ગુજરાતમાં ગનનું લાઇસન્સ મેળવવા માટે શું કરવું પડે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

તા. 29મી મેના રોજ ગાયક અને અભિનેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ છે. સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જણાવ્યું છે કે આવતા મંગળવારથી 424 વીઆઈપીની સુરક્ષા બહાલ કરી દેવામાં આવશે.

મૂસેવાલાની હત્યામાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો 'હથિયાર અને સ્વરક્ષણ'નો પણ હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૂસેવાલાની હત્યામાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો 'હથિયાર અને સ્વરક્ષણ'નો પણ હતો

પંજાબ સરકારે 'વીઆઈપી કલ્ચર'ને ખતમ કરવા માટે 424 લોકોની સુરક્ષા હઠાવી દીધી હતી અથવા તો ઘટાડી દીધી હતી, જેમાં સિદ્ધુ મૂસેવાલાનો પણ સમાવેશ થતો હતો. આપ સરકારના આ પગલાને વિપક્ષ 'ભૂલનો સ્વીકાર' ગણાવી રહી છે.

સિદ્ધુ પંજાબના લોકપ્રિય ગાયક અને અભિનેતા હતા. તેમના વીડિયો યૂટ્યૂબ ઉપર લાખો વ્યૂઝ ધરાવે છે. તેમની ઉપર 'ગન કલ્ચર'ને પ્રોત્સાહન આપે તેવાં ગીતો લખવાનો તથા એવા વીડિયોમાં અભિનય કરવાના આરોપ લાગતા રહ્યા છે.

સિદ્ધુની ઉપર સંગરૂર અને બરનાલાની ફાયરિંગ રેન્જમાં ગોળીબાર કરવાના આરોપ લાગ્યા હતા અને હથિયારધારા હેઠળ તેમના તથા અન્યોની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. ગન કલ્ચરને પ્રોત્સાહન આપવા સંબંધિત કેસ પણ તેમની સામે દાખલ કરવામાં આવ્યો હતો.

મૂસેવાલાની હત્યામાં એક મહત્ત્વપૂર્ણ મુદ્દો 'હથિયાર અને સ્વરક્ષણ'નો પણ હતો. તેમની હત્યા પછી આ મુદ્દો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાઈ રહ્યો છે, ત્યારે અમે હથિયાર માટેનું લાઇસન્સ કેવી રીતે મળે? ક્યાંથી મળે, તેના માટે કેટલા દસ્તાવેજો જોઈએ, વગેરે જેવા સવાલોનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું.

સિદ્ધુ મૂસેવાલાએ 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગયા વર્ષે પંજાબ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ તથા મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્નીની હાજરીમાં ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

સિદ્ધુએ માનસા મતક્ષેત્રમાંથી કૉંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સિંગલા સામે હારી ગયા હતા. સિંગલાને ભગવંત માન સરકારમાં આરોગ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભ્રષ્ટાચારના આરોપ સબબ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

કોને હથિયારનો પરવાનો મળી શકે?

અલગ-અલગ બૉરના (હથિયારના નાળચાનો વ્યાસ) હથિયાર માટે અરજી કરતી વખતે, અલગ-અલગ ફી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અલગ-અલગ બૉરના (હથિયારના નાળચાનો વ્યાસ) હથિયાર માટે અરજી કરતી વખતે, અલગ-અલગ ફી હોય છે

'સ્વરક્ષણ' એ ગુજરાતમાં હથિયારની અરજી કરવા માટેના સૌથી મોટા કારણ તરીકે જોવામાં આવે છે. ખેતરના ઊભા પાકને પ્રાણીઓ દ્વારા વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવે છે. આથી, ખેડૂતો દ્વારા લાઇસન્સ માગવામાં આવે છે. જેની મદદથી ચોક્કસ પ્રકારના પ્રાણીઓને જ ઠાર કરી શકાય છે.

અરજદારે નિર્ધારિત ફોર્મની સાથે, જીવ પર જોખમ હોય અને પોલીસ ફરિયાદ દાખલ કરી હોય તો તેની નકલ, ત્રણ વર્ષના રિટર્નની નકલ, ઉંમરનો પુરાવો (સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કે જન્મનો દાખલો કે સર્જનનો દાખલો), રહેઠાણનો પુરાવો (સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા વસૂલવામાં આવતા વેરાનું બીલ, લાઇટબીલ, મતદાર ઓળખપત્ર, બૅન્ક સ્ટેટમેન્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વગેરે જેવા ઓળખપત્રો પૈકી ગમે તે એક), ભાડાકરાર, રૅશનકાર્ડની નકલ જેવા પુરાવાની સ્વ-પ્રમાણિત નકલ મુખ્યત્વે આપવાની રહે છે. અરજદાર ખેડૂત હોય તો આઠ- 'અ'ની નકલ અને અરજદાર વેપારી હોય તો પેઢીનામા કે વેપારની નોંધણીની નકલ આપવાની રહે છે.

અરજદારની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોય તે જરૂરી છે, પરંતુ જો અરજદાર ખેલાડી હોય તો તેને છૂટ મળી શકે છે, છતાં 12 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અરજી નથી કરી શકતી. અરજીના ફોર્મમાં નામ, પિતાનું નામ, માતાનું નામ, અટક, જન્મતારીખ, ફોન નંબર, ઇમેલ ઍડ્રેસ જેવી માહિતી મેળવવામાં આવે છે. અરજદાર જો સરકારી કર્મચારી હોય તો તેણે ઉપરી અધિકારી પાસેથી 'બિન-વાંધા પ્રમાણપત્ર' મેળવવાનું રહે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અલગ-અલગ બૉરના (હથિયારના નાળચાનો વ્યાસ) હથિયાર માટે અરજી કરતી વખતે, અલગ-અલગ ફી હોય છે, જે આપવાની રહે છે. જો ગુનાહિત ભૂતકાળ રહ્યો હોય તો કેસની વિગતો, હથિયારને મોકૂફ કરવામાં આવ્યું હોય તો તેની વિગતો, અગાઉ અરજી કરી હોય તો તે સ્વીકારાઈ હતી કે કેમ, અરજદાર સલામત રીતે હથિયાર રાખી શકે તેમ છે કે નહીં, અરજદારના રહેઠાણની પાસે જંગલવિસ્તાર છે કે કેમ, અરજદાર કોઈ હિંસક સંગઠન સાથે જોડેયલ છે કે કેમ. વગેરે જેવી બાબતોની પણ તપાસ કરવામાં આવે છે.

પોલીસને જ્યારે હથિયાર માટેની કોઈ અરજી મળે ત્યારે પાડોશીઓની પૂછપરછ દ્વારા વ્યક્તિના સ્વભાવ તથા ભૂતકાળના ઝગડા વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સિવાય ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા રૂબરૂ મળીને પરવાનો મેળવનારની શારીરિક તથા માનસિક ક્ષમતાનું આકલન કરવામાં આવે છે.

અગાઉ આર્થિકવ્યવહારો સબબ હથિયાર માંગવાનું ચલણ પ્રચલિત હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં RTGS અને IMPS જેવી સવલતો વધી હોય આ મુદ્દે અરજી નકારી દેવાનું ચલણ વધ્યું છે. અગાઉ 'આર્થિક રીતે સદ્ધર ન હોવાથી લાઇસન્સની જરૂર નથી' તેવું તારણ પોલીસ દ્વારા આપવામાં આવતું હતું, પરંતુ 'સમાનતાના અધિકાર'ની એરણ ઉપર આ કારણ ટકે તેમ ન હોવાથી અભિપ્રાય આપતી વખતે તેને ટાળવામાં આવે છે.

પોલીસ અધિક્ષકના અભિપ્રાયના આધારે મૅજિસ્ટ્રેટ દ્વારા અરજદારને હથિયારનો પરવાનો આપવો કે નહીં, તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે. ગુજરાત કેડરના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઓફિસર કે. રાજેશ પર પૈસા લઈને હથિયારના પરવાના આરોપ લાગ્યા છે અને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

line

ગુજરાતમાં પરવાનો મેળવવા

2016 પછી દેશમાં હથિયાર ઉત્પાદન, રિપેરિંગ તથા પરીક્ષણને માટેની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા ઑનલાઇન કરી દેવામાં આવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2016 પછી દેશમાં હથિયાર ઉત્પાદન, રિપેરિંગ તથા પરીક્ષણને માટેની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા ઑનલાઇન કરી દેવામાં આવી છે

ગાંધીના ગુજરાતમાં હથિયારનો પરવાનો આપવાની સત્તા જિલ્લા મૅજિસ્ટ્રેટને મળેલી છે અને અરજીનો નિકાલ 75 દિવસમાં કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. માત્ર ફાયર આર્મ (રિવૉલ્વર, પિસ્તોલ, બંદૂક, રાયફલ, શોટગન વગેરે) જ નહીં, પરંતુ ઍરગન રાખવા માટે પણ પરવાનો લેવો પડે છે. અગાઉ રમકડાંની દુકાન પરથી કે અન્ય ચોક્કસ દુકાનો પરથી ઍરગન કે ઍરપિસ્તોલ સરળતાથી મળી રહેતી, જે હવે નિયમાધિન બન્યું છે.

