નીરવ મોદી બાદ રૉટૉમેકવાળા કોઠારી કેમ છે ચર્ચામાં?

વિક્રમ કોઠારી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIKRAM KOTHARI

    • લેેખક, રોહિત ઘોષ
    • પદ, કાનપુરથી બીબીસી ગુજરાતી માટે

સીબીઆઈની ટીમ રવિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશના કાનપુર શહેર પહોંચી અને ઉદ્યોગપતિ વિક્રમ કોઠારીની પૂછપરછ કરી હતી.

કોઠારી પણ નીરવ મોદીની જેમ અનેક બૅન્કો પાસેથી લોન લઈને વિદેશ નાસી છૂટ્યાની ચર્ચા ચાલી રહી હતી.

કાનપુરમાં વિક્રમ કોઠારીના બંગ્લા તથા કાર્યાલયો છે. સીબીઆઈની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખીને પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી, જે સોમવાર બપોર સુધી ચાલી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "સીબીઆઈની ટીમે કાનપુર પોલીસ પાસેથી પોલીસ કર્મચારીઓની માગ કરી હતી, જે પૂરા પાડવામાં આવ્યા હતા."

કોઠારી વિદેશ નાસી છૂટ્યા છે, તેવી ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તેમણે એક ટીવી ચેનલ સાથે ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તેઓ કાનપુરમાં જ છે અને તેઓ ક્યાંય જવાના નથી.

કોઠારીએ કહ્યું, "કાનપુરમાં મેં ઇજ્જત અને પ્રતિષ્ઠા મેળવ્યા છે. હું મારું શહેર અને મારો દેશ નહીં છોડું અને બૅન્કોની લોન ચૂકવી દઈશ."

તમને આ પણ વાંચવું ગમશે

line

અલગઅલગ બૅન્કો પાસેથી લોન

વિક્રમ કોઠારી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIKRAM KOTHARI

યુપી બૅન્ક ઍમ્પ્લોઇઝ એસોસિયેશનના સચિવ સુધીર સોનકરના કહેવા પ્રમાણે, કોઠારીએ અલગઅલગ બૅન્કો પાસેથી લગભગ રૂ. પાંચ હજાર કરોડની લોન્સ લીધી છે.

"જેમાં ઇન્ડિયન ઑવરસિઝ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક અને અલ્લાહબાદ બૅન્કે કોઠારીને લોન આપી છે."

કોઠારીના વકીલ શરદ કુમાર બિરલાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "અમારી હજુ કોઠારી સાથે મુલાકાત નથી થઈ. સીબીઆઈની ટીમ બંગલામાં તેમની સાથે પૂછપરછ કરી રહી છે.

"અમને બંગલામાં પ્રવેશ કરવાની છૂટ નથી મળી. એમની ધરપકડ થઈ છે કે નહીં, તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.

તેમની સામે છેતરપીંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે."

line

પાન મસાલા દ્વારા શરૂઆત

વિક્રમ કોઠારી

ઇમેજ સ્રોત, FACEBOOK/VIKRAM KOTHARI

કોઠારી પરિવારે માત્ર કાનપુર જ નહીં, ભારત અને વિશ્વભરમાં પહેલી વખત 'પાન મસાલા' બનાવ્યા, જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા.

મનસુખભાઈ કોઠારીએ તેમના બે દીકરા વિક્રમ તથા દીપક સાથે મળીને વર્ષ 1973માં 'પાન પરાગ' નામ સાથે પાન મસાલા બનાવવાનું શરૂ કર્યું હતું.

નાનકડા પાઉચમાં 'પાન મસાલા' લોકોમાં લોકપ્રિય થયા હતા. ત્યારબાદ ભારતભરમાં કાનપુર પાન મસાલાનું કેન્દ્ર બિંદુ બની ગયું.

જોકે, પાન મસાલાવાળાઓમાં બદનામ પણ થયું. કારણ કે તેને મોઢાના કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

1992માં વિક્રમ કોઠારી 'પાન પરાગ'થી અલગ થઈ ગયા અને 'રૉટૉમેક પેન'નું કારખાનું નાખ્યું.

આજકાલ ફિલ્મી કલાકારો દ્વારા કોઈ પ્રોડક્શનનું પ્રમોશન નવી વાત નથી, પરંતુ 1980ના દાયકામાં અશોક કુમાર અને શમ્મી કપુર જેવા દિગ્ગજ નેતાઓ તેમની પ્રોડ્ક્ટનો પ્રચાર કરતા હતા.

જ્યારે 90ના દાયકામાં ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન રૉટૉમેક પેનનો પ્રચાર કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો