ઉન્નાવ બળાત્કાર પીડિતાએ કહ્યું, 'તેઓ મને ફૂલન દેવી બનવા માટે મજબૂર કરી રહ્યા છે'

ઉન્નાવ રેપ સર્વાઇવર, આઠ વર્ષનો સંઘર્ષ, દિલ્હી હાઇકોર્ટ દ્વારા દોષિત કુલદીપ સેંગર જામીન મોકૂફ, સીબીઆઈ દ્વારા સેંગરની સજા મોકૂફી સામે સુપ્રીમમાં અપીલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Antariksh Jain/BBC

ઇમેજ કૅપ્શન, ગત આઠ વર્ષ દરમિયાન ઉન્નાવ રેપ સર્વાઇવરે અનેક મુશ્કેલીઓ વેઠી છે
    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

'મેડમ, એ છૂટી જશે...?'

'શું છૂટી જશે...?'

24 વર્ષીય ઉન્નાવ બળાત્કાર સર્વાઇવર પોતાની બાજુમાં જ બેઠેલાં મહિલા અધિકાર કર્મશીલ યોગિતા ભયાનાને પૂછે છે. જવાબ મળે છે - 'ના, અત્યારે તમે ઇન્ટરવ્યૂ પર ફૉકસ કરો. વધારે ન વિચારો.'

સર્વાઇવર અમારી તરફ વળે છે અને ફરી વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની આંખોમાં ભય અને ગભરાટના ભાવ સ્પષ્ટ દેખાય છે.

સર્વાઇવર સાથે વાતચીત કરવા માટે અમે તેમના જ વકીલ મહમૂદ પ્રાચાની ઓફિસમાં બેઠાં હતાં. ઓફિસમાં પ્રવેશતાં જ એક મોટો હૉલ આવે અને એ હોલની વચ્ચોવચ્ચ એક લાંબું-પહોળું ટેબલ છે, જેની ચારેય તરફ વકીલોની ટીમ બેઠેલી છે.

દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ હવે શું રણનીતિ અપનાવવી જોઈએ, તેના વિશે તેમની વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ હૉલની બરાબર સામેના રૂમમાં સર્વાઇવર, તેમનાં માતા, અન્ય મીડિયાકર્મીઓ તથા યોગિતા ભયાનાની ટીમ બેઠી હતી. અમે ત્યાં બેસીને જ સર્વાઇવર સાથે વાતચીત શરૂ કરી.

અમે પૂછ્યું, "સીબીઆઈ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરશે, શું તમને તેના વિશે જાણવા મળ્યું?"

જવાબમાં સર્વાઇવરે કહ્યું, "જ્યારે દલીલો ચાલી રહી હતી, ત્યારે સીબીઆઈ શું કરી રહી હતી? હવે તો દરેક દીકરીની હિંમત તૂટી ગઈ છે. બળાત્કાર થશે તો કાં તો મારી નાખવામાં આવશે અથવા તો દોષિતને સજા થશે અને તે પાંચ વર્ષ પછી બહાર આવી જશે. આ ઑર્ડર જોઈને દરેક દીકરીની હિંમત તૂટી ગઈ છે."

ગત આઠ વર્ષમાં ઉન્નાવની આ બળાત્કાર સર્વાઇવરે જિંદગીની અનેક મુશ્કેલીઓ વેઠી છે. બળાત્કાર, ગૅન્ગરેપ, પોલીસ કસ્ટડીમાં પિતાનું મૃત્યુ, માર્ગ અકસ્માતમાં બે સંબંધીઓ અને વકીલનું મૃત્યુ અને પછી હૉસ્પિટલમાં છ મહિના સુધી જિંદગી બચાવવા માટેનો જંગ. આ આઠ વર્ષ દરમિયાન આરોપીઓની ધરપકડ થઈ, કેસ ચાલ્યા, ચુકાદા આવ્યા અને સજા પણ સંભળાવવામાં આવી. જોકે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે બળાત્કાર સર્વાઇવરની નારાજગી સ્પષ્ટપણે વર્તાય છે.

હિંદીમાં દલીલો થઈ હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત

ઉન્નાવ રેપ સર્વાઇવર, આઠ વર્ષનો સંઘર્ષ, દિલ્હી હાઇકોર્ટ દ્વારા દોષિત કુલદીપ સેંગર જામીન મોકૂફ, સીબીઆઈ દ્વારા સેંગરની સજા મોકૂફી સામે સુપ્રીમમાં અપીલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સગીરા સાથે દુષ્કર્મના કેસમાં કુલદીપસિંહ સેંગરને જનમટીપની સજા પડી છે

ઉન્નાવ બળાત્કાર સર્વાઇવર કહે છે, "જો આ દલીલો હિન્દીમાં કરવાની હોત, તો મેં મારો કેસ જાતે લડ્યો હોત. મારું અંગ્રેજી થોડું નબળું છે, પણ અમુક બાબતો સમજાય છે. જેમ કે જ્યારે તેમણે 'અલાઉ' કહ્યું ને... ત્યારે હું સમજી ગઈ. તેમણે કહ્યું કે વિક્ટિમનાં માતા અને વિક્ટિમના પાંચ કિલોમીટરના વિસ્તારમાં કુલદીપસિંહ સેંગર નહીં જાય, પણ પાંચ કિલોમીટર શું મેડમ... પાંચ હજાર કિલોમીટર પણ તેના માટે કંઈ નથી."

"જો એણે મારવા જ હશે ને, તો તે જાતે નહીં કરે... તે પોતાના માણસો પાસે કાંડ કરાવશે, કારણ કે હું દેશમાં મારી આંખે જોઉં છું કે બળાત્કાર થાય છે અને મારી નંખાય છે. એ તો નસીબજોગે હું બચી ગઈ. છ મહિના વૅન્ટિલેટર પર હતી. મેં મોત સામે લડાઈ લડી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ મારું નિવેદન નોંધવા માટે હૉસ્પિટલમાં આવતા હતા. તેઓ પણ જોતા હતા કે મેં કેવો સંઘર્ષ કર્યો છે. અવાજ નહોતો નીકળતો, બેભાન થઈ જતી, છતાં ફરી નિવેદન આપતી હતી."

વર્ષ 2017માં પીડિતાએ ભાજપના નેતા અને તત્કાલીન ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો, ત્યારે તેમની ઉંમર માત્ર 17 વર્ષની હતી.

વર્ષ 2019માં દિલ્હીની નીચલી અદાલતે ચુકાદો સંભળાવ્યો, ત્યારે કુલદીપસિંહ સેંગરને પોક્સો (POCSO) હેઠળ 'ઍગ્રેવેટેડ પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ અસોલ્ટ' એટલે કે ગંભીર જાતીય હિંસા સંબંધિત જોગવાઈ હેઠળ જનમટીપની સજા સંભળાવી હતી.

જ્યારે કોઈ 'પબ્લિક સર્વન્ટ' એટલે કે લોકસેવક બળાત્કારનો ગુનો આચરે, ત્યારે (તત્કાલીન) આઈપીસીની ધારા 376 (2) (બી) અને પોક્સોની કલમ 5(સી)ની જોગવાઈ હેઠળ સજા આપવામાં આવે છે.

આ કલમો હેઠળ જ કુલદીપ સેંગરને સજા આપવામાં આવી હતી. જોકે, સેંગરના વકીલોનું કહેવું હતું કે ટ્રાયલ કોર્ટે સેંગરને લોકસેવક માનીને ભૂલ કરી છે, કારણ કે આઈપીસીની જોગવાઈઓ હેઠળ ધારાસભ્યને લોકસેવક ન માની શકાય.

દિલ્હી હાઈકોર્ટે સેંગરના વકીલોના તર્ક સાથે સહમતી વ્યક્ત કરી અને કહ્યું કે તેની પર લોકસેવકની પરિભાષા લાગુ નથી પડતી. અદાલતે આ માટે સુપ્રીમ કોર્ટના વર્ષ 1984ના ચુકાદાનો આધાર લીધો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અપરાધિક કાયદાની પરિભાષા હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકસેવક નથી.

આઠ વર્ષમાં પરિવારે ત્રણ સભ્ય ગુમાવ્યા

ઉન્નાવ રેપ સર્વાઇવર, આઠ વર્ષનો સંઘર્ષ, દિલ્હી હાઇકોર્ટ દ્વારા દોષિત કુલદીપ સેંગર જામીન મોકૂફ, સીબીઆઈ દ્વારા સેંગરની સજા મોકૂફી સામે સુપ્રીમમાં અપીલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉન્નાવ વિક્ટિમને ન્યાય મળે, તે માટે પ્રદર્શન કરનારાઓની ફાઇલ તસવીર

સર્વાઇવરનું કહેવું છે કે જ્યાં સુધી સેંગરના જામીન રદ ન થઈ જાય ત્યાં સુધી તેઓ સંઘર્ષ ચાલુ રાખશે.

સર્વાઇવરે કહ્યું, "પોતાનો પરિવાર ગુમાવીને સંઘર્ષ કરી રહી છું. પિતાને ગુમાવ્યા, કાકીને ગુમાવ્યાં, મારાં માસીને ગુમાવ્યાં. સાથે જ ગામના વકીલ અને મારા વકીલને ગુમાવ્યા. હું પણ જતી રહી હોત, પરંતુ ભગવાને મને બચાવી લીધી."

તેઓ કહે છે કે પોતાની સુરક્ષા માટે વર્ષ 2017માં જ ઉન્નાવ છોડવું પડ્યું હતું. "એટલો ભય હતો... બળાત્કાર કર્યો અને ધમકી આપી કે જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ. કુલદીપસિંહ સેંગરે મારા પિતાને માર્યા પછી મારા આખા પરિવારને ઉઠાવી લેવાનું પ્લાનિંગ કરી લીધું હતું. એક બાજુ લઈ જઈને ખતમ કરી દેવાનું નક્કી કર્યું હતું, પરંતુ મારા પરિવારને માહિતી મળી ગઈ અને અમે ત્યાંથી નીકળી ગયાં."

સર્વાઇવરનું કહેવું છે કે કોર્ટના આદેશ પછી ઉન્નાવમાં રહેતા તેમના બાકીના પરિવારજનો ભયભીત છે. તેમને ડર છે કે હવે સેંગર બહાર આવી જશે.

ઉન્નાવ રેપ સર્વાઇવર, આઠ વર્ષનો સંઘર્ષ, દિલ્હી હાઇકોર્ટ દ્વારા દોષિત કુલદીપ સેંગર જામીન મોકૂફ, સીબીઆઈ દ્વારા સેંગરની સજા મોકૂફી સામે સુપ્રીમમાં અપીલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દેશભરમાં કુલદીપ સેંગર વિરુદ્ધ દેખાવ થયા હતા (ફાઇલ તસવીર)

કુલદીપસિંહ સેંગર છોકરીના પિતાની બિનઇરાદાપૂર્વકની હત્યા માટે પણ દોષિત ઠર્યો હતો, તે આ કેસમાં 10 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.

સર્વાઇવરનું કહેવું છે કે આટલા મોટા કેસમાં સેંગરને જામીન મળી ગયા હોય, તો આ કેસ તો તેની સામે કંઈ નથી.

કુલદીપસિંહ સેંગરે એ કેસમાં પણ સજામોકૂફીની અરજી દાખલ કરી હતી, પરંતુ વર્ષ 2024માં દિલ્હી હાઈકોર્ટે તેને એમ કહીને નકારી દીધી હતી કે સર્વાઇવરની સુરક્ષા પણ મહત્ત્વપૂર્ણ બાબત છે.

જોકે, ડિસેમ્બર-2021માં દિલ્હીની એક કોર્ટે સર્વાઇવર, તેમના સંબંધી તથા વકીલને મારવાનું કાવતરું ઘડવાના કેસમાં સેંગરને આરોપમુક્ત કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે એની વિરુદ્ધ કોઈ પ્રથમદર્શીય પુરાવા નથી.

વર્ષ 2019માં સર્વાઇવર તેમનાં કાકી, માસી અને વકીલની સાથે રાયબરેલી જઈ રહ્યાં હતાં, ત્યારે નંબર પ્લેટ વિનાના ટ્રકે કારને ટક્કર મારી હતી. આ ઘટનામાં સર્વાઇવરનાં બંને સંબંધી અને વકીલનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સર્વાઇવરે છ મહિના સુધી વૅન્ટિલેટર પર રહેવું પડ્યું હતું.

'લડાઈ ચાલુ રાખીશ'

વીડિયો કૅપ્શન, આ વિસ્તારમાંથી ગુમ થઈ રહી છે મહિલાઓ, વર્ષોથી રાહ જુએ છે પરિવારો – ગ્રાઉન્ડ રિપોર્ટ

ઉન્નાવ બળાત્કાર સર્વાઇવરે કહ્યું, "કુલદીપસિંહ સેંગર અને તેનો પરિવાર મને ફૂલનદેવી બનવા માટે મજબૂર કરી રહ્યો છે. હું તો કહું છું કે તમામ ગુનેગારોની જામીન અરજીને રદ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવે."

સર્વાઇવર આજે સંતાનોનાં માતા છે. અમારી સાથે વાતચીત દરમિયાન તેમના પતિનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે આ કૉલ લેવો પડશે, કારણ કે તેમને નથી ખબર કે પરિવાર સાથે ક્યારે શું ઘટી જાય. અમે તેમને પૂછ્યું કે શું આ લડાઈમાં તેમને પોતાના પતિનો સહકાર મળી રહ્યો છે?

જવાબમાં તેમણે કહ્યું, "પતિની નોકરી છૂટી ગઈ છે. તેમને કાઢી મૂકવામાં આવ્યા છે. તેઓ ઘરે બાળકોનું ધ્યાન રાખે છે. મારાં સંતાનોએ ક્યારેય મારું દૂધ નથી પીધું. મેં તેમને આદત જ નહોતી પાડી, કારણ કે હું સંઘર્ષ કરવામાં જ રહી ગઈ. અત્યારે તેઓ ઘરે છે, પરંતુ આટલી સુરક્ષા છતાં ભય છે... વિચારો, બહાર નીકળશે તો શું થશે? ક્યાં જઈશું? હું તો ક્યારેય એ વિચારી નથી શકતી, પરંતુ હિંમત નહીં હારું... અમે લડાઈ લડીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન