મહારાષ્ટ્ર: ખેડૂતોનું જીવન લેતી જંતુનાશક દવા, 18 લોકોનાં મોત

મૃત્યુ પામેલા ગજાનન ફૂલમાલીના પરિવારની તસવીર, જેમાં તેમના માતા-પિતા, પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે

ઇમેજ સ્રોત, PRASAD NAIGAONKAR

ઇમેજ કૅપ્શન, મૃતક ગજાનન ફૂલમાલીનો પરિવાર
    • લેેખક, સંજય રમાકાંત તિવારી
    • પદ, યવતમાલ, મહારાષ્ટ્ર

વિદર્ભનો યવતમાલ જિલ્લો બે દાયકાથી કપાસના ખેડૂતોની આત્મહત્યાને કારણે જાણીતો બન્યો છે.

પરંતુ છેલ્લા 2 અઠવાડિયામાં આ જિલ્લામાં રાસાયણિક જંતુનાશકોની અસરથી મૃત્યુ થઈ રહ્યાં છે.

18 લોકોનાં મોત ઝેરી જંતુનાશકને કારણે થયાં છે. રાજ્ય સરકારે મંગળવારે સચિવ સ્તરની તપાસના આદેશ આપ્યા છે.

આ મૃત્યુ પામેલાં લોકોમાંથી એક ગજાનન ફૂલમાલી છે. તેઓ 3 એકરમાં કપાસની ખેતી કરતા હતા.

તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. તેમનો પરિવાર આઘાતમાં સરી ગયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમની દીકરી પ્રતીક્ષા જણાવે છે કે પ્રથમ વખત છંટકાવ દરમિયાન તેમના ખભા પર ઘાવ થયો હતો. 10-12 દિવસ પછી તેઓ ફરી છંટકાવ માટે ગયા.

પાછા ફરતા ગજાનનને ઝાડા-ઉલ્ટી શરૂ થયા. તેમને ગામના પ્રાથમિક દવાખાનાથી શહેરની સરકારી હૉસ્પિટલ સુધી સારવાર આપવામાં આવી.

પણ હાલતમાં સુધારો ન થતા તેમને ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ફી વધારે હોવાથી પરત સરકારી હૉસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

કપાસ ઉતારતી મહિલા અને પુરુષ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, એકલા યવતમાલમાં 9 લાખ હૅક્ટરમાં કપાસની વાવણી થઈ છે

હાલમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત વસંતરાવ કૃષિ સ્વાવલંબન મિશનના અધ્યક્ષ કિશોર તિવારીએ યવતમાલની મુલાકાત લીધી. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા પંદર દિવસમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

મૃત્યુ પામનાર ખેડૂતો અને ખેતમજૂરો છે. સેંકડો લોકોને હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.

રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલયના અધિક મુખ્ય સચિવને તપાસની કમાન સોંપી છે.

રાજ્યના ઊર્જા, પર્યટન તથા અન્ન અને ઔષધિ મામલાના રાજ્યમંત્રી મદન યેરાવરે બીબીસી સાથે વાત કરી.

તેમણે કહ્યું કે જંતુનાશકના છંટકાવ માટે મફતમાં માસ્ક અને મોજાંને વહેંચવાનું શરૂ કરી દીધું છે. મદન યેરાવરે એ પણ કહ્યું કે હૉસ્પિટલમાં જરૂરી આદેશ અપાયા છે.

મદન યેરાવાર કહે છે કે એકલા યવતમાલમાં 9 લાખ હૅક્ટરમાં કપાસની વાવણી થઈ છે.

પાણી ભરીને જતો પુરુષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જંતુનાશકના છંટકાવ માટે મફતમાં માસ્ક અને મોજાંની વહેંચણી શરૂ

તેમના કહેવા મુજબ સારા વરસાદને પરિણામે છોડની ઊંચાઈ વધી છે. એક જ જગ્યાએ છંટકાવમાં નોઝલ સ્પ્રેની બદલે ચાઇનીઝ સ્પ્રેનો ઉપયોગ કરાયો હતો.

તેઓ કહે છે કે મોઢા પર માસ્ક, હાથમાં મોજાં અને શરીર પર ઍપરન પહેરવાની જરૂર હતી. પરંતુ તેમ ન થવાથી ઇન્ફેક્શન થયું હોઇ શકે.

તેમના અનુસાર દરેક ખેડૂત છંટકાવ ન કરી શકે, દરેક ગામમાં પ્રશિક્ષિત મજૂરોની ટીમ છે. તેમ છતાં કેટલાક ખેડૂતો જાતે આ કામ જ કરે છે.

કિશોર તિવારીએ કહ્યું કે થોડા દિવસ પહેલા કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ અહિરે આ મામલો ઉઠાવ્યો હતો. જે આ જિલ્લાના મારેગાંવ વિસ્તારમાં 4 લોકોનાં મૃત્યુનો હતો.

કિશોર તિવારીના કહેવા મુજબ જિલ્લામાં ખેડૂતો દ્વારા અનિયંત્રિત અને અતાર્કિક પ્રમાણમાં જંતુનાશકનો છંટકાવ થઈ રહ્યો છે. તેમણે નક્કી કર્યુ કે તેઓ જાત તપાસ કરશે.

તેમણે યવતમાલ જિલ્લામાં પ્રવાસ કર્યો અને આ મામલે જાણકારી મેળવી. તેજ જંતુનાશક દવાઓના છંટકાવથી આંખો પર અસર થઈ હોય તેવા 25 મામલા તેમની સામે આવ્યા હતા.

તિવારી કહે છે "બીજ કંપની અને તેમના ડિસ્ટ્રીબ્યુટર્સે છંટકાવ કઈ રીતે થાય તેની ટ્રેનિંગ આપવી જોઇએ."

તેઓ કહે છે આ તમામ પર કૃષિ વિભાગે નજર રાખવી જોઈએ. પરંતુ જો અસર દેખાય તો સ્વાસ્થ્ય વિભાગે પગલાં લેવા જોઇએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો