ગુજરાત: 'સ્ત્રી' નવલકથાએ કેવી રીતે 'અશ્લીલતા'નો કેસ જીત્યો હતો?

ઇમેજ સ્રોત, Urvish Kothari
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાકૃત 'સુરતસંગ્રામ'થી માંડીને ચંદ્રકાંત બક્ષીલિખિત 'કુત્તી' સુધીની કૃતિઓ તેમાં રહેલી કથિત અશ્લીલતા કે શૃંગારિકતા માટે વખતોવખત ચર્ચાતી રહી છે.
પરંતુ કોઈ ગુજરાતી પુસ્તક પર અશ્લીલતાનાં કારણસર, માફામાફી કે કોર્ટ બહાર સમાધાનની કોઈ પેરવી વિના, પૂરા કદનો મુકદ્દમો ચાલ્યો હોય અને કેસનો ચુકાદો કૃતિની તરફેણમાં આવ્યો હોય એવો નોંધપાત્ર અને લગભગ ભુલાયેલો દાખલો એટલે 1954માં પ્રકાશિત પુસ્તક 'સ્ત્રી'.
ઇટાલીના વિખ્યાત નવલકથાકાર આલ્બર્ટો મોરેવિઆની નવલકથા 'વુમન ઑફ રોમ'નો ગુજરાતી અનુવાદ રવાણી પ્રકાશન ગૃહ દ્વારા બે ભાગમાં, 'સ્ત્રી' શીર્ષક સાથે પ્રગટ થયો.
અનુવાદ જયાબહેન ઠાકોરે કર્યો હતો. નવલકથાનું મુખ્ય કથાવસ્તુ એક કિશોરીની પીડા રજૂ કરતું હતું.
બીજી કોઈ પણ છોકરીની જેમ ઘરગૃહસ્થી ઇચ્છતી એ કિશોરીને બીજા વિશ્વયુદ્ધ પછી ન છૂટકે દેહવ્યાપારના વ્યવસાયમાં સંકળાવું પડ્યું.
તેની માનસિકતા અને મનોભાવ આ કૃતિમાં ઝીલાયાં છે. આ કથાવસ્તુ અને ખાસ તો કેટલાંક વર્ણન કલાત્મકને બદલે ગલગલિયાં પ્રેરનાર બની શકે એવાં હતાં.
આ હકીકત પ્રત્યે સભાન એવા પ્રકાશકોએ તેના અનુવાદનું કામ એમ. એ. થયેલાં 30 વર્ષનાં જયાબહેન ઠાકોરને સોંપ્યું.
જયાબહેને આ કામ પૂરી ચીવટથી અને તેમાં બિલકુલ છીછરાપણું ન પ્રવેશે એ રીતે પૂરું કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Urvish Kothari
પરંતુ જેને આ વિષય જ અસહ્ય લાગતો હોય એવા રૂઢિચુસ્તોનું શું?
પુસ્તકના બંને ભાગ પ્રગટ થયા પછી તેમાંથી કેટલાક ચુનંદા ફકરા ટાંકીને એક પ્રાથમિક શિક્ષકે મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી મોરારજીભાઈ દેસાઈને ફરિયાદ કરી. (ત્યારે ગુજરાત અલગ થયું ન હતું.)
સાત્ત્વિકતા અને ઘણી વાર તેના નામે આત્યંતિકતા માટે જાણીતા મોરારજીભાઈએ ઝાઝી તપાસ કર્યા વિના અમદાવાદાના કલેક્ટર લલિતચંદ્ર દલાલને પુસ્તક સામે અદાલતી કાર્યવાહીનો આદેશ આપી દીધો.
કહ્યાગરા કલેક્ટરની જેમ અદાલતમાં પહોંચી જવાને બદલે લલિતચંદ્ર દલાલે જયાબહેનને બોલાવ્યાં અને કહ્યું કે પુસ્તકમાંથી અમુક ફકરા-વાક્યો કાઢી નાખો તો વાત અહીંથી જ અટકી જાય.
પરંતુ જયાબહેન માન્યાં નહીં. તેમણે લલિતચંદ્રને કથિત વાંધાજનક એવા ફકરા અને વાક્યોનો સંદર્ભ સમજાવ્યો.
ત્યાર પછી કલેક્ટરે કાર્યવાહી આગળ વધારી નહીં, પરંતુ મહાગુજરાત આંદોલન વખતે તેમની બદલી થઈ.
ત્યાર પછી મુંબઈ સરકારે વડોદરાની અદાલતમાં 'સ્ત્રી' સામે કેસ માંડ્યો.
વ્યક્તિગત રીતે અનુવાદિકા જયાબહેન ઠાકોર, પ્રકાશક તારાચંદ રવાણી, પહેલો ભાગ છાપનાર કિશનસિંહ ચાવડા (વડોદરા) અને બીજો ભાગ છાપનાર નવભારત પ્રેસ (અમદાવાદ) સામે.


ઇમેજ સ્રોત, Urvish Kothari
આ કેસ લાગણીદુભાવ અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની વર્તમાન ચર્ચામાં પણ મિસાલરૂપ બને એવો છે.
તેમાં જુદી જુદી વિચારધારા ધરાવતા ચાર સાહિત્યકારોએ અદાલતમાં જુબાની આપીને કળા તથા અશ્લીલતા વચ્ચેનો, ચોખલિયાપણા અને મૂલ્યો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપ્યો.
એ સાહિત્યકારો હતા જાહેર જીવન સાથે સક્રિયપણે સંકળાયેલા અને સમાજવાદી તરીકે જાણીતા જયંતી દલાલ, બહુમુખી પ્રતિભા ધરાવતા, 'સંસ્કૃતિ' માસિકના તંત્રી ઉમાશંકર જોશી, કવિ-નાટ્યકાર ચંદ્રવદન ચી. મહેતા અને વડોદરાના માર્કસવાદી શિક્ષક શાંતારામ સબનીસ.
આ ચારેય સાહિત્યકારો એ મુદ્દે એકમત હતા કે આ કૃતિ વાસ્તવલક્ષી છે અને અશ્લીલ નથી.
ચં. ચી. મહેતાએ નરસિંહ મહેતા અને દયારામનાં કેટલાંક કાવ્યોને યાદ કરીને કહ્યું કે અમુક ટુકડાને અલગથી જોઈને કૃતિ શ્લીલ છે કે અશ્લીલ એ નક્કી ન થઈ શકે.
ઉમાશંકર જોશીએ કૃતિને માનવતાવાદી ગણીને કહ્યું કે જે ભાગ પર તહોમત મુકાયું છે, તે અશ્લીલતાની છાપ ઉપસાવતા નથી અને "કામજીવનની વાત કરે છે એ કારણે જ એ ભ્રષ્ટ કરનારી કે અવનતર કરનારી કૃતિ કહેવાય નહીં."

ઇમેજ સ્રોત, Urvish Kothari
જયંતી દલાલે વધારે ફોડ પાડીને કહ્યું કે "કોઈ લખાણ આંચકો આપે એવું હોય કે ઘૃણાજનક હોય તે અશ્લીલ પણ હોય એવું નથી.
"ચિત્તને ભ્રષ્ટ કરે અને નીતિને અવનત કરે તે અશ્લીલતા કહેવાય. કૃતિની અશ્લીલતા કે શિષ્ટતા અંગે નિર્ણય કરવામાં તેના વાચક ઉપરના પ્રભાવને લક્ષમાં લેવો પડે. આ ધોરણે 'સ્ત્રી' અશ્લીલ નથી."
આ તો થયો સાહિત્યકારોનો ચુકાદો. પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી. જે. દવેએ સાહિત્યકારોના દૃષ્ટિબિંદુને પૂરો ન્યાય મળે અને દુનિયાના બદલાતા પ્રવાહોનું જેમાં પ્રતિબિંબ દેખાય એવો પ્રગતિશીલ ચુકાદો આપ્યો.
અશ્લીલતા અંગેની વિક્ટોરિયન મનોદશા છોડી દેવાનું સૂચવીને તેમણે કહ્યું, "નગ્ન સ્ત્રીનું ચિત્ર કે જાહેર ઉદ્યાનમાં એવી શિલ્પપ્રતિમા નગ્ન હોવાને કારણે જ અશ્લીલ નથી."
એ સમય નવી ટેકનૉલૉજીના પરોઢનો હતો. રશિયાએ પહેલો ઉપગ્રહ સ્પુતનિક છોડીને તરખાટ મચાવ્યો હતો.
તેના પગલે આવનારાં સંભવિત પરિવર્તનો વિશે ન્યાયાધીશ દવેએ કહ્યું, "સ્પુતનિકના જમાનામાં જગત સાંકડું બની ગયું છે અને અંતર હવે માનવી માનવીને વિખૂટાં પાડી શકતું નથી.
"ઇટાલીમાં જે બને તેની અસર ભારત ઉપર નહીં પડે એમ યથાર્થપૂર્વક કહી શકાય એમ નથી."

ઇમેજ સ્રોત, Urvish Kohari
તેમણે 'જો' અને 'તો'ની ઠાવકાઈમાં ગયા વિના સ્પષ્ટ શબ્દોમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે તે કામવૃત્તિને ઉત્તેજે એવી કૃતિ નથી.
આવા કેસ કયા ત્રાજવે તોળવા જોઈએ એ વિશે પણ તેમણે મનનીય વાત કરી.
તેમણે લખ્યું, "આવી કલાકૃતિમાં સૌદર્યને બદલે બદસુરતી જોનારાઓની દૃષ્ટિ જ દોષથી ભરેલી છે.
"અવ્યવસ્થિત કે રોગીષ્ટ ચિત્ત પર આવી કૃતિની અસર માપવાનો કોઈ માર્ગ નથી અને એવાં ચિત્ત ઉપરની અસરના આધારે જો સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણા સાહિત્યમાં થોડીક નીરસ અને શુષ્ક કૃતિઓ જ બાકી રહે."
ઉપરાંત આવા કેસમાં સાહિત્યકારો સામે કેસ માંડતાં પહેલાં સરકારે સાહિત્યસંસ્થાઓનો અભિપ્રાય લેવો જોઈએ એવું પણ તેમણે સૂચવ્યું.
અદાલતી ચુકાદા પછી 1959માં 'સ્ત્રી' ફરીથી પ્રગટ કરવામાં આવી.
"તેમાં આખા વિવાદ વિશે જયાબહેને લખ્યું હતું, "માનવતાની મુક્તિને કાજે ઝઝૂમનારાંઓને કદીક આરોપી બની પિંજરામાં ઊભા રહેવું પડે છે.
"મને પણ એવી તક મળી એ બદલ હું ગૌરવ અનુભવું છું અને એ ગૌરવ અપાવનાર ફરિયાદી પક્ષનો આભાર માનું છું."
વર્ષ 2011માં વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની સાથે જયાબહેનને મળવાનું થયું, ત્યારે તેમના માટે આ કેસ દૂરનો ભૂતકાળ બની ચૂક્યો હતો.
પરંતુ તેમણે લખેલી વાત અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ઝંખનાર દરેક પેઢી માટે પ્રેરણાદાયી જ નહીં, માર્ગદર્શક પણ નથી?
(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













