અમદાવાદમાં 'ગુનાખોરી' રોકવા લાખો રિક્ષા પર સ્ટિકર લગાવવાનો પ્રોજેક્ટ શું છે, રિક્ષાચાલકો કેમ પરેશાન થયા?

અમદાવાદ રિક્ષાચાલક એકતા એસોશિયેશનના ઉપપ્રમુખ કિશનભાઈ કોરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની રિક્ષાને સ્ટીકર લગાવડાવતા

ઇમેજ સ્રોત, KISHAN KORI

ઇમેજ કૅપ્શન, અમદાવાદ રિક્ષાચાલક એકતા ઍસોશિયેશનના ઉપપ્રમુખ કિશનભાઈ કોરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં તેમની રિક્ષાને સ્ટિકર લગાવડાવતા
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતના કોઈ પણ શહેરની જેમ અમદાવાદમાં પણ રિક્ષા વગર જનજીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. અમદાવાદમાં આ રિક્ષાઓ ચલાવનારાઓ આજકાલ પોલીસના એક આદેશથી પરેશાન છે. શેહરનાં પોલીસ સ્ટેશનોની બહાર રિક્ષાઓની લાંબી લાઇનો લાગી રહી છે.

અમદાવાદ શહેરમાં રિક્ષાઓ પર આજકાલ એક ખાસ સ્ટિકર લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ અનુસાર આ સ્ટિકર યાત્રીઓની સુરક્ષા માટે લગાવવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ પોલીસ અનુસાર હવે જો યાત્રીઓ સાથે રિક્ષાચાલક દ્વારા કોઈ કથિત ગુનો આચરવામાં આવે તેવી પરિસ્થિતિમાં જો આ સ્ટિકર નબંર અથવા તો સ્ટિકર પર લખેલા પોલીસ સ્ટેશનનું નામ યાદ હશે તો પોલીસ આ રિક્ષાચાલકને ગણતરીની મિનિટોમાં પકડી શકશે.

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે દરેક રિક્ષાચાલકે તેમના રહેઠાણના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવીને સ્ટિકર લગાવવું ફરજિયાત છે.

અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંર્તગત આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટિકર માટે રિક્ષઆચાલકોએ પૈસા આપવાના નથી.

જોકે હાલ દરેક પોલીસ સ્ટેશનની બહાર રિક્ષાઓની લાંબી લાઇનો જોવા મળે છે. રિક્ષાચાલકોને આક્ષેપ છે કે બે ત્રણ દિવસ સુધી તેમને આખો આખો દિવસ બેસી રહે છે ત્યારે સ્ટિકર લાગે છે. તેમની રોજગારી બગડી રહી છે.

પોલીસનું કહેવું છે કે શરૂઆત છે એટલે થોડી સમસ્યાઓ રહેશે એકવાર સ્ટિકર લાગ્યા બાદ ફાયદો થશે.

રિક્ષાચાલકોના ઍસોસિયેશને શું કહ્યું?

સોલા પોલીસ સ્ટેશન બહાર સ્ટીકર લગાવવા માટે રિક્ષાઓની લાઈન

ઇમેજ સ્રોત, KISHAN KORI

ઇમેજ કૅપ્શન, સોલા પોલીસ સ્ટેશન બહાર સ્ટિકર લગાવવા માટે રિક્ષાઓની લાઇન

અમદાવાદ રિક્ષાચાલક એકતા ઍસોસિયેશનના ઉપપ્રમુખ કિશનભાઈ કોરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "કાલુપુર રેલ્વે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ પર આવતા અજાણ્યા મુસાફરોને કેટલાક રિક્ષાચાલકો દ્વારા લૂંટવામાં આવે છે. જે ખોટી વાત છે. પરંતુ પાંચથી 10 ટકા આવા અસામાજિક લોકોને કારણે 90 થી 95 ટકા રિક્ષાચાલકો જે સારા છે તેમને પણ હેરાન થવું પડે છે."

કિશનભાઈ કોરીનું કહેવું છે કે, "આ સ્ટિકર લગાવવામાં ખૂબ જ મોટી લાઇનો લાગે છે. જેને કારણે રિક્ષાચાલકોએ પોતાનો ધંધો રોજાગાર બગાડીને પોતાની રિક્ષા લઈને બે-બે દિવસ સુધી સ્ટિકર લગાવવાની લાઇનમાં ઊભા રહેવું પડે છે."

"પોલીસ સ્ટિકર લગાવે તેમાં રિક્ષાચાલકો સહયોગ કરી જ રહ્યા છે. અમારી તો એટલી જ માંગ છે કે પોલીસ દ્વારા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેનાથી રિક્ષાચાલકોને ઓછા સમયમાં સ્ટિકર લાગી જાય. તેમના રોજગારનું નુકસાન ન થાય. આ અંગે અમે અમદાવાદ પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી છે."

રિક્ષાચાલકોએ શું કહ્યું?

સોલા પોલીસ સ્ટેશન રિક્ષાઓની લાઇન

ઇમેજ સ્રોત, KISHAN KORI

ઇમેજ કૅપ્શન, સોલા પોલીસ સ્ટેશન રિક્ષાઓની લાઇન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસે જણાવ્યા અનુસાર રજિસ્ટ્રેશન માટે રિક્ષાચાલકે રિક્ષાની આરસી બુક , આધારકાર્ડ, લાયસન્સ અને મોબાઇલ નંબર લખાવવાનો હોય છે. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાંથી સ્ટિકર લગાવી આપવામાં આવે છે. આ સ્ટિકર પર પોલીસ સ્ટેશનનું નામ રજિસ્ટ્રેશન નંબર અને 112 પોલીસ હેલ્પલાઇન નંબર લખવામાં આવે છે.

પોલીસ સ્ટેશનમાં રિક્ષાની લાંબી લાઇનો જોવા મળી રહી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે તેમનું કામ બગાડીને તેઓ લાઇનમાં સવારથી સાંજ સુધી ઊભા રહે છે.

સાબરમતી વિસ્તારના રિક્ષાચાલક લક્ષ્મણભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "રિક્ષા પર સ્ટિકર લગાવવા માટે લોકોને બે બે દિવસ લાઇનમાં ઊભા રહેવું પડે છે. ક્યારેક તો સ્ટિકર પણ પૂરાં થઈ જાય છે, સવારથી તમે લાઇનમાં ઊભા હોય અને તમારો નંબર આવવાનો હોય અને સ્ટિકર પૂરાં થઈ જાય તો કોઈ ટોકન આપવામાં આવતાં નથી. બીજા દિવસે સવારે આવીને ફરીથી લાઇનમાં ઊભા રહેવું પડે છે. પોલીસ દ્વારા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે રિક્ષાચાલકોએ લાઇનમાં ઓછું ઊભા રહેવું પડે."

હાલ પોલીસ સ્ટેશનોની રિક્ષાઓની ભીડ હોય છે તે અંગે વાત કરતાં અમદાવાદ ઝોન-3નાં ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે "દરેક પોલીસ સ્ટેશન પાસે એવી માહિતી નથી કે તેમના વિસ્તારમાં કેટલી રિક્ષાઓ છે એટલે કેટલીક વાર છપાયેલાં સ્ટિકર પૂરાં થઈ જવાનો અને બધા જ રિક્ષાચાલકો સાથે આવવાને કારણે ભીડ જોવા મળે છે. આ શરૂઆત છે કેટલાક પ્રશ્નો આવશે પરંતુ એકવાર સ્ટિકર લાગી ગયા પછી ખૂબ જ સરળતા થઈ જશે."

નારણપુરા વિસ્તારના રિક્ષાચાલક ભરત કલાલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "પોલીસ રજિસ્ટ્રેશન કરીને સ્ટિકર લગાવે છે તે ખૂબ જ સારી વાત છે. જે લોકો પ્રામાણિકતાથી કામ કરે છે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક રિક્ષાચાલકો મુસાફરોને લૂંટે છે જેને કારણે ક્યારેક મુસાફરો રિક્ષાચાલકો પર ભરોસો કરતા ડરે છે. આ સ્ટિકરને કારણે મુસાફરોનો વિશ્વાસ વધશે."

ભરત કલાલ જણાવે છે કે, "સ્ટિકર લગાવવાના શરૂ થયા ત્યારે શરૂઆતમાં જ મેં રજિસ્ટ્રેશન કરાવીને સ્ટિકર લગાવી દીધાં હતાં. ત્યારે અમે માત્ર ત્રણ જ રિક્ષાચાલકો હતા. જો કે હવે ધીમે ધીમે લોકોને ખબર પડે છે તેમ લોકો જઈ રહ્યા છે. જેને કારણે એક સાથે વધારે લોકો જવાને કારણે ભીડ થઈ રહી છે."

કૃષ્ણનગર વિસ્તારના રિક્ષાચાલક યોગેશ સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "હું ત્રણ દિવસ પહેલાં સાંજે ચાર વાગ્યે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયો હતો. હાજર પોલીસે મને કહ્યું કે કાલે સવારે 8 વાગે આવીને લાઇનમાં ઊભા રહેજો. બીજા દિવસે સવારે હું પોલીસ સ્ટેશન પહોંચ્યો તો જોયું કે 70 કરતાં વધારે રિક્ષાઓ લાઇનમાં ઊભી હતી. કેટલાક લોકો તો સવારે 6 વાગ્યાના આવીને ઊભા હતા."

"ત્યાં હાજર રિક્ષાચાલકો સાથે વાત કરી તો ખબર પડી કે તેઓ આગળના દિવસથી સવારના ઊભા હતા ત્યારે તેમને સાંજે ચાર વાગે ટોકન મળ્યું હતું. જે ટોકન લઈને તેઓ આજે સ્ટિકર લગાવવા માટે આવ્યા હતા."

