સબરીમાલા ચુકાદો : એકમાત્ર મહિલા જસ્ટિસે શા માટે વ્યક્ત કર્યો અલગ અભિપ્રાય?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપતા શુક્રવારે કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશવાની છૂટ આપી છે.
હાલમાં 10 વર્ષથી લઈ 50 વર્ષની મહિલાઓને માસિક ધર્મને કારણે મંદિરમાં પ્રવેશ નહોતો આપવામાં આવતો.
બંધારણીય બેન્ચે કહ્યું કે, મહિલાઓના પ્રવેશને માત્ર તે રજસ્વલા થતી હોવાને કારણે રોકવામાં આવે તે બંધારણની કલમ 14ના સમાનતાના અધિકારનો ભંગ છે.
તમે આ વાંચ્યું કે નહીં?
માત્ર શારીરિક પરિબળોને કારણે મહિલાઓને પ્રવેશ ન આપવાનો નિયમ એ મહિલાઓના ઐયપ્પા મંદિરમાં પૂજા કરવાના અધિકારનું હનન છે અને તેને ન્યાયપૂર્ણ ન ઠેરવી શકાય.
પાંચ જજોની બેન્ચમાં એકમાત્ર મહિલા જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોર્ટે ધાર્મિક બાબતોમાં દખલ ન દેવી જોઈએ. આ કેસની અસર અન્ય ધાર્મિક સ્થળો પર પણ પડશે.

સમાચાર સંસ્થા પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના અહેવાલ મુજબ, જસ્ટિસ મલ્હોત્રાએ કહ્યું, "દેશમાં ધર્મ નિરપેક્ષતાનો માહોલ જળવાય રહે તે માટે કોર્ટે આ પ્રકારના મુદ્દા છેડવા ન જોઈએ."
સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી કંદરુ રાજીવરુના કહેવા પ્રમાણે, "સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેઓ નિરાશ થયા છે, પરંતુ તેઓ કોર્ટના આદેશનું પાલન કરશે તથા મહિલાઓને મંદિરમાં પ્રવેશવા દેશે."
જસ્ટિસ મલ્હોત્રાએ કહ્યું:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- જો 'સતીપ્રથા' જેવા સામાજિક દૂષણની વાત હોય તો કોર્ટે દખલ દેવી જોઈએ, પરંતુ કોઈ ધાર્મિક પરંપરાનું નિર્વહન કેવી રીતે કરવું, તે અંગે કોર્ટે દખલ ન દેવી જોઈએ.
- સમાનતાનો અધિકાર એ અનુચ્છેદ-25 હેઠળ મળતા પૂજાના મૌલિક અધિકારને અવગણી ન શકે.
- મારું માનવું છે કે તર્કસંગતતાના વિચારોને ધાર્મિક બાબતો સાથે જોડી ન શકાય.
- આ ચુકાદો માત્ર સબરીમાલા સુધી મર્યાદિત નહીં રહે. આ ચુકાદાની અસર અન્ય ધાર્મિક સ્થળો પર પણ થશે અને તેના દૂરગામી પરિણામો આવશે.

સુપ્રીમ કોર્ટના અવલોકનો

ઇમેજ સ્રોત, Getty Images
- રીતરિવાજોએ કોઈ પણ ભેદભાવ વિના દરેકને પૂજા કરવાની છૂટ હોવી જોઈએ.
- પરંતુ જસ્ટિસ નરિમાને કહ્યું કે સબરીમાલા મંદિર એકમાત્ર ધાર્મિક સંપ્રદાય નથી જ્યાં આ જૂની પ્રથા જળવાઈ રહી છે.
- જસ્ટિસ નરિમાન અને ચંદ્રચુડે મહિલાઓના મંદિર પ્રવેશની છૂટના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો જ્યારે જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ પોતાના ચુકાદામાં એ બાબતે અસંમતિ દર્શાવી.
- જસ્ટિસ નરિમાને કહ્યું કે પૂજા કરવાનો અધિકારને શારીરિક પરિબળોને આધારે ન રોકી શકાય.
- મહિલાઓને મંદિરમાં પ્રવેશતાં અટકાવવાનો રિવાજ ગેરબંધારણીય છે.
- માસિક ચક્રને મંદિરમાં પ્રવેશ અટકાવવાની એક શરત તરીકે રાખી એ વ્યક્તિગત ગરિમા વિરુદ્ધ છે.
- આ એક પ્રકારની અશ્પૃશ્યતાનું સ્વરૂપ છે.
- જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું, "આ નિયમ સંપૂર્ણપણે અપમાનજનક છે."
- જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાએ પોતાના ચુકાદામાં અસંમતિ વ્યક્ત કરતા જણાવ્યું, "કોર્ટ ધાર્મિક આસ્થા બાબતે હસ્તક્ષેપ ન કરી શકે. કારણ કે તેની અસર અન્ય ધાર્મિક સ્થળો પર પણ લાંબાગાળાના પરિણામ સ્વરૂપે જોવા મળી શકે છે. આ બાબતે ધાર્મિક સમુદાય નક્કી કરવું જોઈએ કે આ રિવાજ ચાલુ રાખવો જોઈએ કે નહીં.”
શું હતો વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
લિંગ આધારિત સમાનતાને મુદ્દો બનાવીને મહિલા વકીલોના એક સમૂહે વર્ષ 2006માં કોર્ટમાં અરજી કરી હતી. હકીકતે હિંદુ ધર્મમાં માસિક દરમ્યાન મહિલાઓને 'અપવિત્ર' માનવામાં આવે છે.
આ રૂઢીના કારણે કેટલાક મંદિરોમાં મહિલાઓને માસિક દરમ્યાન પ્રવેશ પર મનાઈ છે.
અગાઉ સબરીમાલા મંદિરના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ પરંપરાનું પાલન કરે છે કારણ કે આ મંદિર જે ભગવાન 'અયપ્પા'નું છે તે અપરિણીત હતા.
પ્રતિબંધનું સમર્થન કરનારા લોકો એવો તર્ક આપે છે કે આ પરંપરા અનેક વર્ષોથી ચાલુ છે.
તેઓ એવો તર્ક પણ આપે છે કે આ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓએ 41 દિવસનું વ્રત રાખવું પડે છે.
મંદિરમાં આવનાર મહિલાઓ માસિકચક્રના કારણે આ વ્રત રાખી શકતા નથી તેથી તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે.

12 વર્ષ પહેલાં પડાકારવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ બનાવમાં વકીલોએ વર્ષ 2006માં કોર્ટમાં પડકાર ફેંક્યો હતો પરંતુ તેના પર સુનાવણી વર્ષ 2016માં શરૂ થઈ હતી.
આ વર્ષે જુલાઈમાં થયેલી સુનાવણીમાં અરજદારોએ એવો તર્ક આપ્યો હતો કે આ પરંપરાના કારણે દેશના બંધારણ દ્વારા આપવામા આવેલી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે.
તેમનું કહેવું છે કે મહિલાઓ અને તેમની આરાધનાના અધિકાર સામે પૂર્વાગ્રહ છે.
વર્ષ 2016માં રાજ્ય સરકારે મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં થયેલી સુનાવણીઓમાં મહિલાઓના પ્રવેશનું સમર્થન કર્યુ હતું.
અરજદારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ ઇંદિરા જયસિંહનું કહેવું છે કે આ પરંપરા મહિલાઓ માટે કલંક સમાન છે.
મહિલાઓને તેમની પસંદગીના સ્થળે પ્રાર્થના કરવાનો અધિકાર મળવો જોઈએ.
આ પરંપરા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં, આ પરંપરા ધર્મની જરૂરિયાત છે કે નહીં, અથવા બંધારણની કલમ 25 અંતર્ગત સ્વતંત્રપણે ધર્મ પાળવાની છૂટ આપે છે કે નહીં તે જાણવા માટે સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં બંધારણીય ખંડપીઠની રચના કરી હતી.

સબરીમાલા મંદિરનું મહત્વ શું છે?

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN
સબરીમાલા ભારતના મુખ્ય મંદિરોમાંનું એક છે. સમગ્ર વિશ્વમાંથી લાખો શ્રદ્ધાળુ આશીર્વાદ મેળવવા માટે આ મંદિર પરિસરમાં આવે છે.
મંદિરમાં પ્રવેશ માટે તીર્થયાત્રીઓએ 18 પવિત્ર દાદરા ચઢવા પડે છે.
મંદિરની વેબસાઇટ મુજબ,આ 18 દાદરા ચઢવાની પ્રક્રિયા એટલી પવિત્ર છે કે કોઈ પણ તીર્થયાત્રી 41 દિવસોનું આકરું વ્રત રાખ્યા વગર આવું કરી શકે નહીં.
શ્રદ્ધાળુઓએ મંદિર જતાં પહેલાં કેટલીક વિધિ કરવી પડે છે.
સબરીમાલાના તીર્થયાત્રીઓએ કાળા અથવા વાદળી રંગના કપડાં પહેરવા પડે છે. જ્યાં સુધી યાત્રા પુરી ન થાય ત્યાં સુધી દાઢી કરવાની છૂટ નથી.
આ તીર્થયાત્રા દરમ્યાન યાત્રાળુઓ માથે ચંદનનો લેપ પણ લગાડે છે.

મહિલાઓને મંદિરમાં પ્રવેશ અપાવવાનું અભિયાન

ઇમેજ સ્રોત, SABARIMALA.KERALA.GOV.IN
વર્ષ 2016માં વિદ્યાર્થીનિઓના એક સમૂહે આ પરંપરા વિરુદ્ધ ખુલ્લેઆમ પ્રદર્શન કર્યું હતું. આ અભિયાન સબરીમાલા મંદિરના પ્રમુખે આપેલા નિવેદનની વિરુદ્ધમાં શરૂ કરાયું હતું.
પ્રયાર ગોપાલકૃષ્ણને કહ્યું હતું કે તેઓ મહિલાઓને મંદિરમાં ત્યારે જ પ્રવેશવા દેશે, જ્યારે એવું મશીન શોધાઈ જાય જે કહી શકે કે મહિલાઓ પવિત્ર છે કે નથી.
તેમનો કહેવાનો મતલબ એવો હતો કે એવું મશીન જે કહી શકે કે મહિલાઓ માસિકમાં છે કે નથી.
ગોપાલકૃષ્ણને કહ્યું હતું "આજકાલ એવાં મશીનો છે જે શરીરને સ્કેન કરી શકે છે અને હથિયારોને શોધી શકે છે. એક દિવસ એવા મશીનો બનશે જે સ્કેન કરી લેશે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશવા દેવા માટે યોગ્ય સમય છે કે નથી."
"જ્યારે આ પ્રકારનું મશીન શોધાશે અમે ત્યારે મહિલાઓને અંદર જવાની પરવાનગી વિશે વિચારીશુ."
આ અભિયાન શરૂ કરનાર નિકિતા આઝાદે બીબીસીને કહ્યું કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવા માટે ક્યો સમય યોગ્ય છે અને ક્યો સમય યોગ્ય નથી તેવું ન હોવું જોઈએ.
મહિલાઓ મરજી મુજબ, ઇચ્છે ત્યાં જવાનો અધિકાર હોવો જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














