આર્થિક સંકટ : શું દેવામાં ડૂબેલાં ભારતનાં રાજ્યોની હાલત પણ શ્રીલંકા જેવી થશે?
- લેેખક, ઝુબેર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
જો પંજાબની આર્થિક સ્થિતિને આંકડાઓ દ્વારા સમજવામાં આવે તો રાજ્યનું દેવું કુલ જીડીપીનીના 53 ટકા છે અને તે ભારતનાં અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે.
પંજાબ રાજ્ય પર ત્રણ લાખ કરોડનું દેવું છે, એટલે કે ત્રણ કરોડની વસ્તીવાળા આ રાજ્યનો દરેક નાગરિક એક લાખ રૂપિયાના દેવા હેઠળ દબાયેલો છે.

ઇમેજ સ્રોત, AAP @TWITTER
બેરોજગારીની વાત કરીએ તો તે 25 ટકા છે. રાજ્યએ 2021માં 75,000 કરોડ રૂપિયાની કમાણી કરી હોવા છતાં, કમાણી પણ લક્ષ્યાંક કરતાં 20,000 કરોડ રૂપિયા ઓછી રહી હતી.
આમ છતાં, પંજાબમાં સત્તામાં આવેલી નવી આમ આદમી પાર્ટીની સરકારે જાહેરાત કરી કે 1 જુલાઈથી રાજ્ય સરકાર ચૂંટણી વચનને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે લોકોને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપશે. તેનાથી સરકાર પર દર વર્ષે 5,500 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

પંજાબ: 'મફત અને સબસિડીની રાજનીતિ વિકાસનો નહીં રસ્તો નથી કંડારતી, ઘોર ખોદે છે'

પંજાબમાં કામ કરતા અર્થશાસ્ત્રી રંજિત ઘુમન કહે છે કે સબસિડી અને મફતની રાજનીતિ વાસ્તવમાં વિકાસ નહીં, વિનાશનો માર્ગ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "જરૂરિયાતમંદોને સબસિડી આપવી જોઈએ. તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય વગેરે માટે સબસિડી આપવી જોઈએ અને તેમનું સશક્તીકરણ કરવું જોઈએ."
"જે આવશ્યક વસ્તુઓ સામાન્ય માણસની પહોંચની બહાર છે, તેના પર સબસિડી આપવી જોઈએ. પરંતુ બધાને મફત વીજળી આપવી એ મારી સમજની બહાર છે અને કોઈ પણ દેશમાં સબસિડીથી વિકાસ નથી થતો."
રાજ્ય સરકાર આ પહેલાથી જ સબસિડી અને મફત યોજનાઓ પર વાર્ષિક 17,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રંજિત ઘુમનના જણાવ્યા અનુસાર, પંજાબ સરકારે તેના ચૂંટણી વચન મુજબ, રાજ્યની દરેક મહિલાને દર મહિને રૂ. 1,000 આપવાનું નિર્ણય લીધો તો વાર્ષિક 12,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. એટલે કે રાજ્યની કમાણીનો 50થી 60 ટકા હિસ્સો ફ્રી સ્કીમ અને સબસિડીમાં ખર્ચ થઈ જશે.
રાજ્ય સરકારે દેવું ચૂકવવા માટે તેની કમાણીના 45 ટકા ખર્ચ કરવો પડે છે. આ સિવાય આ કમાણીમાંથી સરકારી કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવવાનું હોય છે. વિકાસનાં કામો માટે નાણાં નથી.
દેખીતી રીતે, સરકારે લોન લેવી પડે છે અને આ રીતે રાજ્ય સરકારનું દેવું અને આર્થિક સંકટ વધ્યે જાય છે.
રંજિત ઘુમનના મતે પંજાબ જે એક સમયે સમૃદ્ધ રાજ્ય કહેવાતું હતું તે હવે નથી રહ્યું. તેઓ કહે છે, "અમારી માથાદીઠ આવક 28 રાજ્યોમાંથી 19મા નંબરે છે. હવે અમે અમીર નથી રહ્યા."

ઘણાં રાજ્યોની જીડીપી 'દેશો' કરતાં પણ વધુ

ભારતનાં ઘણાં રાજ્યો એવાં છે જેમની જીડીપી ઘણા દેશો કરતાં પણ વધુ છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્ર લઈએ. વર્ષ 2021માં, મહારાષ્ટ્રનો જીડીપી 32.24 લાખ કરોડ એટલે કે 430 અબજ ડૉલર હતો, જે પાકિસ્તાનના જીડીપી 310 અબજ ડૉલર કરતાં ઘણો વધારે છે.
મહારાષ્ટ્રનું અર્થતંત્ર ભારતનાં તમામ રાજ્યોમાં સૌથી મોટું છે. તામિલનાડુ બીજા નંબર ક્રમે આવે છે અને તેનો જીડીપી શ્રીલંકા કરતાં ત્રણ ગણો વધારે છે.
જો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ જેવાં ભારતીય રાજ્યો અલગ દેશ હોત, તો તેમનો જીડીપી વિશ્વના ઘણા દેશો કરતાં વધુ હોત. દેવાના બોજ અને ઘટતા વિકાસદરે ઘણાં રાજ્યોની અર્થવ્યવસ્થાને આર્થિક સંકટમાં મૂકી દીધી છે.
આર્થિક નિષ્ણાતો આવાં રાજ્યોની નબળી અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જેમાં પંજાબ ઉપરાંત કર્ણાટક, કેરળ, ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ જેવાં 20થી વધુ રાજ્યો છે કે જેઓ વધતા દેવા બોજ તળે દબાઈ રહ્યાં છે અને આ રાજ્યોની અર્થવ્યવસ્થા પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.
2016માં નરેન્દ્ર મોદી સરકારે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી ઍન્ડ બજેટ મૅનેજમૅન્ટ (એફઆરબીએમ) ઍક્ટની સમીક્ષા કરવા એન.કે. સિંહની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
સમિતિએ 2017માં અહેવાલ સુપરત કર્યો હતો જેમાં ભલામણ કરી હતી કે રાજ્યોના જીડીપીનું કુલ દેવું 2023 સુધીમાં 20 ટકાથી વધારે ન હોવું જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ભારતીય રિઝર્વ બૅન્કના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યોનું કુલ દેવું અને જીડીપી ગુણોત્તર માર્ચ 2022ના અંતમાં 31 ટકા હતો, જે 2022-23 સુધીના 20 ટકાના લક્ષ્યાંક કરતાં ચિંતાજનક રીતે વધારે છે.
15મા નાણાપંચના અનુમાન મુજબ, 2022-23માં દેવું અને જીડીપીનો રેશિયો 33.3 ટકા રહેશે અને ત્યારબાદ 2025-26 સુધીમાં ધીમે ધીમે ઘટીને 32.5 ટકા થઈ જશે.
આરબીઆઈના અહેવાલ મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં કુલ બાકી દેવું સૌથી વધુ એટલે કે 56.6% છે, જ્યારે પંજાબ 53.3% સાથે બીજા ક્રમે છે. માત્ર ગુજરાત (21.4%) અને મહારાષ્ટ્ર (20.4%) એ બે સૌથી મોટાં ભારતીય રાજ્યો છે જે 20 ટકાના લક્ષ્યની નજીક છે.

દેવાના સંકટનાં અનેક કારણો

મહામારી
ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉલિસી રિસર્ચ સ્ટડીઝના અર્થશાસ્ત્રીઓ સુયશ તિવારી અને સાકેત સૂર્યાએ નવેમ્બર 2021માં તેમના વિશેષ સંશોધનપત્રમાં બતાવ્યું હતું કે મહામારીએ રાજ્ય સરકારોની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રીતે અસર પહોંચાડી છે.
આ અર્થશાસ્ત્રીઓના મતે, વર્ષ 2019-20ની આર્થિક મંદીના કારણે રાજ્યોની આવક પર અસર પડી હતી. આ કારણે વધુ ઉધાર લેવાની અને ખર્ચમાં કાપ મૂકવાની જરૂર પડી.
પછીના વર્ષમાં એટલે કે 2020-21માં મહામારીએ આ પૅટર્નને વધુ ઘૂંટી. નિષ્ણાતો કહે છે કે જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો આવકમાં પડતી ખાધને કેવી રીતે ઘટાડવી તે અંગે પણ કેન્દ્ર અને રાજ્યો બંનેએ આયોજન કરવાની જરૂર છે.
દરમિયાન, રાજ્યની વીજ વિતરણ કંપનીઓની નબળી નાણાકીય સ્થિતિ પણ રાજ્ય સરકારો માટે ચિંતાનો વિષય બની છે.
15મા નાણાપંચની ભલામણ મુજબ આરોગ્ય માટે ફાળવણીમાં વધારો કરવાની અને સ્થાનિક સંસ્થાઓની નાણાકીય સ્થિતિ સુધારવાની પણ જરૂર છે.

સબસિડી

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ પર પાછા ફરીએ તો રંજિત ઘુમન કહે છે કે રાજ્યમાં સબસિડી અને મફત સુવિધાઓનો ટ્રેન્ડ એક દિવસ રાજ્યની અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આજકાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પહેલા મામૂલી કિંમતે અથવા મફતમાં અનેક સુવિધાઓ આપવાનું વચન આપે છે. સત્તામાં આવ્યા પછી તેમણે તેમનાં વચનો પૂરાં કરવાં પડે છે.
અર્થશાસ્ત્રીઓ કહે છે કે રાજ્યોની અર્થવ્યવસ્થામાં કટોકટીનું મુખ્ય કારણ સબસિડી અને મફત સુવિધાઓ છે, જેના પછી રાજ્યો પાસે વિકાસ માટે પૈસા બચતા નથી.
મુંબઈસ્થિત આર્થિક બાબતો પર લખતા સાઈ પરાડકર કહે છે કે રાજકીય પક્ષો વચ્ચે મફત સુવિધાઓ અને સબસિડી માટે સ્પર્ધા શરૂ થઈ છે, જેની સીધી અસર રાજ્યોની અર્થવ્યવસ્થા પર પડી છે.
પ્રશ્ન ઉઠાવતા તેઓ કહે છે, "હું આ નેતાઓને પૂછું છું કે તમે જનતાને મફતમાં આપવાની આદત કેમ પાડો છો? તે ટકાઉ ઉકેલ નથી."

ઇમેજ સ્રોત, Getty Images
વૉશિંગ્ટનની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી દેવેશ કપૂર કહે છે કે રાજ્યોની ખરાબ હાલત માટે રાજ્યો પોતે જ જવાબદાર છે.
બીબીસી સાથે વાત કરતાં તેઓએ કહ્યું, "રાજ્ય સરકારો ભલે આર્થિક નાદારી ન નોંધાવી હોય, તેમની હાલ ખરાબ છે. તેઓ આવક વધારવા માગતા નથી પરંતુ સબસિડી પર નિર્ભર રહેવા માગે છે. તેમની પાસે વાસ્તવિક વિકાસ પરિયોજનાઓ માટે નાણાં નથી. મહામારીની બીજી લહેરમાં આપણને હેલ્થ કૅરને પ્રણાલીને લઈને શું બોધ આપ્યો?
તેમના મતે, "હેલ્થ કૅરને પ્રણાલીને કટોકટીની સ્થિતિ છે અને તેનું કારણ છે કે રાજ્યોએ હેલ્થ કૅરમાં રોકાણ કર્યું નથી અને આપણે બધા જાણીએ છીએ કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે."
તેઓ કહે છે કે જ્યારે રાજ્ય સરકારો પાસે વિકાસ પરિયોજનાઓ માટે નાણાં નથી હોતાં ત્યારે તેઓ વિશ્વ બૅન્ક અને એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક પાસે જાય છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, વિશ્વ બૅન્ક ભારતનાં ઘણાં રાજ્યોને મદદ કરી રહી છે, જે મુજબ વિશ્વ બૅન્કની 28 અબજ ડૉલરની સહાયથી 127 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

રાજ્યો દ્વારા આર્થિક સુધારા જરૂરી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, મધ્યમ ગાળામાં રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિમાં સુધારો ઊર્જા ક્ષેત્રમાં સુધારા પર નિર્ભર છે. રાજ્યોએ આવક પેદા સૃજન વિવિધ મૉડલ અને સર્જનાત્મક માર્ગો શોધવા પડશે.
અર્થશાસ્ત્રી રંજિત ઘુમનનું કહેવું છે કે તેમણે પંજાબ સરકારને આવક સૃજન માટેના ઘણા ઉપાયો જણાવ્યા છે, જેના દ્વારા રાજ્ય સરકાર પોતાની કમાણીમાં હજારો કરોડ રૂપિયા ઉમેરી શકે છે.
તેઓ કહે છે, " અલગથી ટૅક્સ લગાવ્યા વિના પંજાબની તિજોરીમાં 28,500 કરોડ રૂપિયા કમાઈ શકાય છે. આ સૂચનો હવે સરકારી દસ્તાવેજોનો એક ભાગ બની ગયા છે. તેમાં મેં છ-સાત એવાં ક્ષેત્રો આપ્યાં છે જ્યાંથી વધારાના રૂપિયા કમાઈ શકાય."

કેન્દ્ર સરકારની સહાય

ઇમેજ સ્રોત, Reuters
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વધુ મદદ કરવી જોઈએ.
સાઈ પરાડકર કહે છે કે નાણાપંચે આર્થિક વિકેન્દ્રીકરણ પર ધ્યાન આપવું જોઈએ જેથી તે રાજ્ય સરકારોની આવકને મજબૂત કરવામાં મદદ મળે.
રંજિત ઘુમનનું કહેવું છે કે રાજ્યોએ ટૅક્સ કલેક્શનમાં સુધારો કરવો જોઈએ અને આ નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ.
ઘણા આર્થિક નિષ્ણાતો દલીલ કરે છે કે લોકો ઘણી વાર કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ અને તેની નીતિઓ પર વધુ ધ્યાન આપે છે, પરંતુ લોકો રાજ્ય સરકારોની આર્થિક નીતિઓથી નજર ગુમાવી દે છે.
એ પણ હકીકત છે કે જ્યાં સુધી સબસિડી અને મફત સુવિધાઓ આપવાનો સવાલ છે તો આ કેન્દ્ર સરકાર પણ વર્ષોથી આ કામ કરી રહી છે.
વર્ષ 2021માં ભારતનું રાષ્ટ્રીય દેવું જીડીપી રેશિયોમાં 90.6 ટકા હતું.
દેશનું રાષ્ટ્રીય દેવું એ એવાં નાણાં છે જે દેશની સરકારે ઉછીના લીધાં છે અને હજુ પણ ચૂકવ્યાં નથી.
રાષ્ટ્રીય દેવું સરકારી ખર્ચમાં વધારાને કારણે થાય છે, જે બજેટમાં ખાધ તરફ દોરી જાય છે. વિશ્વના ઘણા વિકસિત દેશોનું રાષ્ટ્રીય દેવું ચિંતાનો વિષય છે, જેમ કે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 2021માં 31 ટ્રિલિયન ડૉલરથી વધુ હતું.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












