શા માટે ભાવનગરના પાંચ હજારથી વધુ ખેડૂતો માગી રહ્યા છે ઇચ્છામૃત્યુ?

ઇમેજ સ્રોત, Sonal Bhatti
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
પાવર પ્લાન્ટનો વિરોધ કરી રહેલા ભાવનગરના પાંચ હજારથી વધુ ખેડૂતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ ઇચ્છા મૃત્યુની માગણી કરી છે.
જિલ્લામાં ઘોઘા તાલુકાના 12 ગામોનાં ખેડૂતોની 400 વીઘા જમીનનો કબજો લેવા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે તજવીજ હાથ ધરી છે.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન છે.
જેતે સમયે તેમની પાસેથી સસ્તા ભાવે જમીનો ખરીદવામાં આવી હતી. આથી હવે તેમને નવેસરથી વધુ વળતર મળવું જોઈએ.
બીજી બાજુ, ગુજરાત સરકારનું કહેવું છે કે આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે. એક વખત પૂરેપૂરું વળતર ચૂકવી દેવાયું હોવાથી ફરી વળતર આપી શકાય નહીં.
જેની સામે ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન હાથ ધર્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શા માટે વિરોધ?

ઇમેજ સ્રોત, Getty Images
બોડી ગામના ખેડૂત નરેન્દ્રસિંહ ગોહિલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "1997માં સરકારે જમીનનું સંપાદન કર્યું હતું. એ સમયે સરકારે વળતર પેટે અમને એક વીઘાના માત્ર 40 હજાર રૂપિયા આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ રૂપિયા એ સમય પ્રમાણે બરાબર હશે, પરંતુ સરકારે ત્યારબાદ વર્ષો સુધી આ જમીન સંપાદિત કરી નહીં. અમારો ગુજારો આ ખેતીની જમીન પર જ ચાલતો હતો.
"20 વર્ષો સુધી અમે ખેતી હોવાના કારણે બીજો કોઈ રોજગાર ઊભો કર્યો નહતો.
"ખેતી સિવાય અમારી આજીવિકાનું કોઈ સાધન નથી જેથી અમે સરકાર દ્વારા આ જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છીએ."
1997માં સંપાદિત થયેલી જમીનનો કબજો આટલા વર્ષો સુધી ખેડૂતો પાસે હતો અને તેની ઉપર ખેતી થતી હતી.
2018માં રાજ્ય સરકારે જમીનનો કબજો મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી, જેની સામે ખેડૂતોએ આંદોલન હાથ ધર્યું છે.
ગોહિલ ઉમેરે છે કે હાલમાં એક વીઘો જમીનના રૂ. 21 લાખ ચાલી રહ્યા છે. જો સરકાર નવેસરથી વળતર ચૂકવે તો તેઓ જમીન આપવા તૈયાર છે.
'ઇચ્છામૃત્યુ સિવાય કોઈ વિકલ્પ નથી'

ઇમેજ સ્રોત, Sonal Bhatti
જામખડસિયાનાં ખેડૂત પ્રવીણસિંહ ગોહિલના કહેવા પ્રમાણે, "અમારા બાપદાદાઓએ જમીન આપી તેની અમને ખબર જ નથી, પરંતુ અમારી પાસે હવે કોઈ આવકનું સાધન નથી.
"અમારી પાસે બીજો કોઈ ધંધો નથી, ત્યારે સરકાર આ જમીન અમારી પાસેથી લઈ લે તો અમારે સામુહિક આત્મહત્યા કરવા સિવાય કોઈ ચારો નથી, માટે અમે ઇચ્છામૃત્યુની માંગણી કરીએ છીએ."
પ્રવીણસિંહ પાસે પંદર વીઘા જમીન છે. જેની ઉપર ઘઉં, ચણા, જુવાર ઉપરાંત પશુપાલન માટેનો રજકો ઉગાડીને વાર્ષિક રૂ. ત્રણ લાખની આવક રળે છે.
મલેકવદર ગામના ખેડૂત યોગરાજસિંહ સરવૈયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:
"અમે દર વર્ષે અહીં કપાસ, બાજરી અને મગફળી જેવો પાક લઈએ છીએ. વાર્ષિક ચાર લાખ રૂપિયાની આવક છે.
"હવે જો સરકાર અમારી ખેતીની જમીન લઈ લે તો અમારી પાસે જીવનનો કોઈ આશરો નહીં રહે. આથી અમે ઇચ્છામૃત્યુની માગણી કરી રહ્યાં છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
ઘોઘા તાલુકાના 12 ગામના 5259 ખેડૂતોએ ઇચ્છામૃત્યુની માંગણી કરી છે.
અરજીમાં ખેડૂતોએ અંતિમ ઇચ્છા તરીકે માગ કરી છે કે સૈનિકોની ગોળી દ્વારા તેમને મૃત્યુ આપવામાં આવે.
આંદોલનકારી ખેડૂતો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હસ્તક્ષેની માંગણી કરી રહ્યા છે અને જો માગણી ન સંતોષાય તો આવનારા દિવસોમાં પરિવાર સાથે સામુહિક આમરણાંત ઉપવાસ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
144ની કલમ લાગુ

ઇમેજ સ્રોત, Sonal Bhatti
પ્રવીણસિંહના કહેવા પ્રમાણે, "અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે. સરકાર બળજબરીથી આ જમીન સંપાદિત કરી રહી છે.
અમે એનો વિરોધ કર્યો તો અમારા પર લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસના સેલ્સ વરસાવવામાં આવ્યા હતા.
ઉપરાંત 500 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ 15મી મે સુધી 144મી કલમ લગાવી દીધી છે.
આથી, અમારા ગામમાં લગ્નપ્રસંગે પણ કોઈ જઈ શકતું નથી. કોઈ પ્રસંગ પણ ઉજવી શકાતો નથી.
'ફરી ચૂકવણું ન કરી શકાય'

ઇમેજ સ્રોત, Getty Images
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ખેડૂતોને 1997માં પૈસા ચૂકવાઈ ગયા છે. હવે નવા ભાવે પૈસા માંગે તો એ ચૂકવવા શક્ય નથી. તેમની માંગણી ગેરવાજબી છે."
ઉર્જાપ્રધાન સૌરભ પટેલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "સરકારે જેતે સમયે જમીન સંપાદિત કરી ત્યારે ખેડૂતોને 100 ટકા રકમ ચૂકવી દીધી છે.
"અહીં સરકારે 500 મેગાવોટ વીજળીના ઉત્પાદન માટે છેલ્લાં પાંચ વર્ષથી કામ શરૂ કર્યું હતું. ત્યારે ખેડૂતોએ વિરોધ ન નોંધાવ્યો.
"સરકારે પાવર પ્લાન્ટ માટે 5000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. લિગ્નાઇટ માટે ખોદકામ શરૂ કર્યું, ત્યારે જ ખેડૂતોનાં નામે આંદોલન કરાવી વિપક્ષો દ્વારા આને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.
"જોકે, સરકાર આવા પ્રયાસો સામે ઝૂકવાની નથી અને પાવર પ્લાન્ટ માટેની જમીન સંપાદિત કરીને જ રહેશે."
ગુજરાતમાં વીજ ઉત્પાદન

ઇમેજ સ્રોત, Getty Images
- ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના આંકડા પ્રમાણે, નાણાકીય વર્ષ 2015- '16 દરમિયાન રાજ્યની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 24,925ની હતી.
- જેમાં રાજ્ય સરકાર હસ્તકના વીજ ઉત્પાદન મથકોની ક્ષમતા 5996 મેગાવોટની હતી.
- સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટીના ઓથોરિટીના આંકડા (એપ્રિલ-2016 થી જાન્યુઆરી-2017 દરમિયાન, પૂર્વાવલોકન) પ્રમાણે, ગુજરાતની મહત્તમ વીજ માગ 13,157 મેગાવોટની છે.
ગુજરાતમાં ખેડૂતો

નીતિ આયોગ દ્વારા નિમવામાં આવેલા ટાસ્ક ફોર્સે નવેમ્બર-2015માં તેનો અહેવાલ આપ્યો હતો. આ અહેવાલ મુજબ:
- ગુજરાતમાં 122.11 લાખ હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવે છે. જેમાંથી 56.14 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળે છે.
- ગુજરાતમાં 48.86 લાખ જમીન ખાતેદાર છે, જેઓ સરેરાશ 2.03 હેક્ટર જમીન ધરાવે છે.
- કુલ જમીન ખાતેદારોમાંથી 31.16 ટકા ખેડૂત સીમાંત, 29.25 ટકા ખેડૂત લઘુ, 22.10 ટકા ખેડૂત લઘુ-મધ્યમ, 10.49 ટકા ખેડૂત મધ્યમ તથા એક ટકા ખેડૂત મોટા ખેડૂતની શ્રેણીમાં આવે છે.
- ગુજરાતના ખેડૂતો મુખ્યત્વે કપાસ, મગફળી, શેરડી અને તમાકુનું વાવેતર કરે છે.
- ઉપરાંત ઘઉં, ચોખા, બાજરા, એરંડા, મકાઈ, રાઈ તથા જીરાના પાક પણ લેવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