યોગેશ સરવૈયા કહે છે કે, "મારો પુત્ર બીમાર છે અને મારે રોજ સવારે તેને ફીઝિયોથેરપી માટે લઈને જવો પડે છે. અમે રોજ કમાઈને રોજ ખાવાવાળા લોકો છીએ. જો અમે બે દિવસ લાઇનમાં ઊભા રહીએ તો અમારે ઘર કેમનું ચલાવવું. અમારી અરજ છે કે સરળતા કરવામાં આવે."

યોગેશ સરવૈયાએ વધુમાં જણાવ્યું કે "આ સ્ટિકર લગાવ્યા બાદ વરસાદમાંં પલળશે તો ફાટી જશે અથવા તો કોઈ ફાડી પણ નાખી શકે છે."

રિક્ષાચાલકોનું કહેવું છે કે સ્ટિકર ચોમાસામાં નીકળી જશે તો શું?

તે અંગે વાત કરતાં રૂપલ સોલંકીએ જણાવ્યું કે, "એવું બની શકે છે કે ચોમાસામાં વરસાદને કારણે સ્ટિકર પલળીને ફાટી જશે પરંતુ એકવાર સ્ટિકર લાગી ગયા બાદ તેમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે તે ખબર પડશે અને તેનું સામાધાન લાવવામાં આવશે. એવું પણ બની શકે કે કોઈ નકલી સ્ટિકર લગાવે આ દરેક પ્રકારની સમસ્યાઓ આવશે તેમ તેનો ઉકેલ પણ આવશે."

રિક્ષા પર સ્ટિકર લગાવવાના પ્રોજેક્ટ લાવવાનું પોલીસે શું કારણ આપ્યું?

અમદાવાદ શહેરના ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કાલુપુર, ગીતા મંદિર વિસ્તારમાં અજાણ્યા મુસાફરોને રિક્ષાચાલકો દ્વારા લૂંટી લેવામાં આવતા હોવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા હતા. કિસ્સાઓ એટલા વધારે નથી પરંતુ આ કિસ્સાઓ સામાન્ય લોકોને સ્પર્શતા હોય છે."

"કેટલીક વાર અમે જોયું કે રિક્ષા દૂર જતી રહે પછી તેનો નંબર દેખાતો નથી. અથવા નંબર પ્લેટ ન હોય ખોટી હોય જેવા પ્રશ્નો આવતા હતા. તેમજ દરેક રિક્ષાચાલકોની માહિતી પણ પોલીસ પાસે ન હતી. જેથી અમે આ કન્સેપ્ટ લાવ્યા હતા."

સ્ટિકર રિક્ષાની આગળ અને પાછળ લગાવવામાં આવે છે. રિક્ષાચાલકનું રજિસ્ટ્રેશન કરીને તેની વ્યક્તિગત માહિતી મેળવવામાં આવે છે.

રૂપલ સોલંકી જણાવે છે કે, "આરટીઓ વિભાગમાં રિક્ષા ખરીદનારની માહિતી હોય છે. પરંતુ અમે રિક્ષા ચલાવનારનો ડેટા ભેગો કરી રહ્યા છીએ. અમદાવાદમાં લગભગ બે લાખ જેટલી રિક્ષાઓ છે પરંતુ કયા વિસ્તારમાં કેટલી રિક્ષા છે તે માહિતી પોલીસ પાસે નથી."

"આ પ્રોજેક્ટથી પોલીસ પાસે દરેક રિક્ષાચાલકની વ્યક્તિગત માહિતી પણ હશે. જેથી રિક્ષાચાલકોમાં પણ ગુનો કરતાં પહેલાં થોડો ડર ઊભો થશે."

કેટલાક રિક્ષાચાલકોનો આક્ષેપ હતો કે કેટલીક જગ્યા પર સ્ટિકર લગાવવાના પૈસા માંગે છે આ અંગે વાત કરતાં રૂપલ સોલંકીએ જણાવ્યું કે, "રિક્ષા પર જે સ્ટિકર લગાવવામાં આવી રહ્યાં છે કે સુરક્ષા સેતુની ગ્રાન્ટમાંથી પૈસા ચૂકવાઈ રહ્યા છે. કોઈ પણ રિક્ષાચાલકે પૈસા આપવાના નથી. જો કોઈ જગ્યા પર પૈસા માંગવામાં આવી રહ્યા હોય તો પોલીસને જાણ કરવી. આ પ્રોજેક્ટથી મહિલાઓ અને સિનિયર સિટિઝન રિક્ષામાં બેસતા પહેલાં સુરક્ષા અનુભવશે."

રૂપલ સોલંકી જણાવે છે કે, "ઘણીવાર ગુનો બન્યા બાદ સીસીટીવી તપાસીએ તેમાં રિક્ષાના નંબર પર લાઇટ પડે તો નંબર દેખાતો નથી. પરંતુ સ્ટિકર એવી જગ્યા પર લગાવવામાં આવે છે કે તે જગ્યા પર લાઇટ પણ પડશે તો પણ તેનો નંબર દેખાશે. જેથી ગુનો ઉકેલવામાં પણ સરળતા રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન