શ્રીલંકા આર્થિક સંકટ : PM રનિલ વિક્રમસિંઘેના આવાસને આગ લગાડાઈ, રાષ્ટ્રપતિના નિવાસમાં પ્રદર્શનકારીઓએ શું-શું કર્યું?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, રંજન અરુણ પ્રસાદ
- પદ, બીબીસી માટે, શ્રીલંકાથી

- રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકામાં શનિવારે હિંસક પ્રદર્શનો થયાં.
- પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા, PMના અંગત નિવાસને આગ ચાંપી
- રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું આપી દેશે.
- ગોટાબાયા અને રનિલને હઠાવ્યા બાદ શ્રીલંકા માટે નવા યુગનો સમય : પ્રદર્શનકારી
- વિદેશી ચલણનું ભંડોળ ઝડપથી ખૂટી જવાના કારણે શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયું છે.

શ્રીલંકામાં શનિવારે થયેલાં હિંસક વિરોધપ્રદર્શનો બાદ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ 13 જુલાઈએ રાજીનામું આપશે.
આ પહેલાં શનિવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસની અંદર ઘૂસી ગયા હતા. તેમણે વડા પ્રધાનના ખાનગી આવાસમાં પણ આગ લગાડી દીધી હતી.
જોકે, આ બન્ને ઘટના વખતે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન પોતાના આવાસ ખાતે હાજર નહોતાં.
શ્રીલંકામાં આર્થિક સંકટ સર્જાયું છે અને લાંબા સમયથી વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના રાજીનામાની સતત માગ કરી રહ્યા છે.
બીબીસીના સહયોગી રંજન અરુણ પ્રસાદે શ્રીલંકામાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ મોકલ્યો છે. જે મુજબ, પ્રદર્શનકારીઓએ વડા પ્રધાનના અંગત નિવાસસ્થાનને આગ લગાવી દીધી છે.
વડા પ્રધાનનું આ ઘર કોલંબો-7 વિસ્તારમાં છે. આ શહેરના સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તારોમાંનો એક છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં પોલીસ અને સૈનિકોની વધુ હાજરી નહોતી.
પ્રદર્શનકારીઓએ શનિવારે સાંજે અવસરનો લાભ ઊઠાવીને એ હવેલીમાં જીવનની કેટલીક પળોનો આનંદ માણ્યો જ્યાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રહે છે.
બીબીસી તામિલ સેવાના પ્રતિનિધિ રંજન અરુણ પ્રસાદે અહીંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલી વિશેષ જાણકારી પ્રસ્તુત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીલંકાના ઇતિહાસમાં પહેલી વખત પ્રદર્શનકારીઓએ દેશના રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું અને વિરોધ કરનારાં જૂથો તેમાં પ્રવેશી ગયાં. એટલું જ નહીં, પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનના લગભગ તમામ રૂમોમાં પ્રવેશ્યા હતા.
શરૂઆતમાં પ્રદર્શનકારીઓએ ભવનમાં પ્રવેશીને તોડફોડ શરૂ કરી.
જેમને વિરોધપ્રદર્શનને નિયંત્રિત કરનારા બૌદ્ધ સાધુઓ, ખ્રિસ્તી અને મુસ્લિમ વડીલો તેમજ વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓએ અટકાવ્યા હતા.
તેમણે લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં વસ્તુઓ જોવાની અને તેનો આનંદ માણવાની સલાહ આપી અને ત્યાર બાદ બહાર જઈને બીજાને પણ આ આનંદ આપવા કહ્યું.
બાદમાં પ્રદર્શનકારીઓ ભવનના બીજા રૂમમાં ગયા. કેટલાક લોકો રસોડામાં જઈને બચેલું ભોજન ખાવા લાગ્યા, તો કેટલાક લોકો ફ્રીઝમાંથી પીણાં કાઢીને પીવા લાગ્યા હતા.
અન્ય પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ અને તેમના પરિવાર દ્વારા ઉપયોગમાં લેવાતા ટૉઇલેટની મુલાકાત લીધી હતી.
સામાન્ય લોકોના ઘરના એક ઓરડા કરતાં પણ મોટું અને ઍર કન્ડિશનરથી સજ્જ ટૉઇલેટ જોઇને લોકો ચોંકી ગયા હતા.

'સંગઠિત ભીડ ન હતી'

આ વચ્ચે કેટલાક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના બૅડરૂમ સુધી પહોંચી ગયા હતા. જ્યાં તેમના બૅડ પર આરામ કરવાની સાથેસાથે લોકોએ તેમના કપડાં પહેરીને ફોટા પણ પડાવ્યા.
લોકો રાષ્ટ્રપતિભવનમાં આલિશાન સોફા અને ગાદલાં પર કૂદતા પણ નજરે પડી રહ્યા હતા. આ સિવાય લોકો ભવનમાં આવેલા સ્વિમિંગ પૂલમાં નાહવાનો આનંદ લેતાં પણ નજરે પડ્યા હતા.
જોતજોતામાં ભીડ બેકાબૂ બનતાં વિરોધપ્રદર્શનોને નિયંત્રિત કરનારા લોકોએ રાષ્ટ્રપતિ ભવનનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સામાન્ય રીતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત હોય છે અને ત્યાં સામાન્ય લોકોને ચાલવાની પણ મંજૂરી હોતી નથી પરંતુ ભારે વિરોધના કારણે શનિવારે બપોર બાદ મોટી સંખ્યામાં લોકો આ રસ્તાઓ પર ઊમટી પડ્યા હતા.
લોકોની ભીડ જોઈને સુરક્ષા જવાનો પણ ત્યાંથી હઠી ગયા હતા. ભવન અને તેની આસપાસની ગલીઓમાં જે થઈ રહ્યું હતું. તે જોઈને બધા જ ચકિત હતા.
પ્રદર્શનકારીઓએ હર્ષોલ્લાસ સાથે જીતનું જશ્ન મનાવ્યો અને એ બધી વસ્તુઓની મજા માણી જેને અત્યાર સુધી માત્ર રાષ્ટ્રપતિ માણતા હતા.
શનિવારે મોડીરાત્રે પ્રદર્શનકારીઓ પ્રદર્શનકારીઓએ ફટાકડા ફોડીને તેમજ નાચી અને ગાઈને ઉજવણી કરી હતી.
રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રદર્શનકારી ફિયોના સિરમાનાએ કહ્યું, "ગોટાબાયા અને રનિલને હઠાવ્યા બાદ આ શ્રીલંકા માટે એક નવા યુગનો સમય છે."

શનિવારે શું થયું?

શ્રીલંકન સંસદના સ્પીકર મહિંદા યાપા અભયવર્ધનાએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને જણાવ્યું કે તેઓ 13 જુલાઈએ રાજીનામું આપી દેશે.
અગાઉ શ્રીલંકાના વડા પ્રધાન કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી કે વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘે રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે.
પાછલા અમુક દિવસોથી રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકામાં શનિવાર સવારથી ફરી વખત પ્રદર્શન ઉગ્ર બન્યું હતું.
પ્રદર્શનકારીઓએ પાટનગર કોલંબોમાં વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી.
આ દરમિયાન નિવાસસ્થાન બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણમાં વધારો થયો છે.
કોલંબોમાં સરકારવિરોધી પ્રદર્શનકારી શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સરકારી આવાસમાં દાખલ થઈ ગયા. પ્રદર્શનકારી 'ગોટા ગો હોમ'ના નારા લગાવી રહ્યા હતા.
કોલંબોમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેના તહેનાત છે. આર્થિક સંકટ વચ્ચે ઈંધણની અછતના કારણે આ પ્રદર્શનો વધુ ભડક્યાં છે.

શ્રીલંકામાં સંકટનું કારણ

ઇમેજ સ્રોત, epa
શ્રીલંકામાં આર્થિક સંકટ દેશમાં વિદેશી ચલણનું ભંડોળ ઝડપથી ખૂટી જવાના કારણે પેદા થયું છે.
આવું સરકારના આર્થિક ક્ષેત્રના આયોજનમાં રહેલી ત્રુટીઓ અને કોરોના મહામારીની અસરના કારણે થયું હોવાનો લોકોનો આરોપ છે.
વિદેશી મૂંડીભંડોરની કમીના કારણે શ્રીલંકા તેલ, ખાવા-પીવાનો સામાન અને દવા જેવી જરૂરિયાતના સામાનની આયાત કરવા સક્ષમ રહ્યું નથી.
શ્રીલંકા ચાલુ વર્ષના મે માસમાં ઇતિહાસમાં પહેલી વાર દેવાનો હપ્તો ચૂકવવા બાબતે નિષ્ફળ રહ્યું હતું.
એ સમયે શ્રીલંકાએ સાત કરોડ 80 લાખ ડૉલરની ચુકવણી કરવાની હતી પરંતુ 30 દિવસ વધુ સમય અપાયા છતાં પણ તે ચુકવણી નહોતું કરી શક્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













