કૅનેડામાં શીખ નેતાની હત્યાના મામલે ભારત-કૅનેડા આમને-સામને : બન્ને દેશોએ એકબીજાના રાજદ્વારી અધિકારીઓને કાઢી મૂક્યા

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાએ તેના શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના આક્ષેપોને ભારત સરકારે ફગાવી દીધા છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કૅનેડાની સંસદમાં આપેલા નિવેદન અને કૅનેડાનાં વિદેશ મંત્રીનાં નિવેદનો બાદ ભારત સરકારે તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
કૅનેડાએ ભારતીય રાજદ્વારી અધિકારીને તેમના દેશમાંથી કાઢી મૂક્યા બાદ તેની પ્રતિક્રિયાના ભાગરૂપે ભારત સરકારે પણ કૅનેડાના રાજદ્વારી અધિકારીને પાંચ દિવસમાં દેશ છોડી જવા આદેશ કર્યો છે.
કૅનેડાની સરકારે મૂકેલા આરોપોને કડક શબ્દોમાં નકારી કાઢતું એક નિવેદન પણ ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા પ્રેસ નિવેદનમાં લખવામાં આવ્યું છે, “અમે કૅનેડિયન વડા પ્રધાને તેમની સંસદમાં આપેલા નિવેદન અને તેમનાં વિદેશ મંત્રીના નિવેદનો જોયાં છે અને અમે તેને નકારીએ છીએ. કૅનેડામાં થયેલાં કોઈ પણ હિંસક કૃત્યમાં ભારત સરકારની સામેલગીરીના આરોપો વાહિયાત અને અભિપ્રેરિત છે. આ પ્રકારના આરોપો કૅનેડિયન વડા પ્રધાને અમારા વડા પ્રધાન સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા હતા.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “અમે કાયદા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતી એક લોકશાહી રાજ્ય વ્યવસ્થા છીએ. કૅનેડામાં જેમને આશ્રય આપવામાં આવ્યો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા સામે ધમકીઓ આપનારા એ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ચરમપંથીઓ પરથી ધ્યાન હઠાવવા માટે આવા અવાસ્તવિક અને ભ્રામક આરોપો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દે કૅનેડિયન સરકાર નિષ્ક્રિયતા દાખવી રહી છે અને તે એક ચિંતાજનક બાબત છે.”
“કૅનેડાની રાજકીય વ્યક્તિઓએ આ પ્રકારના તત્ત્વો માટે ખુલ્લેઆમ હમદર્દી દાખવી છે, તે ઊંડી ચિંતાનો વિષય છે.”
“હત્યાઓ, માનવ તસ્કરી અને સંગઠિત ગુનાઓ જેવી શ્રેણીબદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જે પ્રકારે કૅનેડામાં જગ્યા આપવામાં આવી છે તે બાબત નવી નથી.”
“અમે ભારત સરકારને આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ સાથે જોડવાના કોઈ પણ પ્રયાસોને નકારીએ છીએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અમે કૅનેડાની જમીન પર પ્રવૃત્ત ભારત-વિરોધી તત્ત્વો સામે ત્વરિત અને અસરકારક કાયદેસરની કાર્યવાહી કરવાનો કૅનેડા સરકારને અનુરોધ કરીએ છીએ.”

સંબંધોમાં કડવાશનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને કૅનેડાના સંબંધોમાં કટુતા વધી ગઈ છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકાર હોઈ શકે છે.
ભારત સરકાર નિજ્જરની હત્યાના આરોપોને ફગાવતી આવી છે. ટ્રૂડોના આ નિવેદન બાદ ભારત સરકારની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.
નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકાની તપાસને જોતા કૅનેડામાં ભારતના વરિષ્ઠ રાજદ્વારીને પણ હાંકી કાઢવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, PTI
થોડા દિવસો પહેલાં ટ્રૂડો જી-20 સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન ટ્રૂડો સાથે મુલાકાતમાં પીએમ મોદીએ કૅનેડામાં અલગાવવાદી ગતિવિધિઓ અને ભારતીય રાજદ્વારી અધિકારીઓ પર થતા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ટ્રૂડોના કૅનેડા પરત ફર્યા બાદ જ કૅનેડાના વાણિજ્ય મંત્રી મૈરી એનજીના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે કૅનેડાએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર વાતચીત અટકાવી દીધી છે.

ટ્રૂડોએ વધુ શું કહ્યું?

ઇમેજ સ્રોત, REUTERS
ચાલુ વર્ષે 18 જૂને નિજ્જરની કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારા બહાર ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
ટ્રૂડોએ કહ્યું ''કૅનેડાની એજન્સીઓએ મજબૂત રીતે જાણ કરી છે કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે.''
કૅનેડાના વડા પ્રધાને કહ્યું કે જી-20 સંમેલન દરમિયાન તેમણે આ મુદ્દો ભારતના વડા પ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો.
કૅનેડાની સંસદમાં ટ્રૂડોએ કહ્યું, "અમારા દેશની જમીન પર કૅનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવુ અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે."
ટ્રૂડોએ ઊમેર્યું, "આ એ મૂળભૂત નિયમો વિરુદ્ધ છે, જેના આધારે લોકતાંત્રિક આઝાદ અને ખુલ્લા સમાજ ચાલે છે.''
કૅનેડાનાં વિદેશ મંત્રી મેલાની જોલીએ સોમવારે રિપોર્ટર્સને જાણ કરી તે ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયને આ કેસની તપાસને આધારે કાઢી મૂકાયા છે.
ટ્રૂડો સરકારના આ નિર્ણય બાદ બીબીસીએ કૅનેડા સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ પ્રતિક્રિયા ન મળી શકી.

કૅનેડાનાં વિદેશ મંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, FB/VIRSA SINGH VALTOHA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે નિજ્જરની હત્યાની તપાસને લઈને કૅનેડાના અધિકારી સાર્વજનિક રીતે મર્યાદિત વાતો જ કહી શકે છે.
તપાસકર્તાઓએ આ પહેલાં નિજ્જરની હત્યાના કેસમાં કહ્યું હતું કે તે ષડ્યંત્ર અંતર્ગત કરાઈ હતી.
નિજ્જર કૅનેડામાં મહત્ત્વના શીખ નેતા હતા અને સાર્વજનિક રીતે ખાલિસ્તાનનું સમર્થન કરતા હતા. નિજ્જરના સમર્થકોએ કહ્યું કે તેમની ગતિવિધિયોને લઈને તેમને પહેલાં પણ અનેક ધમકીઓ મળતી રહી છે.
ભારત સરકાર નિજ્જરને આતંકવાદી અને અલગાવવાદી સંગઠનોના વડા ગણાવતી રહી છે. નિજ્જરના સમર્થક આ આરોપીઓને નકારે છે.
તાજેતરમાં જ નિજ્જર ત્રીજા એવા નેતા હતા જેમનું મૃત્યુ થયું.
જૂન મહિનામાં જ બ્રિટનમાં અવતારસિંહ ખાંડા પણ બર્મિંઘમમાં રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત મળી આવ્યા હતા. તેઓ ખાલિસ્તાન લિબરેશન ફૉર્સના વડા હતા.
લાહોરમાં પણ પરમજીત સિંહ પંજવારની હત્યા કરી દેવાઈ હતી. પરમજીતને ભારત સરકાર આતંકવાદી ગણાવે છે.
ટ્રૂડોએ કૅનેડાની સંસદમાં કહ્યું કે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાએ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવાયો હતો.
કૅનેડાએ કહ્યું કે આ મુદ્દો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક સમક્ષ પણ ઉઠાવાયો હતો.
ટ્રૂડોએ કહ્યું ''હું ખૂબજ મક્કમતા સાથે એ વાત કહેવા માગુ છુ કે ભારત સરકાર આ મુદ્દે કૅનેડાને સહયોગ કરે. નિજ્જરની હત્યાથી કૅનેડાના નાગરિકોમાં ગુસ્સો છે. અને કેટલાક પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે.''

ટ્રૂડોની કડકાઈ પર કૅનેડામાં કેવી છે પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
કૅનેડાના કેટલાક શીખ સંગઠનોએ ટ્રૂડોના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
આ સંગઠનોમાં વર્લ્ડ શીખ ઑર્ગેનાઇઝેશન પણ સામેલ છે. આ સંગઠને એક નિવેદનમાં કહ્યું કે સમુદાય વચ્ચે આ વાત પહેલેથી જ કહેવાઈ રહી હતી. ટ્રૂડોના નિવેદને આ વાતની પુષ્ટિ કરી છે.
કૅનેડામાં 14થી 18 લાખ ભારતીય મૂળના લોકો રહે છે. પંજાબને બાદ કરતા સૌથી વધુ શીખ લોકો કૅનેડામાં છે.
એટલા માટે જ જ્યારે જી-20 બેઠકમાં ભાગ લેવા માટે ટ્રૂડો ભારત આવ્યા તો તેમની પીએમ મોદી સાથેની મુલાકાતમાં આ મુદ્દાઓ પણ ઉઠાવાયા હતા.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
જાણકારોનું કહેવુ છે કે બન્ને નેતાઓની મુલાકાત તણાવપૂર્ણ રહી હતી.
આ બેઠક બાદ ભારત સરકાર તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું કે પીએમ મોદીએ કૅનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પર નિયંત્રણ મેળવવા માટે જરૂરી પગલાં ન લેવાયાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
જસ્ટિન ટ્રૂડોનું કહેવું હતું કે ભારત કૅનેડાની આંતરિક રાજનીતિમાં દખલ કરી રહ્યું છે.
ટ્રૂડોનું વિમાન પણ દિલ્હીમાં ખરાબ થઈ ગયું હતું. અને તેના કારણે તેઓ કૅનેડા પોતાના નિયત સમય કરતાં બે દિવસ મોડા જઈ શક્યા હતા.

જી-20 બાદ ઝડપથી વધ્યું અંતર

ઇમેજ સ્રોત, REUTERS
કૅનેડાના પીએમ ટ્રૂડો જી-20 બાદ જેવા પોતાના દેશ પાછા ફર્યા ભારત સાથે સંબંધોમાં અંતર આવવાનું શરૂ થઈ ગયું હતું.
15 સપ્ટેમ્બરે કૅનેડાએ ભારત સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર વાતચીત રોકી દીધી.
વર્ષ 2022માં ભારત કૅનેડાનો મોટા વેપારનો દસમો સૌથી મોટો ભાગીદાર દેશ હતો. 2022-23માં ભારતે કૅનેડાને 4.10 અબજ ડૉલરના સામાનની નિકાસ કરી હતી.
તો વર્ષ 2022-23માં કૅનેડાએ ભારતમાં 4.05 અબજ ડૉલરના સામાનની નિકાસ કરી હતી. 2021-22માં આ આંકડો 3.13 અબજ ડૉલરનો હતો.
ભારતમાં કૅનેડાની ઓછામાં ઓછી 600 કંપનીઓ કામ કરી રહી છે.
ભારતીય થિંક ટૅંક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર હર્ષ વી પંતે બીબીસીને કહ્યું હતું "ટ્રૂડો જ્યાં સુધી સરકારમાં છે ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય થતી નથી દેખાઈ રહી. મને લાગે છે કે ટ્રૂડોએ તેને અંગત મુદ્દો બનાવી લીધો છે. તેમને લાગે છે કે તેમના પર અંગત રીતે હુમલા થઈ રહ્યા છે."
તેમણે ઉમેર્યું, "ભારત ખાલિસ્તાન મુદ્દે પોતાની વાત સ્પષ્ટ રીતે મૂકી જ રહ્યો હતો અને વેપાર પર પણ વાતચીત થઈ રહી હતી. પણ ટ્રૂડોના નવા વલણથી લાગે છે કે તેઓ પોતાને બૅકફૂટ પર જોઈ રહ્યા છે. તેથી તેઓ પણ ભારત સાથે તણાવ બાબતે સ્પષ્ટવક્તા બની ગયા.''

શીખ ધર્મ અને ભારત : કેટલાંક તથ્યો

ઇમેજ સ્રોત, RAGHU RAI
- વસ્તીની દૃષ્ટીએ શીખ નાનો ધાર્મિક સમૂહ છે.
- વિશ્વ ભરમાં અંદાજે 2.5 કરોડ શીખ ધર્મના અનુયાયીઓ છે. જેમાં મોટાભાગના ભારતમાં છે.
- 1980ના દાયકામાં ભારતમાં શીખ ઉગ્રવાદના મૂળિયા મજબૂત થવાની શરૂઆત થઈ ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોની હત્યાઓ થઈ
- સરકાર પર પણ આરોપ લાગતા રહ્યા કે શીખ ઉગ્રવાદને કાબૂ કરવા માટે માનવાધિકારનું ઉલ્લંઘન કરાયું.
- 1984માં ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં સૈનિકોને મોકલ્યા. સુવર્ણ મંદિર શીખો માટે પવિત્ર સ્થળ છે. સુવર્ણ મંદિરમાં હથિયારધારી શીખ ઉગ્રવાદી એકઠા થયા હતા. સરકારનું કહેવુ છે કે સૈન્ય કાર્યવાહીમાં સેંકડો લોકોનાં મત્યુ થયાં. પણ અનેક લોકો મૃત્યુનો આંકડો વધુ ગણાવે છે.
- 31 ઑક્ટોબર 1984ના દિવસે ઇન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ જ તેમની હત્યા કરી દીધી હતી.

કૅનેડા અને શીખ સમુદાય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
1985માં ટોરંટોથી લંડન જઈ રહેલી ઍર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સવાર બધા જ 329 લોકો મૃત્યુ પામ્યા હતા. જેને કૅનેડામાં સૌથી ખતરનાક અને જીવલેણ આતંકવાદી હુમલા અને નરસંહાર સ્વરૂપે જોવાય છે.
લાંબી તપાસ બાદ 2005માં બ્રિટિશ કોલંબિયાના બે શીખ અલગાવવાદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. આ મુદ્દે અનેક સાક્ષીઓનાં મૃત્યુ થઈ ગયાં અથવા તો તેમની હત્યા કરી દેવાઈ. યા તો તેમને જુબાની આપવાથી ડરાવવામાં આવ્યા.
આ મુદ્દે એ ધ્યાને આવ્યું કે એક ત્રીજી શીખ વ્યક્તિએ બૉમ્બ બનાવવા અને હત્યાના કેસમાં ખોટી જુબાની આપી હતી.
2005માં આ અંગે મુક્ત થયેલા રિપુદમનસિંહ મલિકને ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં બે લોકોની ધરપકડ કરી લેવાઈ હતી. પણ આ હત્યાએ બ્રિટિશ કોલંબિયા શીખ સમુદાયને પરેશાન કરી દીધો.
ખાલિસ્તાન આંદોલનને ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે. પણ એવું મનાઈ રહ્યું છે કે આ આંદોલનથી સહાનુભૂતિ રાખનારા શીખ વિશ્વભરમાં છે. જેમાં ખાસ કરીને કૅનેડા અને બ્રિટનમાં ખાલિસ્તાની કાર્યોથી ભારતને સખત વાંધો છે.
2021ની વસ્તી ગણતરી મુજબ કૅનેડામાં 7,70,000 શીખ છે.
2015માં જ્યારે ટ્રૂડો વડા પ્રધાન બન્યા તો તેમની કૅબિનેટમાં કુલ ચાર શીખ હતા. સેન્ટર-લૅફ્ટ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના જગમીત સિંહ પણ શીખ જ છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર જગમીત સિંહ પાર્ટીના નેતા બનતા પહેલાં ખાલિસ્તાનની રેલીઓમાં સામેલ થતા હતા.