ઍરગનના ઉત્પાદન અને વેપાર માટે પણ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને દુકાનદારે જેને વેચાણ કરવામાં આવ્યું હોય તેનું તસવીરવાળું ઓળખપત્ર તથા પૂરક વિગતો મેળવવાની રહે છે. ગુપ્તચર તંત્રના ધ્યાને આવ્યું હતું કે ઉગ્રવાદીઓ તથા અસામાજિક તત્ત્વો દ્વારા ગોળીબારની પ્રૅક્ટિસ કરવા માટે ઍરગનનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેમાં અરજી કર્યાના દિવસથી સંબંધિત પોલીસ સ્ટેશનમાં (15 દિવસ), ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (10 દિવસ), નાયબ પોલીસ અધિક્ષક (15 દિવસ), પોલીસ અધિક્ષક (15 દિવસ) તથા જિલ્લા મૅજિસ્ટ્રેટ (20) દિવસમાં નિકાલ કરે તેવી સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અરજદારે આખું ફોર્મ ભરવાનું હોય છે અને તેના સાથે પુરાવાની નકલ જોડવાની રહે છે. જો ફોર્મ અપૂરતું હોય તો તેને રદ કરવામાં આવે છે સાથે જ જો ફોર્મમાં કોઈ ખોટી વિગત ભરવામાં આવી હોય તો તેને લાઇસન્સ નથી મળતું, એટલું જ નહીં, તેની સામે ફરિયાદ કરવાની જોગવાઈ પણ છે.

લાઇસન્સ રિન્યૂ કરાવતી વખતે હદવિસ્તારના પોલીસસ્ટેશનનું હથિયાર ધરાવવાનું તથા અસલ પરવાનો રજૂ કરવાનો રહે છે. અગાઉ ત્રણ વર્ષ માટે પરવાનો મળતો હતો, જેની મુદ્દત વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે.

2016 પછી દેશમાં હથિયાર ઉત્પાદન, રિપેરિંગ તથા પરીક્ષણ માટેની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા ઑનલાઇન કરી દેવામાં આવી છે જેમાં નાનાં, હળવાં તથા સૈન્ય દરજ્જાનાં હથિયારોની પરવાનગી મેળવવા માટેની અરજી કરી શકાય છે.

line

લાઇસન્સધારક ધ્યાન રાખે કે...

વિજયસરઘસ, જાન, લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ પ્રસંગે 'ખુશીને વ્યક્ત કરવા' માટે પણ પરવાનાવાળા હથિયારમાંથી ગોળીબાર કરવો ગુનો બને છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિજયસરઘસ, જાન, લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ પ્રસંગે 'ખુશીને વ્યક્ત કરવા' માટે પણ પરવાનાવાળા હથિયારમાંથી ગોળીબાર કરવો ગુનો બને છે
  • પરવાનો મળ્યેથી વ્યક્તિ સ્થાનિક વેપારી, સરકારી કંપનીમાંથી કે સેકન્ડ હેન્ડ ખરીદી કરી શકે છે.
  • ગુજરાતમાંથી ઇસ્યુ થયેલું લાઇસન્સ ગુજરાતમાં જ વાપરી શકાય છે. સંસદસભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, લશ્કરી કે અર્ધલશ્કરી દળોના કર્મીઓ, જાહેરસાહસના એકમોના કર્મચારીઓને 'ઑલ ઇન્ડિયા પરમીટ' મળી શકે છે. આ સિવાયના કિસ્સામાં અરજી ઉપર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે.
  • લાઇસન્સ ઍક્સ્પાયર થઈ ગયું હોય તો પણ હથિયાર રાખવું ફોજદારી ગુનો બને છે.
  • જો લાઇસન્સધારક શૂટિંગના ખેલાડી હોય તો કેટલીક શરતોને આધીન તેઓ અન્ય રાજ્યમાં હથિયાર લઈ જઈ શકે છે. નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યે તેમને જે-તે વિસ્તારનો 'હંગામી પરવાનો' આપવામાં આવે છે.
  • વિજયસરઘસ, જાન, લગ્ન, જન્મદિવસ કે અન્ય કોઈ પ્રસંગે 'ખુશીને વ્યક્ત કરવા' માટે પણ પરવાનાવાળા હથિયારમાંથી ગોળીબાર કરવો ગુનો બને છે અને તેના બદલ કેસ દાખલ થઈ શકે છે તથા હથિયારનો પરવાનો પણ રદ થઈ શકે છે.
  • ચૂંટણી સમયે, સંવેદનશીલ સ્થિતિમાં અથવા તો તહેવારો પહેલાં જાહેરનામું બહાર પડ્યેથી નિશ્ચિત સમયમર્યાદામાં પરવાનેદારે નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવી દેવાનું રહે છે.
  • પરવાનાધારકે નિર્ધારિત સમયમર્યાદામાં લાઇસન્સ રિન્યુ કરાવી દેવાનું રહે છે અને 'ટેકનિકલી' તેમાં કોઈ છૂટ આપવામાં નથી આવતી.
  • 2019માં હથિયાર ધારામાં સુધારા પછી કોઈપણ વ્યક્તિ મહત્તમ બે હથિયાર રાખી શકે છે. અગાઉ મળેલા પરવાનાના આધારે જો કોઈ વ્યક્તિ પાસે ત્રણ હથિયાર હોય તો તે ઇચ્છિત બે હથિયાર રાખી શકે છે અને ત્રીજું હથિયાર જમા કરાવી દેવાનું રહે અથવા તો તેને માન્ય વેપારી હસ્તક વેચી દેવું રહે. અન્યથા ત્રીજું હથિયાર રાખવું ગેરકાયદેસર ગણાશે, જેના આધારે લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
  • જો હથિયાર કે તેનો પરવાનો ખોવાઈ જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો અને એફઆઈઆર દાખલ કરાવો. આ સિવાય અકસ્માતે ખરાબ થઈ ગયેલો કે જૂનો થઈ ગયેલો પરવાનો જમા કરાવીને નવું લાઇસન્સ મેળવી શકાય છે.
  • જોકે, શૂટિંગસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને તેમણે જીતેલા પુરસ્કારોના આધારે અલગ-અલગ શ્રેણીનાં હથિયારો રાખવાની છૂટ આપવામાં આવે છે.
line

ગુજરાત, ગન અને જાણવા જેવું

શૂટિંગમાં અર્જુન પુરસ્કાર વિજેતા એકસાથે એક લાખ ગોળીઓ રાખી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શૂટિંગમાં અર્જુન પુરસ્કાર વિજેતા એકસાથે એક લાખ ગોળીઓ રાખી શકે છે
  • ડિસેમ્બર-2018માં એક બિનતારાંકિત સવાલનો જવાબ આપતી વખતે તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ અહીરે કહ્યું હતું કે ગુજરાતમાં 63 હજાર 138 પરવાના અપાયેલા છે. જેમાંથી 3,340 યુઆઈએન ધારક હતા.
  • સરકારી વ્યાખ્યા પ્રમાણે, 1899 પહેલાં નિર્મિત ફાયર આર્મને 'ઍન્ટિક ગન' તરીકે ઓળખવામાં આવે છે.
  • મ્યુઝિયમમાં હથિયાર કે તેના ગોળીબારૂદને પ્રદર્શન માટે મૂકવા માટે પણ મંજૂરી લેવી પડે.
  • 2016 પછી ગન તથા તેની ગોળીઓ ઉપર માર્કિંગ કરવાનું ફરજિયાત કરી દેવાયું છે.
  • શૂટિંગમાં અર્જુન પુરસ્કાર વિજેતા એકસાથે એક લાખ ગોળીઓ રાખી શકે છે અને વર્ષ દરમિયાન કુલ બે લાખ ગોળી વાપરી શકે છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતા એકસાથે 50 હજાર તથા એક વર્ષમાં એક લાખ ગોળી ખરીદી વાપરી શકે છે.
  • ગૅસ, મિકેનિકલ, ઍર કમ્પ્રેશન કે અન્ય કોઈ વ્યવસ્થાથી કામ કરતાં પૅઇન્ટ માર્કર કે પેઇન્ટ ગન માટે પણ પરવાનો લેવાનો રહે છે.
  • અગાઉ દરેક હથિયાર માટે અલગ-અલગ લાઇસન્સ આપવામાં આવતાં હતાં, હવે જે રીતે એક જ લાઇસન્સમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફૉર-વ્હીલર કે કૉમર્શિલ વ્હીકલના પરવાનાને સંયુક્ત રીતે સમાવી લેવામાં આવે છે, એવી જ રીતે અલગ-અલગ હથિયારોનું લાઇસન્સ એકમાં જ સમાવે લેવામાં આવે છે.
  • હથિયારોની હેરફેર કરનારા ટ્રાન્સપૉર્ટરોએ પણ વિશિષ્ટ પરવાનો મેળવવાનો રહે છે.
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો