શિવસેના શા માટે મહારાષ્ટ્રમાં ગુજરાતીઓનો વિરોધ કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના નાણારમાં ફરી એક વખત ગુજરાત અને ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે.
ઠાકરેએ કહ્યું, "નાણાર પ્રોજેક્ટને ગુજરાત લઈ જવો હોય તો લઈ જાવ."
રત્નાગિરિમાં રૂ. ત્રણ લાખ કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો પેટ્રો-કેમિકલ પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે.
જેનો વિરોધ કરવા નાણાર ખાતે યોજાયેલી જાહેરસભામાં ઠાકરેએ ઉપરોક્ત વાત કહી.
મહારાષ્ટ્રમાં લગભગ અઢી દાયકાથી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન છે, પરંતુ ભાજપમાં 'મોદી-શાહ યુગ' દરમિયાન બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો છે.
તાજેતરના ગજગ્રાહથી કોને લાભ થશે અને કોને નુકસાન થશે?
આ વિશે બીબીસીએ વિશ્લેષકો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી.

શિવસેના અને મનસે માટે ગુજરાતી 'ભૈયા'

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદનના કહેવા પ્રમાણે, "સ્થાપના સમયથી જ શિવસેનાનું વલણ ગુજરાતીઓ અને ગુજરાત વિરોધી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરંતુ 'મોદી-શાહના યુગ'માં શિવેસનાની ગુજરાતીઓ અને ભાજપ પ્રત્યે નફરત વધી છે.
"બંનેને કારણે શિવસેનાને મન ભાજપ એ 'ગુજરાતીઓની પાર્ટી' બની ગઈ છે."

પત્રકાર જતીન દેસાઈના કહેવા પ્રમાણે, "ગુજરાતીઓ મહદઅંશે ભાજપ તરફ ઢળેલા છે અને મરાઠીઓ શિવસેના તરફી વલણ ધરાવે છે.
"લોકસભાની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ કે શિવસેનાના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું.
"જોકે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી તથા મહાનગર પાલિકાની ચૂંટણીઓ દરમિયાન ગુજરાતીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો."
દેસાઈ ઉમેરે છે,"નોટબંધી અને જીએસટી જેવા પગલાઓને કારણે મુંબઈમાં વસતા નાના ગુજરાતી વેપારીઓમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે.
ઉપરાંત આ વખતે 'મોદીનો કરિશ્મા' પણ નથી. તેથી ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જેવું પ્રદર્શન કરી શકશે કે કેમ તે એક સવાલ છે."

ઇમેજ સ્રોત, Getty Images
આનંદન ઉમેરે છે કે, શિવસેનાએ પહેલા દક્ષિણ ભારતીયોનો વિરોધ કર્યો, બાદમાં ગુજરાતીઓનો વિરોધ કર્યો હતો.
1990ના દાયકામાં શિવસેનાએ યુપી બિહારના લોકો (જેને શિવસેના અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે) દ્વારા 'ભૈયાઓ' કહેવામાં આવે છે.)નો વિરોધ શરૂ કર્યો.
પ્રમોદ મહાજનના સમયમાં આ વિરોધ બાજુએ મૂકી દેવાયો હતો.
પરંતુ છેલ્લા ચારેક વર્ષથી આ વિરોધ ફરી બહાર આવ્યો છે અને શિવસેના માટે ગુજરાતીઓ 'નવા ભૈયા' બની ગયા છે.

કોને લાભ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાએ ફરી એક વખત ગુજરાત તથા ગુજરાતીઓ પર નિશાન સાધ્યું છે, ત્યારે શું શિવસેનાને લાભ થશે કે ભાજપને નુકસાન થશે?
વરિષ્ઠ પત્રકાર સુજાતા આનંદનના કહેવા પ્રમાણે, "ચૂંટણીઓ પૂર્વે શિવસેનાને વિરોધ માટે કોઈકની જરૂર હોય છે. આ વખતે શિવસેના ગુજરાતીઓનો વિરોધ કરી રહ્યું છે.
"આ વિરોધને કારણે ગુજરાતી મતદારો ભાજપ તરફી વલણ ધરાવશે.
"ઉપરાંત ઉત્તર પ્રદેશ તથા બિહારથી આવીને મુંબઈમાં વસેલા લોકો પણ ભાજપ તરફી ઢળશે.
"જેથી મુંબઈ તથા તેના પરા વિસ્તારોમાં ભાજપ તરફી ઝોક જોવા મળી શકે છે.
"જોકે, અન્ય વિસ્તારોમાં મરાઠી મતદારો શિવસેના તરફ ઢળે તેવી શક્યતા છે.
"અનેક મેગા પ્રોજેક્ટ્સને કારણે કોંકણ પ્રાંતમાં શિવસેનાને લાભ થશે. જ્યાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. સરવાળે બંને પક્ષોને લાભ થશે."

'મોદી-શાહ બધુંય કરાવી રહ્યા છે'

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાના પ્રવક્તા હર્ષલ પ્રધાનના કહેવા પ્રમાણે, "સ્થાનિકો આ પ્રોજેક્ટની વિરુદ્ધ છે.
"પરંતુ શાહ અને મોદીના દબાણ હેઠળ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ આ બધુંય કરી રહ્યા છે. "
નાણારમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "પ્રોજેક્ટની જાહેરાત થઈ તે પહેલા જ અહીં ગુજરાતીઓ અને મારવાડીઓએ કઈ રીતે જમીનો ખરીદી લીધી?
"આ વિસ્તારમાં શાહ, મોદી કે કટિયાર જેવા ખેડૂતો કયાંથી આવ્યા? આ એક કૌભાંડ છે અને જમીન ફાળવણીમાં કૌભાંડ થયું છે."
મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા પ્રેમ શુક્લાના કહેવા પ્રમાણે, "જો પ્રોજેક્ટ સામે કોઈ વાંધો હોય તો ચર્ચા કરવી જોઈએ.
"પરંતુ આ રીતે ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ એ શિવસેનાની સંકૂચિત માનસિક્તા છતી કરે છે."
ગુજરાત શિવસેનાના સંપર્ક પ્રમુખ રાજુલબહેન પટેલના કહેવા પ્રમાણે, "શિવસેના ગુજરાત કે ગુજરાતીઓ વિરુદ્ધ નથી. પરંતુ શિવસેનાને ભાજપની હુકમશાહી સામે વાંધો છે.
"મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપનો સાથી પક્ષ હોવા છતાં આટલા જંગી પ્રોજેક્ટ માટે અમને વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા."

વોટબેન્ક તરીકે ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ત્રીસ લાખ ગુજરાતીઓ વસે છે.
જેમાંથી 22 લાખ ગુજરાતીઓ મતાધિકાર ધરાવે છે.
આ ગુજરાતીઓ કોઈપણ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
નાગપુર, કરાડ, પુના વગેરે જિલ્લાઓમાં ગુજરાતીઓની વસ્તી છે. પરંતુ તેમનું ખાસ પ્રભુત્વ નથી.
આ બેઠકો પર તેમની મહત્તમ વસ્તી આઠથી દસ ટકા જેટલી જ છે.
ભાજપને આશા છે કે ગુજરાતીઓ ઉપરાંત ઉત્તર પ્રદેશ તથા બિહારથી આવીને મુંબઈમાં વસેલા લોકો પણ તેની પડખે રહેશે.
શિવસેના માટે કોંકણનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર જતીન દેસાઈ કહે છે, "બાલાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રિયનોના હિતોને આગળ વધારવા શિવસેનાની સ્થાપના કરી હતી.
"ત્યારે મુંબઈમાં વસેલા મૂળ કોંકણવાસીઓએ તેમનું સમર્થન કર્યું હતું. મુંબઈ અને ઠાણે બાદ કોંકણ વિસ્તારમાં શિવસેનાને સ્વીકાર્યતા મળી હતી.
"આથી શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવે તે સ્વાભાવિક છે."
દેસાઈના કહેવા પ્રમાણે, "ઉદ્ધવ ઠાકરેએ કોંકણવાસીઓના વિરોધને અવાજ આપ્યો છે.
"ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ ઉપરવટ જઈને જમીન અધિગ્રહણનું જાહેરનામું રદ કર્યું છે."
પરંપરાગત રીતે આ વિસ્તારમાં શિવસેનાનું પ્રભુત્વ રહ્યું છે.
શું છે નાણાર પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તથા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં નાણાર ખાતે ત્રણ લાખ કરોડના ખર્ચે દેશનો સૌથી મોટો પેટ્રો કેમિકલ પ્રોજેક્ટ સ્થાપી રહ્યા છે.
સાઉદી અરેબિયાની ઑઇલ કંપની આર્મકો પણ આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની છે.
આ રિફાઇનરીની ક્ષમતા 60 મિલિયન ટનની હશે. જેમાં ભવિષ્યમાં પાંચ ગણો વધારો કરી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













