અમિત શાહ અને મનોજ સિન્હાની મુલાકાત, કાશ્મીરમાં હિંસા અટકશે?
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, કાશ્મીરથી, બીબીસી ગુજરાતી માટે
જમ્મુ અને કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગની ઘટનાઓ સતત વધી રહી છે, રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓએ આ મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરની સુરક્ષાની સ્થિતિ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી.
તાજેતરમાં જ નિશાનો બનાવીને કરાયેલી અનેક લોકોની હત્યાઓ બાદ કેન્દ્રશાસિત પ્રદેશની સુરક્ષાની સમીક્ષા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, ANI
શુક્રવારે આ બેઠક અંદાજે ત્રણ વાગ્યે શરૂ થઈ, આમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, ભારતીય સૈન્યના પ્રમુખ મનોજ પાંડે, ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સિવાય જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ સામેલ થયા.
પૅરામિલિટરી ફોર્સ સીઆરપીએફના મહાનિદેશક કુલદીપસિંહ, બીએસએફના પ્રમુખ પંકજસિંહ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગસિંહ પણ આ મિટિંગમાં સામેલ થયા હતા.
મે મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુ પામનારાઓમાં કાશ્મીરી હિંદુઓ પણ સામેલ હતા.

બૅન્કના કર્મચારી અને મજૂરોની હત્યા

ઇમેજ સ્રોત, Twitter
ઉગ્રવાદીઓના હાથે થયેલી હત્યાઓના વિરોધમાં કાશ્મીરી પંડિત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગુરુવાર 2 જૂને કાશ્મીરના બે અલગ-અલગ જિલ્લાઓમાં બે બિનકાશ્મીરી લોકોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
પહેલી હત્યા દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં થઈ. વિજયકુમાર નામના એક બૅન્ક કર્મચારી પર ઉગ્રવાદીઓએ ફાયરિંગ કર્યું અને તેમનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ દિવસે મોડી રાત્રે બડગામ જિલ્લામાં એક મજૂર દિલકુશની પણ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
વિજયકુમાર રાજસ્થાનના રહેનારા હતા જ્યારે ઈંટની ભઠ્ઠીમાં કામ કરી રહેલા મજૂર દિલકુશ બિહારના હતા.
કાશ્મીર પોલીસે આ તમામ હત્યાઓ માટે ઉગ્રવાદીઓને જવાબદાર ગણાવ્યા હતા.
બૅન્ક મૅનેજર અને મજૂરની હત્યાના બે દિવસ પહેલાં જિલ્લા કુલગામના ગોપાલપુરામાં જમ્મુમાં રહેતાં એક હિંદુ શિક્ષિકા રજનીની તેમની જ સ્કૂલમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી.
રજનીની હત્યાના થોડાક દિવસો પહેલાં બડગામ જિલ્લામાં એક મુસ્લિમ યુટ્યૂબર અને આર્ટિસ્ટ અમરીનાની હત્યા કરાઈ હતી.
એ પહેલાં બડગામના એક કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની તેમની ઑફિસમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી.
પોલીસના કહેવા પ્રમાણે મે મહિનામાં સાત-આઠ લોકોની ઉગ્રવાદીઓએ હત્યા કરી છે.
પોલીસે રાહુલ ભટ્ટ અને અમરીનાના હત્યાઓને લડાઈમાં મારવાનો દાવો કર્યો છે.

કાશ્મીરી પંડિતોનું પ્રદર્શન

ઇમેજ સ્રોત, getty images
રાહુલ ભટ્ટની હત્યા પછી કાશ્મીરમાં પીએમ પૅકેજ હેઠળ કામ કરી રહેલા કાશ્મીરી પંડિત રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને સરકારની સામે પ્રદર્શન શરૂ કર્યું હતું.
પંડિતોનું આ પ્રદર્શન હાલ પણ ચાલુ છે. કાશ્મીરી પંડિતોની માગ છે કે તેમને કાશ્મીરમાંથી કાઢવામાં આવે કારણ કે તેઓ પોતાની જાતને સુરક્ષિત માનતા નથી.
સરકાર કહી રહી છે કે પંડિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે.
સરકારનું કહેવું છે કે તે દૂરના વિસ્તારોમાં કામ કરી રહેલા કર્મચારીઓની ટ્રાન્સફર જિલ્લા મુખ્યમથકો પર કરી દેશે, જ્યાં તેમને સંરક્ષણ આપવું વધારે સરળ હોય.
પરંતુ સરકારના આ આશ્વાસનથી કાશ્મીરી પંડિત સંતુષ્ટ નથી અને તે પોતે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
વેસુના આ ટ્રાન્ઝિટ કૅમ્પમાં પંડિત ધરણાં પર બેસેલા છે. સાંજ ઢળતાં-ઢળતાં કૅમ્પમાં રહેનારા પંડિતોએ કૅન્ડલ માર્ચ કાઢી અને તે બાદ ફરી પોતાની માગ ઉચ્ચારી કે તેમને કાશ્મીરમાંથી સુરક્ષિત જગ્યએ ખસેડવામાં આવે.
કૅમ્પમાં રહેનારા એક બીજા પંડિતે જમ્મુથી ફોન પર કહ્યું કે તેમના ઘરવાળાએ તેમને મજબૂર કર્યા કે તેઓ જમ્મુ જાય.
તેમણે પોતાના દીકરાનો જમ્મુની સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો અને હવે તેઓ થોડા દિવસો માટે જમ્મુમાં રહેશે.
કૅમ્પમાં પંડિતોના અધ્યક્ષ સમીર રૈનાએ બીબીસીને કહ્યું કે દરેક દિવસે જે પ્રકાર ટાર્ગેટેડ કિલિંગ્સ થઈ રહી છે તેના કારણે પંડિતોનું મનોબળ પડી ભાંગ્યું છે.
તેમનું એમ પણ કહેવું હતું કે થોડાક સમય માટે લોકોને જમ્મુમાં શિફ્ટ કરવામાં આવે અને જો સ્થિતિ સુધરી જાય તો ફરીથી તેમને કાશ્મીર ખીણમાં લાવી શકાય છે.
કૅમ્પમાં રહેનારા એક બીજા પંડિત અનિલનું કહેવું હતું કે તેમને સમજમાં નથી પડી રહી કે તેઓ શું કરે.
તેમનું કહેવું હતું કે તેમણે પોતાની દીકરીના ઍડમિશન માટે એક લાખ રૂપિયાની ફી જમા કરાવી છે અને હવે તે સ્કૂલે જઈ શકતી નથી.
તેમણે કહ્યું કે જે પ્રકારે સરકારી કર્મચારીઓને ઉગ્રવાદીઓ નિશાન બનાવી રહ્યા છે, તે સ્થિતિમાં ડ્યૂટી પર જવું ખતરનાક થઈ ગયું છે.
અનેક પંડિતોનું કહેવું છે કે તેમને કૅમ્પની બહાર જવા દેવામાં આવતા નથી અને સરકારી અધિકારી કહી રહ્યા છે કે તમામ વસ્તુઓ તમને કૅમ્પમાં આપવામાં આવશે.
આ ટાર્ગેટ કિલિંગ્સની વચ્ચે આ મહિનાના છેલ્લા અઠવાડિયાથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે.
અમરનાથ યાત્રા બે વર્ષ પછી યોજાઈ રહી છે. ખીણમાં થઈ રહેલી આ ઘટનાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












