળના રાજકારણમાં દખલ દઈ રહ્યું છે."
જોકે તેમનું કહેવું છે કે "હવે નેપાળમાં પણ ચીનવિરોધી ભાવનાઓ ઊભરવાની શરૂઆત થઈ રહી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












