'સરકાર એવાં બૅનર લગાવે કે દીકરીને બચાવવી હોય તો ઘરમાં રાખો' ગ્રીષ્માનાં માતાપિતાએ દીકરીની હત્યા મામલે શું કહ્યું?
સુરતમાં સરજાહેર એક યુવતીની ગળે છરી ફેરવીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ફેનિલ ગોયાણી નામના યુવક ઉપર છે, જે કથિત રીતે મૃતક યુવતીના એકતરફી પ્રેમમાં હતા.
સમગ્ર ઘટનાક્રમ વીડિયોમાં કેદ થયો છે અને તે વાઇરલ પણ થયો છે. આ વાતને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોવા છતાં જનમાનસ પર તાજો જ છે અને આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.

ગ્રીષ્મા વેકરિયાના અંતિમસંસ્કાર પછી શોકગ્રસ્ત પરિવારની બીબીસીએ મુલાકાત લીધી હતી. પરિવાર આ મુદ્દે ન્યાયની માગ કરી રહ્યો છે, સાથે જ સવાલ ઉઠાવ્યો છે કે ' સરાજાહેર આવી ઘટનાઓ ઘટતી હોય તો બહેન-દીકરીઓ સુરક્ષિત કઈ રીતે રહી શકશે?'
ગત શનિવારે આ ઘટના ઘટી ત્યારે ગ્રીષ્માના ભાઈ, મોટાબાપુ સહિતના પરિવારજનો સહિત સેંકડો લોક ત્યાં હાજર હતા. આરોપી સાથે ઘર્ષણમાં વેકરિયા પરિવારના બે પુરુષ ઘાયલ પણ થયા હતા.

'બેટી બચાવવી હોય તો…'

વેકરિયા પરિવારની મુલાકાત દરમિયાન ગ્રીષ્માનાં ફોઈ રાધિકાબહેને બીબીસીને કહ્યું, "સુરક્ષિત કઈ રીતે રહી શકશે અમારી દીકરીઓ? સરકાર સુરક્ષા નહીં આપે તો નિર્ભયતાથી બહાર કઈ રીતે ફરી શકશે?"
રાધિકાબહેને કહ્યું, "સરકાર બૅનર તો લગાવે છે 'બેટી બચાઓ, બેટી પઢાઓ', જો આવા બનાવો બનતા રહે તો બૅનર ઉતારી લો. સૂત્રોચ્ચાર બંધ કરી દો."
સાથે જ ઉમેર્યું કે, " જો એમ ન થઈ શકે 'બેટીને બચાવવી હોય તો ઘરમાં રાખો.' એવાં બૅનર લગાવો."
રાધિકાબહેને ન્યાયની અપેક્ષા રાખતાં કહ્યું કે, "દીકરીને પૂરોપૂરો ન્યાય મળવો જોઈએ. જેથી આવા નરાધમોની ફરી વાર આવી હિંમત ન થાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ગ્રીષ્મા વિશે વાત કરતાં જણાવ્યું કે, તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતાં. એમને ડ્રાઇંગ, કરાટે અને સંગીતનો શોખ હતો. તેઓ ભણી-ગણીને સમાજમાં માતા-પિતાનું નામ રોશન કરવા માગતાં હતાં.
2011માં ગુજરાતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો હતો. તે પછી રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ 'બેટી બચાવો અભિયાન' હાથ ધર્યું હતું. તેઓ દેશના વડા પ્રધાન બન્યા તે પછી રાષ્ટ્રીયસ્તરે તેને રિપૅકેજ કરીને 'બેટી બચાવો, બેટી પઢાઓ'ના નામથી તેમના શાસનના પ્રથમ વર્ષમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું.

'ગ્રીષ્માને પીએસઆઇ બનવું હતું'

ઇમેજ સ્રોત, INSTAGRAM/_FENIL_01
ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરિયાએ બીબીસી સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, "ગ્રીષ્મા મને ખૂબ વહાલી હતી. હું આફ્રિકા હતો તો પણ તે મને સવારે અને સાંજે મને મીસ કરતી હતી. તેનાં માતા ચાલવામાં તકલીફ હોવાથી ઘરકામમાં મદદ કરતી. જો એની મમ્મી સિલાઈ કરતી હોય તો તેની સાથે બેસી જાય અને મદદ કરે. ગ્રીષ્મા કોઈ કામમાં ના પાડતી નહોતી."
આફ્રિકામાં રહીને આજીવિકા રળતાં નંદલાલભાઈ ગ્રીષ્માની હત્યા થઈ ત્યારે વિદેશમાં જ હતા અને ઘટનાની જાણ થતાં ભાઈ સાથે પરત ફર્યા હતા. મહિનાઓ પછી તેઓ પુત્રીનું મુખ જોઈ રહ્યાં હતાં અને એ પણ નિષ્પ્રાણ અવસ્થામાં.
નંદલાલભાઈએ કહ્યું, "હું આફ્રિકા હતો. પરંતુ એ મને સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત અચૂક યાદ કરતી. તે મને કહેતી કે મારે પીએસઆઈ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) બનવું છે. આના માટેની તૈયારી પણ કરી હતી અને પરીક્ષા પણ આપી હતી. ગ્રીષ્માએ એનસીસી (નેશનલ કૅડેટ કૉર) પણ કરેલું હતું."
ગ્રીષ્માની એક જ મોટી ઇચ્છા હતી કે નંદલાલભાઈ વતન પરત ફરે અને પરિવારની સાથે જ રહે. પિતા સાથેના છેલ્લા ફોનકૉલમાં પણ ગ્રીષ્માનો એ જ સવાલ હતો, 'પપ્પા, તમારે હવે આફ્રિકામાં જ રહેવું છે કે?'
સમગ્ર કેસની વિગતો આપવા માટે સુરત રેન્જના આઈજીપી (ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ) રાજકુમાર પાંડિયન દ્વારા પત્રકારપરિષદ યોજવામાં આવી હતી, તે સમયે તેમણે કહ્યું હતું કે જો કોઈ યુવતીની છેડતી થતી હોય કે તેમનો પીછો થતો હોય કે અન્ય કોઈ પ્રકારની તકલીફ હોય તો તેને લાંછનરૂપ ગણીને સહન કરવાના બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ, જેથી કરીને પોલીસ આ અંગે જરૂરી કાર્યવાહી કરી શકે.

'...તો મારાં લગ્ન સાદાઈથી લઈ કરીશું'

ગ્રીષ્માની ઉંમર લગ્નને લાયક હોઈ, વેકરિયા પરિવારમાં આ મુદ્દે ચર્ચા થતીં અને ગ્રીષ્મા પણ મુક્ત રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકતાં. નંદલાલ વેકરિયાએ કહ્યું :
"એની ઇચ્છા હતી કે મોટી વાડીમાં લગ્ન કરવાં છે. મેં કહેલું, 'તો મારે એના માટે પૈસા ભેગા કરવા પડશે ને?' ત્યારે ગ્રીષ્માએ 'સાદાઈથી લગ્ન કરીશું, પણ તમારે આફ્રિકા નથી રહેવાનું' એવો જવાબ આપ્યો હતો."
ગ્રીષ્માએ એના પિતાને આફ્રિકાથી પાછા આવવા કહેલું એટલું જ નહીં, નંદલાલ વેકરિયાએ જણાવ્યા અનુસાર, એમણે જ્યારે એમ કહ્યું કે "ત્રણ મહિનામાં આવી જઈશ." તો ગ્રીષ્માએ એમને કહેલું, "મારે તમારી સાથે બે વર્ષ રહેવું છે."
આગળનું કેટલું વિવરણ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે. વાચકનો વિવેક અપેક્ષિત.

'ન્યાય જોઈએ, બસ'

બીબીસીની ટીમ જ્યારે ગ્રીષ્માના પરિવાર સાથે વાતચીત કરતી હતી એ દરમિયાન ગ્રીષ્માનાં માતા વિલાસબહેન સતત રડતાં હતાં. એમણે કહ્યું કે, "એને સાસરે જવું હતું. તો પણ રોજ અહીંયાં આવવું હતું. મને કહેતી કે રોજ આવીશ તારું કામ કરવા."
એમણે રડતાં-રડતાં કહ્યું કે, "મેં ખુદ એને (ફેનિલ) એનું (ગ્રીષ્મા) ગળું કાપતાં જોયો છે. ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો, મારી સામે…"
એ પ્રસંગ એમની આંખ સામે હોય એમ તેમણે કહ્યું, "કોઈ તો મારી છોકરીને બચાવો. કોક તો દવાખાને લઈને જાઓ."
ગ્રીષ્માનાં માતા વિલાસબહેન વેકરિયાએ બીબીસીની ટીમને કહ્યું કે, "મારે કાંઈ નહીં બસ ન્યાય જોઈએ. મારી છોકરી માટે. એને કાપી નાખી. નિર્દોષ મારી છોકરીનો કોઈ વાંક ન હતો. બીજું હું કોઈને કાંઈ નથી કહેવા માગતી."
સુરતની જ મજૂરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને કેસ તત્કાળ ચાલે તથા પરિવારને વહેલી તકે ન્યાય મળે તે માટે ઘટતું કરવાની ખાતરી આપી હતી.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













