ધ ચાયવાલી : રાજકોટનાં રૂકસાના જેમની તંદુરી ચા પીવા દૂર-દૂરથી લોકો આવે છે

પોતાની પ્રગતિ માટે કટિબદ્ધ સ્ત્રીથી વધારે શક્તિશાળી બીજું કશું આ દુનિયામાં નથી, એવું જાણકારો કહે છે. બિઝનેસનાં અજાણ્યા શિખરો નિડર બનીને સર કરતી આજની મહિલા ઉદ્યમીઓના મિજાજને ઉપરોક્ત કથન સટિક રીતે વ્યક્ત કરે છે.
શિક્ષણ, ટ્રાવેલ, ફેશન, ફિટનેસ, ઈન્વેસ્ટમેન્ટ, ઈ-કૉમર્સ અને બીજાં તમામ ક્ષેત્રમાં ટીનેજર કન્યાઓ તથા યુવતીઓ અનેક સામાજિક, વ્યાવસાયિક મર્યાદાને લાંઘીને પોતાની સફળતાની ગાથા લખી રહી છે.
કેટલીક યુવતીઓ એવી છે, જેમણે પુરુષોનો જ ઈજારો ગણાતા ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને અસાધારણ સફળતા મેળવી છે. આવી જ એક યુવતી છે રાજકોટનાં રૂખસાના.
મોટાભાગે જીન્સ-ટીશર્ટમાં સજ્જ રહેતાં રૂખસાના રાજકોટમાં "ધ ચાયવાલી" નામથી ચાની લારી ચલાવે છે. રૂકસાના જિંજર, ફૂદીના, ઈલાયચી તથા તંદૂરી જેવા વિવિધ સ્વાદવાળી ચા બનાવે છે અને તેનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો છે.
ચાની લારી ચલાવવાના બિઝનેસમાં અત્યાર સુધી પુરુષોનો ઈજારો રહ્યો છે ત્યારે એક સ્ત્રી તરીકે ચાની લારી ચલાવવાનો રૂખસાનાનો અનુભવ કેવો રહ્યો?
રૂખસાના કહે છે, "મારી લારીની આજુબાજુની ઈમારતોમાં બધે ઓફિસો આવેલી છે. એ ઓફિસોમાંથી ગમે ત્યારે ફોન આવે તો હું જ ચા પહોંચડાવા જાઉં છું. ઓફિસમાં મિટિંગ હોય કે બીજો કોઈ કાર્યક્રમ હોય, હું ચા પહોંચાડીને પરત આવી જઉં છું. લોકો બહુ સારા છે. લોકોએ મારો સ્વીકાર કર્યો છે, લોકો મને ઍપ્રિશિયેટ પણ કરે છે."
લોકોના અભિગમની વાત કરતાં રૂખસાના ઉમેરે છે, "કેટલા બધા લોકો એવા છે કે જેઓ તેમનાં બાળકોની મુલાકાત મારી સાથે કરાવે છે. તેઓ તેમનાં બાળકોને કહે છે કે જુઓ, આ ધંધો નાનો નથી. આ પણ કરી શકાય છે. બધું કરી શકાય"

રુખસાનાને ચા બનાવવાનો શોખ છે. તેમણે ચાની એક ફ્રેન્ચાઈઝીમાં કામ પણ કર્યું છે. તેઓ બે વર્ષથી પોતાનો બિઝનેસ કરી રહ્યાં છે પણ રૂખસાનાને આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો ક્યાંથી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રૂખસાના કહે છે, "મને જાતજાતની ચા બનાવવાનો શોખ છે. હું અલગ-અલગ લોકોને મળવા ઈચ્છતી હતી, એમના વિચારો જાણવા ઈચ્છતી હતી, જે હું બધે ફરી-ફરીને ન કરી શકી હોત. ચાની લારી એક એવી જગ્યા છે, જ્યાં બધા પ્રકારના લોકો આવે છે. મારા અત્યાર સુધીના બધા ગ્રાહકો બહુ સારા છે. એમની પાસેથી મને કંઈક શિખવા મળ્યું છે."
રૂખસાના ચાનું વેચાણ કરીને રોજ 1,000 રૂપિયા કમાઈ લે છે. તેમની તંદુરી ચા ખુબ જ પ્રખ્યાત છે. તેમણે તેમના પરિવારને જણાવ્યા વગર જ આ બિઝનેસ શરૂ કર્યો હતો. એવું કેમ કર્યું?
સ્પષ્ટ વિચાર ધરાવતાં રૂખસાના કહે છે, "હું કોઈ બિઝનેસ કરું તેમાં પરિવારની 'ના' હતી એટલે મેં પરિવારમાં કોઈને પૂછ્યા વિના આ બિઝનેસ શરૂ કરી દીધો હતો. મને ખબર હતી કે પરિવારના લોકોની પ્રતિક્રિયા શું હશે. તેથી મેં તેમને પૂછ્યું જ નહીં."

રૂખસાનાને ચા બનાવવા ઉપરાંત વાંચવાનો શોખ પણ છે. તેઓ તેમના ટી સ્ટોલ પર કેટલાંક પુસ્તકો રાખે છે. ઘરાકીમાંથી સમય મળે ત્યારે રૂખસાના એ પુસ્તકો વાંચે છે. વાંચતાં-વિચારતાં રૂખસાનાએ કોઈ સપનું સાકાર કરવાનું બાકી છે?
રૂખસાના કહે છે, "હા. મારે મારું પોતાનું ઑલ વીમેન કૅફે શરૂ કરવું છે. તેમાં સ્ટાફ તરીકે હું બધી છોકરીઓને જ નોકરી આપીશ"
આપબળે શરૂ કરેલો બિઝનેસ નાનો છે, પણ તેમાંથી બે વર્ષમાં રૂખસાના શું શિખ્યાં?
રૂખસાના કહે છે, "કોઈ પણ ધંધો નાનો નથી હોતો. તમને બિઝનેસ કરવાનો શોખ હોવો જોઈએ. ધંધામાંથી તમે પૂરતું કમાઈ શકતા હો તો શું નાનું-મોટું હોય? શું કરવું છે તેની સમજ હોવી જોઈએ, સપનું હોવું જોઈએ, શોખ હોવો જોઈએ."


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












