પારસીઓની વસતી કેમ લુપ્ત થવાના આરે આવી ગઈ છે?

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લોકો જેમને 'સોજ્જા મજાની કોમ' કહે છે એવા પારસીઓની વસ્તી ભારતમાં સતત ઘટી રહી છે.

ઉદ્યોગપતિઓ જેવા કે રતન ટાટા, ગોદરેજ, વાડિયા, વૈજ્ઞાનિક હોમી ભાભા, ફિલ્ડ માર્શલ સેમ માણેકશૉ, સ્વાતંત્ર્ય સેનાની દાદાભોઈ નવરોજી, ક્રિકેટર ફારુખ એન્જિનિયર, કવિ ખબરદાર, ઑરકેસ્ટ્રા કન્ડક્ટર ઝુબીન મહેતા, ઍક્ટર બોમન ઇરાની, કાયદાવિદ્ નાની પાલખીવાલા, સોલી સોરાબજી અને ફલી નરીમાન સહિત એવાં ઘણાં નામો છે, જેમણે ન માત્ર તેમના ક્ષેત્રમાં પારસી સમાજનું નામ ઊંચું કર્યું પરંતુ દેશ માટે પણ અનોખું પ્રદાન આપ્યું છે.

જોકે, આજે આવાં તમામ ક્ષેત્રોમાં અગ્રેસર એવા આ પારસીઓની વસ્તી ઘટી રહી છે.

હવે જ્યારે પારસીઓની વસ્તી ઘટી રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ ચેતવણી ઉચ્ચારી છે કે ત્રણ હજાર વર્ષ જૂના આ જરથોસ્તી ધર્મ લુપ્ત થવાના આરે છે.

કેન્દ્રીય લઘુમતી મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2020માં પારસીઓની વસ્તી ઘટીને 57,264 થઈ ગઈ, જે વર્ષ 2011માં 69,601 હતી. વર્ષ 1941માં પારસીઓની સંખ્યા 1.14 લાખ હતી.

એક આંકડા અનુસાર પારસીઓમાં 31 ટકા પારસીઓ વૃદ્ધ છે એટલે કે 60થી ઉપરની ઉંમરના છે અને 30 ટકા પારસીઓ અપરિણીત છે.

પારસીઓની વસ્તી 50 હજાર કે એનાથી ઓછી થઈ જશે તો ભારતમાં પારસીઓનો સમાવેશ 'ટ્રાઇબ 'માં થઈ જશે.

line

ગંભીરતાનો અભાવ

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નવસારીમાં રહેતા પારસી ઇતિહાસના જાણકાર કેરસી દેબુ કહે છે કે "પારસીઓની વસ્તી ઘટી રહી છે અને સ્થળાંતર પણ વધ્યું છે. ભારતમાંથી અન્ય દેશોમાં પારસીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે."

વસ્તી ઘટવાનાં કારણો અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે ઘટી રહેલી વસ્તીને પારસીઓ જ ગંભીરતાથી નથી લેતા.

તેમના જણાવ્યા અનુસાર વસ્તી વધારવી હોય તો જન્મદરનું પ્રમાણ વધારવું પડે.

તેઓ કહે છે, "સામાન્ય રીતે પારસીઓમાં એક બાળકની પ્રથા ચાલી રહી છે. આથી જો વસતી વધારવી હોય તો એક યુગલ દીઠ ઓછામાં ઓછાં ત્રણ બાળકો હોવાં જોઈએ. પણ એ પેદાં કરવા માટે કોઈ પારસીની તૈયારી હોય એવું લાગતું નથી."

સદીઓ પહેલાં પારસીઓ જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓએ અન્યનું ધર્માંતરણ નહીં કરવાની ખાતરી આપી હતી પણ સમુદાયની વૃદ્ધિ સીમિત થઈ ગઈ.

line

'જિયો પારસી'

સાંકેતિક તસવીર

કેટલાક કહે છે કે ધર્મની અંદર જ લગ્ન અને મેળાપ એક ઉકેલ છે. પણ યોગ્ય સાથી મળવાના કઠિન કામને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે.

છેલ્લાં 10 વર્ષથી લગ્ન મેળાવડાનું આયોજન કરતા ઝરીન કહે છે કે મેં અત્યાર સુધીમાં 85 યુગલનાં લગ્ન કરાવ્યાં છે.

પારસી નવયુગલો માટે લગ્નનાં આયોજનો વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી તેમની વસ્તી ઘટતી અટકાવી શકાય.

છેલ્લાં આઠ વર્ષથી ભારત સરકાર 'જિયો પારસી' પ્રકલ્પ હેઠળ આર્થિક સહાય કરી રહી છે, જેનો કેટલાક પારસીઓ લાભ લઈ રહ્યા છે.

પારસીઓ વધુ બાળકોને જન્મ આપી શકે એ માટે 'જિયો પારસી'ના માધ્યમથી સારવાર માટે સહાય કરવામાં આવે છે. પણ જે પારસીઓ અન્ય ધર્મના લોકો સાથે લગ્ન કરે એમને ભારતના કાયદાઓ પ્રમાણે લાભ મળતો નથી.

કેટલાક પારસીઓને લગ્નમાં વધુ છૂટ આપવાથી તેમને તેમની ઓળખ ગુમાવી દેવાનો ભય સતાવી રહ્યો છે.

આ બધા મતભેદો છતાં ભારતના પારસીઓ એ વાતે સહમત છે કે તેમનો ધર્મ ટકી રહેવો જોઈએ.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો