નેપાળ : શું ભારતનો વધુ એક પાડોશી દેશ આર્થિક સંકટમાં ફસાઈ જશે? કેમ નેપાળની નાણાકીય સ્થિતિને લઈને ચિંતા ઊભી થઈ?

    • લેેખક, સંજય ઢકાલ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારતના પડોશી દેશ શ્રીલંકાની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી સતત બગડતી ગઈ છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની સાથે દવાઓની પણ ભારે અછત સર્જાઈ છે. એનાથી પરેશાન લોકો ઘણા દિવસોથી માર્ગો પર ઊતરીને ત્યાંથી સરકારનો ભારે વિરોધ કરી રહ્યા છે.

નેપાળના પીએમ શેરબહાદુર દેઉબા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નેપાળના પીએમ શેરબહાદુર દેઉબા

બીજી તરફ ભારતના બીજા પડોશી દેશ નેપાળની આર્થિક દશા પણ ચિંતાનું કારણ બનતી દેખાય છે.

એવું નથી કે નેપાળમાં અચાનક જ આવી પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. આંકડા અનુસાર, 16 જુલાઈથી શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષ (2021-22)ના પ્રારંભથી જ દેશના ઘણા આર્થિક સૂચકાંકો ઘટવાની શરૂઆત થઈ ગઈ હતી.

કોરોના મહામારી અને યુક્રેન સંકટના દોરમાં મોંઘવારીનો ઊંચો દર સામાન્ય લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. બીજી તરફ દેશની ફોરેન કરન્સીમાં પણ ઘટ જોવા મળી રહી છે.

ચાલુ નાણાકીય વર્ષના પાછલા આઠ મહિનામાં વિદેશ કરન્સીમાં લગભગ 17 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

માર્ચ 2022ના મધ્યમાં દેશમાં વિદેશી હૂંડિયામણ માત્ર 975 કરોડ ડૉલર એટલે કે 1.17 લાખ કરોડ નેપાળી રૂપિયા (ત્યારે એક ડૉલર લગભગ 121 નેપાળી રૂપિયા જેટલો હતો) હતી. જોકે ગયા વર્ષે મધ્ય જુલાઈમાં આ ભંડોળ 1,175 કરોડ ડૉલર એટલે કે 1.4 લાખ કરોડ નેપાળી રૂપિયાનું હતું.

line

ફૉરેન કરન્સી ઉપયોગી કેમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દેશ પાસે ઓછીમાં ઓછા સાત મહિના આયાત કરી શકાય એટલી પર્યાપ્ત ફૉરેન કરન્સી હોવી જોઈએ.

વિદેશોમાંથી માલસામાનની આયાત કરવા માટે કોઈ પણ દેશને વિદેશી નાણાંની જરૂર હોય છે. નેપાળ પાસે હાલ જેટલું વિદેશી નાણું છે એનાથી આગામી 6-7 મહિના સુધી વિદેશી વસ્તુઓની આયાત આસાનીથી થઈ શકે એમ છે.

પારંપરિક રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ દેશ પાસે ઓછીમાં ઓછા સાત મહિના આયાત કરી શકાય એટલી પર્યાપ્ત ફૉરેન કરન્સી હોવી જોઈએ.

એનો અર્થ એ થયો કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન નેપાળ પાસેનું વિદેશી નાણું પેલા મહત્ત્વના અને વ્યૂહાત્મક સ્તરથી નીચે જતું રહ્યું છે. જાણકારો અનુસાર, નેપાળની અર્થવ્યવસ્થા માટે ચિંતાનું આ એક મોટું કારણ છે.

બીજી તરફ વિશેષજ્ઞોએ ચેતવણી ઉચ્ચારી છે કે યુક્રેન પર થઈ રહેલા હુમલાના કારણે પેટ્રોલિયમ પેદાશોના વધતા જતા ભાવને જોતાં ફૉરેન કરન્સી હજુ વધારે ઘટવાની આશંકા છે.

છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના મહામારી અને હવે વધતા જતા આયાતખર્ચના લીધે નેપાળની વેપારી ખાધ વધીને 1.29 લાખ કરોડ નેપાળી રૂપિયા થઈ ગઈ છે. નેપાળી અર્થવ્યવસ્થા માટે આ પણ ચિંતાની બાબત છે.

line

સરકારે કયાં પગલાં લીધાં?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ જ કારણથી નેપાળ સરકાર અને ત્યાંની કેન્દ્રીય બૅન્ક એટલે કે નેપાળ રાષ્ટ્ર બૅન્કે "સોનું, ગાડીઓ જેવા લક્ઝુરી સામાનોની આયાત ઓછી થાય તે માટેનાં પગલાં લીધાં છે."

દેશના નાણામંત્રી જનાર્દન શર્માએ સોમવારે કહ્યું હતું કે સરકાર સમસ્યાના ઉકેલ માટેના ઉપાયો અંગે વિચારણા કરી રહી છે. એમના અનુસાર, સરકાર 'બિનજરૂરી ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ' સહિત મોંઘી વસ્તુઓની આયાતને કામચલાઉ ધોરણે નિયંત્રિત કરવાનું વિચારે છે.

નેપાળ સરકારે એમ પણ કહ્યું છે કે તેઓ પેટ્રોલિયમ પેદાશોની ખપતને ઓછી કરવાના ઉપાયો પણ શોધી રહી છે.

ત્યાંની કૅબિનેટમાં એક પ્રસ્તાવ થયો છે કે દેશમાં અઠવાડિયામાં એકના બદલે બે રજા જાહેર કરવામાં આવે. નેપાળમાં માત્ર શનિવારે રજા પાળવાની પરંપરા છે, પરંતુ જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જાય તો હવેથી શનિવારની સાથે જ રવિવારે પણ રજા રહેશે.

નેપાળને આવા દિવસો એટલા માટે પણ જોવા પડ્યા છે કેમ કે એની અર્થવ્યવસ્થાના સૌથી મહત્ત્વના બે આધાર - વિદેશમાં વસતા નાગરિકો દ્વારા મોકલાતી નાણાકીય આવક અને પર્યટનથી થનારી આવક, બંને પર કોરોના મહામારીના કારણે ભારે અસર પડી છે.

બીજી તરફ એક નાટકીય ઘટનાક્રમમાં સરકારે નેપાળ રાષ્ટ્ર બૅન્કના ગવર્નરને છૂટા કરી દેવાનો નિર્ણય કર્યો છે. હવે એમના પર મુકાયેલા આરોપોની તપાસ કરવામાં આવશે.

line

સરકારે કહ્યું, ચિંતાની કોઈ વાત નથી

નાણામંત્રી જનાર્દન શર્મા

ઇમેજ સ્રોત, TWITTER/JANARDAN SHARMA

ઇમેજ કૅપ્શન, નાણામંત્રી જનાર્દન શર્માએ એવી ચિંતાઓને પણ નકારી કાઢી કે નેપાળ પણ શ્રીલંકાના માર્ગે આગળ વધી રહ્યું છે.

આ બધાં તથ્યોને જોતાં ઘણા બધા આર્થિક વિશેષજ્ઞો ચેતવણી આપી રહ્યા છે કે નેપાળની સ્થિતિ પણ ખૂબ ઝડપથી શ્રીલંકા જેવી થઈ શકે છે. જોકે ત્યાંના નાણામંત્રી જનાર્દન શર્માએ એવી ચિંતાઓને નકારી કાઢી છે.

નાણામંત્રીએ સોમવારે ગવર્નરને પાણીચું આપવાના પોતાના નિર્ણયનો બચાવ કરવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે તપાસ દરમિયાન કેન્દ્રીય બૅન્કના ગવર્નર પર મુકાયેલા બધા આરોપોને જાહેર કરવામાં આવશે.

એમણે એવી ચિંતાઓને પણ નકારી કાઢી કે નેપાળ પણ શ્રીલંકાના માર્ગે આગળ વધી રહ્યું છે. એમણે કહ્યું કે, "મને આશ્ચર્ય થાય છે કે લોકો શ્રીલંકા સાથે અમારી સરખામણી કેમ કરે છે?" જનાર્દન શર્માએ કહ્યું કે નેપાળની આર્થિક સ્થિતિ સારી છે.

નેપાળના કુલ જાહેર દેવાનો ઉલ્લેખ કરતાં એમણે જણાવ્યું કે આ દેવું દક્ષિણ એશિયા કે બીજી જગ્યાના દેશોની સરખામણીએ ઘણું ઓછું છે.

નોંધ લઈએ કે શ્રીલંકામાં આ આંકડા એની GDPના 120 ટકા છે. બીજી બાજુ નેપાળ પર અત્યારે એની GDPની સરખામણીએ માત્ર 43.4 ટકાનું જાહેર દેવું છે.

ચાલુ નાણાવર્ષમાં નેપાળને 33 કરોડ ડૉલરનું દેવું પણ ચૂકવવાનું છે. એ માટે એને ફૉરેન કરન્સીની જરૂર છે.

નેપાળ પર કોરોના મહામારીની ભારે અસર થઈ

ઇમેજ સ્રોત, PRAKASH MATHEMA/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, નેપાળ પર કોરોના મહામારીની ભારે અસર થઈ

નેપાળ અને શ્રીલંકાના મહત્ત્વપૂર્ણ આર્થિક સૂચકાંકોની તુલનાઃ

આર્થિક સૂચકાંકશ્રીલંકાનેપાળ

વસ્તી 2.17 કરોડ 2.9 કરોડ

અર્થતંત્રનું કદ8,000 કરોડ ડૉલર 3,500 કરોડ ડૉલર

ફૉરેન કરન્સી200 કરોડ ડૉલર 958 કરોડ ડૉલર

જાહેર દેવુંGDPના 120 ટકા GDPના 43 ટકા

ચાલુ વર્ષે ભરવાનું વિદેશી દેવું400 કરોડ ડૉલર33 કરોડ ડૉલર

મોંઘવારીનો દર14 ટકા 7 ટકા

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો