'સંચાર સાથી' ઍપ શું છે, જેને સરકાર દરેક ફોનમાં ઇન્સ્ટૉલ કરાવવા માગે છે, તેની સામે કેમ ઉઠી રહ્યા છે સવાલો?

ઇમેજ સ્રોત, @DOT
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન (ડીઓટી)એ સોમવારે સ્માર્ટફોન ઉત્પાદકોને સૂચના આપી છે કે તેઓ માર્ચ 2026થી વેચવામાં આવનારા નવા મોબાઇલ ફોનમાં 'સંચાર સાથી' ઍપ પ્રી-ઇન્સ્ટૉલ કરીને રાખે.
ડીઓટીએ કહ્યું છે કે સ્માર્ટફોન ઉત્પાદકો એક બાબત સુનિશ્ચિત કરે કે ઍપને ડીઍક્ટિવ ન કરી શકાય અને તેના પર કોઈ પણ પ્રકારનાં બંધનો લાગુ ન થાય.
સૂચનામાં કહેવાયું છે કે સંચાર સાથી ઍપનો ઉપયોગ "મોબાઇલ ડિવાઇસિસમાં ઉપયોગમાં લેવાતી આઇએમઇઆઇની પ્રામાણિકતાની ચકાસણી કરવા" માટે કરાશે.
એ સ્પષ્ટ નથી કે આ ઍપ જે ડિવાઇસમાં પહેલાંથી જ ઇન્સ્ટૉલ કરેલી છે તેના આઇએમઇઆઇ નંબરને આપમેળે ઍક્સેસ કરશે કે પછી યુઝર્સે પોતે આ હાર્ડવેર ઓળખ નંબર દાખલ કરવો પડશે.
મુખ્ય વિપક્ષી દળ કૉંગ્રેસે મોદી સરકારનાં આ પગલાંની ટીકા કરી છે. પાર્ટીએ આને ગેરબંધારણીય ગણાવીને આ સૂચનાઓને તાત્કાલિક પાછી ખેંચવાની માગ કરી છે.
એક નિવેદનમાં ડીઓટીએ કહ્યું કે આ પગલું "નાગરિકોને નકલી હૅન્ડસેટ ખરીદવાથી બચાવવા અને ટેલિકમ્યુનિકેશન સંસાધનોના દુરુપયોગને સમજવામાં મદદ મેળવવા માટે ભરાયું છે".
'સંચાર સાથી' ઍપને પહેલી વાર 2023માં એક પોર્ટલ તરીકે શરૂ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ સ્કૅમ કૉલની ફરિયાદ નોંધાવવા, યુઝર્સને તેમના નામથી રજિસ્ટર્ડ સિમ કાર્ડની માહિતી માટે અને ફોન ચોરાઈ જાય તો તેને બ્લૉક/બંધ કરવા માટે કરાતો રહ્યો છે.
આ ઍપ ભારતની ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી (ટીઆરએઇ)ની ડીએનડી ઍપ જેવી છે. તેનો ઉપયોગ વ્યાવસાયિક સ્પૅમને રોકવા માટે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીઓટીએ સૂચનામાં 'સંચાર સાથી' ઍપ વિશે શું કહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- બધા જ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી ઍપ પ્રી-ઇન્સ્ટૉલ હશે.
- જે ડિવાઇસ પહેલાંથી જ માર્કેટમાં છે, તેમાં આ ઍપ ઓએસ સૉફ્ટવેર અપડેટ દ્વારા ઇન્સ્ટૉલ થશે.
- ઍપનો ઉપયોગ ચોરાયેલા ફોનને બ્લૉક કરવા, આઇએમઇઆઇ સાચો છે કે નહીં તે સુનિશ્ચિત કરવા અને સ્પૅમ કૉલની ફરિયાદ કરવા માટે કરાશે.
- સરકારનું કહેવું છે કે ગુમ થયેલા હજારો મોબાઇલ ફોન આ ઍપના કારણે શોધી શકાયા છે.
- ઍપલ સરકારનાં આ પગલાંનો વિરોધ કરી શકે છે, કેમ કે, ભૂતકાળમાં ટીઆરએઆઇએ આવી જ એક પહેલ કરી હતી અને ઍપલે તેનો વિરોધ કર્યો હતો.
- આની પહેલાં ડીઓટીએ કહેલું કે સાઇબર ક્રાઇમને બંધ કરવા માટે સિમ બાઇંડિંગ જરૂરી છે. સિમ બાઇંડિંગ હેઠળ મૅસેજિંગ ઍપ્સને કહેવાયું છે કે તે એ બાબત સુનિશ્ચિત કરશે કે તેમની સર્વિસ માત્ર રજિસ્ટર્ડ સિમવાળી ડિવાઇસમાં જ કામ કરે.
- ડીઓટીનાં આ સૂચનોને 90 દિવસમાં લાગુ કરવાં પડશે અને 120 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.
'સંચાર સાથી' ઍપ સામે કેમ ઉઠી રહ્યા છે સવાલો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે ટેલિકૉમ વિભાગના આ દિશાનિર્દેશોના મુદ્દે મોદી સરકારને ઘેરી છે.
કૉંગ્રેસે આ પગલાંને ગેરબંધારણીય ગણાવીને આ દિશાનિર્દેશોને તાત્કાલિક પાછા ખેંચી લેવાની માગ કરી છે.
કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ગોપનીયતા (પ્રાઇવસી)નો અધિકાર બંધારણમાં અપાયેલો મૂળભૂત અધિકાર છે અને આ દિશાનિર્દેશ તેની અવહેલના કરે છે.
તેમણે કહ્યું કે ગોપનીયતાનો અધિકાર ભારતીય બંધારણના ફકરા 21 હેઠળ જીવન અને સ્વતંત્રતાના મૌલિક અધિકારનું એક અભિન્ન અંગ છે.
વેણુગોપાલે સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "મોબાઇલમાં પહેલાંથી ઇન્સ્ટૉલ સરકારી ઍપ, જેને હટાવી ન શકાય, હકીકતમાં દરેક ભારતીય નાગરિકની દેખરેખનું ટૂલ છે. તે દરેક નાગરિકની પ્રવૃત્તિઓ અને નિર્ણયો પર નજર રાખશે."
પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતા તહસીન પૂનાવાલાએ 'સંચાર સાથી' ઍપ બાબતે લખ્યું છે, "જાગો ભારત! સરકારની 'સંચાર સાથી' ઍપ ફરજિયાત કરવી આપણી ગોપનીયતા અને સ્વતંત્રતા પર સીધો હુમલો છે."
"દરેક નવા ફોનમાં તેને જબરજસ્તી ઇન્સ્ટૉલ કરીને આપણને તેને અનઇન્સ્ટૉલ ન કરવા દેવાના નામે 'સુરક્ષા'ની આડમાં સરકાર આપણા કૉલ, મૅસેજ અને લોકેશન પર નજર રાખવાની શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ સૌથી ખરાબ પ્રકારની દેખરેખ છે અને સરકાર આપણને ગુનેગારોની જેમ ટ્રૅક કરી શકશે. આપણે આની સામે લડવું પડશે."
રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ 'સંચાર સાથી'ની અનિવાર્યતાનો વિરોધ કરતાં લખ્યું છે, "મોબાઇલ ફોન ઉત્પાદકો માટે 'સંચાર સાથી' મોબાઇલ ઍપને એક સ્થાયી મોબાઇલ ફીચર તરીકે અનિવાર્ય કરવાનો ભારત સરકારનો નિર્ણય એક વધુ 'બિગ બૉસ' જેવી દેખરેખનું ઉદાહરણ છે."
"આ પ્રકારની સંદિગ્ધ રીતોથી લોકોના વ્યક્તિગત ફોનમાં દખલ કરવાની કોશિશનો વિરોધ કરાશે. જો આઇટી મંત્રાલય એમ વિચારે છે કે મજબૂત ફરિયાદ-નિવારણ સિસ્ટમ બનાવવાના બદલે તે દેખરેખ સિસ્ટમ બનાવશે, તો તેને જનતાના તીવ્ર પ્રતિકાર માટે તૈયાર રહેવું જોઈએ."
સિમ બાઇંડિંગનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
ડીઓટીએ કહ્યું છે, "ટેલિકૉમ નેટવર્કમાં ચેડાં કરાયેલી આઇએમઇઆઇથી એવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં એક જ આઇએમઇઆઇ જુદી જુદી જગ્યાએ જુદી જુદી ડિવાઇસોમાં એકસાથે કામ કરતી હોય છે. એવી આઇએમઇઆઇ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પડાકારો આવે છે."
ડીઓટીએ કહ્યું છે, "ભારતમાં સેકન્ડ-હૅન્ડ મોબાઇલ ડિવાઇસોનું મોટું બજાર છે. કેટલાક કિસ્સામાં જોવા મળ્યું છે કે ચોરી કરાયેલી કે બ્લૅકલિસ્ટ કરાયેલાં ડિવાઇસોને ફરીથી વેચવામાં આવે છે. તેનાથી ખરીદનાર ગુનાનો સહયોગી બની જાય છે અને તેને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. બ્લૉક/બ્લૅકલિસ્ટ કરાયેલી આઇએમઇઆઇને 'સંચાર સાથી' ઍપના માધ્યમથી ચકાસી શકાય છે."
સિમ બાઇંડિંગ બાબતે ડીઓટીએ કહેલું, "ઇન્સ્ટન્ટ મૅસેજિંગ અને કૉલિંગ ઍપ્સ પર એકાઉન્ટ એવી સ્થિતિમાં પણ કામ કરતું રહે છે, જ્યારે તેની સાથે સંકળાયેલું સિમ હટાવી દેવાય છે, નિષ્ક્રિય કરી દેવાય છે કે વિદેશમાં લઈ જવાય છે. તેનાથી ભારતીય નંબરોનો ઉપયોગ કરીને, નકલી સરકારી અધિકારી બનીને અજ્ઞાત કૉલ દ્વારા કૌભાંડ, 'ડિજિટલ અરેસ્ટ', છેતરપિંડી સંભવ થઈ શકે છે."
કેટલીક સ્માર્ટફોન કંપનીઓએ અગાઉ પણ દુનિયાભરમાં સરકારોના ઍપ્સના પ્રી-ઇન્સ્ટૉલ કરવાની સૂચનાનો વિરોધ કર્યો છે. ઉદાહરણ તરીકે, ઍપલે ટીઆરએઆઇના સ્પૅમ-રિપોર્ટિંગ ઍપને ઇન્સ્ટૉલ કરવાના નિયમોનો વિરોધ કર્યો હતો. ટીઆરએઆઇ ઍપની પરમિશનમાં એસએમએસ અને કૉલ લૉગ સુધીનું ઍક્સેસ સામેલ હતું.
'સંચાર સાથી' ઍપ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
'સંચાર સાથી' ઍપ સાઇબર સિક્યૉરિટી ટૂલ છે. આ ઍપ 17 જાન્યુઆરી 2025માં મોબાઇલ ઍપ તરીકે પ્રસ્તુત કરવામાં આવી. આ ઍપ ઍન્ડ્રોયડ અને આઇઓએસ બંને પ્લૅટફૉર્મ્સ પર ઉપલબ્ધ છે.
સરકારે જણાવેલું કે ઑગસ્ટ 2025 સુધીમાં 50 લાખ કરતાં વધુ વાર આ ઍપ ડાઉનલોડ કરવામાં આવી છે.
દાવો કરાયો છે કે 37 લાખ કરતાં વધુ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઇલ હૅન્ડસેટને સફળતાપૂર્વક બ્લૉક કરાયા છે.
સાથે જ, 'સંચાર સાથી' ઍપ દ્વારા 22 લાખ 76 હજાર કરતાં વધુ ડિવાઇસને પણ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવી છે.
તે સીધી સરકારની ટેલિકૉમ સિક્યૉરિટી સિસ્ટમ સાથે જોડાયેલી છે. હકીકતમાં, સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર એટલે કે સીઇઆઇઆર કેન્દ્રીય ડેટાબેઝ છે, જેમાં દરેક મોબાઇલ ફોનનો આઇએમઇઆઇ નંબર નોંધાયેલો રહે છે.
સરકારનો દાવો છે કે 'સંચાર સાથી' ઍપ ફોનની સુરક્ષા, ઓળખની સુરક્ષા અને ડિજિટલ ફ્રૉડથી બચાવવાનું એક સરળ અને ઉપયોગી સાધન છે.
સરકારનો દાવો છે કે તે ફોનને સુરક્ષિત રાખે છે, ગ્રાહકની ઓળખનો દુરુપયોગ અટકાવે છે અને જરૂરિયાત ઊભી થતાં તરત સરકારી સહાય ઉપલબ્ધ કરાવે છે.
તે ફોનના આઇએમઇઆઇ નંબર, મોબાઇલ નંબર અને નેટવર્ક સાથે સંકળાયેલી માહિતીની મદદથી ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
જ્યારે ગ્રાહક આ ઍપને પોતાના ફોનમાં ખોલે છે, ત્યારે સૌથી પહેલાં તે મોબાઇલ નંબર માગે છે. નંબર લખ્યા પછી ફોન પર એક ઓટીપી આવે છે, જેને લખવાથી આ ઍપ ફોન સાથે જોડાઈ જાય છે. ત્યાર પછી ઍપ ફોનના આઇએમઇઆઇ નંબરને ઓળખી લે છે.
ઍપ આઇએમઇઆઇને ટેલિકૉમ વિભાગની કેન્દ્રીય સીઇઆઇઆર સિસ્ટમ સાથે મેળવે છે અને એ તપાસે છે કે એ ફોન માટે ચોરીની ફરિયાદ તો નથી ને કે પછી તે બ્લૅકલિસ્ટેડ તો નથી ને?
આ ઍપ હિંદી અને અન્ય 21 ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેથી સ્પષ્ટ છે કે આખા દેશના લગભગ બધા મોબાઇલ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે.
ટેલિકૉમ્યુનિકેશન મંત્રીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારત સરકારના ટેલિકૉમ્યુનિકેશન વિભાગના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે.
તેમનું કહેવું છે કે આ ઍપ જો તમે તમારા મોબાઇલમાં નહીં રાખવા માંગો તો તેને હઠાવી શકો છો કે ડિલીટ કરી શકો છો.
ઍપને લઈને ઉઠેલા વિવાદ પર પત્રકારોને તેમણે કહ્યું, "જો તમે આ ઍપનો ઉપયોગ ન ઇચ્છો, તો તેને રજિસ્ટર ન કરો અને ડિલીટ કરવું હોય તો ડિલીટ કરો."
તેમણે કહ્યું, "પરંતુ દેશમાં તમામ લોકોને ખબર હોવી જોઈએ કે આ ઍપ ફ્રૉડથી બચવા માટે, ચોરીથી બચવા માટે છે. આ ઍપ દરેક સુધી પહોંચે તે જવાબદારી અમારી છે."
જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી કે જો તમે આ ઍપને રજિસ્ટર નહીં કરો તો તે ઍક્ટિવ નહીં થાય.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












