ખેડૂતોને દસ દિવસની લાંબી હડતાલ પર જવાની જરૂર કેમ પડી?

મહિલાઓ હડતાળ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, દીપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

પહેલી જૂનથી ભારતનાં અનેક રાજ્યોમાં ખેડૂતોએ 10 દિવસની હડતાલ શરૂ કરી છે.

આ હડતાલ રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. જેમાં 130 જેટલાં ખેડૂત સંગઠનો જોડાઈ રહ્યાં છે.

ગત વર્ષે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ આ સૌથી મોટી હડતાલ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આ વર્ષે ખેડૂતો રોડ પર આવીને પ્રદર્શન નહીં કરે પરંતુ તેઓ શાકભાજી, ફળો કે દૂધ અને તેની બનાવટોને બજારમાં વેચશે નહીં.

પરંતુ હવે સવાલ એ છે કે શા માટે આટલાં સંગઠનો એક સાથે હડતાલ પર જઈ રહ્યા છે? એવું શું થયું કે જગતના તાતને હડતાલ પર ઉતરવું પડ્યું.

line

શા માટે થઈ રહી છે આટલી લાંબી હડતા?

ખેડૂત

ઇમેજ સ્રોત, ASHWIN AGHOR

ભારતના મુખ્ય સાત રાજ્યોના ખેડૂતો હડતાલ કરી રહ્યા છે. આ રાજ્યોમાં હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળનો સમાવેશ થાય છે.

અન્ય રાજ્યોના ખેડૂતો હજી આ હડતાલમાં જોડાયા નથી. તો કેટલાંક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે, પરંતુ સક્રિય રીતે હડતાલમાં જોડાયાં નથી.

રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેજા હેઠળ જોડાયેલાં ખેડૂત સંગઠનોની મુખ્ય માગોમાં દેવાં માફી, ખેડૂતોને ચોક્કસ આવકની બાંયધરી આપવી ઉપરાંત ટેકાના ભાવમાં વધારાનો સમાવેશ થાય છે.

તદુપરાંત ખેડૂતોને પૂરતી વીજળી, સ્વામીનાથન કમિશનના રિપોર્ટને લાગુ કરવો અને ઇથેનોલ જેવા ઇંધણની પૂરતા પ્રમાણમાં સપ્લાય જેવી અનેક માગોનો પણ સમાવેશ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફોરમ ફૉર બાયૉટેક્નૉલૉજી અને ફૂડ સિક્યુરિટીના દેવેન્દર શર્માએ હડતાલ મામલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ખેડૂતો વર્ષોથી દેશનો બોજ પોતાના ખભા પર લઈને ચાલી રહ્યા છે. તો શા માટે સરકાર તેમનાં દેવાં માફ ના કરે? બિઝનેસમેનની લોન માફ થઈ શકે તો ખેડૂતોની કેમ નહીં?

તેમણે કહ્યું કે લાખો ખેડૂતો રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે, તો શું આ એક વિડંબના નથી? હાલ ઉત્તર ભારત અને મધ્ય ભારતના ખેડૂતો હડતાલ પર છે. જો 10 ટકા પણ માલસામાનની કમી થશે તો સરકારના હાથમાંથી કિંમતો નીકળી જશે.

line

'માત્ર 6 ટકા ખેડૂતોને જ મળે છે ટેકાના ભાવનો લાભ'

મહિલા ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના ખેડૂત આગેવાન સાગર રબારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે રાજ્યમાં ખેડૂતોના સૌથી મોટા પ્રશ્નો ભાવ, સિંચાઈ અને વીજળી છે.

તેમણે કહ્યું, "ખેડૂતોને તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી, રાજ્યની 50 ટકાથી વધારે જમીન હજી પણ વરસાદ પર આધારિત છે. સિંચાઈની પૂરતી સુવિધા નથી. સિંચાઈ માટે વીજળી દૈનિક ધોરણે માત્ર આઠ કલાક મળે છે."

તેમણે કહ્યું,"ટેકાના ભાવનો લાભ તમામ ખેડૂતોને મળતો નથી. રાજ્યના માત્ર 10 ટકા ખેડૂતોને જ તેનો લાભ મળે છે. બાકીના ખેડૂતોને તો બજાર પર જ આધાર રાખવો પડે છે."

દેવેન્દર શર્માએ આ મામલે વાત કરતાં કહ્યું કે ટેકાના ભાવનો લાભ દેશભરમાં માત્ર 6 ટકા જેટલા ખેડૂતોને જ મળે છે. બાકીના ખેડૂતો માર્કેટ પર આધારિત છે. એટલે ખેડૂતો ચોક્ક્સ નિશ્ચિત આવકની માગ કરી રહ્યા છે.

કૃષિ અર્થશાસ્ત્રી વાય. કે. અલઘે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે ખેડૂતો જે આવક મેળવે છે તેમની સામે તેમની ખરીદ શક્તિ ઘટી રહી છે. જેથી તેમની સ્થિતિ ખરાબ થઈ રહી છે.

ખેડૂતોની લોન માફી અંગે વાત કરતાં તેમણે કહ્યું, "લોન માફ કરવી સારી વાત નથી. તેનાથી ફરીથી ધિરાણ કરવું મુશ્કેલ બની જાય છે. સહકારી મંડળીઓ કે બૅન્કોની સ્થિતિ લોન માફ કરવાથી ખરાબ થાય છે. પરંતુ ખેડૂતો પણ મુશ્કેલી સ્થિતિમાં છે."

line

સરકાર કેમ ખેડૂતોની હડતાને ગંભીરતાથી નથી લેતી?

ખેડૂત

ઇમેજ સ્રોત, Pti

સાગર રબારીએ કહ્યું, "દેશમાં ખેડૂતો સંગઠિત નથી, દેશમાં સેંકડો ખેડૂત સંગઠનો છે. જેઓ એક થઈ શકે એમ નથી એટલે સરકાર આ મામલે ગંભીર નથી."

"ઉપરાંત આંતરરાજ્ય નિયંત્રણો હતાં તે હવે નથી, એટલે ગુજરાતના તમામ ખેડૂતો હડતાલ પર જતા રહે તો જરૂરી સામાન પાડોશી રાજ્યોમાંથી આવી જાય છે. જેથી ખેડૂતોની હડતાલ અસરકારક બનતી નથી."

વાય. કે. અલઘે કહ્યું, "સરકાર હડતાલ સામે પ્રતિક્રિયા તો આપે છે, સંસદમાં એગ્રીકલ્ચર લોબી છે, પરંતુ તેની ખાસ અસર થતી નથી."

દેવન્દર શર્માએ જણાવ્યું કે ધર્મ, જ્ઞાતિ, વિચારધારા અને રાજકીય રીતે દેશના ખેડૂતો વહેંચાયેલા છે. જેથી તેઓ એક થઈ શકતા નથી. રાજકારણીઓને લાગે છે કે ખેડૂતોને કોઈ એકજૂટ નહીં કરી શકે. જેથી સરકારને વધારે ફેર પડતો નથી. પરંતુ હવે તેઓ એક થઈ રહ્યા છે.

તેમણે કહ્યું, "દેશના મધ્યમ વર્ગને ખેડૂતોની સ્થિતિની પરવા જ નથી. એકવાર ખેડૂતો સાથે મળી ગામ બંધ કરી દેશે, રજા પર જતા રહેશે ત્યારે તેમને ખબર પડશે."

હડતાલ મામલે બોલતા તેમણે કહ્યું, "જો સરકાર નહીં માને તો અમે હજી પણ વધારે સમય માટે ગામડાં બંધ કરી દઈશું. જે બાદ તેની ખરી અસર જોવા મળશે. ખેડૂતોએ પણ સમજવું પડશે કે તેઓએ કંઈક કરવું પડશે તો જ આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે."

line

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ શકશે?

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બેગણી કરવાનું તેમનું લક્ષ્ય છે.

આ મામલે વાત કરતાં વાય.કે. અલઘે કહ્યું, "આ એક સારું સુત્ર છે. એક દાયકમાં કૃષિક્ષેત્રે 4 ટકા વૃદ્ધિ દર એ સારી વાત છે."

"આવક ડબલ કરવી એટલે 10 ટકાથી વધારે વૃદ્ધિ દરની વાત છે. આ દર મેળવવો શક્ય જણાતો નથી, પરંતુ તો પણ આ એક સારી શરૂઆત છે. જેનાથી કૃષિક્ષેત્ર પર વધારે ધ્યાન આપવામાં આવશે. આવક બેગણી કરી શકે કે નહીં પરંતુ તેઓ વૃદ્ધિ દર તો વધારી શકશે."

દેવેન્દર શર્માએ કહ્યું, "વડાપ્રધાનની ખેડૂતોની આવકને બેગણી કરવાની વાતને ભૂલી જવી જોઈએ. તેઓ ટેકાના ભાવ ઉપરાંત 50 ટકા કિંમતો આપી ન શક્યા એટલે બેગણી આવકની વાત લઈને આવ્યા હતા. આવું થવું શક્ય નથી."

સાગર રબારી કહે છે, "મોદીનો આ દાવો વાસ્તવિક રીતે શક્ય જ નથી. કારણ કે કિંમતોનું નિયંત્રણ પણ સરકારના હાથમાં નથી. સરકાર આંતરરાષ્ટ્રીય કિંમતોને પણ નિયંત્રિત કરી શકતી નથી. એટલે સરકારના સારા પ્રયત્નો બાદ પણ આ વાત હાલ પૂરતી શક્ય જણાતી નથી."

line

36 ટકા ખેડૂતો પાસે પાકાં મકાનો નથી

ખેડૂતનાં ઘર

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં ખેડૂતોની હાલત પર CSDS દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી સ્થિતિ સામે આવી હતી.

આ સર્વેમાં સામે આવેલા આંકડા પર નજર કરીએ તો 36 ટકા ખેડૂતો ઝૂંપડાં કે કાચાં મકાનોમાં રહે છે.

28 ટકા ખેડૂતો ભણેલા નથી અને દેશના 61 ટકા ખેડૂતોને દિવસમાં માત્ર બે ટંકનું ભોજન મળે છે, તો 2 ટકા ખેડૂતના પરિવારોને દિવસમાં માત્ર એક ટંકનું ભોજન મળે છે.

83 ટકા ખેડૂતોની વાર્ષિક આવકનો એકમાત્ર સ્રોત ખેતી છે.

NSS દ્વારા કરવામાં આવેલા 2003ના સર્વેમાં જાણવા મળ્યું હતું કે 40 ટકા ખેડૂતો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ ફરજીયાતપણે ખેતી કરે છે.

line

કૃષિવૃદ્ધિ દર ઘટીને 0.8 ટકા થઈ ગયો

વીડિયો કૅપ્શન, ખેતી છોડી મજૂરી કરતા ખેડૂતો

ભારતમાં કુલ શ્રમિકોના 53 ટકા લોકોને ખેતીમાંથી રોજગારી મળે છે. પરંતુ બીજી તરફ દેશના જીડીપીમાં ખેતીનો ફાળો માત્ર 17.5 ટકા છે.

દેશના 86 ટકા ખેડૂતો પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. જેના પર આખો પરિવાર નભે છે.

દેશમાં લોન મેળવતા ખેડૂતોમાંથી 40 ટકાથી વધારે ખેડૂતો નાણાં ધીરનાર, પરિવારો કે દુકાનદારો પાસેથી ઉછીના નાણાં મેળવે છે.

ખેતી ક્ષેત્રે વિકાસની વાત કરીએ તો 2010-11માં કૃષિવૃદ્ધિ દર 8.6 ટકા હતો, જે 2015-16માં ઘટીને 0.8 ટકા સુધી પહોંચી ગયો છે.

(ઉપરોક્ત તમામ આંકડા PRS Legislative Research institute's State of Agriculture report, March 2017 પર આધારિત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો