રાજસ્થાનના જોધપુરમાં ઈદના દિવસે હિંસાની ઘટના કેમ ઘટી?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, બીબીસી માટે
રાજસ્થાનના જોધપુર જિલ્લાના જાલોરી ગેટ (સર્કલ) પાસે બે સંપ્રદાયના લોકો વચ્ચે સોમવારે મોડી રાત્રે ઝંડા અને લાઉડસ્પીકર હટાવવા મુદ્દે શરૂ થયેલો વિવાદ તોડફોડ, પથ્થરમારો અને આગના બનાવો સુધી પહોંચી ગયો હતો.
જોકે મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે પરિસ્થિતિ થોડાક અંશે શાંત પડ્યા પછી ત્રીજી મેની સવારે ઈદની નમાજ અદા કરવામાં આવી, પરંતુ થોડીક જ વારમાં ફરીથી સાંપ્રદાયિક તોફાન શરૂ થયું.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
તોફાનીઓને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસે ટિયર ગૅસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે શહેરમાં વધારાના પોલીસદળને ખૂણે ખૂણે ગોઠવી દેવાયું છે.
ત્રીજી મેએ સવારે વાતાવરણ ડહોળાતું જોઈને જોધપુર કમિશનરેટના દસ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. વહીવટીતંત્રએ ગઈ કાલે મોડી રાત્રે થયેલા તોફાન પછીથી સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી છે.

ઝંડા અને લાઉડસ્પીકરના લીધે વિવાદ વધ્યો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઈદના પર્વ પ્રસંગે જાલોરી ગેટ (સર્કલ)ની ખૂબ નજીક આવેલી ઈદગાહમાં નમાજ અદા કરવામાં આવે છે. અહીં ત્રીજી મેએ પણ ઈદની નમાજ અદા થવાની હતી, તેના માટે રાત્રે તૈયારી થઈ રહી હતી. જાલોરી ગેટ પાસે મોટા ઝંડા, બૅનર અને લાઉડસ્પીકર જતાં હતાં.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હિન્દુ સમુદાયના લોકોએ જાલોરી ગેટ પાસે એનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને એ બાબતે વાંધો દર્શાવ્યો જેનાથી વિવાદ વધવા લાગ્યો.
આક્ષેપ છે કે ટોળાએ ઝંડા, બૅનર ફાડી નાખ્યાં અને લાઉડસ્પીકર પણ હટાવી નાખ્યાં, જેનો બીજા પક્ષે વિરોધ કર્યો અને પછી બંને તરફથી પથ્થરમારો થયો.
પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વધારાનું પોલીસદળ પણ તહેનાત કરી દીધું. ઉગ્ર થયેલાં ટોળાંને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગૅસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરીને લોકોને છૂટા પાડી દીધા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝંડા, બૅનર અને લાઉડસ્પીકરની બાબતે થયેલા વિવાદ પછી બંને સમુદાયના મોટી સંખ્યાના લોકો એકઠા થઈ ગયા. રાત્રે 11.30 વાગ્યાથી મોડી રાતના 1.30 વાગ્યા સુધી બંને તરફથી થોડી થોડી વારે પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવ્યાં.
રાજસ્થાન પોલીસના મહાનિર્દેશક (ડીજી) ડૉ. મોહનલાલ લાઠરે બીબીસી સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, "ઈદ માટે તૈયારી કરવામાં આવી રહી હતી. જાલોરી ગેટ સર્કલે એક પ્રતિમા પાસે લગાડવામાં આવી રહેલા એક ઝંડા બાબતે વાંધો ઉઠાવાયા પછી વિવાદ વધી ગયો. અમે પોલીસનો જાપ્તો ગોઠવી દીધો છે અને શાંતિવ્યવસ્થા જાળવી રાખવાને પ્રાથમિકતા આપીને પ્રયાસ કરી રહ્યા છીએ."
ડીજી ડૉ. લાઠરે જણાવ્યું કે, "આ કેસમાં અમે હાલ 39 લોકોને પકડ્યા છે. આ ઘટના માટેના દોષિતો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે."

નમાજ પછી ફરી થયું તોફાન

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
જોકે ભારે પોલીસ બંદોબસ્ત સાથે સવારે ઈદની નમાજ અદા થઈ. તે દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળ જાલોરી ગેટ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.
દુકાનો, એટીએમ, વાહનોની ભારે તોડફોડ કરવામાં આવી. દરમિયાનમાં પોલીસનાં વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. ભાજપના સ્થાનિક ધારાસભ્યના ઘરની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને બહાર ઊભેલી એક મોટરસાઇકલને આગ લગાડી દેવાઈ.

બંને સમુદાયના લોકો એકબીજાની સામે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કોમી રમખાણ પછી જિલ્લાની હાલત તણાવભરી છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રએ બંને સમુદાયના લોકોને શાંતિની અપીલ કરી છે.
મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પણ નિવેદન કરીને ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.
નમાજ પછી થયેલા તોફાન પછી જોધપુરના સાંસદ અને કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાજ્યની કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાંસદ શેખાવતની હાજરીમાં એક સમુદાયના લોકોએ હનુમાનચાલીસાનો પાઠ કર્યો. તો બીજી તરફ, બીજા સમુદાયના લોકોએ સૂત્રોચ્ચાર કર્યો.
આ દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ હાજર હતા. ગજેન્દ્રસિંહ શેખાવતની સાથે જ ભાજપનાં ધારાસભ્ય અને ભાજપના અન્ય નેતા પણ હાજર હતા.

કર્ફ્યૂ નાખી દેવાયો

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
રાત્રે થયેલા તોફાન પછી તરત જ જિલ્લા વહીવટીતંત્રએ ઇન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી અને હવે કર્ફ્યૂ નાખી દેવાયો છે.
ઈદની નમાજ પછી ફરીથી થયેલા તોફાન પછી વહીવટીતંત્રએ 4 મેની મધરાત સુધી દસ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં કર્ફ્યૂ નાખી દીધો છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આવાગમન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આખાલિયા ચોક, સોજતી ગેટ સહિત અન્ય વિસ્તારોના રસ્તા બંધ કરી દેવાયા છે. પોલીસ અને વહીવટીતંત્ર આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી અશોક ગેહલોતે જોધપુર કલેક્ટર સાથે વાતચીત કરી અને શાંતિવ્યવસ્થા જાળવી રાખવા માટેની સૂચના આપી છે. અનેક સ્થળે બૅરિકેડ લગાવી દેવાયા છે. જોધપુર રેન્જ આઇજી સહિત વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખે છે અને પોલીસની માર્ચ પણ થઈ હતી.

મુખ્ય મંત્રીએ બેઠક બોલાવી

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
સીએમ અશોક ગેહલોતે પોતાના ગૃહ જિલ્લા જોધપુરમાં બનેલી ઘટનાને લઈને બધાને શાંતિની અપીલ કરી છે. સીએમ ગેહલોતે બધી મુલાકાતો અને કાર્યક્રમો સ્થગિત કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી.
બેઠક પછી વરિષ્ઠ અધિકારીઓ અને બે મંત્રીઓની ટીમને તરત જ જોધપુર ખાતે રવાના થવાની સૂચના આપી. મુખ્ય મંત્રી અશોક ગેહલોતે સીએમઓની બેઠક પછી વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક હેલિકૉપ્ટર દ્વારા જોધપુર મોકલવાનો નિર્ણય કર્યો હતો.
એમાં રાજ્યના ગૃહમંત્રી રાજેન્દ્ર યાદવ અને જોધપુર પ્રભારીમંત્રી ડૉ. સુભાષ ગર્ગ, એસીએસ ગૃહ વિભાગ અભયકુમાર, એડીજી લૉ ઍન્ડ ઑર્ડર હવાસિંહ ઘુમરિયાનો સમાવેશ થાય છે.
બરાબર એક મહિના પહેલાં, બીજી એપ્રિલે રાજ્યમાં કરૌલી ખાતે સાંપ્રદાયિક તોફાન થયું હતું. ત્યાં નવવર્ષના પર્વ પ્રસંગે નીકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને આગ લગાડવાની ઘટનાઓ બની હતી.
ઈદ અને પરશુરામ જયંતીના આગળના દિવસ, બીજી મેએ મોડી રાત્રે જોધપુરમાં થયેલા કોમી તોફાનના કારણે રાજસ્થાન ચર્ચામાં છે. રાજ્યની અશોક ગેહલોત સરકાર શાંતિ અને કાયદોવ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પગલાં ભરી રહી છે.
જ્યારે વિપક્ષ આ ઘટનાને લઈને ફરી એક વાર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભાજપનો આરોપ છે કે જાલોરી ગેટ સર્કલે સ્થાપિત બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર લગાડેલા ભગવા ઝંડાને ઉતારી નખાયો છે.
પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ નિવેદન દ્વારા જોધપુરના આ તોફાન વિશે કહ્યું કે, "બારાં, કરૌલી અને રાજગઢ (અલવર) પછી હવે મુખ્ય મંત્રીજીના ગૃહ જિલ્લા જોધપુરમાં પણ સાંપ્રદાયિક તણાવની ઘટના જોવા મળી છે."
"સ્વાતંત્ર્યસેનાની સ્વ. બાલમુકુંદ બિસ્સાની પ્રતિમા પર લગાડેલા ઝંડાને ઉતારવાની ઘટનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે રાજ્યમાં ફેલાયેલો આ ધાર્મિક ઉન્માદ કૉંગ્રેસ સરકારની તુષ્ટીકરણ સંસ્કૃતિનું જ પરિણામ છે. સરકાર ચેતે અને તુષ્ટીકરણની નીતિથી દૂર રહે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












