બળાત્કાર પીડિતાને જન્મેલા બાળકનું DNA આરોપી સાથે મૅચ થયું નહીં, પોલીસ સાચા પિતા સુધી કેવી રીતે પહોંચી?

બળાત્કાર, મહિલા પર અત્યાચાર, DNA ટેસ્ટ, બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, જાતીય હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એહતેશામ અહમદ શામી
    • પદ, પત્રકાર

(ચેતવણીઃ આ અહેવાલમાંની કેટલીક વિગત તમને વિચલિત કરી શકે છે)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં સમાચાર આવ્યા હતા કે બળાત્કારનો ભોગ બનેલી એક છોકરીએ, તેના પરના બળાત્કારના આરોપીને કોર્ટે જામીન આપ્યા પછી, આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

છોકરીએ જે વ્યક્તિ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો એ પોલીસ કૉન્સ્ટેબલ હતો. આ મામલો પ્રકાશમાં આવ્યો પછી તે પોલીસ કૉન્સ્ટેબલને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસુર જિલ્લાના એક ગામની 17 વર્ષની છોકરી બળાત્કાર બાદ ગર્ભવતી થઈ હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. થોડા દિવસમાં બાળક મૃત્યુ પામ્યું હતું.

જોકે, આ કેસમાં ચોંકાવનારી હકીકત પાછળથી બહાર આવી હતી.

પંજાબ ફૉરેન્સિક સાયન્સ એજન્સીએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકનું ડીએનએ આરોપી પોલીસ કૉન્સ્ટેબલના ડીએનએ સાથે મૅચ થતું નથી. એ રિપોર્ટના આધારે કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા.

કોર્ટના નિર્ણયના વિરોધમાં પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લાહોરની જિન્ના હૉસ્પિટલમાં ઘણા દિવસ સુધી સારવાર બાદ એ છોકરીનું મૃત્યુ થયું હતું.

આરોપીને જામીન આપવામાં આવ્યા હોવા છતાં આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ન હતી. પાંચ શંકાસ્પદોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી પીડિતાના બાળકનું ડીએનએ પીડિતાના કાકાના ડીએનએ સાથે મૅચ કરવામાં આવ્યું હતું.

બાદમાં પોલીસે પીડિતાના કાકાની પણ ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.

આ જટિલ કેસના સમજવા માટે આપણે ત્રણ વર્ષ પાછળ જવું પડશે. પીડિતાના પિતાએ તેમની દીકરી પર બળાત્કાર સંબંધે એફઆઈઆર નોંધાવી હતી. કેસ કોર્ટમાં ગયો હતો.

એફઆઈઆરમાં શું કહેવામાં આવ્યું હતું?

બળાત્કાર, મહિલા પર અત્યાચાર, DNA ટેસ્ટ, બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, જાતીય હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કસૂરના ગંડા સિંહવાલા પોલીસ સ્ટેશનમાં 2022ની સાતમી મેએ પીડિતાના પિતાએ પોલીસ કૉન્સ્ટેબલ મુહમ્મદ રફીક અને તેની બે મહિલા સંબંધીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, પીડિતા કોઈ કામ માટે એક મહિલાના ઘરે ગઈ હતી. મહિલાએ તે છોકરીને રૂમમાં બેસવા કહ્યું હતું અને પીવા માટે જ્યુસ આપ્યો હતો. જ્યુસ પીધા પછી છોકરી બેભાન થઈ ગઈ હતી. રફીકે છોકરી પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એ દરમિયાન પેલી મહિલા ઘરની બહાર ચોકી કરી રહી હતી.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, "છોકરી ભાનમાં આવી ત્યારે તેણે ચીસો પાડવાના પ્રયાસ કર્યા એટલે આરોપી મુહમ્મદ રફીકે તેની સામે બંદૂક તાકીને ધમકી આપી હતી કે તું આ બાબતે કોઈને વાત કરીશ તો હું તારાં માતાપિતાને મારી નાખીશ. છોકરી એ ધમકીથી ડરી ગઈ હતી અને તેણે આ ઘટના બાબતે કોઈને વાત કરી ન હતી."

કૉન્સ્ટેબલ રફીકની બહેન ઘટનાના ત્રણ મહિના બાદ છોકરીને ઘરે ગઈ હોવાનું એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે. રફીકની બહેને પીડિતાનાં માતાપિતાને ગર્ભપાતની ગોળીઓ આપીને કહ્યું હતું કે "તમારી દીકરીનો ગર્ભપાત કરાવી નાખો. નહીં તો એ કારણ આખા ગામમાં બદનામી થશે."

એ પછી પીડિતાનાં માતાપિતાને બળાત્કારની ઘટનાની જાણ થઈ હતી. તેમણે મહિલા ડૉક્ટર પાસે દીકરીની તબીબી તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું હતું કે છોકરી ગર્ભવતી છે.

એફઆઈઆરમાં પોલીસ કૉન્સ્ટેબલ મુહમ્મદ રફીક પર પાકિસ્તાન દંડ સંહિતાની કલમ ક્રમાંક 376 હેઠળ બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કલમમાં ગુનેગારને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષના કારાવાસની સજા તથા દંડની જોગવાઈ છે. એફઆઈઆરમાં જે બે અન્ય મહિલાઓનાં નામ છે તેમના પર પાકિસ્તાન દંડ સંહિતાની કલમ ક્રમાંક 109 હેઠળ ઉશ્કેરણીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પીડિતાના સંતાન સાથે શકમંદનું ડીએનએ મૅચ થતું ન હતું ત્યારે કસૂર પોલીસ આ પ્રકરણમાં મુહમ્મદ રફીકની માત્ર ધરપકડ જ કરી ન હતી, પરંતુ તેને નોકરીમાંથી બરતરફ પણ કર્યો હતો.

કેસની તપાસ દરમિયાન કૉન્સ્ટેબલ રફીક દોષિત હોવાનું અધિકારીની ધ્યાનમાં આવ્યું હતું અને તેમણે કોર્ટમાં રફીક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

પોલીસ તપાસ અને ચાર્જશીટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આરોપી રફીકે બળાત્કાર કર્યો છે અને તેને સજા થવી જોઈએ. 2025ની પાંચમી ડિસેમ્બરે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં ઍડિશનલ સેશન્સ જજે આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

લાહોરની પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, કારણ કે પીડિતાના બાળકનું ડીએનએ આરોપીના ડીએનએ સાથે મૅચ ન થતું હોવાનો રિપોર્ટ ફોરેન્સિક સાયન્સ એજન્સીએ આપ્યો હતો.

પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સીના રિપોર્ટ મુજબ, પીડિતાએ જે બાળકને જન્મ આપ્યો છે તે બાળક એફઆઈઆરમાં જેનું નામ આપવામાં આવ્યું છે તે આરોપી મુહમ્મદ રફીકનું નથી. તેથી સવાલ થયો હતો કે જો આ બાળક રફીકનું નથી તો કોનું છે?

પાંચમી ડિસેમ્બરની સુનાવણી વખતે પીડિતા કોર્ટમાં હાજર હતી. કોર્ટના ચુકાદાથી એ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. સુનાવણી પછી પીડિતા તેના પિતા સાથે ગામ પાછી આવી રહી હતી. એ વખતે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની ત્યાર બાદ પંજાબનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝે આ કેસમાં ઉચ્ચ સ્તરીય ફરી તપાસના આદેશ આપ્યા છે. પોલીસ તેના જ કર્મચારીને બચાવવાના પ્રયાસ કરી રહી છે, તેવી છાપ ન પડે એટલા માટે એક ફૅક્ટ ફાઇન્ડિંગ સમિતિની રચના પણ કરવામાં આવી છે.

પંજાબનાં મુખ્ય મંત્રીના આદેશ અનુસાર પંજાબ વીમેન પ્રોટેક્શન ઑથૉરિટીનાં અધ્યક્ષા હિના પરવેઝ બટ્ટે કસૂરની મુલાકાત લીધી હતી અને ઘટના બાબતે પૂછપરછ કરી હતી.

બાદમાં તેમણે લાહોરની જિન્ના હૉસ્પિટલની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં સારવાર લઈ રહેલી પીડિતાની પૂછપરછ કરી હતી તેમજ સમગ્ર પ્રકરણની માહિતી મેળવી હતી.

કાકાના ડીએનએ ટેસ્ટમાંથી બહાર આવ્યું સત્ય

બળાત્કાર, મહિલા પર અત્યાચાર, DNA ટેસ્ટ, બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, જાતીય હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિપોર્ટ અનુસાર, બાળકનું ડીએનએ આરોપી પોલીસ કૉન્સ્ટેબલના ડીએનએ સાથે મૅચ થતું નથી. રિપોર્ટના આધારે કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા

પોલીસ તપાસ ટીમ સામે સૌથી મોટો સવાલ એ હતો કે પીડિતાએ જે બાળકને જન્મ આપ્યો છે તેનો પિતા આરોપી કૉન્સ્ટેબલ નથી તો પીડિતા તેના પર આરોપ કેમ લગાવી રહી છે? બળાત્કારનો આરોપી બીજો કોઈ હશે?

પીડિતાના સંતાનનું ડીએનએ આરોપી કૉન્સ્ટેબલના ડીએનએ સાથે મૅચ ન થતું હોવાનું માલૂમ પડ્યું ત્યાર બાદ જિલ્લા સરકારી વકીલે જિલ્લા પોલીસને એક પત્ર લખ્યો હતો. કેસના મુખ્ય આરોપીને ઓળખી શકાય તથા તેને સજા કરી શકાય એટલા માટે તપાસનો વ્યાપ વધારવા અને તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાની વિનંતી તેમણે પત્રમાં કરી હતી.

કસૂર જિલ્લા પોલીસ અધિકારી મુહમ્મદ ઈસા ખાને બીબીસીને જણાવ્યું હતું કે પંજાબનાં મુખ્ય મંત્રી મરિયમ નવાઝના આદેશ અનુસાર આરોપી કૉન્સ્ટેબલના ડીએનએનું ફરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અગાઉના ટેસ્ટમાં કોઈ ગડબડ થઈ હોય તો તેના નિવારણ માટે ફરી ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

પીડિતાના બળાત્કારના અન્ય શકમંદ લોકોના ડીએનએ ટેસ્ટ્સ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

મુહમ્મદ ઈસા ખાનના મતાનુસાર, જે લોકો પીડિતાના સંપર્કમાં હતા એ પૈકીના કોઈએ જ આવું કૃત્ય કર્યું હોવું જોઈએ. એવા લોકોમાં પીડિતાના પરિવારના લોકો, નજીકના સંબંધીઓ અને પાડોશની કોઈ વ્યક્તિનો સમાવેશ થતો હતો.

મુહમ્મદ ઈસા ખાને કહ્યું હતું, "પોલીસે તેના ગુપ્તચર તંત્ર મારફત આ કેસમાં આગળ વધી હતી. પાંચ શકમંદોની યાદી તૈયાર કરી હતી. એ પાંચમાં પીડિતાના કાકાનો પણ સમાવેશ કરવાનું કારણ એ હતું કે તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા છે."

લેબોરેટરી રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું હતું કે પીડિતાના કાકાનું ડીએનએ પીડિતાના સંતાનના ડીએનએ સાથે મૅચ થાય છે. એ પછી પોલીસે તત્કાળ આરોપીની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

પીડિતાએ પોલીસ કૉન્સ્ટેબલનું નામ શા માટે આરોપી તરીકે આપ્યું, એવા સવાલના જવાબમાં મુહમ્મદ ઈસા ખાને જણાવ્યું હતું કે પીડિતાને પોલીસ કૉન્સ્ટેબલ સાથે પ્રેમસંબંધ હતો.

કાકા કરતા હતા બ્લૅકમેઇલ

"કૉન્સ્ટેબલ રફીક પાસે વારસામાં મળેલી ચારથી પાંચ એકર જમીન હતી. એ ઉપરાંત તે સરકારી નોકરી કરતો હતો. તેથી તેણે લગ્નનું વચન આપીને છોકરીને ફસાવી હતી."

"છોકરીના કાકાને ક્યાંકથી ખબર પડી હતી કે તેમની સગીર ભત્રીજીને પોલીસ કૉન્સ્ટેબલ રફીક સાથે અફેર છે. તેના આધારે કાકાએ ભત્રીજીને બ્લૅકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેના પર બળાત્કાર કર્યો હતો. પરિણામે છોકરી ગર્ભવતી થઈ હતી."

ડીએનએ ટેસ્ટ રિપોર્ટ મળ્યા પછી પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે કૉન્સ્ટેબલ રફીક સાથેના અફેરને કારણે તે ગર્ભવતી થઈ હતી અને હવે "એ લગ્નની આનાકાની કરી રહ્યો છે."

કસૂરના સરકારી વકીલે કહ્યું હતું, "પીડિતાના સંતાન સાથે રફીકને કોઈ સંબંધ ન હોવાનું ડીએનએ ટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યા બાદ આરોપીની કાયદાકીય સ્થિતિમાં કંઈક અંશે સુધારો થયો છે. પોલીસે તેના રિપોર્ટમાં સગીર છોકરી સાથે અનૈતિક સંબંધ બાંધવા બદલ કૉન્સ્ટેબલ રફીકને દોષિત ઠેરવ્યો છે."

તેમણે ઉમેર્યું હતું કે "આરોપી રફીક સામે કોઈ સ્વતંત્ર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. પુરાવા રજૂ કરવાની, તેની ચકાસણીની, જુબાની આપવાની અને કોર્ટમાં તેની ઊલટતપાસની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચાર્જશીટને આધારે કોર્ટ તેને સજા ફટકારી શકે છે."

પીડિતાના પિતાનો પોલીગ્રાફ ટેસ્ટ

બળાત્કાર, મહિલા પર અત્યાચાર, DNA ટેસ્ટ, બીબીસી ગુજરાતી, પાકિસ્તાન, જાતીય હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કસૂર જિલ્લાના એક ગામની 17 વર્ષની છોકરી બળાત્કાર બાદ ગર્ભવતી થઈ હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો (પ્રતીકાત્મક તસવીર)

પોલીસને શંકા હતી કે પીડિતાના પિતા ખોટું બોલી રહ્યા છે. તેથી પોલીસે પીડિતાના પિતાનો પોલીગ્રાફ ટેસ્ટ એટલે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવ્યો હતો.

જોકે, એ ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. એટલે પોલીસ જે વિચારી રહી હતી તેવું કશું તેમાંથી મળ્યું ન હતું.

એ ઉપરાંત પીડિતા દ્વારા આત્મહત્યાના પ્રયાસનો વીડિયો પણ પોલીસને મળી આવ્યો હતો.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યું હતું કે મારો સગો ભાઈ આવું કંઈક કરશે તેની હું કલ્પના પણ કરી શકતો નથી.

તેમણે કહ્યું હતું, "મારા નાના ભાઈને ચાર બાળકો છે. તેનાં બાળકો મને બડે અબ્બુ કહે છે. અમે બન્ને ભાઈઓ એક જ ઘરમાં રહીએ છીએ. ડીએનએ ટેસ્ટના રિપોર્ટમાં બહાર આવેલી માહિતી પછી હવે હું મારાં સંતાનોને મળી શકીશ. નાના ભાઈનાં સંતાનોને નહીં."

તેમણે ઉમેર્યું હતું, "પિતા પછી બાળકોને સૌથી વધુ વિશ્વસનીય સંબંધ કાકા સાથે હોય છે. મારો નાનો ભાઈ લોહીના સંબંધને આ રીતે કલંકિત કરશે અને મારી પુત્રી પર બળાત્કાર જ નહીં, પરંતુ તેને બ્લેકમેઇલ પણ કરશે, તેની મને કલ્પના સુદ્ધાં ન હતી. મારી પુત્રીનું જીવન બરબાદ કર્યું છે એ માણસને હું ક્યારેય માફ નહીં કરી શકું."

"મારા નાના ભાઈએ રફીક વિરુદ્ધની કેવી વાતો મારા મનમાં ઠસાવી હતી, એ બધું મને હવે યાદ આવે છે. મારા મનમાં મુહમ્મદ રફીક સિવાય બીજા કોઈનો વિચાર જ ન આવે એવી રીતે મારો નાનો ભાઈ કાયમ વાત કરતો હતો."

તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોલીસ કૉન્સ્ટેબલ મુહમ્મદ રફીકને પણ ક્યારેય માફ નહીં કરે, જેણે તેમની સગીર દીકરીને લગ્નનું વચન આપીને જાળમાં ફસાવી અને તેના સ્ત્રીગૌરવ સાથે ખેલ ખેલ્યો.

"આ બધાની શરૂઆત આરોપી રફીકને કારણે થઈ હતી. હું તેની સામે દરેક કાનૂની લડાઈ લડીશ," એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું, "મારી દીકરીની દુનિયા બરબાદ થઈ ગઈ છે, પરંતુ હું તમામ માતાપિતાને કહેવા માંગુ છું કે તેમનાં સંતાનોનું રક્ષણ તેમણે જ કરવું જોઈએ. આજના યુગમાં લોહીના સંબંધ પર ભરોસો ન કરવો જોઈએ."

મહત્ત્વની સૂચના

માનસિક બીમારીઓનું નિરાકરણ દવા તથા થેરપી દ્વારા કરી શકાય છે. એ માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ.

તમારામાં કે તમારા કોઈ પરિચિતમાં આવી માનસિક બીમારીનાં લક્ષણો દેખાતાં હોય તો મદદ મેળવવા માટે તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબરનો સંપર્ક સાધી શકો છો.

  • હિતગુજ હેલ્પલાઇન, મુંબઈ. ફોન નંબરઃ 022- 24131212
  • સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયઃ 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ અલાઇડ સાયન્સિસઃ 9868396824, 9868396841, 011-22574820
  • નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ ન્યુરોસાયન્સઃ 080-26995000
  • વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હેલ્થ ઍન્ડ અલાઇડ સાયન્સિસ 24X7 હેલ્પલાઇનઃ -011 2980 2980

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન